નવી લેખમાળા
– સંપાદક મંડળ, વેગ ગુર્જરી
સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ
આલેખનઃ રાજુલ કૌશિક
આપણા જન્મથી માંડીને જીવનની અંતિમ ક્ષણ સુધી અનેક પ્રકારે સંગીત જોડાયેલું છે. નાનાં હોઈએ ત્યારે હાલરડાંથી શરૂ થઈને જોડકણાં સુધી પહોંચેલું બાળપણ, જરા મોટાં થઈને સપનાંમાં રાચીએ ત્યારે વળી કોઈ નવો આલાપ, સમય સરતો જાય તેમ આત્માને લગતાં ભજનો અને અંતે ઈશ્વરનાં નામની ધૂન સાથે વિદાય.
ભારતીય સંગીત પ્રાચીનકાળથી ભારતમાં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. સામવેદ એ સંગીતને લગતો વેદ છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું.
સમય જતા સ્થળ અને સંજોગો સાથે સંગીતની સૂરાવલીઓ બદલાઈ. આપણાં ભારતીય સંગીતમાં કવિતા, ગીત, ગરબા, ગઝલોનાં પ્રકાર પ્રખ્યાત થયા એની સાથે સાથે પૉપ સોંગ, રૅપ સોંગ, જાઝ મ્યુઝિક પણ આવ્યાં અને આપણે એ પાશ્ચાત્ય સંગીતને આવકાર્યા પણ ખરા.
ગીત સંગીતના પણ કેટલા પ્રકારો? સામાન્ય રીતે પ્રચલિત કહી શકાય એવા સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. એમાં આ સુગમ ગીત-સંગીત માટે તો કહેવાય છે કે એ ભારતીય સંગીત વિદ્યાનું એક એવું અંગ છે જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય અને દરેક એક જણ પણ નિરાંતે ગાઈ શકે.
આ બધું જોતાં જોતાં કે સાંભળતાં સાંભળતાં એક વાત સમજાઈ કે, જે સરળ છે, જે સુગમ છે, ગેય છે એ આપણે જલદી સ્વીકારી શકીએ છીએ. કદાચ શાસ્ત્રીય સંગીત શીખવું, અરે શીખવાની વાત તો દૂર ક્યારેક ક્યારેક સમજવાનું ય ક્યાં સૌ માટે સરળ હોય છે?
આપણા આદ્ય કવિથી માંડીને કેટલાય અદ્યતન કવિઓ, ગીતકારો, ગઝલકારો, ભજનિકોના નામ આપણાં મનમાં ચિરસ્થાયી છે અને રહેશે. ભારતના પ્રાંતોની વાત કરીએ તો દરેક પ્રાંતની લોકકથાની જેમ એનાં લોકગીતો, સંગીત પણ ખૂબ પ્રચલિત છે.
ભારતનાં પ્રાંતોની વાત કરીએ તો કયો ગુજરાતી હશે જે વિશ્વભરમાં જઈને વસ્યો હોવા છતાં ગુજરાતી ગીત, ગરબા વિસર્યો હશે?
જ્યાં એક ગુજરાતી હશે કે જ્યારે ગરબાની વાત આવે ત્યારે તો શ્રી અવિનાશ વ્યાસનું નામ સૌથી મોખરે જ લેવાય. એનું એક કારણ એ તો ખરું જ કે એમણે ગુજરાત અને ગુજરાતીઓને ગાતાં કર્યાં. એમની સાવ સરળતાથી ગાઈ શકાય એવી રચનાઓ ઘેર ઘેર પહોંચી છે. અમદાવાદથી માંડીને આફ્રિકા, ઑસ્ટ્રેલિયા કે અમેરિકા બધે જ એમના ગીતો ગવાય છે. એનું એક દૃષ્ટાંત આપું, વાત છે, ૨૦૨૪ની. અહીંની અમેરિકાની એક નવરાત્રીમાં અમે ગયાં હતાં ત્યાં દસ ગીત કે ગરબામાં સાત ગીત કે ગરબા તો અવિનાશ વ્યાસના જ હતાં. મઝાની વાત તો એ હતી કે આપણાં ગુજરાતીઓ તો આ ગીત-ગરબાઓથી પરિચિત હોય એ તો સમજ્યા પણ એક અમેરિકન છોકરી ભાંગી તૂટી ગુજરાતીમાં ‘છોગાળા તારાં, છબીલા તારાં ગાતી હતી.
સાચે એ એટલી આનંદની વાત હતી કે આજે એ યાદ કરું છું તો એનો રોમાંચ આજેય અનુભવું છું. એનું એક કારણ એ હોઈ શકે કે, અવિનાશ વ્યાસના ગીતો સાવ સરળ અને છતાં લયબદ્ધ. લોકગીતોની જેમ એ પણ લયબદ્ધ ગાઈ શકાય. એ ગીતો આપણી સાથે એટલી હદે વણાઈ ગયાં છે કે, એ સાંભળતાની સાથે આપણું મન અને તન ઝૂમી ઊઠશે.
આપણે ફિલ્મોમાં ઘણીવાર નદીમાં હલેસા મારતાં નાવિકને ગાતા જોઈએ છીએ. ‘નદીયા ચલે ચલે રે ધારા. ચંદા ચલે ચલે રે તારા, તુઝ કો ચલના હોગા’. એમાં હલેસાનો લયબદ્ધ અવાજ કેવો ભળી જાય? એવી રીતે ટીપ્પણીનો તાલ કે ઉખડખાબડ રસ્તા પર હંકારાતા ગાડાનાં પૈડાં કે બળદોના ગળે બાંધેલા ઘૂઘરાનો અવાજ. કહેવાનો અર્થ એ કે આવા ગીતોના રણકાર અને અજાણપણે એ અવાજના લય સાથે ભળી જતાં પોતાના તાનમાં રહીને ઊઠતા સૂર, સ્વ-મસ્તીમાં ગવાતાં ગીત એ બધાં, લોકગીત કે લોકસંગીત, જે આપણે જ્યારે મન થાય ત્યારે ગાઈ શકીએ. એમાંથી મળે એ છે નિજ આનંદની અવસ્થા. આવા ગીતો માટે ખાસ કોઈ પ્રહર કે સમય સાચવાવાનીય જરૂર નહીં. મન થાય ત્યારે ગણગણી લેવાય.
આવા ગણગણી લેવા ગમે એવાં ગીતો કે જોમમાં લાવી દે એવા ગરબાની વાત કરીએ ત્યારે શ્રી અવિનાશ વ્યાસ યાદ આવ્યા વગર રહે ખરા?
માટે હવે આવા જ તન-મનને તરંગિત કરી દે એવા મારાં-તમારાં-સૌનાં મનમાં વસેલા અને ઘર ઘરને ગુંજતું કરનાર ગીતકાર, સંગીતકારની વાત માંડવી છે. આપણા જીવનના દર એક શુભ-મંગળ પ્રસંગને યાદ કરીએ તો મનમાં એક સૂરીલા ગીતનો ગુંજારવ તો ઉઠે જ ને?
તો બસ મળીએ સાવ નજીકના સમયમાં ગુજરાતના લાડીલા ગીતકાર, સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસને.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

આભાર.
આશા છે સૌને આ લેખમાળા પસંદ આવે.
LikeLike