મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
ખબર નથી પડતી કે શાથી કેટલાક લોકોનાં મગજમાં એવી ખોટી માન્યતા ઘૂસી ગઈ છે કે અમદાવાદ શહેરમાં રસ્તાની બન્ને બાજુઓની જ્ગ્યાએ જે પગથીઓ બનાવવામાં આવી છે તે પગે ચાલતા રાહદારીઓ માટે બનાવવામાં આવી છે. ખરેખર તો તે સુખીસંપન્ન લોકોની કાર પાર્ક કરવા માટે કે દુકાનદારોનો માલ ખડકવા માટે બનાવવામાં આવી છે. કેટલીક વખત ત્યાં ચાની કીટલી કે ભજિયાંની લારી પણ મૂકાતી હોય છે. આ ઉપરાંત શાકભાજી કે અન્ય ચીજોનાં વેચાણ માટેની લારીઓ કે પથારા તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. જો કે આ ચાની કીટલીવાળા, ભજિયા કે શાકભાજી વેચતા લારીવાળા જેવા નાના માણસો પોતાનો ધંધો ઊંચા જીવે કરતા હોય છે, કારણ કે ગમે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણખાતાવાળા તેમના પર ત્રાટકે તેવો ભય તેમને સતત રહ્યા કરતો હોય છે.
આજથી પચાસસાંઈઠ વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં બહુ ઓછા લોકો પાસે કાર હતી. તેથી સત્તાવાળાઓ લોકોને ફૂટપાથ પર ચાલવા દેતા. તેમને થતુ કે આમ પણ ફૂટપાથો ખાલી પડી રહે છે, તો છો ને લોકો તેના પર ચાલતાં. પરંતુ હવે વિકાસ થતા વધારે ને વધારે લોકો પાસે કાર આવવા લાગી. આથી પગે ચાલનારાઓ સમજીને ફૂટપાથો તેમના મૂળમાલિકો એવા ફોરવ્હીલધારકોને સોંપી દેવા લાગ્યા છે. જો જગ્યા વધે તો બાઇક કે સ્કુટર જેવા બે પૈડાના વાહનો પણ ત્યાં મૂકી શકાય છે. પરંતુ કોઇએ પણ ત્યાં ચાલવાનો વિચાર સુધ્ધા ન કરવો જોઇએ. અણહકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો અનૈતિક જ છે.
કેટલાક દોઢ ડાહ્યાઓ યુરોપઅમેરિકાનો દાખલો આપતા કહેતા હોય છે કે ત્યાંની ફૂટપાથોનો ઉપયોગ લોકો ચાલવા માટે જ કરતા હોય છે. વળી ફૂટપાથો પણ ખૂબ ચોખ્ખી હોય છે. પશ્ચિમની સંસ્કૃતિથી અંજાયેલા આ લોકો પહેલેથી જ ભારતીય સંસ્કૃતિના વિરોધી છે.
કારધારકોની વાત કરીએ તો તેઓ નાગરિક તરીકે ખૂબ જાગૃત છે. ક્યારેક ફૂટપાથ પર તેમની કાર મુકવા માટેની જગ્યાએ શાકભાજીવાળા કે અન્ય ધંધો કરનારા આવી જાય છે તો તેઓ તરત જ મ્યુનિ. કોર્પોરેશનમાં ફોન કરીને જાણ કરી દે છે. તંત્ર પણ પોતાની કાર્યક્ષમતા બતાવીને ત્વરિત પગલા ભરે છે. પેલા શાકભાજીવાળાની લારીઓ ઉપાડી જાય છે. પંદરેક દિવસ સુધી આ લોકો પોતાનો ધંધો બંધ રાખીને આરામ કરી શકે છે. પછી ઉછીના પાછીના હજાર પંદરસો જેવા રૂપિયા ભેગા કરીને દંડ ભર્યા બાદ પોતાની લારી પાછી મેળવી લેતા હોય છે. આ રીતે ખોટમાં ચાલતા મ્યુનિ કોર્પોરેશનને આવક પણ થાય છે.
શહેરોમાં બહુમાળી મકાનો વધવા લાગ્યા છે. બિલ્ડર તરફથી દરેક ફ્લેટ દીઠ એક કારનું પાર્કિંગ ફાળવવામાં આવે છે. અહીં રહેવા આવતા લોકો ખૂબ ગરીબ હોવાથી શરૂઆતમાં તેમની પાસે માત્ર એક જ કાર હોય છે. પરંતુ ક્યારેક તેમના સગાસબંધીઓને તેમની ગરીબીની ખબર પડી જાય છે અને તેમના મોમાંથી ઉદગાર નીકળી પડે છે, ”અરેરે આ લોકો કેટલા બધા ગરીબ છે કે તેમની પાસે માત્ર એક જ કાર છે!” આથી આ લોકોએ પોતાની ગરીબીથી શરમાઇને કોઇપણ હિસાબે બીજી કાર લેવી પડે છે. આ માટે તેમણે એક્ઠા કરેલાં કાળાં નાણાંનો અને સરકારી કર્મચારી હોય તો લાંચરૂશ્વત રૂપે લીધેલી રકમનો ભોગ આપવો પડે છે. કાર તો બીજી આવી, પરંતુ સોસાયટીમાં પાર્કિંગની વ્યવસ્થા એક જ કાર માટે હોય છે. આથી નાગરિકહિતોની રખેવાળ એવી સરકાર (મ્યુનિસિપાલિટિ) તેમને માટે કાર પાર્ક થઈ શકે તેવી ખાસ્સી પહોળી ફૂટપાથ બનાવી આપે છે.
પરંતુ બને છે એવું કે શહેરમાં કેટલાક લોકો એવા છે કે જેમને નાગરિક જીવનની કોઈ ગતાગમ જ નથી હોતી. આવા લોકો વાહન લીધા વગર પગપાળા જ નીકળી પડે છે. મને તો હંમેશા એ સવાલ મુંઝવતો હોય છે કે જેમની પાસે કોઈ વાહન ન હોય તે લોકો પોતાના ઘરની બહાર નીકળે જ છે શા માટે? કદાચ એ લોકો ‘ફૂટપાથ’ નામને કારણે ગેરસમજ કરે છે કે એ જ્ગ્યા તેમને પગે ચાલવા માટે બનાવવામાં આવી છે. ભલા ગાંધીરોડ એટલે એવું થોડું છે કે ત્યાં ગાંધી અટકધારીઓ જ ચાલી શકે? એ નામ તો મહાત્મા ગાંધીનાં માનમાં પાડવામાં આવ્યું છે. એ જ રીતે કારનું એક્સિલેટર કે બ્રેક દબાવવા માટે અત્યંત ઉપયોગી એવા પગનું ઋણ સ્વીકરવા માટે ‘ફૂટપાથ’ એવું નામ આપવામાં આવ્યું છે!
ક્યારેક એવું બને છે કે ફૂટપાથ પર પાર્ક કરેલાં વાહનોની આગળ કે પાછળ જ્યાં પણ જગ્યા મળે ત્યાં પગપળા ચાલતા લોકો ઘૂસી જાય છે. એ લોકોને ખ્યાલ નથી આવતો કે કારને સ્ટાર્ટ કરતી વખતે તેને આગળપાછળ કરવામાં કાર ચાલકને કેટલી મુશ્કેલી પડે છે? તો પણ આપણા ઉદાર હૃદયવાળા કારચાલકો રાહદારીને બીજી કોઇ મોટી સજા ન કરતા તેની સામે માત્ર ગુસ્સાભરી નજરે જોઈને છોડી મૂકે છે.

રસ્તા પર પગપાળા નીકળી પડનારાઓમાંથી કેટલાક વેદિયા લોકો એવી ફિશિયારી મારતા હોય છે કે આજે સમગ્ર વિશ્વની માથે જ્યારે વાતાવરણમાં કાર્બનનાં ઉત્સર્જનને કારણે એક મોટી પર્યાવરણીય કટોકટીનું જોખમ ઝળુંબી રહ્યુ છે ત્યારે અમે લેશ માત્ર કાર્બનનું ઉત્સર્જન કરતા નથી. એ રીતે અમે હવાને ઝેરી બનાવતા નથી અને હવાને ચોખ્ખી રાખીએ છીએ. એટલું જ નહિ અમે રોડ પર અમારું ભારણ પણ વધારતા નથી. પરંતુ આમ કહીને તો તેઓ દુનિયા આખીના પર્યાવરણવિદોની જેમ પોતાને પણ વિકાસ વિરોધી સાબિત કરી રહ્યા છે. શું આ લોકોને તેની જાણ નથી કે અવનવી અને મોંઘી કારો વડે દેશના રસ્તાઓ કેવા શોભી રહ્યા છે? વળી કાર અને અન્ય ઓટો વાહનોનાં ઉત્પાદન તથા વેચાણને કારણે કેટલા બધા લોકોને રોજગારી મળે છે એ વાત પણ આ લોકો ભૂલી જાય છે. આવા મિથ્યાભિમાનીઓ, તમે જાણી લો કે કાર્બનનાં ઉત્સર્જનમાં તમારો ફાળો નથી તો દેશનો જીડીપી વધારવામાં પણ તમારો ફાળો શૂન્ય જ છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે જેમની પાસે વાહન ન હોય અથવા તો જેમણે વાહન ચલાવવું ન હોય તેમાનાં ઘણા લોકો ઘરે બેસી રહેવાને બદલે ઘરની બહાર નીકળી પડે છે. તે લોકો એવા હઠીલા હોય છે કે ફૂટપાથ પર જગ્યા ન મળી તો શું થયું? અમે તો રોડ ઉપર ચાલીશું. એમાં સિનિયર સીટીજનોની તો વાત જ છોડો. તે લોકો ઘેર બેસીને હરિભજન કરવાને બદલે સાંજના ટ્રાફિકના સમયે જ બહાર ફરવા નીકળી પડે છે અને ક્યારેક અકસ્માતને નોતરે છે. અકસ્માતને કારણે કોઇક પદયાત્રીએ તેમનાં એકાદનું અસ્થિનુંભંજન થતા તેમણે લાંબો સમય સુધી ઘેર રહેવું પડે છે. બીજી રીતે કહીએ કે પગપાળા નીકળવાની તેમને યોગ્ય સજા મળી જ જાય છે. ક્યારેક તો તેમનો સ્વર્ગવાસ થતા વાહનચાલકોને તેમનાથી કાયમી છૂટકારો મળી જાય છે. આ રાહદારીઓનું તો જે થવાનું હોય એ થાય પરંતુ બિચારા વાહનચાલકોને તો ખૂબ મુશ્કેલીઓનો સમનો કરવો પડે છે. તેમનો સમય તો બગડે છે ઉપરાંત ક્યારેક જડ એવા કાયદાનો પણ સામનો કરવો પડે છે. આમછતાં આ વહનચાલકોને ન્યાય આપવા માટે કહેવું જોઇએ કે તેઓ કાળજી રાખીને વાહનો ચલાવે છે. તેનો પુરાવો એ છે કે રોડ પરના અકસ્માતોથી થતા કુલ મૃત્યુંમાં પદયાત્રીઓનાં મૃત્યુનું પ્રમાણ વીસ ટકાથી[1] વધારે નથી!
વાહનચાલકો સાથે સરકાર એક મોટો ભેદભાવ રાખી રહી છે. તેમની પાસેથી રોડ ટેક્સના નામે પૈસા ઉઘરાવે છે, પરંતુ પગે ચાલીને નીકળી પડતા રાહદારીઓ પાસેથી રાતી પાઈ પણ લેતી નથી. ન્યાયની દૃષ્ટિએ જોતા આ ભેદભાવ દૂર થવો જ જોઈએ. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આ ભેદભાવ દૂર કરવા માટે વાહનચાલકોએ હજુ સુધી આંદોલન કર્યું નથી. પદયાત્રીઓએ વાહનચાલકોની આ કૃપાદૃષ્ટિની કદર કરવી જોઈએ. જેમ રસ્તા પર નીકળતા ઢોર પર પ્રતિંબંધ મૂકવામાં આવ્યો છે તેમ પગે ચાલીને નીકળવા પર સરકાર પ્રતિબંધ ફરમાવે તે પહેલા જ લોકોએ રોડ પર તેમજ ફૂટપાથ નામે ઓળખાતી જ્ગ્યા પર થોડી મોકળાશ હોય તો પણ ત્યાં ચાલવાનું સ્વેચ્છાએ બંધ કરી દેવું જોઇએ. આમ કરવાથી જેના વિના સૂરજ કદાચ તપવું ત્યાગી દે[2] એ સમાજના ઉપલા વર્ગ પ્રત્યેની ફરજ બજાવ્યાનો સંતોષ પણ થશે ઉપરાંત ભલે કબજો બળવાન એમ કહેવાતું હોય પરંતુ એ સત્યની પ્રતીતિ પણ થશે કે કબજો તો બળવાનોનો જ હોય છે.
[1] *આ આંકડો ગૂગલ પરથી મળ્યો
[2] ** આ વાક્ય મેઘાણીનાં કાવ્ય ‘કાલ જાગે’ ની એક પંક્તિ પરથી સુઝ્યું
