ગયા અંકમાં આપણે ડૉ. જયંત મહેતાના લગ્ન અને તેમના ઈસ્ટ આફ્રિકાના અનુભવો વિશે જાણ્યું. આજે હવે છેલ્લા મણકામાં તેમના અમેરિકાના અનુભવોની વાત માંડીએ.
પૂર્વ અને પશ્ચિમના ધર્મો:
થોડા વર્ષો પછી જ્હોનસન સિટીમાં ભારતીય કુટુંબોની સંખ્યા વધવા લાગી. દરેક પરિવારમાં આ પ્રશ્નો હતા. હિંદુ બાળકોને અહીંની શાળામાં ખ્રિસ્તી ધર્મનું અધ્યયન અને પ્રચાર થતો. યહૂદી કુટુંબના બે-ત્રણ પરિવારે તો આ અંગે કોર્ટમાં કેસ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં ૯૦ ટકા લોકો ચુસ્ત પ્રોટેસ્ટન્ડ- ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે લઘુમતી ધર્મ પરંપરા વિશેની સમજણ ખૂબ ઓછી હતી. આ પરિસ્થિતિનો ઉકેલ શોધવા મેં ત્રણ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી.
(૧) સ્કૂલ અને શાળામાં હિંદુ ધર્મ વિશે પ્રવચનો આપ્યાં.
(૨) અમેરિકામાં જન્મેલા હિંદુ કુટુંબના કિશોરોને ધર્મ શિક્ષણ આપવું.
(૩) ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને અન્ય ધર્મના નેતાઓ સાથે પરિસંવાદ- સેમિનાર ગોઠવવા.
આ ત્રણેય પ્રવૃત્તિમાં મને અન્ય ભારતીય ડૉક્ટરોની ખૂબ સહાયતા મળી. ૧૯૯૭ ની સાલમાં મેં એક ગ્રાન્ટ માટે અરજી કરી અને સ્થાનિક હૉસ્પિટલ અને બે-ત્રણ સંસ્થાઓ તરફથી વિવિધ ધર્મોનું શિક્ષણ આપવાની મારી અરજી મંજૂર થઈ. દર વર્ષે ઑક્ટોબર મહિનામાં પાંચ પ્રવચન-સેમિનારનું આયોજન થયું. વિવિધ ધર્મોના નેતાઓને બોલાવ્યા અને પૂર્વ અને પશ્ચિમના વિચારો વચ્ચે પ્રશ્નોત્તરી અને ચર્ચાની વ્યવસ્થા કરી. આ કાર્યક્રમ સાત વર્ષ સુધી ચાલ્યો અને મોટી સંખ્યામાં શ્રોતાઓ આવ્યા. વક્તાઓ પણ વિદ્વાન અને સહિષ્ણુ વિચારસરણીવાળા હતા. કોઈ બોસ્ટનથી આવ્યા, તો કોઈ ન્યૂયોર્કની યુનિવર્સિટીમાંથી. મુસ્લિમ ધર્મના વડાઓને પણ આમંત્રણ આપ્યું. ટેનેસીના આ વિસ્તારમાં આવા શિક્ષણ સમારંભનું આયોજન કદી થયું જ ન હતું. આ કાર્યક્રમ ખૂબ સફળ થયો.
સાતેક વર્ષ પછી આ વાર્ષિક કાર્યક્રમ બંધ કરવો પડ્યો. કારણ કે મારી સામે મારા પોતાના આરોગ્યનો પ્રશ્ન ઊભો થયો. મારા હાર્ટના ધબકારામાં એકાએક વધારો થયો. ૬૫-૭૦ ને બદલે દર મિનિટે ૧૬૦ સુધી ધબકારાનું પ્રમાણ વધી ગયું. પ્રારંભમાં તો ડૉક્ટરે ‘ચિંતા અને ડિપ્રેશન’ જેવું નિદાન કર્યું. પરંતુ હાર્ટ સ્પેશિયાલિસ્ટે હૃદયની વિદ્યુત જ્ઞાનતંતુઓની પરીક્ષા કરીને કારણ શોધી કાઢ્યું.(Paroxysmal Atrial Tachycardia) જેની સારવાર માટે મારા હૃદયને ઇલેક્ટ્રિક રેડિયો સારવારની જરૂર પડી. (Radio frequency ablation of the heart)
આ દિવસોમાં બીજી કરુણ ઘટના બની. ભારતમાં મારી બા બીમાર હતી અને મારે ભારત જવું હતું, છતાં હું ન જઈ શક્યો. થોડા દિવસો પછી મારી બાનું મૃત્યુ થયું. પણ હું ન જઈ શક્યો. હિંમત કરીને લાંબી મુસાફરીનું જોખમ લીધું હોત તો કદાચ જઈ શક્યો હોત, તેવું આજે મને લાગ્યા કરે છે. સ્વદેશનો ઝુરાપો મને કદી નથી નડ્યો. મારી બાને ન મળી શક્યો એનો અફસોસ મારા હૃદયમાંથી કાઢતાં વર્ષો લાગ્યાં. મારી જાતને હું માફ નથી કરી શકતો. મારી સંવેદના ક્યારેક મારી દુશ્મન બને છે.
રાજકારણ: બે ધારી તલવાર
જ્હોનસન સિટી આવ્યા પછી ટી.બી. નિવારણના પ્રયાસો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ (Rural Health)વિકસાવવાનો કાર્યક્રમ મેં શરૂ કર્યો. પબ્લિક હેલ્થના મેડિકલ ડિરેક્ટર અને મેડિકલ કૉલેજના આસિસ્ટન્ટ ડીન તરીકે ગ્રામ્ય વિસ્તારમાં સારી આરોગ્ય સારવાર પદ્ધતિ ઉપલબ્ધ થાય તે ખૂબ આવશ્યક છે તેવું મને લાગ્યું. આ માટે મેં કેન્દ્ર સરકાર પાસે આશરે એક મિલિયન ડોલરની આર્થિક સહાયરૂપે ગ્રાન્ટ અરજી પ્રસ્તુત કરી.
૧૯૭૨ની સાલમાં ‘ટીમ ગ્રાન્ટ’નો ખરડો ધારાસભામાં પ્રસ્તુત થયો હતો. તે મુજબ અમેરિકામાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો કરવો તેવો પ્રસ્તાવ હતો. અમારા વિસ્તારના કૉંગ્રેસ સભ્ય (Congressman Of North East TN)શ્રી જીમ ક્વીલીને આ ખરડાને ટેકો આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો. ટેનેસીમાં મેમ્ફીસમાં મેડિકલ કૉલેજ હતી. નેશવીલની વેન્ડરબેલ્ટ કૉલેજ ખાનગી સંસ્થાની હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બીજી મેડિકલ કૉલેજ શરૂ થાય તેવા પ્રયત્ન ગતિશીલ થયા હતા. નોક્સવીલ (Knoxville)માં મેડિકલ કૉલેજ શરૂ થાય તેવા સંજોગો હતા. પરંતુ કૉંગ્રેસમેન ક્વીલીને ધારાસભાના ખરડામાં યુક્તિપૂર્વક સુધારો સૂચવ્યો કે નવી મેડિકલ કૉલેજ વેટરન હૉસ્પિટલથી ૫૦ માઇલના અંતરમાં જ હોવી જોઈએ. સિદ્ધાંતની દ્રષ્ટિએ નિવૃત્ત સૈનિકોને મદદ થાય તેવો આશય હતો. પરંતુ છૂપો આશય એવો હતો કે મેડિકલ કૉલેજ નોક્સવીલને બદલે જ્હોનસન સિટીમાં આવે. ખરડો પસાર થતાં આ કામ સફળ થયું અને જ્હોનસન સિટીમાં નવી મેડિકલ સ્કૂલને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી. શ્રી જીમી ક્વીલીનની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ અને મેડિકલ કૉલેજની સ્થાપના થયા પછી અમારી મેડિકલ કૉલેજનું નામાભિધાન થયું, ‘James H. Quillen College Of Medicine.’
મારી ગ્રાન્ટને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળે તે માટે પબ્લિક હેલ્થના જનરલ ડિરેક્ટર મારા મિત્ર મિ. બેલેમી અને ડીન ડૉ. ડગલાસની મદદથી અમે કૉંગ્રેસમેન શ્રી ક્વીલીનની મદદ માગી. એમના તરફથી એક ફોન વોશિંગ્ટન પહોંચ્યો અને માત્ર એક સપ્તાહમાં અમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ! રાજકારણનો આ પ્રભાવ! આ મિલિયન ડોલરની મદદથી જ્હોનસન સિટીની આજુબાજુના પાંચ ગામડાંમાં આરોગ્ય કેન્દ્રની શરૂઆત થઈ. જ્યાં આરોગ્ય સારવારનો અભાવ હતો, ત્યાં લોકોને આ સગવડ મળવા લાગી. આ કાર્યક્રમના પ્રતાપે મને બે-ત્રણ પારિતોષિક પણ મળ્યા અને મિ.ક્વીલીન સાથે મૈત્રી પણ થઈ. આ કૉંગ્રેસમેન એમના વિસ્તારના નાગરિકોને વિવિધ પ્રકારની મદદ કરતા. નિવૃત્ત સૈનિકોને પેન્શન અપાવવામાં પણ ખૂબ સહાય કરતા. મારા એક ભાઈને ગ્રીનકાર્ડ અપાવવા મેં અરજી કરેલી, જે અમુક મુદત મર્યાદાને કારણે સ્થગિત થઈ ગયેલી. કૉંગ્રેસમેન ક્વીલીનની ઑફિસના એક ટેલિફોનની મદદથી મારી અરજીને પણ મંજૂરી મળી ગઈ.
થોડા વર્ષો પછી જિમી ક્વીલીન ગુજરી ગયા. એમને કોઈ સંતાન નહોતું. એટલે એમના દસ્તાવેજ મુજબ (Will) મુજબ ૧૪ મિલિયન જેવી મોટી રકમનું દાન અમારી મેડિકલ કૉલેજ અને ઇસ્ટ ટેનેસી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું. એમના મૃત્યુ પછી એમની સહાયથી પ્રાપ્ત થયેલી ગ્રાન્ટનો અંત આવ્યો! રાજકારણની બીજી ધારદાર બાબત એવી કે મેડિકલ સ્કૂલમાં ઊભા કરેલા મારા કાર્યક્રમમાં મારે પીછેહઠ કરવી પડી. મેડિકલ કૉલેજના આસિસ્ટન્ટ ડીન તરીકેની પદવી મારે છોડવી પડી. તે પછીના ૨૦ વર્ષમાં જ્યારે જ્યારે કોઈ નેતૃત્વ ધરાવતા પદ માટે અરજી કરી, ત્યારે તે નકારવામાં આવી. ધોળા લોકોની બહુમતીમાં આ રંગભેદની નીતિ હશે અને રાજકારણની રમત આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એવું મને લાગ્યું. મારા જીવનમાં એક પ્રકારની નિરાશાનાં વાદળ છવાઈ ગયાં.
બીજો કિસ્સો અમારા ગામના એક ડૉક્ટરનો છે. ડૉ. જુલી ગેલેગર (સાચું નામ નથી) બાળકોના રોગના નિષ્ણાત છે. એમના એક દર્દીને તાવ, માથાનો દુખાવો વગેરેની બીમારી હતી. અને ડૉ. ગેલેગરની સારવાર છતાં તબિયતમાં સુધારો ન હતો. એટલે એ સાત વર્ષની છોકરીનાં માતાપિતા તેમની દીકરીને લઈ મારા ટી.બી. ક્લિનિકમાં આવ્યાં. મેં પ્રથમથી જ ચોખવટ કરી કે હું બાળકોના દર્દ વિશે કશું જાણતો નથી. મેં એમની દીકરીને તપાસી, છાતીનો ફોટો પડાવ્યો અને મણકામાંથી પાણી કઢાવી (CSF Fluid) ટી.બી.નો ટેસ્ટ કરાવ્યો. મારી ધારણા સાચી પડી. આ સાત વર્ષની છોકરીને મગજનો ટી.બી. હતો.(TB Meningitis) મેં તે મુજબ સારવાર શરૂ કરી. ડૉ. ગેલેગરનું સ્વમાન ઘવાયું. એમણે મારા નિદાન અને સારવાર અંગે શંકા ઊભી કરી અને નેશવીલ વિભાગના વડા ડૉ.એન્ડરસનને ફોન કર્યો. ડૉ.એન્ડરસન અનુભવી ડૉક્ટર હતા અને જાણતા હતા કે રાષ્ટ્રીય નામનાવાળી ડેનવરના ટી.બી. સેન્ટરમાં મેં રિસર્ચ ફેલોશિપ કરી છે. એમણે ડૉ. ગેલેગરને સ્પષ્ટ કહ્યું, “ટી.બી.ની બાબતમાં ડૉ. મહેતાના નિદાન અને સારવાર અંગે હું કદી શંકા નથી કરતો. ઊલટું મને મૂંઝવણ થાય તેવો કેસ મળે, તો હું ડૉ. મહેતાની મદદ માગું છું.” સદભાગ્યે ડૉ. ગેલેગરનો રોષ શમ્યો. છ મહિના પછી દર્દીનો ટી.બી. મટી ગયો, ત્યારે એમને શાંતિ થઈ અને મને આનંદ! ટી.બી., મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોનું પ્રમાણ અમેરિકામાં ખૂબ ઓછું છે. એટલે અહીંની મેડિકલ કૉલેજમાં આ વિશેનું ખાસ શિક્ષણ અપાતું નથી.
ત્રીજો પ્રસંગ છે મારાં દર્દી મિસિસ જેકબનો. ૬૫ વર્ષની વિધવા બાઈ. એમને અસ્થમાની બીમારી. સિગારેટ પીવાની જૂની આદત, એટલે ફેફસાંને નુકસાન પણ થયેલું. મેં લગભગ દસ વર્ષ સુધી એમની સારવાર કરેલી. ઘડપણ ઉપરાંત એમને બીજા પણ મેડિકલ પ્રશ્નો હતા. ડાયાબિટીસ, સાંધાનો દુખાવો…લિસ્ટ લાંબુ છે. જીવનની અંતિમ અવસ્થાની સારવાર અંગે પણ ચર્ચા કરેલી. પરંતુ એમણે Living will જેવા કોઈ દસ્તાવેજ તૈયાર કર્યા જ નહીં. ૧૯૯૦માં મારે ભારતની મુલાકાતે જવાનું થયેલ. ચાર અઠવાડિયા પછી હું પાછો અમેરિકા આવ્યો, ત્યારે મારા પાર્ટનર ડૉ. ફેરોએ મને સમાચાર આપ્યા કે મિસિસ જેકબ આઇ.સી.યુ. માં છે અને કૃત્રિમ મશીનથી જીવન ટકાવી રાખ્યું છે. હું તુરંત મિસિસ જેકબની મેડિકલ સારવાર અંગે આઇ.સી.યુ.માં પહોંચી ગયો. એમનાં ગળામાં ટ્યૂબ અને ખોરાક માટે નાક વાટે હોજરીમાં ટ્યૂબ અને લોહીની નળીમાં (vain)પણ IV Tubes! આ દ્રશ્ય જોઈને મારું હૃદય કંપી ગયું. મિસિસ જેકબ છેલ્લા ચાર દિવસથી બેભાન અવસ્થામાં હતાં. ચારે બાજુ બીપ બીપ અવાજ હતા. ખોરાક, પાણી વગેરે કૃત્રિમ રીતે અપાઈ રહ્યું હતું. એમની દીકરી ઍટલેન્ટાથી આવી હતી. એણે વિનંતી કરેલી “આ કૃત્રિમ સાધનો બંધ કરી મમ્મીને કુદરતના નિયમો અનુસાર મૃત્યુની અંતિમ ક્ષણો ગૌરવપૂર્વકની મળે તેવી સારવાર વ્યવસ્થા કરવી જોઈએ.” મને પણ આ વાત વાજબી લાગી. કૃત્રિમ સાધનો, શ્વાસનળી અને આ બધું… આ પરિસ્થિતિમાં મને વાજબી ન લાગ્યું. મેં પ્રશ્ન કર્યો,
“તો પછી આ શ્વાસનળીમાં નાખેલી ટ્યૂબને કાઢવામાં તકલીફ શું છે?”
“આ નર્સ અને Ethics committee (નીતિ નિયમ સમિતિ) લેખિત લીવિંગ વીલની માગણી કરે છે!” મિસિસ જેકબે કદી આવા કોઈ કાગળો તૈયાર કર્યા ન હતા. આઇ.સી.યુ. (ICU)માં આવું ઘણીવાર બને છે. એટલે હું પરિસ્થિતિ સમજી શક્યો. મેં નર્સ સાથે વાતચીત કરીને હૉસ્પિટલના નિયમો વિશે વિશેષ માહિતી મેળવી લીધી. ખૂબ વિચાર કર્યો અને મનોમન નક્કી કર્યું કે આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ રસ્તો કાઢવો જ જોઈએ. મિસિસ જેકબને જેમ જીવનનો અધિકાર છે, તેમ સાહજિક કુદરતી મૃત્યુનો પણ અધિકાર છે. વૃદ્ધ, બેભાન અને અનેક દર્દોથી પીડાતી વ્યક્તિને મેડિકલ ટૅકનૉલૉજી અને કૃત્રિમ સાધનોથી ટકાવી રાખવાનો શું અર્થ? ઑફિસમાં જઈને મેં એમની મેડિકલ ફાઇલ તપાસી. ત્યાં મને એક લીટી જડી ગઈ! બે વર્ષ પહેલાં મિસિસ જેકબે મને કહ્યું હતું કે, “આ રેસ્પીરેટર દ્વારા બેભાન અવસ્થા હોય, તો જીવન ટકાવી રાખવાની મારી ઇચ્છા નથી.” આ વાત મેં એમના મેડિકલ ચાર્ટમાં નોંધી હતી. આ માહિતી મેં હૉસ્પિટલના વકીલ Ethics Committee અને (માનવતા હકની સમિતિ) સમક્ષ રજૂ કરી. જેથી મારી અને મિસિસ જેકબની દીકરીની વિનંતીને માન્યતા મળી. તે દિવસે દીકરીની હાજરીમાં જ મેં રેસ્પીરેટરની સ્વિચ બંધ કરી અને શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની ટ્યૂબ ધીમેથી કાઢી અને માત્ર ઑક્સિજન આપવાની શરૂઆત કરી. લગભગ અડધા કલાકમાં મિસિસ જેકબે દેહ છોડ્યો. મને દુઃખ થયું, પરંતુ વિશેષ પ્રકારનો સંતોષ થયો કે દર્દીની ઇચ્છા પ્રમાણે એને નૈસર્ગિક મૃત્યુનો અધિકાર આપ્યો.
અન્ય એક પ્રસંગ પ્રત્યેક ડૉક્ટરને માથે લટકતી તલવાર જેવો છે. ૧૯૮૯ ની સાલનો એક પ્રસંગ છે. ૩૫ વર્ષનો એક યુવાન ઇમરજન્સીમાં આવ્યો. એને ન્યુમોનિયા હતો, એટલે દવાખાનામાં દાખલ કર્યો. બીજે દિવસે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઑક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું. રાત્રે આઠ વાગ્યે નર્સે મારા રેસિડન્ટને Resident Doctor ને બોલાવ્યો. જેણે ફોન દ્વારા દર્દીની પરિસ્થિતિની ચર્ચા મારી સાથે કરી. અમે દર્દીની છાતીનો ફોટો પડાવ્યો. જેમાં સ્પષ્ટ દેખાયું કે ફેફસાંમાં પાણી ભરાયું છે. રાત્રે નવ વાગ્યે ફેફસાંમાંથી પાણી કાઢવાની ગોઠવણ કરીને હું હૉસ્પિટલ આવ્યો. કૉલેજના અધ્યાપક તરીકે રેસિડન્ટ ડૉક્ટરને શીખવવાની મારી ફરજ છે. એટલે મેં આ રેસિડન્ટ ડૉક્ટરને ફેફસાંમાંથી પાણી કેમ કાઢવું તે શીખવવાનું શરૂ કર્યું. રેસિડન્ટ મેડિસિનના બીજા વર્ષમાં હતો. એટલે સાવ નવો નિશાળીયો ન હતો. મારી દેખરેખ હેઠળ એણે પાણી કાઢવા સોય નાખી. પરંતુ પાણી કાઢતાં ફેફસાંની બહારના પડળમાં હવા ઘૂસી ગઈ. મેં તુરંત સિરીંજ દ્વારા એ હવા ખેંચી કાઢી. પરંતુ થોડી હવા તો રહી જ ગઈ. બીજે દિવસે છાતીનો ફોટો (Chest X-Ray) ફરી કઢાવ્યો. ફેફસાંમાં પાણી તો ન હતું, પણ બિનજરૂરી હવાનું પ્રમાણ વધી ગયું હતું. વિચાર કર્યા પછી મેં સર્જનને બોલાવી દર્દીની છાતીમાં એક નળી મુકાવીને આ હવા ખેંચી કાઢવાની વ્યવસ્થા કરી. ફેફસાંના નિષ્ણાત તરીકે મારો નિર્ણય વાજબી હતો અને સર્જનને પણ આ નિર્ણય ગમ્યો. બે-ત્રણ દિવસમાં દર્દીની તબિયત સુધારા ઉપર હતી. ત્યાં એક રાત્રે એને તાવ આવ્યો અને લોહીની તપાસ કરતાં Infection વધ્યું હોય તેવું લાગ્યું. નવી Antibiotics અને જરૂરી સારવાર પછી અમે Chest Tube કાઢી નાખી. દર્દીનું સ્વાસ્થ્ય ખૂબ સુધર્યું, એટલે મેં એને હૉસ્પિટલમાંથી રજા આપી અને બે અઠવાડિયા પછી ઑફિસમાં પુનઃ તપાસ માટે આવવાની Appointment આપી.
બે અઠવાડિયા પછી ફેફસાંની તપાસ માટે દર્દી આવ્યો. તબિયત સુધરી ગઈ હતી, પરંતુ દર્દીને નોકરી માટે હાજર થવાને બદલે એક અઠવાડિયાની રજાની જરૂર લાગી. એટલે એ માટેનું ફૉર્મ પણ મેં ભરી આપ્યું. બીજા અઠવાડિયે દર્દી નવું ફૉર્મ લાવ્યો. દર્દી કારને રંગ (CAR PAINT) સ્પ્રે કરવાનું કામ કરતો હતો અને હું જો આ ફૉર્મ ભરી આપું, તો એની કંપની દ્વારા હૉસ્પિટલની સારવારનો ખર્ચો અને નોકરીમાં વિશેષ પૈસા મળે તેમ હતું. તેના વકીલે એને એવી સલાહ આપેલી કે ‘કાર પેઇન્ટ કરવાના વ્યવસાયથી એના ફેફસાંને નુકસાન થયું છે’ તેવું પ્રમાણપત્ર ડૉક્ટર તરફથી મળે, તો દર્દીને ખૂબ પૈસા મળે. આ વિષયનો અભ્યાસ કરીને મેં દર્દીને સમજાવ્યું કે કાર પેઇન્ટમાં રહેલાં કેમિકલ (Polyurethane) થી એને ન્યુમોનિયા નથી થયો. એની બીમારી જંતુજન્ય (Bacterial Infection) હતી. મારી વાતમાં સંપૂર્ણ સત્ય હતું, પરંતુ મારા દર્દીને આ વાત ન ગમી. કટાણું મોં કરીને એ ઑફિસ છોડીને ચાલ્યો ગયો. એક મહિના પછી પોલીસ ઑફિસર મારી ઑફિસમાં આવ્યો અને કોર્ટના કેસ માટે ન્યાયાધીશ સમક્ષ હાજર થવાની નોટિસ આપી ગયો. દસ વર્ષની મેડિકલ પ્રૅક્ટિસમાં આ પહેલો જ પ્રસંગ હતો. દર્દીએ બે મિલિયન ડોલરની માંગણી કરતો માલ પ્રૅક્ટિસ (Mal practice case) નો કેસ માંડ્યો હતો. કોર્ટનો કેસ, મારી પ્રતિષ્ઠા, મારી નિપુણતા ઉપર શંકાની તલવાર! મેં મારા વકીલને જાણ કરી. મિ. પર્લમેન બહુ અનુભવી વકીલ હતા. એમણે સલાહ આપી કે મારે ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. આ બહુ સામાન્ય કેસ હતો અને આમાં મારો કોઈ દોષ નથી. દર્દી અને એનો વકીલ આ બીમારીના આધારે ડોલર કમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એમના કેસમાં કોઈ તથ્ય નથી. વકીલની ફી, કોર્ટમાં હાજર થવાનું… બે મિલિયન ડોલર…! હું સાચે જ ધ્રૂજી ગયો હતો. મારા મેડિકલ પાર્ટનરે પણ શાંતિ રાખવાની સલાહ આપી અને માલ પ્રૅક્ટિસ ઇન્સ્યૉરન્સના અધ્યક્ષે પણ મને બાંહેધરી આપી કે તબીબી સંરક્ષણનો વીમો બધો જ ખર્ચ ઉપાડી લેશે અને મિ. પર્લમેન બહુ અનુભવી વકીલ છે. માટે મારે સઘળી ચિંતા છોડી દેવી. સલાહ તો સાચી હતી. પરંતુ મારું મન વિચલિત થઈ ગયું. અચાનક સાપ કરડ્યો હોય તેવી વેદના થઈ.
આ કેસ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો. છાપામાં સમાચાર પ્રગટ થયા. ડૉક્ટર મિત્રોનાં આશ્વાસન અને મૈત્રીપૂર્ણ વાર્તાલાપ મળ્યા હતાં અને રેસિડેન્ટે (શિખાઉ ડૉક્ટર) મારી માફી પણ માંગી. તેની ભૂલ સૈદ્ધાંતિક રીતે મારી જ ભૂલ ગણાય. કારણ કે હું એનો શિક્ષક હતો. એટલે જવાબદારી તો મારા માથે જ આવે. એટલે આ બનાવ બહુ ગભરાવા જેવો ન હતો. પરંતુ મારી સંવેદનશીલતામાં વ્યથાનાં વમળ જાગ્યાં. સ્વમાન, આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ હણાઈ ગયાં. અંતે એ દિવસ આવ્યો, જ્યારે ન્યાયાધીશ સમક્ષ મારે જુબાની આપવાની હતી. બંને પક્ષના વકીલોએ જાતજાતની દલીલો કરી. મેં મારું વિધાન રજૂ કર્યું. મારા આનંદાશ્ચર્ય સાથે આ કેસનો સુખદ અંત આવ્યો. ન્યાયાધીશે કેસ કેન્સલ કર્યો અને મને નિર્દોષ જાહેર કર્યો.
મારી મેડિકલ પ્રૅક્ટિસનો ત્રીજો પ્રસંગ પણ મારા સ્મૃતિપટ ઉપર અકબંધ છે.
જ્હોની સ્મિથ. ૫૦ વર્ષનો ધોળો માણસ. કાર સમારકામનો ધંધો (Auto mechanic) કરે. મારી ગાડીમાં કોઈ પણ તકલીફ હોય તો એ ઠીક કરી આપે. જ્હોનને સિગારેટ પીવાની બૂરી આદત. એક દિવસમાં બે પેકેટ ખલાસ થઈ જાય. એક દિવસ ઑફિસમાં બોલાવીને એને બીડી-સિગારેટથી થતા નુકસાનનું ભાષણ આપ્યું. ફોટા બતાવ્યા. મારા આશ્ચર્ય વચ્ચે એ માની ગયો અને એણે સિગારેટનું વ્યસન છોડી દીધું. અમારી વચ્ચે મૈત્રી હતી, એટલે મેં આ વિઝિટના પૈસા ન લીધા. ત્રણ મહિના પછી મારી ગાડી (Car) લઈને હું કોઈ સમારકામ (Repair) માટે ગયો હતો. ત્યારે મેં નોંધ્યું કે જ્હોનીને ઉધરસ હતી. ઉધરસને અંતે ગળફો આવ્યો. તેમાં લાલ રંગની છાંટ જોઈ. જ્હોનીના માનવા પ્રમાણે તો આ સાધારણ બીમારી હતી. મેં પૂછપરછ શરૂ કરી.
“મટી જશે, ડૉક્ટર સાહેબ. તમે ચિંતા ન કરશો.” જ્હોનીનો પ્રતિભાવ આવ્યો.
મેં ગળફામાં લોહી હોઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરી અને ઑફિસમાં આવવાની સૂચના આપી.
“તમે નાહક ઑફિસ વિઝિટ ઊભી કરો છો. એમ કરો, મને એન્ટિબાયોટિક લખી આપો.”
મેં પ્રિસ્ક્રિપ્શન તો આપ્યું, પણ ઑફિસ આવવાની તારીખ-સમય પણ લખી આપ્યાં. જ્હોની મારી ઑફિસમાં આવ્યો, ત્યારે મેં એની છાતીનો ફોટો (Chest Radiograph) પડાવ્યો. એમાં ન્યુમોનિયાની અસર જણાઈ. મેં એને સમજાવ્યું કે મારે ટ્યૂબ નાખીને એના ફેફસાંની તપાસ કરવી જોઈએ.(Flexible Bronchoscopy) પરંતુ જ્હોની માન્યો નહીં. બીજા અઠવાડિયે મેં બીજો ફોટો (X-Ray)પડાવ્યો અને એમાં સુધારો જણાયો, એટલે (Flexible Bronchoscopy) વિશેષ તપાસ માટે બહુ આગ્રહ ન કર્યો. બે-ત્રણ મહિના વીતી ગયા. જ્હોનીને ગળફામાં ફરી લોહી નીકળી આવ્યું હતું. ફેફસાંમાં લાઇટવાળી નળી (Flexible bronchoscopy) નાખીને તપાસ કરી, ત્યારે બાયોપ્સી (Biopsy) નું પરિણામ આવ્યું કૅન્સર! જ્હોની મારો મિત્ર હતો. આ સમાચાર આપતાં મને ખૂબ દુઃખ થયું. જરૂરી સારવાર કરી. ફેફસાંનું ઓપરેશન કરાવ્યું. પણ દોઢેક વર્ષમાં કૅન્સર જીત્યું અને હું હાર્યો. મારો મિત્ર જ્હોની ગુજરી ગયો. મેં એના ફેફસાંની તપાસ બે-ત્રણ મહિના વહેલી કરી હોત, તો એ કદાચ બચી ગયો હોત!
૪૫ વર્ષની મેડિકલ પ્રૅક્ટિસમાં આવા ઘણા પ્રસંગો બન્યા. દર્દી ક્યારેક મિત્ર બને તો ક્યારેક દુશ્મન. મારી સંવેદના પણ ક્યારેક મારી મિત્ર બને તો ક્યારેક કટ્ટર શત્રુ.
શારલોટમાં ડાકોર
ડાકોરમાં દાદાની આંબાવાડી હતી તે હવે ફક્ત સ્મરણોમાં છે પણ અમારા કુંટુંબની લીલી વાડીનો સ્નેહસભર સંપ અમને અમેરીકામાં પણ મીઠા સંબંધોની હૂંફ પૂરી પાડે છે.
મારા ચાર ભાઈઓ અને બહેન આશા સહપરિવાર શારલોટ(નોર્થ કેરોલીના)માં રહે છે. માલતીબહેન અને બનેવી પિનાકીનભાઈ પરિવાર સાથે કેનેડામાં રહે છે. માલતીબહેન અને આશાબહેન બંન્ને સમજુ અને પ્રેમાળ બહેનો અમને બધા ભાઈઓને રાખડીના પ્રેમભર્યા તંતુથી બાંધી રાખે છે. અમે બધા મળીએ ત્યારે ભૂતકાળનો આનંદ યાદ કરી એમાં તરબોળ થઈ જઈએ.
અનુજ બંધુ ભાનુભાઈ પચાસ વર્ષ પહેલાં ભારતથી અમેરીકા આવ્યા. MBA ની ડીગ્રી મેળવી એમણે મોટેલના ધંધામાં ઝંપલાવ્યું અને સફળ થયા. બીજા ભાઈઓમાં હરીશભાઈ નિવૃત પ્રોફેસર છે. મધુભાઈનો મોટેલ બિઝનેસ ‘જલારામબાપાના ઓટલા’ની જેમ ચાલે. કોઈપણ ગુજરાતીને નિસ્વાર્થભાવે ભોજન અને ચા-પાણી આપવાનો એમને આનંદ.
નટવર-વર્ષા વડોદરામાં રહી માબાપની ચાકરીનું પૂણ્ય કમાયા. શારલોટ નિયમિત આવે અને લાંબુ રોકાય તેથી દેશમાં રહેતા હોવા છતા વિખૂટા પડી ગયા એવું ન લાગે. બનેવી વિપુલભાઈ(આશાબહેનના પતિ) UPS Store ચલાવે છે. દૂરના સ્થળોના નકશા સાથે ડ્રાઈવરની સીટ સંભાળી લે આથી એમની સાથે મુસાફરીનો આનંદ અનેરો! અમેરીકાના કાયદાઓએ મને જ નહી મારા ભાઈ-બહેનોને પણ વસવાટનો હક આપ્યો તેથી વિશેષ આનંદ અને સંતોષ અનુભવું છું. શારલોટ અમારા પરિવાર માટે ડાકોરની યાદોનું યાત્રાધામ બની રહ્યું.
અમેરિકામાં અરધી સદી:
છેલ્લા પચાસ વર્ષમાં મને જે અનુભવો થયા તે અન્ય અમેરિકા સ્થિત ગુજરાતી ભાઈ-બહેનોને પણ થયા હશે. મારા સંઘર્ષમાં કોઈ અસાધારણ તત્ત્વ નથી. અમેરિકાની સ્વચ્છતા, નીતિ-નિયમો, સુંદર વ્યવસ્થા, આ બધું મને ખૂબ ગમે છે. નાગરિકોની સલામતી પ્રત્યે અહીંની સરકાર જાગૃત છે અને સક્ષમ છે. મેડિકલ ક્ષેત્રે કેટલાક નિયમો છે, જે દર્દીની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. અમારા ગામના લોકપ્રિય અને સફળ ડૉ. વીલીયમસન એક દિવસ દારૂ પીને હૉસ્પિટલમાં આવ્યા હતા. બીજે અઠવાડિયે એમનું મેડિકલ લાઇસન્સ રદ થઈ ગયું. ઇજિપ્તથી આવેલા ડૉ. અલીખાન એક યુવતીના ગર્ભાશયની તપાસ કરી રહ્યા હતા. એમની નર્સ એ રૂમમાં હાજર ન હતી. એમના ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો. સાબિતી મળે અને ડૉક્ટર દોષિત ઠરે તે પહેલાં જ એમનું લાયસન્સ રદબાતલ થઈ ગયું. દોષિત સાબિત થયા પછી એમને દસ વર્ષની જેલસજા મળી. દર્દીની સુરક્ષા અને સારવારની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ડોક્ટર પોતાની નિષ્ઠા જાળવી રાખે તે આવશ્યક છે. વિવિધ પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ ડૉક્ટરોએ અભ્યાસ ચાલુ રાખવો પડે છે (CME Credit) અને પાંચ વર્ષે પુનઃ પરીક્ષા આપીને પાસ થવું પડે છે.
વ્યક્તિગત બાબતમાં મીનાએ નર્સિંગ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને હું મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વ્યસ્ત હતો, પરિણામે બાળકોના શિક્ષણ પ્રત્યે પૂરતો સમય અને શક્તિ આપવામાં અમે કાચા ઊતર્યાં. નાતાલ અને દિવાળી જેવા તહેવારની ઉજવણી સમયે પણ અમે કુટુંબ સાથે પૂરતો સમય નથી આપ્યો તેનો રંજ છે. પશ્ચાતાપની પોટલી માથે બાંધીને જિંદગીભર ફર્યા કરવાનો શું અર્થ?
વડોદરામાં ભણતો હતો ત્યારે જે કાવ્યો રચ્યાં હતાં, તેનો એક સંગ્રહ ‘અધૂરા આંક’ નામથી છપાવેલો. અમેરિકા આવ્યા પછી જે સાહિત્ય સર્જન થયું તે વાર્તાસંગ્રહ અને કાવ્યસંગ્રહ રૂપે પ્રગટ થયું. ઈશાવાસ્ય ઉપનિષદના આધારે એક સુંદર પુસ્તક અંગ્રેજીમાં લખ્યું અને મુંબઈના ખ્યાતનામ પ્રકાશક દ્વારા પ્રગટ થયું. આ રીતે આઠ પુસ્તકો પ્રગટ થયાં. ૧૦૦ ઉપરાંત પરિપત્રો મેડિકલ વિષયનાં પ્રગટ થયાં. જેમાં સંશોધનાત્મક પ્રવૃત્તિનો પરિચય પ્રાપ્ત થાય છે.
અધ્યાપન અને ટી. બી. ક્ષેત્રમાં સંશોધન કાર્ય માટે જે વેતન મળ્યું તે મેડિકલ પ્રેક્ટિસની આવકના પ્રમાણમાં ખૂબ નજીવું હતું. ચાલીસ વર્ષના સમયગાળામાં મેં જો Full time મેડિકલ પ્રેક્ટિસ કરી હોત તો ત્રણ-ચાર મિલિયન ડૉલર જેવી માતબર રકમ, વધારે કમાણી સાથે બેંકમાં જમા કરાવી શક્યો હોત. આ આર્થિક ભોગ આપ્યો તેનો મને કોઈ રંજ નથી. અંતરના આનંદ માટે આ અન્ય પ્રવૃત્તિ મને આવશ્યક લાગી હતી.
વિવિધ ક્ષેત્રમાં સફળ યોગદાન માટે અનેક માનદ પ્રમાણપત્રો અને ૨૫ જેટલાં પારિતોષક મળ્યાં છે, તે સર્વેને એક બોક્સમાં બંધ કરીને માળિયા ઉપર ચડાવી દીધાં છે. માનપત્રોનો મોહ, હવે ઓગળી ગયો છે. છેલ્લા પચાસ વર્ષ એક સરિતાનાં જળની જેમ વહી ગયાં!
હવે, હું ગૌરવપૂર્વક કહી શકું કે એક માનવપ્રેમી ડૉક્ટર હોવા ઉપરાંત હું એક સક્ષમ શિક્ષક પણ છું. જીવનને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી જોવાની અને માણવાની તક મળી તે મારા જીવનની ફલશ્રુતિ અને ઈશ્વરનો કૃપા પ્રસાદ છે.
મેડિકલ કૉલેજના રાજકારણમાં પણ ઘણા ખટમીઠા પ્રસંગો બન્યા. સારા શિક્ષક તરીકે મને બે પારિતોષિક મળ્યાં, પરંતુ આસિસ્ટન્ટ ડીનની પદવી ઉપર મુખ્ય અધ્યક્ષ ડીનશિપ માટેની મારી અરજી કદી સફળ થઈ જ નહીં. કાચની દિવાલો ઓળંગીને સફળતાના શિખરે પહોંચવાનું મારા નસીબમાં નહીં હોય. ૪૩ વર્ષની તબીબી સેવા, ટી.બી. ડિરેક્ટર તરીકે કુશળતાથી ટી.બી.નું પ્રમાણ ૨૪(24 per 100000) થી ઘટાડીને ૦.૫ (0.5 per 100000) જેટલું લાવવા છતાં મારી ઘણી તમન્ના અધૂરી રહી ગઈ. મારાં બાળકો હેતલ, સેજલ અને રવિન મને વારંવાર સમજાવે છે કે, “ડેડી, આ પ્યાલો અડધો ખાલી નથી, અડધો ભરેલો છે.” એમની દ્રષ્ટિએ અને મારા ધોળા મેડિકલ પાર્ટનરોના મત મુજબ મેં ઘણું બધું સિદ્ધ કર્યું છે. ૨૦૦૦ વિદ્યાર્થીઓ મારા શિક્ષણથી લાભ પામ્યા છે, અને લગભગ ૯૫ ડૉક્ટરો મારા હાથ નીચે અનુભવ લઈને સ્પેશિયાલિસ્ટ બન્યા છે. આ બધા ડૉક્ટર વિદ્યાર્થીઓ અમેરિકાના વિવિધ રાજ્યોમાં અનેક દર્દીઓની સેવા કરી રહ્યા છે. જે મારે માટે ગૌરવ અને આનંદની વાત છે.
જ્હોનસન સિટીમાં ૪૫ વર્ષની મેડિકલ પ્રૅક્ટિસ કર્યા પછી હવે હું નિવૃત્ત થયો છું. અહીંના મંદિરનો હું ટ્રસ્ટી છું અને આ મંદિરના ઘડતરમાં મેં સક્રિય ભાગ આપ્યો છે. અહીં રવિવારે મેં ભગવત્ ગીતાના પાઠ ઊગતી પેઢીના કિશોર-કિશોરીઓને દિલ દઈને ભણાવ્યા છે. આવું સુંદર ગામ છોડવાની મારી ઇચ્છા નથી, પણ ઉંમર વધતાં મારે મારી પુત્રી નજીક રહેવા જવું છે. અહીં ૪૫ વર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રકરણને મારે બંધ કરીને નેશવીલ જેવા મોટા શહેર તરફ પ્રયાણ કરવાનું છે. અહીં મારી દીકરી સેજલ અને એનો પરિવાર છે. પુત્રી મોહમાંથી પૌત્ર મોહના ચક્કરમાં છું. સેજલના દીકરાનું નામ આનંદ છે અને એની સાથે શેતરંજ રમવાનો આનંદ છે. શારલોટમાં પણ કુટુંબીજનો છે અને અહીંથી સીધી Air Flight છે. નિવૃત્તિકાળમાં કૌટુંબિક પ્રેમ વધારે મહત્ત્વનો લાગે છે. ડાબા મગજમાં જ્હોનસન સિટી છોડવાનો અફસોસ છે, જમણા મગજ માં આનંદ અને ગૌરવની ઊર્મિઓ છે.
ઉંમર વધતાં વિસ્મરણનું રણ વધતું જાય છે. સમયના પ્રવાહમાં સુખ-દુ:ખની અનેક ક્ષણોએ કોતરેલી વિવિધ આકૃતિઓ ધીરે ધીરે ભુંસાતી જશે. સ્મરણ ગંગામાં સ્નાન કર્યા પછી પુણ્યરૂપે જે પ્રાપ્ત થયું, તે મેં અક્ષર સ્વરૂપે અત્રે રજૂ કર્યું છે. આ વાંચીને તમને કશુંક ગમ્યું હોય તો તમારું. મને તો આ લેખન પ્રવૃત્તિની ફળશ્રુતિ રૂપે સંતોષ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.
હવે પછી અવકાશ વિજ્ઞાનના સંશોધક, ડૉ. કમલેશ લુલ્લા,નો પરિચય કરીશું.

જયંતભાઈની સફર વાંચી થાય છે કે એક માનવ કેટ કેટલું કામ કરી જાય છે! ડોક્ટરના અનુભવો વાંચવાનું ગમ્યું. મનઃ શાંતિ સંતોષ માટે શુભેચ્છા સાથ….
સરયૂ પરીખ.
LikeLike