દેવિકા રાહુલ ધ્રુવ
સાવ જ વિરોધાભાસી શિર્ષક! અલગતા એટલે જ જુદાંપણું. તેમાં વળી એક્તા એટલે શું? સાવ સીધી જણાતી વ્યાખ્યાને થોડા નોખા દૃષ્ટિકોણથી જોવાની પણ એક મઝાની અને સાર્થક રીત હોય છે.
સમગ્ર જગતને પાઠ ભણાવતો ૨૦૨૦ના વર્ષનો એક સમય હતો. એ કોવિડકાળ દરમ્યાન એક સ્પષ્ટ વિઝન મળ્યું. ઘણું બધું હુન્નર બહાર આવ્યું. વ્યક્તિ-સ્વાતંત્ર્ય ધરી બેઠેલા આ વિશ્વને એક મંત્ર, નવી રીતે મળ્યો અને તે સૌની સાથે રહેવાનો. સતત દોડતા રહેતા માણસની અંદર પડેલી કલાને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ હતો. પણ તે સમયની વાતો લખવાનો અત્રે ઉપક્રમ નથી.
મુખ્ય વાત તો એ પછીના સમયમાં એટલે કે,બે મિલિયન જેટલા લોકોની કાયમી વિદાય પછી મોટા ભાગની વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આવ્યું. પ્રકૃતિમાં પણ ક્યાં નથી આવ્યું? ‘ગ્લોબલ વૉર્મિંગ’થી તો સૌ કોઈ જ્ઞાત છે જ. એવા એક મોટા પરિવર્તનમાંથી પસાર થવાનું બન્યું અને તેને કારણે જે અલગ અલગ જગા અને અલગ અલગ વ્યક્તિઓને નિકટતાથી મળવાનું મળ્યું ત્યારે સમજાયું કે, તેમાં પણ કેટલી અને કેવી એક્તા છે.
માધવ રામાનુજની એક કવિતા છે કે,”એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના હું જઈ શકું.”આવી સલામતીની ચાહના મનુષ્યમાત્રને હોય છે. આ પંક્તિઓ એટલા માટે યાદ આવી કે, જે નવા સ્થળાંતરની વાત કરવી છે તે ૨૦૨૧ની સાલ સુધી ફક્ત જમીન હતી. તે પછીના માત્ર બે જ વર્ષના ગાળામાં તદ્દન નવી વસાહત ઊભી થઈ અને ૧૦૦થી વધુ પરિવારોએ રહેવાનું જાણે કે, નવેસરથી શરૂ કર્યું. એટલે કે દરેક વ્યક્તિ એકબીજાંને મળતી થઈ, ઓળખતી થઈ અને મૈત્રી કેળવતી ગઈ. હવે આ બધા જ લોકો વિશ્વના અલગ અલગ દેશોમાંથી આવી સ્થાયી થયેલા છે. અહીં જાપાનીઝ છે, યુરોપિયન છે અને આફ્રિકન અમેરિકન છે. ચાઈનીઝ, વિયેટનામી અને ભારતીય પણ છે. ટૂંકમાં કહું તો વિશ્વના ઘણા અલગ અલગ દેશના લોકો એક વિસ્તારમાં વસે છે. પણ દરેકને આનંદ, શાંતિ, સલામતી અને મૈત્રીની ભાવના એકસરખી છે. દરેક પરસ્પર સહાયકર્તા બનીને રહે છે. એકમેકના ઘેર આરમથી ‘ડોરબેલ’ વગાડીને જઈ શકે છે. અવારનવાર ડબ્બા-ઉજાણીઓ કરે છે. અમેરિકા જેવા દેશમાં તો આ નવી નવાઈની વાત ને! એટલે કે, માનવમાત્રમાં જન્મજાત મળેલા લોહીના એકસરખા લાલ રંગની જેમ જ જીવનની પાયાની સંવેદનાઓ એકસરખી છે. આ છે રોજબરોજના વ્યવહારમાં અનુભવવા મળતી વિવિધતામાં એકતા.
કોઈપણ દેશની વાત કરીએ તો, અનેક ધર્મો, જાતિ, સંપ્રદાય, ભાષાઓ, રીતરિવાજો, વિવિધ પરંપરાઓ વગેરે છે છતાં મૂળભૂત રીતે સૌ શાંતિ ચાહે છે જ. કોઈને લડાઈ ઝઘડા ગમતાં નથી. મતભેદ હોવા છતાં મનભેદ ન થાય તે સૌ કોઈ ઝંખે છે. પ્રેમ, આનંદ અને સલામતી ભર્યું જીવન પણ દરેકને જીવવું ગમે છે જ. અલગતામાં આ એકતાની વાત છે; ભાવોની, વિચારોની, ઇચ્છાઓની એકતા. તાજાં જન્મતાં બાળકોનાં રુદનની ક્રિયા પણ એકસરખી જ. આ બધી તો મનની,લાગણીઓની વાતો.પણ બાહ્ય રીતે મનુષ્ય, પશુ, પંખી દરેક ઘણી રીતે અલગ હોવાં છતાં, જીવ માત્રને આંખ,કાન, નાક, હાથ,પગ, હૃદય સૌને મળ્યાં છે. આ બધી અલગતામાં એકતા નથી શું?
પ્રકૃતિમાં પણ આવા જ એક પ્રકારની harmony છે. ફૂલોના રંગ, રૂપ અલગ પણ સુગંધ ફેલાવવાનું કામ તો એકસરખું જ. વૃક્ષોના પ્રકાર,આકાર અને ફળો અલગ પણ એનાં પાનનો રંગ તો લીલો જ. પાણીના પ્રવાહ પ્રમાણે એ ઝરણું, તળાવ,નદી કે સાગર તરીકે દેખાય અલગ; પણ એના ગુણ તો એક સરખા જ ને? એ જ રીતે પર્વત, ખીણ, રસ્તા વગેરે ઘણું ઘણું ગણાવી શકાય; અને એ વિષે ખૂબ ઊંડા ઉતરતાં જતાં કેટલું બધું નજર સામે આવીને ઊભું રહે છે?
આ સંદર્ભમાં એક સરસ પ્રસંગનું મનમાં સંધાન થયું. અહીં જે એકતાની વાત કરી છે તેમાં ઉમેરો કરીએ તો, પશુઓમાં પણ શિસ્ત અને કાળજી રાખવાની ભાવનાનું જોયેલું એ દૃશ્ય ખૂબ અજાયબી પમાડે તેવું હતું. થોડાં વર્ષો પહેલાં અમે પૉર્ટલેન્ડના એક નાનકડા ગામમાં રાત રહ્યાં હતાં. વહેલી સવારમાં ખુલ્લાં ખેતરોમાં ચરતી ગાયોનું ધણ દેખાયું. ગાયોની કડક શિસ્તબદ્ધતા જિંદગીમાં પહેલી વાર, નજર ન ખસેડી શકાય તે રીતે સતત ચાળીસેક મિનિટ સુધી જોવા/માણવા મળી. એમાં એવું હતું કે, લગભગ ૨૦૦થી પણ વધારે ગાયો તેમની નક્કી કરેલ જગાએ, બરાબર દસ-દસનાં ગ્રુપમાં જઈ રહી હતી. સૌથી પ્રથમ એક ગાય, લીડરની જેમ આગળ ચાલે; તેની પાછળ પાછળ દસેક ગાયો ચાલે. થોડે આગળ જઈને પેલી પહેલી ગાય પાછું વળીને ત્રાંસી નજરે જુએ અને ઊભી રહે. જ્યાં સુધી પાછળની બીજી ૧૦ ગાયોની લીડર-ગાય, ચાલવાની શરૂઆત ન કરે ત્યાં સુધી રાહ જુએ. જેવું એ બીજું ગ્રુપ ચાલવાની શરૂઆત કરે તે પછી જ પહેલું ગ્રુપ આગળ ચાલે. એ પ્રમાણે એક પછી એક બધી ગાયોનાં ગ્રુપ્સ અનુસરે. બરાબર એ જ રીતે એ એ ગાયોનાં લગભગ ૨૦-૨૨ જેટલાં ગ્રુપ્સ બને અને બધાં જ ખૂબ વ્યવસ્થિત, હારબંધ અને શિસ્તબદ્ધ રીતે ચાલે. કોઈ મિલિટરીની ટુકડીની જેમ જ. એ જોવાનું એટલું આશ્ચર્યજનક લાગે કે વાત નહિ. પછી એક નાનકડું વાછરડું ઘણે દૂર રહી ગયું હતું; તો છેલ્લાં ગ્રુપની લીડર-ગાય પાછી વળીને વાછરડાને લઈ આવી. વળી ત્યાં સુધી તેનું ગ્રુપ પણ રાહ જોતું ઊભું રહી ગયું હતું! ઓહોહોહો.. અદ્ભૂત દૃશ્ય જોવા મળ્યું. આ તે કેવી સમજણ! કેટલી નૈસર્ગિક ચેતના! ઘડીભર એમ પણ લાગે કે જાણે શિક્ષકો પોતપોતાના વર્ગના વિદ્યાર્થીઓને દોરી જતા ન હોય! તે પછી તો ઈશ્વરની આ લીલા પર, મૂંગા વિશ્વના વિસ્મયો પર વારી જવાયું. મહત્ત્વનો મુદ્દો એ છે કે, માનવી કરતાં અલગ આ પ્રાણીઓમાં/પશુઓમાં પણ કેવી અને કેટલી એકતા! એવા કંઈ કેટલાયે વિચારો મન પર સવાર થઈ ગયા.
આ ઉપરથી એમ કહી શકાય કે, સંગીતાના સાત સૂરોને પોતાના અલગ તાર છે, સૂર છે; પણ તેમાંથી નીકળતું સંગીત તો એક જ છે જે જીવનને સભર બનાવી દે છે. સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ધરાવતા અને સાથે રહેતા માનવીઓનો સમાજ જો અલગતામાં એકતાની વાત સ્પષ્ટપણે સમજી જાય તો વિશ્વ આખું સંગીતમય બની જાય, પ્રસન્નતાથી છલકાઈ જાય. જે રીતે અલગ અલગ સંવેદનાના રંગો એક જ કેનવાસના ફલક પર કેવાં સુંદર સુંદર ચિત્રો દોરી શકે છે ! અલગ અલગ અક્ષરો ભેગાં મળી અવનવા શબ્દોનું સર્જન કરે છે અને એ શબ્દોની બનેલ જુદીજુદી પંક્તિઓમાં રહેલ ભાવોની એકતા કેવું કાવ્યસર્જન કરે છે? રંગબેરંગી જાતજાતના ફૂલો ભેગાં મળી એક સુંદર હારમાળા બનાવે છે. અરે, લગ્નની ચોરીમાં બેઠેલ બે અલગ વ્યક્તિઓ પણ ‘હું અને તું’માંથી ‘આપણે’ની એકતા રચે છે. આમ અલગતા એક સ્વતંત્ર બાહ્ય બંધારણ છે અને એકતામાં આંતરિક આભા છે. એટલે કે અલગતા એકત્ત્વની એક સર્જનાત્મક દૄષ્ટિ ઊભી કરે છે.
શ્રી અબ્દુલ કલામે સાચું જ કહ્યું છે કે, આપણી ભિન્નતા આપણું ગૌરવ છે અને આપણું એકપણું આપણું બળ છે.” અંગ્રેજીમાં પણ કોઈકે આ જ વાત એક સચોટ ઉદાહરણ દ્વારા ટાંકી છે કે,” Like branches of a tree, we may grow in different directions, yet our roots remain as one.”
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
