તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
પુણેના સમાજવાદી મિલનની હવા બંધાતી આવતી હશે અને માર્ક્સવાદી નેતા સીતારામ યેચુરીની વરસી નિમિત્તે ઈતિહાસવિદ ઈરફાન હબીબનું વ્યાખ્યાન સાંભળવાનું બન્યું. બરાબરની લોકશાહી અને ખરાખરીનો સમાજવાદ, અનિવાર્ય છે એ એમના વ્યાખ્યાનનો- સમતા, સ્વતંત્રતા, ન્યાયની ભૂમિકાએ સૂર હતો. પણ લગરીક અચરજ અને સહજ આનંદ સાથે, હબીબની વધુ વિગતોમાં જવાનો લોભ ટાળીને, ખાસ એક વાત અહીં લગભગ અધોરેખિતપણે અંકિત કરવા ઈચ્છું છું તે એ કે એમણે આરંભમાં જ દાદાભાઈ નવરોજીને વિશેષ રૂપે સંભાર્યા, અને એવું જ સ્મરણ રમેશચંદ્ર દત્ત (આર. સી. દત્ત)નુંયે કર્યું.
આ બંને અભ્યાસીઓએ આપણે ત્યાં બ્રિટન હસ્તકના સાંસ્થાનિક શોષણનું દુર્દૈવ વાસ્તવ જે અભ્યાસયુક્ત ધોરણે રજૂ કર્યું છે એમાં ન્યાયી કહેતાં સમાનતા અને સ્વતંત્રતાએ મંડિત સમાજ માટેની આહ ને ચાહ ભરેલી છે.
અહીં ગાંધીજી અને ‘હિંદ સ્વરાજ’નેય સંભારી લઉં, જરી? ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે એમણે ચીંધેલાં પુસ્તકોમાં પણ આ બેઉનો ઉલ્લેખ છે. તો, માર્ક્સવાદ, સમાજવાદ, ગાંધીવિચારનાં સ્ત્રોતસ્થાનોમાં કેટલુંક સામ્ય ખસૂસ છે. સ્મરણ એમ તો રસ્કિન કૃત ‘અન ટુ ધ લાસ્ટ’નુંયે ક્યાં નથી થતું? એનો ભાવગ્રાહી ને નામમાં તો કદાચ ક્યાંયે આગળ જતો અનુવાદ ‘સર્વોદય’ ગાંધીનામે ઈતિહાસદર્જ છે.
આઠ-નવ દાયકા પાછળ જઈને વાત કરું તો બ્રિટિશ પાર્લમેન્ટમાં પહેલી વાર જ્યારે નોંધપાત્ર સંખ્યામાં સમાજવાદીઓ ચૂંટાઈ આવ્યા ત્યારે થયેલા સરવે પ્રમાણે એમના પૈકી ઘણા રસ્કિનને વાંચીને લેબર પાર્ટીમાં જોડાયા હોવાનું માલૂમ પડ્યું હતું.
સ્રોતસામ્યની જિકર હમણાં કરી. એમાં એક વિલક્ષણ લાગતો મુદ્દો પણ ઉમેરી તો શકાય- અને તે છે નૈતિક પ્રેરણા. સમાજવાદ (સામ્યવાદ)ની માર્ક્સીય અવધારણ ભૌતિકવાદી પ્રતિપાદન પર અવલંબિત છે એ વિગત ખોટી નથી. માર્ક્સે વિષમતા સરજતી ને કાયમ રાખતી પ્રક્રિયાને ધોરણે સામાન્યપણે જેને વૈજ્ઞાનિક સમાજવાદ કહે છે તેની ઊહાપોહભેર માંડણી જરૂર કરી. પણ આ વિષમતા પરત્વે જે અક્ષમ્ય અભિગમ, જે અસહનીયતા માર્ક્સ અને સાથીઓને પક્ષે હશે એમાં એક અમાનવીય સ્થિતિ કેમ બરદાસ્ત કરી શકાય, એવી નૈતિક પ્રેરણાવશ મન્યુ અલબત્ત હોય જ.
સમાજવાદના માર્ક્સપૂર્વ ચિંતકોને યુરોપિયન- સ્વપ્નિલ, તરંગી, ગુલાબી કહેવામાં આવે છે, પણ શું માર્ક્સ કે શું માર્ક્સપૂર્વ સમાજવાદી ચિંતનની પૂંઠે વિષમતા નિર્મૂલન સારુ નૈતિક પ્રેરણા નહોતી એમ કહી શકાતું નથી.
આપણે ત્યાં તો સમાજવાદનો ઉદય બહુધા ગાંધીપ્રવેશ પછીની ઘટના છે. એ ખરું કે ગુજરાતમાં ‘ફેબિયન’ સમાજવાદ જેવો પ્રથમ ખયાલ કદાચ અનસૂયા સારાભાઈ એમના લંડનવાસ થકી લઈ આવ્યાં હશે. પણ સમાજવાદી જમાવડો દાંડીકૂચ પછી તરતનાં વરસોમાં નાસિક જેલમાં બદ્ધ તરુણ સ્વાતંત્ર્યસૈનિકોને આભારી હતો. તે પૂર્વે જોકે, તાશ્કંદમાં ભારતીય ક્રાંતિકારીઓનો સામ્યવાદી સંપર્ક પણ બન્યો હતો. અહીં સામ્યવાદનો ઉલ્લેખ થતો રહ્યો છે તો થોડીક વાત એ પણ કરી લઈએ કે લોકશાહી સમાજવાદને પણ માર્ક્સીય ચિંતનનો પાસ જરૂર લાગેલો છે. લેનિન-સ્તાલિનના રૂસમાં જે મોડેલ વિકસ્યું તે પશ્ચિમ યુરોપની લોકશાહી પરંપરાથી વિપરીત હતું. આપણે માર્ક્સની આપણી સમજને રૂસી મોડેલ સાથે ગોટવી દઈએ છીએ તે પણ સામ્યવાદ અંગેના આપણા આકલનને અવળી દિશામાં લઈ જાય છે- કંઈ નહીં તો પણ કુંઠિત તો કરે જ છે.
એક બીજો પણ પ્રશ્ન છે- આપણા સ્વરાજસંગ્રામમાં સામ્યવાદીઓએ કંઈક કિનારો કર્યો હોય એવોય તબક્કો આવેલો છે. અસહકારના દિવસોમાં કોલેજ છોડી સંગ્રામમાં ઝુકાવનાર જયપ્રકાશ એ દોર પછી અમેરિકા જઈ મહેનત-મજદૂરીનું જીવન જીવી સમાજશાસ્ક્ષના અભ્યાસમાં ઊંચી પાયરીએ પહોંચતે માર્ક્સવાદના રંગે રંગાઈ ગયા હતા.
સ્વદેશ પાછા ફર્યા ત્યારે એમણે સામ્યવાદી ચળવળમાં જોડાવું પસંદ પણ કર્યું હોત, પણ સ્વારજસંગ્રામ અંગે ત્યારે સામ્યવાદીઓમાં ચોક્કસ આકલનવશ જે અંતર અને દ્વિધાભાવ હતો એ જોયા પછી જયપ્રકાશે ગાંધી અને કોંગ્રેસ સાથે રહેવું પસંદ કર્યું અને આગળ ચાલતાં કોંગ્રેસ સમાજવાદી પક્ષનો સૂત્રપાત કરનારા બન્યા.
ગાંધીજીએ તરુણ સમાજવાદીઓને સમજવા સારુ મળવા બરક્યા ત્યારે નરેન્દ્ર દેવે એમને બહુ સરસ કહ્યું હતું કે તમે અને કોંગ્રેસ સભાખંડમાંથી સડકો ને શેરીઓમાં પહોંચી એમાં કિસાન કહો, કામદાર કહો, એમની વધુ ને વધુ હિસ્સેદારીને ધોરણે સ્વરાજને સમતાલક્ષી બનાવવાની અમારી ધખના છે. અલબત્ત, તેઓ એ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા જેણે ચંપારણના ખેડૂતો ને અમદાવાદના મજૂરોનો મોરચો લડી જાણ્યો હતો.
સ્વરાજ પછીના સમાજવાદી આંદોલનમાં નેહરુ ને ગાંધીનું ખેંચાણ ઓછેવત્તે અંશે રહ્યું. સામ્યવાદી આંદોલન પણ સ્વરાજના આરંભે સશસ્ત્ર બગાવતના પ્રયોગ પછી સરવાળે લોકશાહી પ્રક્રિયામાં જોડાઈ ગયું છે અને એક તબક્કે, વી. પી. સિંહના વારામાં આપણે જોયું તેમ એક પા સામ્યવાદી પક્ષો તો બીજી પા ભાજપ બેઉનો સરકારને ટેકો હતો.
આખો આલેખ અલબત્ત ઉતાવળે અને કંઈક આઘોપાછો ચાલે છે. પણ સાર એ છે કે કટોકટીવાદ કે રાજ્ય મૂડીવાદ એ કોઈ ઉગાર નથી. કથિત રાષ્ટ્રવાદ અને સાગરીત મૂડીવાદનું વાસ્તવ આપણી સામે છે. વર્ણ અને વર્ગની સમજ સાથે ન્યાયમૂલક અભિગમ વિના આરો નથી હોવાનો. સંવિધાન પરના ભાર અને સામાજિક ન્યાય માટેની પ્રતિબદ્ધતાનું રાજકારણ જ ધોરણસરના વિકલ્પ ભણી લઈ જઈ શકે. સ્વરાજનાં અમૃતવર્ષોમાં અગાઉના ટૂંકા ગાળાના કટોકટીરાજ અને હાલની અઘોષિત કટોકટી સિવાયની પસંદગી સાદ દે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪ -૯– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
