હરેશ ધોળકિયા

જીવનના દરેક ક્ષેત્રનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે તે દરેક ક્ષેત્રનો અલગ અલગ સમય હોય છે. તે દરેક સમયમાં તે ક્ષેત્ર વિશિષ્ઠ રીતે કામ કરે છે. આ વિશિષ્ઠતાથી જ તે ક્ષેત્ર ઓળખાય છે. અને એ રીતે જ તેનો અભ્યાસ કરવાનો આનંદ મળે છે.

આવું એક ક્ષેત્ર છે ફિલ્મ જગત. છેલ્લા સો વર્ષથી આ ક્ષેત્ર ઉત્તમ રીતે કામ કરી રહ્યું છે. તેના પણ જુદા જુદા તબક્કા રહ્યા છે. તે દરેક તબક્કા વિશિષ્ઠ હતા. આજે પણ તે પોતાની રીતે કામ કરે છે.

આવો એક તબક્કો હતો વીસમી સદીનો સાતમોથી નવમો દાયકો. સ્વતંત્રતા પછીનો દાયકો આદર્શવાદી ફિલ્મોનો હતો. પછીનો તબક્કો આવ્યો વાસ્તવિકતાનો. પહેલાના નાયકો હતા રાજકપૂર, દિલીપ કુમાર કે દેવ આનંદ. તો આ તબક્કાના અભિનેતાઓ હતા અમિતાભ, ધર્મેન્દ્ર વગેરે. તેમાં સમાજમાં જે હતાશા હતી તેને વ્યક્ત કરવાનો પ્રયાસ હતો. શોલે, દીવાર, ઝંઝીર, કાલા પથ્થર જેવી ફિલ્મો તત્કાલીન સમાજનું ચિત્ર આપે છે. આમાં ગુસ્સો દેખાડતો નાયક બતાવાય છે જે પ્રજાની હતાશાને ગુસ્સામાં વ્યક્ત કરે છે. સંગીતમય આદર્શવાદી ફિલ્મોમાંથી અચાનક આ હિંસક ફિલ્મો આવવા લાગી. સમાજ પણ અસ્વસ્થ થઇ ગયો.

ત્યારે જ સમાંતરે કેટલાક દિગ્દર્શકો એવા આવ્યા જેમણે સમાંતર ફિલ્મો શરુ કરી. તેમાં સમાજનું વાસ્તવ હતું તો સમાજની નિર્દોષતા પણ હતી. એક તરફ અમિતાભ કે ધર્મેન્દ્ર કે વિનોદ ખન્ના કે શત્રુઘ્ન સિંહા હતા, તો સમાંતરે નાસીરુદીન શાહ જેવા પણ હતા. તેની પણ સમાંતરે એવી ફિલ્મો આવી જેમાં નિર્દોષ હાસ્ય પીરસવામાં આવ્યું. આ ફિલ્મોમાં ગોલમાલ, છોટીસી બાત વગેરે હતી. અને આવી જે ફિલ્મો આવી તેમાં એક અભિનેતા પ્રગટ થવા લાગ્યા. અમોલ પાલેકર. લાર્જર ધેન લાઈફ વ્યક્તિત્વ બતાવતા હતા અમિતાભ, તો આપણી બાજુમાં રહેતો આપણા જેવો ભોળો, ક્યારેક મૂર્ખ લાગે તેવો પાડોશી જેવો આ અમોલ પાલેકર. તદન સરળ પાત્ર, તદન સરળ અભિનય. ફિલ્મ પણ સાદી જ. છતાં અદ્ભુત મનોરંજન આપે. અમિતાભની મારામારીની ફિલ્મ જોયા પછી ભારે થયેલ મગજને આ અમોલ પાલેકરની ફિલ્મો હળવું કરી નાખે. અમોલ પાલેકરે એક નવી જ “ઈમેજ” ઊભી કરી. અંગ્રેજી છાપું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કાર્ટૂનના પાત્ર “કોમન મેન”ને વ્યક્ત કરતી. અમિતાભની સમાંતરે આ અમોલ પાલેકર પણ એટલા જ લોકપ્રિય હતા.

આ અમોલ પાલેકરે તાજેતરમાં પોતાના સંસ્મરણોનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેનું નામ રાખ્યું છે “ વ્યુફાઈન્ડર : એ મેમોઈર. ” આ તેમની આત્મકથા નથી, પણ ફિલ્મ જગતના અનુભવોના સંસ્મરણો છે. ખાસ્સું દળદાર પુસ્તક છે-સવા ત્રણસો પાનાનું ! પણ એક વાર હાથમાં લઈએ તો મુકવાનું મન ન થાય તેવું રસિક. આ આત્મકથા ન હોવાથી તેનું બાળપણ, માતાપિતા, શિક્ષણ વગેરે જેવા કોઇ જ મુદાની ચર્ચા નથી. અંગત જીવનની પણ ખાસ ચર્ચા નથી. ક્યાંક ક્યાંક જ તે ડોકિયા કરે છે.

અમોલ પાલેકરે બે ક્ષેત્રે કામ કર્યું છે: નાટકમાં અને ફિલ્મોમાં. યુવાનીમાં જ બેંકમાં નોકરી કરતા હતા ત્યારથી જ મરાઠી નાટકમાં કામ કરવું શરુ કર્યું. ત્યાર પછી હિન્દી અને મરાઠી  ફિલ્મોમાં અભિનેતા બન્યા. પછી પોતે નાટકો અને ફિલ્મો સર્જી. આજે નવમાં દાયકામાં પ્રવેશ્યા છે ત્યારે પણ એટલા જ સક્રિય છે અને ઉત્તમ નાટકો કરી રહ્યા છે. આ બધાના અનુભવો આપણને આ પુસ્તકમાં વાંચવા મળે છે. અને તે એટલા તો રસપ્રદ છે કે જાણે વાંચ્યા જ કરીએ.

આપણને આ અનુભવો વાંચીને અમોલ પર આદર એટલા માટે થાય છે કે તેણે ત્યારના ઉત્તમ નાટ્યકારો અને ફિલ્મ દિગ્દર્શકો અને અભિનેતાઓ સાથે કામ કર્યું છે. ત્યારના ઉત્તમ નાટ્યકારો એટલે સત્યદેવ દુબે, વિજય તેંદુલકર, બાદલ સરકાર, ગીરીશ કનાર્ડ જેવા લોકો, તો હૃષીકેશ મુખર્જી, બસુ ચેટરજી વગેરે જેવા ફિલ્મના દિગ્દર્શકો. કોણ વધારે ઉત્તમ, તેની હરીફાઈ હતી. આ બધા સાથે કામ કરવું એ અભિનેતા માટે સદભાગ્ય અને લહાવો હતો. અમોલ એમાંના એક હતા. અને આ બધા તેનાથી ઘણા જ સીનીઅર હતા, ગુરુ સમાન હતા, છતાં અમોલ તેમના સાથે ખભે ખભા મિલાવી કામ કરતા હતા. તેમના પાસે શીખતા પણ હતા અને તેમના જેવા જ ઉત્તમ નાટકો કરતા પણ હતા. આ બધાના અનુભવો તે આ પુસ્તકમાં નિરાંતે વર્ણવે છે.

બધા અનુભવો તો અહી કહેવા અશક્ય છે, પણ એકાદ-બે જોઈએ.

અમોલ પાલેકર આ પુસ્તકમાં બળવાખોર દેખાય છે. તે મુક્ત વિચારમાં માને છે. એટલે કોઈ પણ નવીન વિચાર ધરાવતું નાટક કરવામાં તે ગભરાતા નથી. ક્યારેક તત્કાલીન સરકાર વાંધો લે, તો તે તેના સામે લડ્યા છે અને જરૂર પડી છે તો કોર્ટમાં પણ લડ્યા છે. એક નાટક માટે કેન્દ્રીય મંત્રી વસંત સાઠેએ મનાઈ કરી, તો તેમણે દેશના મોટા સાહિત્યકારો અને નાટ્યકારોની સહી લઇ ઇન્દિરા ગાંધીને પત્ર મોકલાવેલ. ઇન્દિરાજીએ પત્ર ખોલ્યો અને સહીઓ જોઈ ત્યારે હસીને તે જ પળે, પત્ર વાંચ્યા વિના જ, સાઠેની વાતને ઉડાડી દીધી અને પરવાનગી આપી દીધી. એક નાટક માટે રાજ્યના અધિકારીઓએ વાંધો લીધો, પણ પાલેકર ન માન્યા અને નાટક કર્યું જ. ત્યારે આ અધિકારીઓ તે અટકાવવા આવ્યા, પણ નાટક જોઈ એટલા ખુશ થયા કે સતત ચાર દિવસ જોવા આવ્યા. આવી તો અનેક ઘટનાઓ આ પુસ્તકમાં જોવા મળે છે.

પણ મૂળ વાત એ કે તે સમગ્ર પુસ્તકમાં બળવાખોર અને સ્વતંત્ર વિચારક તરીકે રજુ થાય છે. પોતે જ એક જગ્યાએ લખે છે કે તેમનું સૂત્ર જ તેમણે લેખક કામુનું વાક્ય રાખ્યું છે: “ । am a rebel, therefore I exist.”  ( હું બળવાખોર છું; એટલે જ મારું અસ્તિત્વ છે.) અને એક વાર તે તેના દેશમાં ગયેલા ત્યારે તેની કબર પાસે ઊભીને કહેલ કે તેણે આ સૂત્ર પાળવાનો પ્રયાસ કર્યો છે.

ફિલ્મોમાં પણ તેમણે પોતાની શરતે કામ કર્યું છે. તદન નવા બીનપરમ્પરાગત વિષયોને સ્પર્શ્યા છે. વિવિધ પ્રયોગો કર્યા છે. નવા નવા લોકો સાથે કામ કર્યું છે. પણ સતત સંઘર્ષરત રહ્યા છે. એટલે જ તેમણે પુસ્તકના અર્પણમાં લખ્યું છે, “ To those who believe in the power of resistance.” (જેઓ સંઘર્ષની શક્તિમાં માંને છે…!)

સમગ્ર પુસ્તકમાં અનેક ઉત્તમ લોકો સાથે કામ પણ કર્યું છે અને જરૂર પડ્યે વિરોધ પણ કર્યો છે. અને છતાં સમગ્ર જીવન દરમ્યાન અગણિત મિત્રો સમગ્ર જગતમાં મેળવ્યા છે.

પુસ્તકમાં એ પણ જોવા મળે છે કે તેમની આ કળા યાત્રામાં તેમની બે પત્નીઓ ચિત્રા અને સંધ્યાએ પણ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. તો પુત્રીઓએ પણ તેમને ટેકો આપ્યો છે. બધા  જ દિગ્દર્શકોએ પણ તેમની કદર કરી છે. તેમણે પણ અનેક કલાકારોને આગળ કર્યા છે. જયદેવ જેવા સંગીતકારને વિલુપ્ત થતા બચાવ્યા છે.

આમ, સમગ્ર રીતે આ સંસ્મરણો વાંચીએ તો આપણને એક સક્રિય, પ્રયોગશીલ, સતત વિચારતો, બળવાખોર, વિચારક, નાટ્યકાર, અભિનેતા, દિગ્દર્શક, કાર્યક્રમ આયોજક, સર્જક જોવા મળે છે જે પોતાના જીવનની પળેપળનો આજ સુધી સર્જનાત્મક રીતે ઉપયોગ કરે છે અને ફિલ્મ અને નાટ્ય જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે. તેમની ફિલ્મો જોઈએ તો જ ખ્યાલ આવી જાય છે.

અભિનેતા તરીકે તેમની ઉત્તમ ફિલ્મોમાં ગોલમાલ, છોટીસી બાત, રજનીગંધા, ચિતચોર, ભૂમિકા,
ઘરોંદા, બાતો બાતોં મેં, અક્રીએત, નરમ ગરમ જેવી અનેક ફિલ્મો દેખાય છે. તો તેમણે પોતે જે ફિલ્મો બનાવી છે તેમાં ધ્યાસપર્વ, ધૂસર, અનકહી, કેરી, સમાંતર, થાગ, અનાહત, બન્ગરવાડી,પહેલી, થોડાસા રૂમાની હો જાયે વગેરે આવે છે. તો જે ઉત્તમ મરાઠી નાટકો કર્યા છે તેમાં બજીરાવ્યા બેટા, ચુપ ! કોર્ટ ચાલુ આહે, આધે અધૂરે, પગલા ઘોડા, દ્રૌપદી, હયવદન, વાસનાકાંડ, જુલુસ, પાર્ટી, રાશોમોનનો સમાંવેશ થાય છે. તો તેમને દૂરદર્શન પર કચી ધૂપ, આ બેલ મુઝે માર, નકાબ, મૃગનયની, પૌલ્ખુના, કૃષ્ણકલી જેવી ઉત્તમ ટી.વી. સીરીઝ આપી છે.

આમ સમગ્ર પુસ્તક વાંચ્યા પછી આપણા સામે અમોલ પાલેકર એક સંપૂર્ણ કલાકાર તરીકે રજુ થાય છે.
એટલું જ નહિ, તે સમાંતરે એક ઉત્તમ ચિત્રકાર પણ છે. પુસ્તકમાં તેણે પોતાના જ રેખાચિત્રો દોર્યા છે તે જોઇને તેની તે પ્રતિભા પણ આપણા સામે વ્યક્ત થાય છે.

સમગ્ર પુસ્તક એ સંસ્મરણોનો ગુલદસ્તો છે. ક્યાય પોતાની ખોટી પ્રશંસા નથી. હા, દરેક બાબતમાં પોતાના વિચારોની સ્પસ્ટતા છે. પોતે જે મર્યાદાઓનો અનુભવ કર્યો છે તેની પણ કબૂલાત કરે છે. પોતાની સિદ્ધિઓ કહેતા પણ અચકાયા નથી. જરૂર પડે ત્યાં એક પણ પૈસો લીધા વિના કામ કર્યું છે, તો ક્યાંક યોગ્ય કદર ન થાય તો પૈસા માટે કોર્ટમાં પણ ગયા છે. કેટલાય કાર્યક્રમોને જાતે નાણાકીય મદદ કરી છે.

પુસ્તકમાં કેટલાક ઉત્તમ ફોટો પણ છે જેમાં તેમની ફિલ્મો, વ્યક્તિઓ, એકાદ-બે વડીલોના ફોટા જોવા મળે છે. તેમના ચિત્રો તો પુસ્તકની શોભાને બમણી કરી નાખે છે.

આત્મકથા કે ચરિત્ર કે સંસ્મરણો વાંચવા એક લહાવો છે. તેમાંથી જ વ્યક્તિનું ચારિત્ર્ય અને સમગ્ર વ્યક્તિત્વ જોવા મળે છે. તેમાં જ તેની પ્રતિભા વ્યક્ત થાય છે. આગળ પણ ઋષિ કપૂર કે નસુરીદીન શાહ જેવાએ પોતાની આત્મકથા કે સંસ્મરણો લખ્યા છે. આ પુસ્તક તે ખજાનામાં મૂલ્યવાન ઉમેરો કરે છે. તેને વાંચીને વાચક ભારતીય ફિલ્મ જગતના એક યુગમાંથી પસાર થાય છે અને અનેક પ્રતિભાશાળી વ્યક્તિત્વોના સંપર્કમાં આવે છે. આવા સંસ્મરણો એક ઉત્તમ દસ્તાવેજીકરણનું કામ કરે છે. અવશ્ય વાચનક્ષમ.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com