વિમલાતાઈ
સેકંડ લેફ્ટેનન્ટ નરેન થી આગળ
કરતારપુર તાલુકાનું મથક હતું. ત્યાંથી નરેનનો યુનિટ ઘણો દૂર – હમીરા નામના ગામની નજીક હતું. તેને ત્યાં આવવાજવામાં ઘણી તકલીફ થતી હતી. એક દિવસ તો બટાલિયનમાંથી પાછા આવતાં તેની ગાડીને ભયંકર અકસ્માત નડયો અને તેના જીવ પર આવી પડેલું સંકટ ટળી ગયું. સાંઈબાબાની કૃપાથી તેને બહુ ઈજા « થઈ, પણ અમે અને અનુએ વિચાર કર્યો કે નરેનના યુનિટની નજીક જ રહેવા જઈએ. હમીરામાં તો બેચાર ઝૂંપડાં જ હતાં તેથી અમે નક્કી કર્યું કે બટાલિયનની નજીક તંબુમાં રહેવા જઈશું. સારો દિવસ જોઈ અમે બધાં હમીરા તંબુમાં રહેવા ગયાં.
નરેનને મિલિટરીમાં બે વર્ષ થયાં અને તેને લેફ્ટનન્ટનું પ્રમોશન મળ્યું!
તંબુમાં રહેવાનું અમને સૌને ઘણું ગમ્યું. ખુલ્લી જગ્યા, મોકળી હવા અને નજીક જ ગ્રાન્ડ ટ્રંક રોડ હતો. તેના પર આવતાંજતાં વાહનો અમે ઘણી ગંમતથી જોતાં. તંબુની આજુબાજુ મોટું કમ્પાઉન્ડ હતું, તેમાં અમારા ઓર્ડરલીએ ઘણાં શાકભાજી વાવ્યાં હતાં. આમ અમારા દિવસ ઘણા આનંદથી વ્યતીત થતા હતા.
હમીરા આવીને અમને ચાર મહિના થયા હતા તેવામાં મારા ભાઈ મધુનાં લગ્ન નવેમ્બરની ચાર તારીખે મુંબઈમાં લેવાનું નક્કી થયું. તેણે મને અત્યંત આગ્રહ કરીને લગ્નમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું હતું. તેના પિતા – અમારા યેસુબાબાએ જ અમને ઉછેર્યા હતાં. મારો તો આ એકનો એક ભાઈ હતો –
સગો કહો કે પિતરાઈ – મારો તો એ એકલો ભાઈ હતો. તેનાં લગ્નમાં તો મારે જવું જ જોઈએ.
તે જ વખતે જયુ બી.એ. પાસ થયાના સમાચાર આવ્યા, અને તેને તેનું ડિગ્રીનું સર્ટિફિકેટ લેવાના સમારંભમાં હાજરી આપવા અમદાવાદ જવાનું હતું. તેથી ૧૧મી ઓક્ટોબર ૧૯૬૬ના રોજ જયુ અને હું જલંધરથી રાતની ટ્રેનથી અમદાવાદ જવા નીકળ્યાં. નરેન તો બૉર્ડર પર હતો તેથી મને પાંચ જ મિનિટ માટે મળીને તેને પાછા જવું પડયું. તેણે અમને ખુશીથી જવાની રજા આપી. સ્ટેશન પર મને મૂકવા અનુ, મારી પપી (પૌત્રી કાશ્મીરા) અને નરેનની બટાલિયનના કેટલાક અફસરો આવ્યા હતા. ટ્રેનમાં અમને સારી જગ્યા મળી. મારે અનુને એકલી મૂકીને જવું પડ્યું. શું કરું? જયુનું કૉન્વોકેશન ૨૦મી ઓકટોબરે હતું.
૧૩મી ઓકટોબરના રોજ વહેલી સવારે અમે અમદાવાદ પહોંચ્યાં. સુધા અને તેનો પતિ અરુણ અમને લેવા સ્ટેશન પર ગયાં હતાં, પણ તેમણે અમને જોયાં નહિ. અમે સ્ટેશન પરથી એલિસબ્રિજ મીનાને ઘેર પહોંચી ગયાં. મારો અવાજ સાંભળી મોન્ટી જાગી ગયો. મને જોઈને તે એવો તો વળગી પડયો! ચાર મહિના બાદ તેને તેની બાઈ મળી હતી! એ તો ઘણો ખુશ થઈ ગયો.
મધુનાં લગ્ન મુંબઈમાં હતાં તેથી હું, સુધા અને જયુ ૨૮મી ઓકટોબરે મુંબઈ ગયાં. સુધા તેની માસી-સાસુને ત્યાં ઊતરવાની હતી અને જયુ તથા હું મધુને ઘેર. મધુને ઘેર પહોંચ્યાં ત્યારે ખબર પડી કે તેણે મકાન બદલાવ્યું હતું. અમને લેવા મધુ દાદર સ્ટેશન પર ગયો હતો, જ્યારે અમે બોરીવલી ઊતર્યા તેથી આ ગોટાળો થયો. ખેર, અમે ટેક્સી કરીને મધુનું ઘર શોધી કાઢ્યું. અમે તેનાં લગ્ન માટે ખાસ દૂરથી આવ્યાં હતાં તેથી તેને ઘણો આનંદ થયો. ૪ નવેમ્બરના રોજ મધુનાં લગ્ન થયાં. લગ્નસમારંભ સાદાઈપૂર્વક પણ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો. અમને એમ.એ. થયેલ, ઊંચા પદ પર નોકરી કરનાર સુંદર સ્વભાવની ભાભી મળી. મારી બહેનો, બાઈ (મારાં કાકીને પણ અમે આ નામે બોલાવતાં) તથા અમને અમારી ભાભીએ ખૂબ સારી રીતે સાચવ્યાં.
લગ્ન પછી હું તરત અમદાવાદ પાછી જવાની હતી, પણ મારી સૌથી નાની બહેન (મધુથી નાની) માલિનીનું મોટું ઓપરેશન થવાનું હતું. બાઈએ અને મધુએ મને રોકાઈ જવા કહ્યું તેથી હું મધુને ત્યાં રોકાઈ અને સુધા, અરુણ અને જયુ પાછાં અમદાવાદ ગયાં. દિવાળી બાદ માલિનીનું ઓપરેશન થયું. આ ઘણું મોટું, ગંભીર અને અઘરું ઓપરેશન હતું તેથી અમે બધાં માનસિક રીતે ઘણાં અસ્વસ્થ હતાં. બધાં ઓપરેશનના પરિણામથી ભયગ્રસ્ત હતાં. પ્રભુકૃપાથી ઓપરેશન સફળતાપૂર્વક પતી ગયું અને દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ માલિની ઘેર આવી.
૨૮મી નવેમ્બર ૧૯૬૬ના રોજ હું ઘેર અમદાવાદ આવી ત્યારે મને નરેનના ઓર્ડરલીનો એવો સુંદર પત્ર મળ્યો. હમીરામાં જાણે તેનો નિત્યનિયમ હોય તે પ્રમાણે તેણે મારી ઘણી સેવા કરી હતી.
તેનો પત્ર હું અહીં તેની જ ભાષામાં ઉતારું છું –
૨-૧૦-૧૯૬૬
પૂજ્ય માતાજી કો અબ્દુલ કા સાદર પ્રણામ.
આગે સમાચાર વહ હૈ કિ આપકા ખત સાહબ કો મિલા. સમાચાર માલૂમ હુવા આપ ભગવાન કી દયા સે અચ્છા! તરહ પહુંચ ગયે વહ સુન કર મૃઝે બહુત ખચી હઈ. આપ ઉઘર ભગવાન કી દવા સે રુજીખુશી સે હોંગે એસા આશા કરતા હૂં ઔર આપકો ભગવાન રાજીખુરી સે રખ્ખે એસી પ્રાર્થના કરત! હૂં.
આપ વહાં સે જબસે ગયે હૈ તબસે મુઝે બહુત દુઃખ હો રહા હૈ. વહાં તક કી મુઝે કામ કરને જે મન નહિ લગત, મગર આપ ભી ક્યા કર સકતીં! હૈં ઔર મૈં ભી ક્યા કર સકતા હૂં? મજબૂરી એક એસ! ચીઝ હૈ કિ ઉસકે સામને ઇન્સાન કુછ નહી કર પાતા. આપ વહ જરૂર સોચેગે કિ મુઝે આપકે જાને પ૨ ઇતના દુઃખ ક્યો હુવા. મુઝે ઇસ લિવે દુઃખ હો રહા હે કિ મેરે માં-બાપ મેરે બચપન કેં હીં સ્વર્ગવાસી હો ચૂકે થે. મુઝે માં-બાપકા પ્યાર નહિ મિલા થા, મગર આપ જબસે વહાં પર આવે કે તબસે મૈને સોચા થા કિ ચલો, બાપકા પ્યાર નહિ મિલા તો સહી, માંકા થ્યાર તો મિલ ગવ! મૈં આપકો મેરી માં સમઝતા હૂં. બચ્ચા કો બાપકા પાર નહિ મિલા તો ભી ચલેગા, મગર માંકા પ્યાર બચ્ચા કો બહત જરૂર હૈ. મૂઝે આપસે માંકા પ્યાર મિલા થા, મગર ભગવાનને વહ ભી દૂર કર દિયા. ભગવાન ભી હમ જૈસે લોગો પર બહુત નારાજ રહતા હૈ. ખેર, છોડો ઇસ બાત કો.
અપ ઘર જાતે સમય મૈં આપકો ફુછ કહ નહિ સકા. આપ યહાં થે તબ મૈને કોઈ ક!મ કિયા ઉસમેં કોઈ ગલતી હો ગયી હો તો માફ કર દેના. ઔર મુઝે આપ જરૂર માફ કરેગે એસી આશા રખત! હું.
અચ્છા, અબ જ્યાદા કુછ નહિ લિખતા હૂં. ખત મિલતે હી ખતકા જવાબ જરૂર દેના. કૈ આપ કે ખતકા બહુત બહુત ઇન્તઝાર કર રહા હૂં. આપકે ઘરમેં સભી લોગો કો પ્રણામ ઓર બચ્ચો કો ય્યાર.
યહાં મુનિયા રુજીખુશી સે હે આપ ઉસકા ફિક્ર મત કરના. આપકા પતા મુઝે ભેજ દેના.
આપકા અબ્દુલ.
જવશ્રીબહન કો નમસ્કાર. કહ દેના મેરે સે કોઈ ગલતી હુઈ હો તો માફ કરના.
– અબ્દુલનો આ પ્રેમાળ પત્ર વાંચી મને પણ ઘણો આનંદ થયો. મેં પણ તેને તેની માતા પ્રમાણે સ્નેહપૂર્ણ પત્ર લખ્યો.
મુંબઈથી પાછાં આવતાં પહેલાં હું બાઈજીમાસીને મળવા ગઈ હતી. તેમણે મને તેમની પાસે રહેવા માટે ઘણો આગ્રહ કર્યો, પણ મારું રિઝર્વેશન થઈ ગયું હોવાથી હું તેમની પાસે રોકાઈ શકી નહિ. તેઓ ઘણાં વર્ષોથી તેમની નાની બહેન (મારાં સૌથી નાનાં માસી) પાસે રહે છે. બાઈજીમાસીની દીકરી નાની વયમાં જ ગુજરી ગઈ હતી, અને પાછળ ત્રણ વર્ષની પુત્રીને મૂકી ગઈ હતી. ત્યારથી બાઈજીમાસીએ તેને દીકરીની જેમ સાચવી હતી અને આખી જિંદગી તેની આગળપાછળ વિતાવી હતી. તેમની પાસે જે કાંઈ હતું તે બધું તેમણે આ પૌત્રીને આપ્યું. એટલે સુધી કે છેલ્લે તેમણે અમારા નાનાજીનું વડોદરાનું મકાન વેચ્યું તેમાંથી પણ મોટી રકમ આ પૌત્રીને આપી. દમુ અને હું તેમની સગી ભાણીઓ હતી, પણ અમને એક પાઈ પણ આપી નહિ. અરે, આ છેલ્લી વારનું તેમને મળવા ગઈ ત્યારે પણ તેમણે મને એક ગજ કાપડું આપ્યું નહિ!
મારાં નાનાં માસીએ મને પોલકું બનાવવા માટે કાપડ આપ્યું. નાનાં માસી અને તેમના પતિ બાઈજીમાસીની ઘણી સેવા કરે છે. મને તો એક જ ઇચ્છા છે કે બાઈજીમાસી ઓછામાં ઓછું તેમના માટે તો કંઈ કરતાં જાય ! મને જે રીતે બધાએ દગો આપ્યો અને મારું બધું ગયું, તેવી જ રીતે મારી બાની પણ બધી મિલકત ગઈ હતી.
ખેર, અમદાવાદ પાછી આવી અને મને મીનાને ઘેર ઊતરવું પડયું. મારું ઘર ભાડે આપ્યું હતું તે હજી ખાલી થયું નહોતું તેથી મને ઘણો ત્રાસ ભોગવવો પડયો. જમાઈને ત્યાં પણ કેટલું રહેવું ? અંતે ૭મી માર્ચ ૧૯૬૭ના રોજ અમારા ભાડવાતે એક રૂમ ખાલી કરી આપી. આ પતિ-પત્ની ઘણાં સારાં અને પ્રેમાળ માણસ હતાં. મારી મુરકેલી સમજી તેમણે મને રૂમ આપી તેથી હું અને જયુ ત્યાં રહેવા જઈ શક્યાં.
હવે મારી બન્ને આંખોએ સાવ ઓછું દેખાવા લાગ્યું હતું તેથી હું આંખ તપાસાવી આવી.
+ + + +
ક્રમશઃ
