બીરેન કોઠારી

અંગ્રેજોના ભારતમાં આગમનની સાથેસાથે બીજી અનેક ચીજોનું આગમન થયું. અઢારમી સદીમાં ‘કંપની સ્કૂલ’ તરીકે ઓળખાતી ચિત્રશૈલી પ્રચલિત બની. યુરોપીય ચિત્રકળાનાં વિવિધ સ્વરૂપોનું ભારતમાં આગમન થયું, જેને ભારતીય ચિત્રકારોએ પણ અપનાવ્યાં. મૂળ ભારતીય એવી લઘુચિત્રશૈલીમાં યુરોપીય કળાનાં તત્ત્વોનું મિશ્રણ કરીને તેમણે અનેક ચિત્રો દોર્યાં. આ ચિત્રોના વિષય તરીકે મુખ્યત્વે ભારતીય જનજીવન, તેનું વૈવિધ્ય, જાતિ-જનજાતિ અને તેના વ્યવસાયો વગેરે રહેતાં. કંપની ચિત્રશૈલીનો ઊંડો પ્રભાવ ભારતીય ચિત્રકારો પર રહ્યો. અનેક ચિત્રો તેમણે ચીતર્યાં.

ભૂપેન ખખ્ખરે કદાચ આ ચિત્રશૈલીથી પ્રેરિત થઈને પોતે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ ચિત્રશ્રેણી ‘Trade paintings’ તરીકે ઓળખાય છે. ૧૯૭૦ના દાયકામાં ભારતીય નગરોમાં જે કેટલાક સામાન્ય વ્યવસાયો હતા એને તેમણે ચીતરવાનું શરૂ કર્યું. આ વ્યવસાયો એવા હતા કે જેમાં કશો ભપકો નહોતો. તેને ‘વ્યવસાય’ કહેતાં પણ અમુક લોકો ખચકાય એવો તેનો પ્રકાર, અને છતાં એ આપણા રોજિંદા જીવનના અંગ જેવા હતા. વડોદરા શહેરના મુખ્ય વિસ્તારોમાં ભૂપેન હરતાફરતા અને સ્કેચ દોરતા. એ પછી તેમણે એક પછી એક ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.

આ શ્રેણીએ કલારસિકોનું ધ્યાન આકર્ષ્યું- ખાસ કરીને વિદેશી કલારસિકોનું, કેમ કે, ભૂપેનના ચિત્રોમાં જે ભારત જોવા મળતું હતું એ તેમણે ક્યાંય જોયું ન હતું. ભારત એટલે ગ્રામ્ય જીવન, યોગ, મદારી, રાજાઓની ભૂમિ- આ ખ્યાલ પ્રચલિત હતો. તેને બદલે ભૂપેનનાં ચિત્રોમાં એક શહેરીપણું જોવા મળતું હતું. આ શહેરીપણું બિલકુલ ભારતીય પણ હતું.

1972માં તેમણે ચીતરેલું ‘જનતા વૉચ રિપેરિંગ’ નામનું આ તૈલચિત્ર એ શ્રેણીમાંનું એક છે. દુકાનનું નામ સુદ્ધાં તેમણે ગુજરાતીમાં લખેલું છે. આંખે બિલોરી કાચ પહેરીને કાંડા ઘડિયાળના નાના નાના પૂરજાની મરમ્મત કરતા ઘડિયાળીના હાથ પણ કદાચ એ કારણથી જ તેના શરીરના પ્રમાણમાં નાના ચીતર્યા છે. બહારની તરફ પૂર્ણ કદનાં બે કાંડા ઘડિયાળ ચીતરાયેલાં છે, અને અંદરની દિવાલ પર સામે દિવાલ ઘડિયાળો છે, તો બૉક્સમાં એલાર્મ ઘડિયાળના ડબલાં છે.


[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)