લતા જગદીશ હિરાણી
પપ્પુ પેરેટ અને સોનુ સ્પેરો બંનેને બહુ ભૂખ લાગી હતી.

પપ્પુ પેરેટ કહે – શું કરીશું ? ઝાડ પર કોઈ ફ્રૂટ નથી. જે છે એ બધા કાચા છે. કેમ ખાવા ? બહુ ભૂખ લાગી છે.
સોનુ સ્પેરો તો રસ્તામાં બેસી જ ગઈ – ને બહુ ભૂખ લાગી છે. હવે ખાવાનું નહીં મળે તો હું ઊડી નહીં શકું.
સોનુ સ્પેરો બેસી ગઈ એટલે પપ્પુ પેરટે પણ રોકાઈ જવું પડ્યું.પપ્પુ કહે – જો સોનુ આમ બેસી જઈશું તો કોઈ આપણા માટે ખાવાનું લાવી નહીં દે. આપણે તો શોધવું પડશે. મહેનત તો કરવી જ પડશે.
સોનુ માની ગઈ. એ કહે કે હું થાકી ગઈ છું. ભૂખ લાગી છે પણ તારી વાત સાચી છે. મહેનત કરીએ.
પપ્પુ પેરટ અને સોનુ સ્પેરો ખાવાનું શોધી શોધીને થાકી ગયા પણ કશું મળે નહીં.
એવામાં રસ્તામાં મોનુ મંકી મળ્યો. બંનેને ઢીલા ઢફ જોઈને કહે – શું થયું છે તમને ? કેમ આમ માંદા જેવા લાગો છો ?
પપ્પુ કહે – જો ને મોનુ, આ માણસો બધા ફળો કાચા ઉતારી ગોડાઉનમાં ભરી દે છે. ઝાડ પર અમારા માટે કાંઈ રહેવા દેતા નથી. એમની આજુબાજુ ફરતાં યે ડર લાગે છે. અમને પીંજરામાં પૂરી દે છે અમે તો હવે જંગલમાં ભૂખે મરીએ છીએ.
સોનુ સ્પેરો સામે જોઈને મોનુ મંકી બોલ્યો – તારે પણ આવી જ મુશ્કેલી છે ?
સોનુ કહે – હા હું પણ ભૂખે મરું છું. પહેલાં તો બધા લોકો અમને ચણ નાખતા. હવે કોઈ ચણ નાખતા નથી. રોટલી ભાત કંઈ વધે એ પણ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને નાખે છે. અમારે એ થેલી કેમ ખોલવી ! અમારે માળો બાંધવાની યે ક્યાંય જગ્યા રહી નથી…
મોનુ મંકી કહે – આ માણસ બહુ મતલબી થઈ ગયા છે. હું જાણું છું. તેઓ પશુ પંખીનો કંઈ વિચાર જ નથી કરતા. ચાલો, પહેલાં તમારા માટે ખાવાની વ્યવસ્થા કરું. એમ કહેતાં મોનુ ભાગ્યો.
એક ફળની લારીવાળો જતો હતો.
એ ઝાડ પર ચડયો, ત્યાંથી સીધો ફળની લારી પર કૂદ્યો.
બંને હાથમાં પાક્કા સરસ મજાના ફળ લઇ આવ્યો અને પપ્પુ પેરેટ ને આપ્યા.

ફરી કુદતો કુદતો રસ્તા પર ગયો.
એક અનાજના વેપારી ની દુકાન હતી.
વેપારી એકલો બેઠો હતો.
મોનુ મંકીએ હૂપ કરતો કૂદકો લગાવ્યો.
વેપારી ડરીને ભાગ્યો.
મોનુએ જુવાર અને ચોખા મુઠ્ઠીમાં ભરી લીધા.
જઈને સોનુ સ્પેરો પાસે ઢગલો કરી દીધો.
પપ્પુ અને સોનુ રાજી રાજી થઈ ગયા.
બંને મોનુને થેન્ક્યુ કહ્યું.
બંને બોલ્યા, ‘હવે આપણે પણ માણસ પાસેથી આંચકી લેતા શીખવું પડશે નહીંતર એ આપણને જીવવા નહીં દે.
મોનુ કહે – સાચી વાત. આપણે પશુ-પંખીને સભા કરી સૌને આ વાત સમજાવીશું.
ત્રણે હસતાં હસતાં છૂટા પડ્યાં.
લેખકના બાળવાર્તાસંગ્રહ ‘એક હતી વાર્તા’માંથી
