દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
મહાભારતની ગૌરવશીલ નાયિકા દ્રૌપદી જન્મથી માંડીને મૃત્યુપર્યત એક વિરલ સ્ત્રી છે. રામાયણની સીતાની જેમ એ પણ અયોનિજા છે. પિતાએ કરેલા યજ્ઞના અગ્નિમાંથી એક ઝબકારની જેમ તે જાગી છે, સંસારપ્રવાહમાં વહી છે ને હિમાલયમાં ગરક થઈ ગઈ છે. વ્યાસે દ્રૌપદીને સાદ્યંત એક પ્રતીક તરીકે ઉપસાવી છે.

દ્રૌપદીનું પાત્ર ભાવકને માટે આદરમિશ્રિત વિસ્મય પ્રેરે તેવું છે.અગ્નિપુત્રી હોવાને નાતે દ્રૌપદીને મહાભારતનું આક્રમક પાત્ર માનવામાં આવ્યું છે, પણ મહાભારતનું દર્શન કરતાં આ માન્યતા તદ્દન ભ્રામક ઠરે છે. વ્યાસે આ પાત્રને ભારે જતનપૂર્વક ઉપસાવ્યું છે. દ્રૌપદી સાચા અર્થમાં સ્ત્રી છે – સંપૂર્ણ સ્ત્રી. સ્ત્રીમાં પ્રકૃતિદત્ત રીતે હોવા જોઈતા કુલીનતા, શાલીનતા, ધૃતિ, લજજા જેવા ગુણોની એ સ્વામિની છે. એના પાત્રમાં રહેલાં આ જીવનમૂલ્યો એ યુગે અપેક્ષેલાં છે કે તત્કાલીન છે એવું નથી. અનેક સંદર્ભે વ્યાસે આ મૂલ્યોનું સર્વકાલીન અર્થઘટન કર્યું છે. એ અર્થઘટનને તપાસતાં દ્રૌપદીનાં સ્ત્રીત્વનો વ્યાપ આધુનિક યુગ સુધી વિસ્તરે તેવો જણાય છે.
દ્રૌપદીનો જન્મ અનાયાસે વેરની સામે વેરના વિચારમાંથી થયો છે એ સાચું. દ્રોણે કરેલા પરાભવથી અપમાનિત થઈને રાજા દુપદે દ્રોણાચાર્યનો વધ કરે તેવા પુત્રની ઇચ્છાથી યજ્ઞ કરાવ્યો છે. આ યજ્ઞને પરિણામે ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થયો ને એની સાથે દ્રૌપદી જોડકાં રૂપે પ્રગટી છે. જાણે એ આવી ચડી છે. આથી જ કદાચ એ આ જગતમાં સમાઈ ન શકે એવું એનું વ્યક્તિત્વ છે. દ્રૌપદી આ અર્થમાં જાણે કે આગંતુક છે. દ્રૌપદીના પ્રાકટ્યની ક્ષણે વ્યાસે તેનો પ્રથમ પરિચય આ રીતે આપ્યો છે : ‘તે યજ્ઞવેદીમાંથી જ સારા ભાગ્યવાળી, દર્શનીય અંગવાળી અને પ્રફુલ્લ તથા સુંદર અને
શ્યામ નેત્રવાળી કુમારી પાંચાલી પણ પ્રગટી !’ પ્રાકટ્યના આ પ્રસંગને વધાવતાં વ્યાસ જેવો ઋષિ એ ક્ષણે સંપૂર્ણ કવિ બનીને ઉલ્લસિત ચિત્તે આગળ કહે છે, “તે શ્યામા કમલપત્ર જેવાં લોચનવાળી હતી, તેના વાળ નીલા ને વાંકડિયા હતા, નખ્ ઊંચા ને તામ્રરંગી, ભ્રમર સોહામણી… જાણે સાક્ષાત્ દેવકન્યા માનવીરૂપ ધરી ત્યાં આવી હતી !’ સામાન્ય રીતે નાયિકા ગૌરવર્ણની દર્શાવાય, પણ દ્રૌપદી શ્યામા છે. તેની શ્યામ કાંતિને વ્યાસે અનેકવાર અભિનંદી છે.
દ્રૌપદીની અસામાન્્યતા ત્રણ રીતે જોવા મળે છે : તેનું પ્રાકટ્ય, તેનું લગ્ન ને છેલ્લે તેનું જીવનદર્શન.
દ્રૌપદીની હેસિયતને જાણતા મહર્ષિ વ્યાસ સ્વયંવર સમયે પાંચ પતિઓને દ્રૌપદી સાથે પરણાવતાં ખચકાટ અનુભવતા દ્રૂપદને દ્રૌપદીનો પરિચય આપતાં જશાવે છે. ‘જેનું રૂપ સૂર્ય અને ચન્દ્ર જેવી કાન્તિવાળું છે અને જેની સુગંધ કોશ સુધી પહોંચે છે તે સ્ત્રી શું તારા પૂર્વકર્મથી જ અને દૈવયોગ વિના જ આ પૃથ્વીતલમાંથી પ્રગટી છે ?’ મહાભારતનું આ એક જ પાત્ર એવું છે જેમના માટે વ્યાસે આટલી મુખરતાથી વાત કરી હોય.
સ્વયંવર સુધીની ઘટનાઓ દરમિયાનનો દ્રૌપદીનો પરિચય માત્ર સ્થૂળ વર્ણનને આધારે જ જોવા મળે છે. પાત્ર તરીકે એનો પ્રવેશ જરૂરથી આપણને એવા વહેમમાં નાખે કે એ ગર્વિલી છે. લક્ષ્ય સાધતા કર્ણને માટે “હું સૂતપુત્રને નહીં વરું’ એવી જાહેરાત એ ભર્યા મંડપ વચ્ચે કરે છે. અહીં દ્રૌપદી ઘમંડી નહીં પણ માનુની તરીકે પ્રવેશ કરે છે. જીવન વિશેના એના કેટલાક સ્પષ્ટ ખ્યાલો છે તેનો પહેલવહેલો પરિચય અહીં થાય છે. આમ કહેવા પાછળ કર્ણનું અપમાન કરવાનો એનો ઇરાદો નથી પણ પોતાની કક્ષાની સ્પષ્ટતા માત્ર છે. સ્વયંવર પહેલાં ધૃષ્ટદ્યુમ્ને ‘કુળવાન’ એવો શબ્દ વાપરીને કોણે ઊભા થવાનું છે એની સ્પષ્ટતા કરી જ છે.
મહાભારતનું દર્શન કરતાં દેખાય છે કે દ્રૌપદી જેવી કલ્પવામાં આવી છે એવી મુખર નથી. એ મિતભાષી છે, વશચિત્ત છે. આ સદ્ગુણો એનામાં માત્ર વિક્સતા ન રહ્યા નથી પણ વખ્ત આવ્યે દેખાયા છે. કર્ણને નહીં પરણવાનો એણે લીધેલો નિર્ણય જેટલો સ્પષ્ટ છે એટલું જ વિસ્મય પ્રેરે એવું પાંચ પતિઓને પરણવા અંગે સેવેલું મૌન છે. પિતા દ્રુપદ અકળાય છે, સભા વચ્ચે પાંડવો, ધ્રુવપદ અને વ્યાસની આ અંગે ચર્ચા પણ થઈ છે. પણ જાજવલ્યમાન, માનુની એવી દ્રૌપદી આ પ્રસંગે કંઈ જ બોલતી બતાવાઈ નથી. અર્જુન એને જીતીને કુંભારને ઘેર લઈ જાય છે ત્યારથી માંડીને લગ્ન સુધી દ્રૌપદીનો કોઈ જ મનોભાવ નોંધાયો નથી. ઊલટું, આ આખા પ્રસંગ દરમ્યાન તેની અવસ્થા પ્રસન્નચિત્ત રહી છે. આથી એટલૂં તો સ્પષ્ટ થાય જ છે કે આ લગ્ન એના પર લદાયું હોય એવું લાગતું નથી. મહાભારતના અંત સુધી તે સુધી પોતાના પાંચેય પતિઓથી એ ગૌરવ પામી છે. આ ઘટના દ્રૌપદીના સંદર્ભે વિલક્ષણ ગણાય તેવી છે.
અનેક દુ:ખોનું ભાજન બનેલું હોવા છતાં દ્રૌપદીનું પાત્ર ભાગ્યવાન છે એમાં તો બે મત જ નથી. પાંડવોનાં દ્રૌપદી પ્રત્યેના પ્રેમ ને નિષ્ઠા પણ અજોડ છે. દેવર્ષિ નારદના કહેવાથી પાંડવોએ દ્રૌપદી સાથેનો ચોક્કસ પ્રકારનો વ્યવહાર નક્કી કર્યો છે. દરેક પતિની સાથે વર્ષ ગાળતી દ્રૌપદી એ સમયગાળા દરમિયાન બીજા પતિઓની ભાર્યા ન રહે એટલું જ નહીં પણ એના એકાંતનો પણ કોઈ ભંગ ન કરે એ શરતમાં પાંડવોએ દ્રૌપદીનાં શીલનું અસાધારણ ગૌરવ કર્યું છે એમ જ કહેવાય. પાંડવો સાથેનાં દ્રૌપદીનાં ધ્રમ્પત્યને બિરદાવતાં આથી જ કવિ વ્યાસે સહર્ષ નોંધ્યું છે, ‘સરોવરવાળી વનભૂમિ અને હાથીઓ જેમ એકબીજાથી પ્રસન્ન રહે તેમ પાંડવો કૃષ્ણાથી ને કૃષ્ણા પાંડવોથી પરમ પ્રસન્ન હતાં.’ પાંચ પતિઓ ધરાવતી દ્રૌપદી માટે દામ્પત્યજીવનની કોઈ વિષમતા નોંધાઈ નથી.
દ્રૌપદીના જીવનની કરુણતા કહેવી હોય તો એ એક જ છે – તેના જેવી માનુની ને કુલીન સ્ત્રીનું કુરુસભામાં શાણા પુરુષોની વચ્ચે થયેલું અપમાન – ઘોર અપમાન. આ એક જ ઘટનાએ કરીને એ વિખેરાઈ ગઈ છે. એના વિખેરાઈ જવામાં પણ એનું દર્શન તો અખંડ જ રહે છે.
મૂળ ગ્રંથને તપાસવાના અભ્યાસના અભાવે આપણે ત્યાં દ્રૌપદી વિશે એક ઘટનાછળ ઊભું થયું છે. યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞમાં આવેલા દુર્યોધને ધર્મરાજનો મયધાનવે ઊભો કરેલો અદ્ભુત મહેલ જોયો. આ મહેલને જોતી વખતે દુર્યોધન જળ-સ્થળનો ભેદ ન કરી શક્યો. પરિણામે દ્રૌપદીની મજાકનો ભોગ બન્યો ને દ્રૌપદીએ એના માટે “આંધળાનો પુત્ર આંધળો જ હોય’ એવી હાંસી કરી. આ હાંસીના ઉત્તરરૂપે વસત્રાહરણની ઘટના સરજાઈ તે. પણ વ્યાસે આવો કોઈ પ્રસંગ નોંધ્યો નથી. તેમના કથન મુજબ તો દુર્યોધન મહેલ જોતી વખતે જળ- સ્થળનો ભેદ કરી શકતો નથી ત્યારે ભીમ આદિ ચારેય ભાઈઓ હસ્યા છે. વાફૂબાણોથી તો આ ભાઈઓએ પણ દુર્યોધનને વીંધ્યો હોવાનું નોંધાયું નથી. દ્રૌપદી તો આ ઘટના સમયે ત્યાં ઉપસ્થિત જ નથી. આમ, દ્રૌપદીના પાત્ર સાથે ધમંડનું ગુરલક્ષણ વણાઈ જવાનું આ મોટું કારણ દૂર થતાં એના પાત્રને વધારે નિકટતાથી પામી શકાય છે. દ્રૌપદી જેવી અસામાન્ય નારી આવું હલકું વિધાન ન જ કરે એ તો એની હેસિયતને જોતાં સહેજે સમજી શકાય.
દ્રૌપદીનું જીવન સતત પ્રવાહી રહ્યું છે. કેવા કેવા પ્રસંગોની વચ્ચેથી એણે પસાર થવાનું આવ્યું છે ! જીવનની વિષમ પળોમાં પણ સ્થૈર્ય સાચવવાની કલા દ્રૌપદીને હસ્તગત છે. એનું અપ્રતિમ બાહ્ય સૌંધર્ય આ ક્ષણે એના આંતરિક સોંદર્ય સાથે ભળીને તેના પાત્રને અખંડત્વ અર્પે છે. દ્યુતમાં કૌરવો દ્વારા એ જિતાઈ ત્યારે દુર્યોધનનો સેવક લેવા ગયો ને સભામાં આવવા જણાવ્યું ત્યારે દ્રૌપદી કહે છે, “વિધાતાએ સાચે જએવું વિધાન નિર્મ્યુ છે કે, જ્ઞાની અને મૂર્ખ બંનેને સુખદુઃખનો સ્પર્શ થાય છે.” પણ લોકમાં એક ધર્મ જ પરમ શ્રેષ્ઠ કહેવાય છે. તેથી રક્ષા પામી રહેલો તે ઘર્મ અમને શાન્તિ પમાડશે.’ તેનું આવું તાટસ્થ્ય આ ક્ષણે પણ તેને ઘમંડી ઠેરવે એવું નથી. આ ક્ષણે એ યુધિષ્ઠિરની ભાર્યા સાબિત થાય છે. આટલું કહ્યા પછી એં ઉમેરે છે “આવો ધર્મ કૈરવોને પણ તજો.” વસ્ત્રાહરણના સંકટની શરુઆતથી જ વ્યાસે ભાવકોને દૌપદીનો એક કલ્યાણી સ્ત્રી તરીકે પરિચય આપી દીધો છં.
દ્યુતના સારાય માહોલથી દ્રૌપદીને ઘૃણા જન્મે છે પણ તેથી કરીને યુધિષ્ઠિર પ્રત્યે રોષ નથી. તેણે સભા મધ્યે કરેલો પ્રશ્ન “હારેલા પતિ પોતાને દાવમાં કેમ મૂકી શકે’ એનો વિષાદ જ માત્ર દેખાય છે. યુધિષ્ઠિરને બહુ નજીકથી ઓળખે છે. જ્યેષ્ઠ પતિ પ્રત્યે એને અપાર આદર છં. આથી સભાને સંબોધીને એ કહે છે, “મહાત્મા ધર્મરાજ ઘર્મનિષ્ઠ છે અને સૂક્ષ્મ એવા ધર્મને નિપુણૉ જ પામી શકે છે. હું સ્વામીના ગુણને દૂર કરીને તેમના પરમાણુ જેટલાય દોષને જીભે આવવા દેવા ઇચ્છતી નથી. પાવરધા,અનાર્ય, દુષ્ટાત્મા, કપટખોર એવા જુગારના રસિયાઓ સામે ઓછા અબ્યાસવાળા રાજા હારી ગયા; તો મને આ સભામાં બોલાવીને (સૌને) સફળ મનોરથવાળા કેમ કર્યા?’ આ કુરુસભાના શ્રેષ્ઠ પુરુષો દ્રૌપદીને વિવશસ્થિતિમાં જોઈ રહ્યા છે એ આખીય વાત દ્રોપદી કાળના પલટાતરીકે જૂએ છે. આ સાક્ષીભાવે કરીને તે સુખદુઃખનાં દ્વન્દ્વોથી એ ઉપર ઊઠી શકી છે. વસ્ત્રાહરણ થઈ શક્યું નહીં એ જ પણણી ક્ષણે એ કુરુવૃદ્ધોને પ્રણામ કરતાં કહે છે, ‘આ પહેલાં હું આપને પ્રણામ કરી શકી નથી ને એમાં મારો અપરાધ પણ નથી.’ એ સ્થિતિ જ એવી છે કે શિસ્તનો આચાર એનાથી વ્યક્ત કરી શકાયો નથી. વસ્ત્રાહરણના પ્રયત્નની ક્ષણોમાં આટલું નિર્મમ રહેવું એ વસ્ત્રાહરણ ન થયું એન! કરતાં ય મોટો ચમત્કાર ગણી શકાય.
સત્ય અને ધર્મનાં સૂક્ષમ તલને જાણનારી દ્રૌપદીએ સભામાં ધૃતરાષ્ટ્ર સાથે પણ સૌમ્ય અને સંયત વ્યવહાર કર્યો છે. દ્રૌપદી રખેને નારાજ થઈ બેસશે એવા ડરથી ધૃતરાષ્ટ્ર એને વરદાન માગવા કહે છે.ત્યારે પણ પોતાનું ઐશ્વર્ય માગવાને બદલે દ્રૌપદી યુધિષ્ઠિરની મુક્તિ માગે છે. બીજું વરદાન માગવા જણાવતા ધૃતરાષ્ટ્રને તે બીજા ચારેય ભાઈઓને મુક્ત કરવાનું કહે છે. આથી પ્રસન્ન થઈને ધૃતરાષ્ટ્ર તેને ત્રીજું વરદાન માગવાનું કહે છે ત્યારે દ્રૌઅપદીનો વિવેક મનનીય બની રહે છે. તે કહે છે. ‘ લોભ ધર્મનાશનું મૂળ છે તેથી મને એનો ઉત્સાહ નથી. હું ત્રીજું વર્દાન પામવાને અયોગ્ય છું. વૈશ્યને એક વાર, ક્ષત્રિણીને બે વાર, રાજાને ત્રણ વાર બ્રાહ્મણને સો વાર વરદાન માંગવાનો અધિકાર છે. પાપી દાસત્વને પામેલા મારા પતિઓ હવે તેમાંથી તરી ઊતર્યા છે એટલે પોતાનાં પુણ્યકર્મો વડે મંગલપ્રાપ્તિ પામશે.’ પાંડવોની સાચા અર્થમાં સહધર્મચારિણી તરીકે અહીં પ્રગટતી દ્રૌપદીની આ સૌથી ઉચ્ચ સ્થિતિ છે. અહીં જ એના પાત્રને ઘમંડી ગણવાને બદલે સ્વગૌરવવાળું ગણવાનું ઉપયુક્ત જણાય છે.
મહાભારતના વનપર્વમાં યુધિષ્ઠિર સાથે દ્રૌપદી ધર્મતત્ત્વની ગવેષણા કરે છે. ક્ષણિક તેને ધર્મતત્ત્વ મિથ્યા ભાસ્યું છે . યુધિષ્ઠિર જેવા ઉત્તમ પુરુષની પણ વિષમ ગતિ કરવા બદલ ધર્મને તે માફ કરી શકતી નથી. જે દ્રૌપદીને પાંચ પતિ હોવાનો કદી વિદ્રોહ નથી રહ્યો એ દ્રૌપદીનું યુધિષ્ઠિરે અનેક રીતે સમાધાન કર્યા છતાં આ અંગેનો વિદ્રોહ તેના ચિત્તમાં રહ્યો જ છે. એને વિષાદ છે જીવને કરેલી તેની વિડંબનાનો. આ વિષાદની પીડા એ જ તેનું અગ્નિઆત્મજા તરીકેનું જાણે કે પ્રતીક છે. એ જલી છે – સતત જલી છે. હિમાલયના આરોહણ સુધી એની જલન ઉત્તરોત્તર વધતી ગઈ છે.
પાંડવોના વનવાસ દરમિયાન કૃષ્ણ ને સત્યભામા પાંડવોને મળવા આવ્યાં છે ત્યારે સત્યભામા સખીભાવે દ્રૌપદીને પતિને વશ કરવાનો ઉપાય પૂછે છે. દ્રૌપદીને પાંચેય પાંડવો કયા જાદુથી વશ છે એવી રમૂજ કરતાં સત્યાને દ્રૌપદી કંઈક નારાજ થઈને જણાવે છે કે વશ કરવાની ઇચ્છા તો નિમ્ન સ્ત્રીઓમાં હોય છે. પાંડવો તો મારા ગુણોને કારણે મને વશ છે. આમ કહીને દ્રૌપદીએ સ્ત્રીએ પાળવા જોઈતા આચારની ચર્ચા કરી છે. આજે એ મૂલ્યો કદાચ પ્રાચીન લાગે પણ દ્રૌપદીએ કરેલી ચર્ચામાં એક સ્વસ્થ વ્યક્તિને છાજે તેવાં ગુણલક્ષણોનું વર્ણન છે. એક ગૃહસ્થ સ્ત્રીનો દ્રૌપદીનો આદર્શ આવો છે : “હું વિનોદના પ્રસંગ સિવાય હસતી નથી; વારંવાર બારણે આવીને ઊભી રહેતી નથી. અતિ હાસ્ય કે અતિ રોષને છોડી દઉં છું.’ આ યાદીમાં માત્ર સ્ત્રીઓ પાસે અપેક્ષાયેલી કેટલીક વાતો પણ છે જે આજે આપણને વિચારમાં નાખી દે જેવી કે, શોક્યોને ચાહવાની, પતિ સેવાની, ઘરનો ભાર ઉપાડવાની વગેરે. આધુનિક ભાવકને તે સમયની સ્થિતિનો ચિતાર પણ આથી
સાંપડે છે.

ગૌરવાન્વિત દ્રૌપદીની આભા વિરાટનગરના ગુપ્તવેશમાં પણ જરાય ઝંખવાતી નથી. વિરાટની રાણી સુદેષ્ણા, દાસીવેશે આવેલી દ્રૌપદીને જોઈને ઓઝપાઈ જઈને પૂછે છે, “તું કોણ છે ? તારું ભાષણ હંસ જેવું મધુર છે… દાસી તો તું કોઈ રીતે નથી જ. તું યક્ષી છે, દેવી છે કે પછી અપ્સરા છે ?… મારે ધરને આંગણે ઊગેલાં વૃક્ષો પણ તને જોઈને નમન કરી રહ્યાં હોય એવાં દેખાય છે.’ સુદેષ્ણાને ડર છે કે તેનો પતિ રાજા વિરાટ સૈરંધ્રીથી જિતાઈ જશે. ત્યારે દ્રૌપદી પોતાનો પ્રતાપ ઢાંકીને સુદેષ્ણાને સાંત્વન આપતાં જણાવે છે, “હું છંછેડી ન શકાય એવી છું. જે મને ઓઠું ન આપે. મારી પાસે પગ ન ધોવરાવે તેને ત્યાં વાસ કરવાથી મારા ગંધર્વ પતિઓ પ્રસન્ન રહે છે. જે પુરુષ મને બીજી સાધારણ સ્ત્રીઓ જેવી માનીને મારી અભિલાષા કરશે એ પુરુષ તે જ રાત્રે બીજા ખોળિયામાં વાસ કરશે, અર્થાત્ મૃત્યુ પામશે.’
દ્રૌપદી સહજ રીતે જ પોતાને અસાધારણ માને છે. એની આ માન્યતામાં એના દુશ્મનને પણ સંમત જ થવાનું આવે એટલી નક્કરતા એના ગુણોમાં છે. સ્વાભિમાની દ્રૌપદીને ભાગે વારંવાર માનભંગ થયા કરવાનું આવ્યું છે અને તે પણ ચારિત્ર્યના રક્ષણ સંદર્ભે. દ્રૌપદીની એ નિયતિ છે. વનવાસ દરમિયાન બે પુરુષોએ તેને સતાવી છે – જયદ્રથ ને વિરાટના સાળા કીચકે. દુ:શાસને કરેલા વસ્ત્રાહરણના પ્રયત્નની પરાકાષ્ઠાની ક્ષણે તેમ જ આ બંને પુરુષો પાસે સપડાયાની ક્ષણે પણ દ્રૌપદીએ આ કોઈનું અકલ્યાણ ઇચ્છૂયું નથી, માત્ર સ્વરક્ષણ જ ચાહ્યું છે.
પોતાની સાથે આવું વારંવાર થયા કરવાનું તેને અસાધારણ દુ:ખ છે. પણ એ દુ:ખ શાપમાં ફેરવાતું નથી એ ઘટના દ્રૌપદીનો સ્વ પરનો અસાધારણ કાબૂ દર્શાવે છે. એનું સતીત્વ અહીં સાબિત થાય છે. સાચે જ એ કલ્યાણી છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ રાત્રે અશ્વત્થામાએ પાંચ પાંડવપુત્રોને હિચકારી રીતે મારી નાખ્યા એ સાંભળીને વ્યાકુળ થયેલી દ્રૌપદી અનશનવ્રત ધારણ કરીને ધર્મરાજ પાસે બેસી જાય છે ને ભીમ અશ્વત્થામાને મારે એવી માગણી કરે છે. ભીમ અશ્વત્થામાનો મસ્તકમણિ લઈને આવે છે ત્યારે એ જ દ્રૌપદી વ્યાકુળતા ને ગુરસાનું શમન કરીને કહે છે, “મેં અશ્વત્થામા મરી જાય એમ ઇચ્છયું નહોતું. માત્ર તેને સજા કરવી જ જરૂરી હતી. તમારો ગુરુપુત્ર હોઈ, એ મારો પણ ગુરુ જ છે.’
પાંડવોના મહાપ્રસ્થાન સમયે સૌથી પહેલી દ્રૌપદી પડે છે. ભીમ તેના પડવાનું કારણ યુધિષ્ઠિરને પૂછે છે. ઉત્તરમાં ધર્મરાજ દ્રૌપદીને અર્જુન તરફ પક્ષપાત હોવાનું કારણ જણાવે છે. જીવનમરમી એવા ધર્મરાજ માનવીના મનને ઊંડાણથી જાણે છે એટલે એમણે દ્રૌપદીની માનસિક ભૂમિકા અહીં સૂચવી હોય એવું જણાય છે, કારણ કે સમગ્ર મહાભારતમાં દ્રૌપદીને અર્જુન તરફ પક્ષપાત બતાવતી ક્યાંય દર્શાવાઈ નથી. કીચકવધ કરવા માટે ભીમને પ્રેરતી દ્રૌપદી, ભીમ પાસે પોતાની વ્યથા વ્યક્ત કરતાં દરંક પતિની એકસરખી ચિંતા કરે છે. તેને વિષાદ છે યુધિષ્ઠિર જેવા ધર્માત્મા દાસ થયાનો; ભીમ-અર્જુન જેવા પૌરુષ સભર પુરુષોનો પરાભવ થયાનો; નકુળ સહદેવ જેવા સૌમ્ય વીરોને અન્યાય થયાનો. આ પીડા તેને સમાન રીતે પીડે છે. હા, અને અર્જુમ જોડે સુભદ્રા જોડાય છે ત્યારે એ નારાજ થઈ છે ને વનમાં અર્જુન શસ્ત્રો મેળવવા સ્વર્ગ ભણી પ્રયાણ કરે છે ત્યારે “તમારા વિના અમને ભોગો ભોગવવા નહી રૂચે’ એવું કહે છે ત્યારે પણ ભાઈઓ વતી કહે છે. બાકી એક સ્ત્રી તરીકે એ અર્જુનને વિશેષ ચાહતી હોય તો તે એનો દોષ તો ન જ ગણાવો જોઈએ.
દ્રૌપદીનો યુધિષ્ઠિર સાથેનો સંબંધ એ રીતે જોવો રસપ્રદ થઈ પડે એમ છે કે ધર્મરાજનો જન્મ છે ને મૃત્યુ નથી; દ્રોપદીને જન્મ નથી ને મૃત્યુ છે. એ જાણે આવી ચડી છે ને પોતાની ભૂમિકા ભજવી ગઈ છે. કૃષ્ણ જેવા કૃષ્ણે કર્ણને પાંડવોના પક્ષમાં લેવા માટે જે લાલચો આપી છે તેમાંની એક એ લાલચ એ છે કે દ્રોપદી છઠ્ઠો ભાગ તેને આપશે. આ ભૂમિકા તેને ભાગે આવી હોત તો એ ભજવત કે કેમ એ પ્રશ્ન છે. કર્ણને દ્રૌપદીએ હંમેશા ઉપેક્ષ્યો છે. સવાલ માત્ર એટલો જ છે કે ક્યાંક દ્રૌપદીની ન સહી શકાય એવી અવગણના થઈ છે. આથી જ એ હિમાલયમાં જઈને ઠરી શકી છે. એને ઠારવા અગ્નિની ચિતા નહિ, હિમાલયનો ગાઢ આશ્લેષ જ કામ આપી શકે. વિરાટના એક તત્વમાંથી બીજા તત્ત્વમાં એ ગુણોએ કરીને પ્રવેશી છે. દિવ્ય તત્ત્વોના સંયોગમાંથી પ્રગટેલી દ્રૌપદીએ પોતાની દિવ્યતા જીવનભર નભાવી જાણી છે. આથી જ, વ્યાસે એને વિદ્રોહી નારી તરીકે નહીં પણ ન્યાય-અન્યાયનો વિવેક કરી શકતી એક સંયત પ્રભાવની ધારિણી તરીકે ઉપસાવીને તેને યોગ્ય કાવ્યન્યાય આપ્યો છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
