પ્રીતિ શાહ-સેનગુપ્તા
ન્યૂયૉર્કની એક સાંજે ઘેરથી નીકળેલી. પછી બે ફ્લાઇટ લઈને, પનામા દેશમાં થઈને, હવે ગયાના દેશમાં આવી પહોંચી, ત્યારે અઢારેક કલાક વીતી ગયેલા. ઊંઘ, થાક, ભૂખ જેવી રોજિંદી જરૂરિયાતો વિષે માગણી કે ફરિયાદ થાય તેમ નહતું. એવો ખ્યાલ પણ આવ્યો નહતો.
ગયાના દેશના જગાન આંતર્રાષ્ટ્રીય વિમાન-મથકેથી નીકળીને, જ્યૉર્જ ટાઉન કહેવાતા મુખ્ય શહેર સુધી જતાં એક કલાક ઉપર સમય લાગ્યો. ચાલીસેક કિ.મિ.નું અંતર તો હતું જ, પણ રસ્તો એક જ લેનનો. એક્કેક વાહન જ સામસામે જઈ શકે. વળી, ઘણી ટ્રકો જતી હોય, અને બધી, સ્વભાવ પ્રમાણે ધીમે જતી હોય.
અમારે પણ ધીમાં જવું પડતું હતું. પણ મને એ માટે કંટાળો નહતો આવતો. મને તો અહીંનું જીવન જોવા મળતું હતું. આ નવા જોવાતા દેશ વિષે નોંધ લેવાતી જતી હતી. જેમકે, કેટલાક બહુ સરસ મોટા આવાસ જોવા મળ્યા, પણ વધારે તો, રસ્તાની બંને બાજુએ નાનાં, અને સાદાં પણ સુઘડ, ઘરો જ આવેલાં હતાં. દેશની પ્રજા મુખ્યત્વે એમાં વસતી હતી.
એ જ રીતે, નાની નાની શાળાઓનાં મકાન દેખાતાં ગયાં. બપોરના ત્રણ-સાડા ત્રણનો સમય થયેલો. શાળાઓ છૂટી ગઈ હતી, તેથી ઠેકઠેકાણે છોકરાંઓ, હસતાં-રમતાં ઘર તરફ જતાં હતાં. આ દેશની આવનારી પ્રજા હતી, ને એ આનંદિત હતી, તે જોઈને સારું લાગતું હતું.
ઘરો અને શાળાઓની વચ્ચે વચ્ચે બનેલાં હતાં મંદિરો, મસ્જિદો, દેવળો. બાંધકામ નાનાં જ હોય, પણ સરસ લાગે. કોઈના પર ડિઝાઇન ચીતરેલી હોય, ક્યાંક બહાર મૂર્તિઓ ગોઠવેલી હોય. શિખર, ઘુમ્મટ ને મિનારા જેવી નિશાનીઓ તે તે ધર્મની ઓળખ આપતી રહે. બેએક સાદાં ચર્ચની બાજુમાં નાનાં કબ્રસ્તાન હતાં. હિન્દુ ઘરોની બહાર લાંબી, રંગીન ધજાઓ ફરકતી હતી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
ને ત્યાં તો દેખાઈ ડૅમૅરારા નદી. કેટલો વિશાળ પટ, કેવું છલોછલ જળ. જાણે કોઈ મહાનદ. શું સુંદર એનું રૂપ. અચાનક હવે જાણે સ્થાનનું સ્વરૂપ ટ્રૉપિકલ આઇલૅન્ડ જેવું બની ગયું. એવા જ પ્રકારની વનસ્પતિ હતી સર્વત્ર. આંબા, કેળ, પપૈયાં, નાળિયેરીનું પ્રાચુર્ય. સફેદ કરેણના છોડ વારંવાર દેખાયા, પણ બીજાં ફૂલો નથી લાગતાં. કદાચ સપ્ટેમ્બરની ઋતુમાં ઓછાં ફૂલ ખીલતાં હશે. હવામાં ગરમી ને ઘામ ઘણાં છે હજી.
જ્યૉર્જ ટાઉન શહેર નજીક આવતાં, મોટા રસ્તાની એક તરફ ગલીઓ બનેલી દેખાતી ગઈ. એ બધો રહેવાસી વિસ્તાર હતો. ત્યાં ઘણાં સારાં સારાં ઘર છે. દુકાનો બીલકુલ નહીં. આ ગલીઓમાં બે-ત્રણ વાર વળ્યા પછી ગાડી ઊભી રહી. મારો ઉતારો આવ્યો હતો છેવટે.
જૂથનાં બધાં ક્યારનાં આવી ગયેલાં, ને તેથી થોડો આરામ કરી શક્યાં હતાં. મારો એક દિવસ, ને એક રાતનો સમય ઊભાં-બેઠાં જ વીત્યો હતો. તોયે મને થાક નહતો લાગ્યો, કારણકે મન બહુ આનંદમાં હતું. ને આરામ કરવાને હજી વાર હતી, કારણકે અમારે માટે એક જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોહમ્મદ અને નતાશા નામના એક સ્થાનિક દંપતીનો આલિશાન નિવાસ જોઈને અમે આભાં બની ગયાં. પ્રવેશદ્વારની આગળ તુલસીનું મોટું કુંડું મૂકેલું. એ પહેલો આવકાર. બે માળના મોટા મકાનમાં, અંદર બધે સફેદ આરસની ફર્શ, બેસવાનો વિશાળ કક્શ, ઘરની ફરતે પહોળો વરંડો, બહાર ખૂબ મોટું કમ્પાઉન્ડ. અમે ગયાના ગયાં હતાં ત્યાંનાં ગરીબ પ્રજાજનોને તબીબી સલાહ-સહાય આપવા, પણ આવતાંની સાથે, સૌથી પહેલાં અમને ગયાનાની શ્રીમંતાઇનો અનુભવ મળી રહ્યો હતો.
જમવાનું પણ બહુ સરસ હતું. અનેક ચીજો બનાવેલી. બધી શકાહારી, અને આપણે ક્યારેય ખાધી ના હોય એવી. જોકે ભજિયાં-પકોડાં પણ સાથે હતાં. બહુ ભાવથી જમાડ્યાં અમને.
પછી એવા જ ભાવથી, સંગેમરમરનાં પગથિયાં ચઢીને, અમે ગૃહનો પૂજાકક્ષ જોવા ગયાં. આમ તો આ દંપતી મુસ્લિમ હતું, પણ વિશ્વાસ રાખે હિન્દુ ઇશ્વરની કૃપા પર. પૂજા-કક્ષ મોટો હતો, ને એમાં દેવ-દેવીઓની હકડેઠઠ હતી. વસ્ત્ર-આભૂષણોથી સજ્જ મૂર્તિઓ ઝળહળ થતી હતી. સાથે જ, સાત ઘોડાઓના રથમાં વિરાજમાન સૂર્ય ભગવાન પણ હતા.
નતાશા કહે, કે એ સવારે ને સાંજે, એમ બે વાર પૂજા કરે છે. અગરબત્તી સળગાવે, અભિષેક કરે, ને સ્તુતિ-ભજનોની ટેપ વગાડે. વળી, તાજાં કમળફૂલ પણ ધરાવે. કમ્પાઉન્ડમાં ખાસ કમળ ઉગાડ્યાં છે. મોટાં ગુલાબી ફૂલ, લાંબી દાંડી સાથે તોડીને, પાણીમાં રાખે. રોજ સવારે આગલાં કાઢી નાખીને, તાજાં ગોઠવે. કહે, કે હું જેટલી વધારે પૂજા કરીશ, તેટલો લાભ હું ને મારું કુટુંબ પામીશું.
મોહમ્મદ હોલસેલ કરિયાણા અને શેરડીના બિઝનેસમાં હતો. ગયાનાનાં એના જેવાં ધનિક કુટુંબો સાથે ભળતો, અને રાજકારણીય વ્યક્તિઓ સાથે સંપર્ક રાખતો. એક ઇન્ડિયન વંશીય ગયાનિઝ મિનિસ્ટરને એણે અમને મળવા માટે આમંત્ર્યા હતા.
સાથે જ, ગયાનાનાં કેટલાંક ગામોમાં તબીબી સારવારને માટે અમારા જૂથને લઈ જવાની ગોઠવણ જેમણે કરી હતી, તે વ્યક્તિ, એક ઇન્ડિયન-ગયાનિઝ સ્વામીજી પણ ઉપસ્થિત રહેલા. ગ્રામીણ પ્રદેશોમાં આવી સહાયની કેટલી જરૂર હોય છે, તે વિષે એમણે વાત કરી.
આખી સાંજ અમારે માટે ખૂબ રસપ્રદ રહેલી. ગયાનાના પ્રવાસની શરૂઆત બહુ સરસ થયેલી. હવે અમે બધાં પાછાં હોટેલ પર ગયાં. ને આખરે, મારા સરસ રૂમમાં જઈને આરામ કરવાનો સમય મને મળ્યો.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

કુદરતનું સૌદર્ય અને આનંદ એ કોઈ પરિસ્થિતિના નિયંત્રણમાં નથી. મજાના અનુભવનું સરસ વર્ણન.
સરયૂ
LikeLike