બીરેન કોઠારી

આપણા દેશની લોકશાહી માટે જેમ ૧૯૭૫નું વર્ષ એ દરમિયાન લદાયેલી કટોકટીને કારણે મહત્ત્વપૂર્ણ બની રહ્યું, એમ ફિલ્મક્ષેત્ર માટે પણ આ વર્ષ અગત્યનું કહી શકાય એવું હતું. આજે, એટલે કે વર્ષ ૨૦૨૫ માં જેની રજૂઆતની સુવર્ણ જયંતિ રંગેચંગે ઊજવાઈ એવી ‘શોલે’ ફિલ્મ આ વર્ષે રજૂઆત પામી. અલબત્ત, તેણે ધીમે ધીમે ગતિ પકડી. તો ‘શોલે’ની લગભગ સમાંતરે, સાવ મર્યાદિત બજેટ ધરાવતી અને કોઈ મોટા કલાકારો ન ધરાવતી ફિલ્મ ‘જય સંતોષી મા’ની રજૂઆત પણ આ જ વર્ષે થઈ, અને તેણેય ઈતિહાસ સર્જ્યો.

૧૯૭૦ના દાયકાનો આ બરાબર મધ્યકાળ.

આગળની પેઢીના અનેક સંગીતકારો હજી કાર્યરત હતા, તો આગલી પેઢીના સહાયક તરીકે કામ કરી ચૂકેલા કાબેલ લોકો સ્વતંત્ર સંગીતકાર તરીકે ઓળખ બનાવી રહ્યા હતા. આમાં રાહુલ દેવ બર્મન, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ, સોનિક-ઓમી વગેરે મહત્ત્વનાં નામ કહી શકાય. વનરાજ ભાટિયાએ પણ આ જ દાયકામાં ફિલ્મસંગીતક્ષેત્રે પ્રવેશ કર્યો.

હજી આગળના વર્ષે, એટલે કે ૧૯૭૪માં વધુ એક સંગીતકારપુત્રે પદાર્પણ કરેલું. એ હતા રોશનના પુત્ર રાજેશ રોશન. તેમની પહેલવહેલી ફિલ્મ ’કુંવારા બાપ’નાં ગીતો લોકપ્રિય બન્યાં હતાં. ૧૯૭૫માં તેમની બીજી ફિલ્મ રજૂઆત પામી, જેના કલાકારો પ્રમાણમાં નવા હતા. પણ તેનાં ગીતો જાણીતાં બની રહ્યાં હતાં. પણ તેનાં પાંચ ગીતો પૈકીનું એક ગીત એવું હતું કે જેણે સૌનું ધ્યાન આકર્ષ્યું. આમ થવાનું કારણ તેની ધૂન નહોતી, પણ શબ્દો અને સ્વર હતાં.

એક તો એ આખેઆખું ગીત અંગ્રેજીમાં હતું. એ સમયે ગીત સાંભળવાનો મુખ્ય સ્રોત રેડિયો હોવાથી તેના શબ્દો પૂરેપૂરા ભાગ્યે જ સમજાતા હતા. પણ ગાયિકાનો અવાજ કમાલનો હતો. એકદમ તાજગી ધરાવતો, કોઈની પણ અસરથી સાવ મુક્ત એ સ્વર હતો પ્રીતિ સાગરનો.

૧૯૭૫માં રજૂઆત પામેલી કેટલીક એવી ફિલ્મોનાં નામ પર નજર ફેરવીએ કે જેનાં ગીતો એકંદરે જાણીતાં બનેલાં: આક્રમણ (સંગીતકાર: લક્ષ્મીકાન્‍ત- પ્યારેલાલ), આંધી (આર.ડી.બર્મન), અમાનુષ (શ્યામલ મિત્રા), અપને રંગ હઝાર (લક્ષ્મીકાન્‍ત- પ્યારેલાલ), છોટી સી બાત (સલીલ ચૌધરી), ચોરી મેરા કામ (કલ્યાણજી-આણંદજી), ચુપકે ચુપકે(એસ.ડી.બર્મન), દીવાર (આર.ડી.બર્મન), ધરમકરમ (આર.ડી.બર્મન), ધર્માત્મા (કલ્યાણજી-આણંદજી), દો જાસૂસ (રવીન્‍દ્ર જૈન), દો જૂઠ (શંકર-જયકિશન), એક મહલ હો સપનોં કા (રવિ), ગીત ગાતા ચલ (રવીન્‍દ્ર જૈન), જાન હાજિર હૈ (જયકુમાર પાર્ટે), જય સંતોષી મા (સી.અર્જુન), કાગઝ કી નાવ (સપન-જગમોહન), કાલા સોના (આર.ડી.બર્મન), ખેલ ખેલ મેં (આર.ડી.બર્મન), ખુશ્બૂ (આર.ડી.બર્મન), મૌસમ (મદનમોહન), મીલી (એસ.ડી.બર્મન), નિશાન્‍ત (વનરાજ ભાટિયા), પોંગા પંડિત (લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ), પ્રતિજ્ઞા (લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ), પ્રેમકહાની (લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલ), રફૂચક્કર (કલ્યાણજી-આણંદજી), રફ્તાર (સોનિક-ઓમી), સલાખેં (રવીન્‍દ્ર જૈન), સંન્યાસી (શંકર-જયકિશન), શોલે (આર.ડી.બર્મન), તપસ્યા (રવીન્‍દ્ર જૈન), ઊલઝન (કલ્યાણજી-આણંદજી), વૉરંટ (આર.ડી.બર્મન), ઝખ્મી (બપ્પી લાહિડી), અને ઝમીર (સપન ચક્રવર્તી).

આ ઊપરાંત પણ અન્ય ફિલ્મો આ વર્ષે રજૂઆત પામેલી, પણ તેમનાં ગીતો ખાસ જાણીતાં બન્યાં નહોતાં. આવી અનેક ફિલ્મોનાં અનેક ગીતોમાં પણ ‘જુલી’ના ગીતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. પ્રીતિ સાગરે ગાયેલું એ ગીત હરીન્‍દ્રનાથ  ચટ્ટોપાધ્યાયે  લખેલું અને રાજેશ રોશને સંગીતબદ્ધ કરેલું. આ  ગીત પછી પ્રીતિ સાગરે પાછું વાળીને જોયું નથી. અનેક ફિલ્મોમાં તેમણે ગીતો ગાયાં અને પોતાના સ્વર થકી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. જો કે, કારકિર્દી પાછળ આંધળી દોટ મૂકવાને બદલે તે પસંદગીપૂર્વક આગળ વધ્યાં અને કેવળ ફિલ્મી ગીતોનાં ગાયિકા બની રહેવાને બદલે અનેક પ્રકારનાં ગીતો ગાયાં. ખાસ કરીને ભજનો અને બાળકો માટેનાં અંગ્રેજી ગીતોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. તેમની ગાયકીની વિશેષતા એ હતી કે ગાયનનો પ્રકાર કે ભાષા કોઈ પણ હોય, તેમનો સ્વર એમાં બરાબર બંધબેસતો. નહીંતર અંગ્રેજી ગાયનથી કારકિર્દીનો ધમાકેદાર આરંભ કરનાર ગાયિકા ભજનગાયિકા તરીકેની ઓળખ શી રીતે બનાવી શકે?

તેમની આવી જ એક વિશેષતા એટલે તેમણે અનેક ભારતીય ભાષામાં ગાયેલાં ગીત.

અહીં કુલ દસ ભારતીય ભાષાઓમાં તેમણે ગાયેલાં ગીત મૂકવામાં આવ્યાં છે. આ ગીત ફિલ્મનાં પણ છે, અને બિનફિલ્મી પણ. એ તમામમાં કશું સામાન્ય હોય તો એ છે પ્રીતિ સાગરના કંઠનો જાદુ.

તેલુગુ ફિલ્મ ‘પ્રેમ કાનૂકા’માં તેમણે ગાયેલું ગીત.

બંગાળી ડિસ્કો ગીત, જે સંભવત: કોઈ આલ્બમનું છે.

તેમણે ગાયેલું એક કોંકણી ગીત, જે પણ કોઈ આલ્બમનું છે.

તેમણે ગાયેલું એક પંજાબી ગીત, જે બિનફિલ્મી છે.

ભોજપુરી આલ્બમનું એક ગીત, જે એસ.એન.ત્રિપાઠીએ સંગીતબદ્ધ કરેલું છે.

 

મરાઠીમાં ભાવગીતનો પ્રકાર બહુ જાણીતો છે. આ લીન્‍ક પ્રીતિ સાગરે ગાયેલાં ભાવગીતોનાં આલ્બમની છે.

પ્રીતિ સાગરે ગાયેલું આ એક ગુજરાતી ગીત. તેમાં ‘ણ’ અને ‘ળ’ના ઉચ્ચારની સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે એવી છે.

ઉડિયા ફિલ્મનું આ ગીત અક્ષય મોહન્‍તી સાથેનું યુગલ ગીત છે.

આ તમિલ ગીત બિનફિલ્મી છે.

પ્રીતિ સાગરે ગાયેલું આ કન્નડ ગીત પણ બિનફિલ્મી છે.

પ્રીતિ સાગરનાં ઘણાં બધાં ગીતો યુ ટ્યૂબ પર સુલભ હોવાને કારણે શોધી શોધીને સાંભળવાનું બને છે, અને દરેક ગીતમાં તેમની આગવી મુદ્રા કળાઈ આવે છે.

પ્રીતિ સાગરના કંઠના ચાહક હોવા છતાં કદી એમ નહોતું વિચાર્યું કે તેમને મળવાનું બનશે. પણ ગયે વરસે એવી એક તક મળી. એના વિશે વધુ વાત આગામી કડીમાં.


 

શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી