તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હવે તરતના દિવસોમાં આપણે ત્યાં સમાજવાદનાં નેવું વરસ નિમિત્તે દેશભરના સમાજવાદીઓ પુણેમાં મળી રહ્યા છે એ જાણ્યું- અને એ જ અરસામાં, આ દિવસોમાં દાદાભાઈ નવરોજીની દ્વિશતાબ્દીનો માહોલ છે, એની વચ્ચે દેશના પહેલા સમાજવાદી તરીકે કોઈકે દાદાભાઈનું નામ લીધું એથી સાનંદાશ્ચર્ય થયું.
સાનંદાશ્ચર્યની જિકરની વાંસોવાંસ બલકે જોડાજોડ લગરીક ચોંટડૂક કૌતુકે ભરી જિકર પણ કરી જ લઉં. સૂચિત સમાજવાદી મિલન નિમિત્તે જે ખટડુકમીઠડુક (ટીઝર) મહારાષ્ટ્ર છેડેથી આગોતરી જાણ સારુ રમતું મુકાઈ રહ્યું છે એમાંથી એક, દેશના પહેલા સમાજવાદી તરીકે ફુલેને ઓળખાવતી જાહેરાત પણ છે.
દાદાભાઈ અને ફુલે બેઉ આમ તો સમકાલીન. માત્ર, દાદાભાઈ લાંબુ જીવ્યા અને ફુલે મહારાષ્ટ્ર બહાર એટલા જાણીતા નહીં એથી એમની સમકાલીનતા ઝટ પકડાતી નથી. દાદાભાઈના ચિંતનમાં માર્ક્સની જેમ વિશદપણે નહીં પણ વર્ગીય ઈંગિત તો વાંચી જ શકાય છે. ફુલે તો બેલાશક એમના વર્ણચિંતન અને સમતાલક્ષી સુધાર સારુ સુપ્રતિષ્ઠ છે. પશ્ચિમની પરંપરામાં આપણા સમાજવાદી ચિંતનમાં વર્ગસભાનતા આવી જરૂર, પણ આપણા હાડમાં પેંધેલી ગેરબરાબરીનું વર્ણકારણ સમાજવાદી ચિંતનમાં સ્વાભાવિક જ પકડાતાં વાર થઈ કેમ કે નવો ભણેલો વર્ગ પશ્ચિમ-સંપર્કે મૂડીવાદ સભાન હશે એટલો આપણે ત્યાંના વર્ણવાસ્તવ પરત્વે નહીં હોય.
આ બેઉ દૃષ્ટાંત જાડાં સાધારણીકરણમાં ખપે એવું બને. બંને પ્રવાહોમાં પ્રસંગોપાત અપવાદ મળી રહે એવું પણ બને. પણ સમાજવાદી જવાહરલાલને ગાંધીજી અસ્પૃશ્યતામુદ્દે અગ્રતાવિવેકને ધોરણે મચી પડે, ભર સ્વાતંત્ર્યસંગ્રામે, તે સમજાતું નહોતું. જવાહરલાલ અલબત્ત અસ્પૃશ્યતા નિવારણને વરેલા હતા, પણ આર્થિક-સામાજિક વિષમતા નિર્મૂલન અપૂરતું હોઈ શકે એ વાનું એમને ત્યારે એવું ને એટલું નહીં પમાયું હોય એવું તમે બાંધે ભારે પણ કહી તો શકો જ. આંબેડકરની જદ્દોજહદમાં તમે જુઓ, સ્વાભાવિક જ વર્ણવાસ્તવે પ્રેરિત પ્રતિકારની એમની ભૂમિકા તરત ઊપસી રહે છે. જોકે, એમની આ પ્રતિભા ને પ્રતિમા એટલી હદે આપણી સામે આવી છે કે એમના જાહેર જીવનમાં એમણે જે એક આખો ગાળો સમાજવાદી અભિગમ પર સવિશેષ ભારપૂર્વક વ્યતીત કર્યો તે આપણે ચૂકી જઈએ છીએ અને સમગ્ર ચિત્રથી અનભિજ્ઞ રહી જઈએ છીએ.
આશ્ચર્યકારક લાગે પણ સ્વરાજ નિર્માણની પડકાર પ્રક્રિયાના પ્રારંભે રાજ્યબાંધણી માટે સહજક્રમે ઊપસી ચૂકેલ નેહરુ-પટેલ ઉપરાંત જે નામો ગાંધીને સન સુડતાલીસમાં નેતૃત્વ માટે સૂઝી રહ્યાં એમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે જયપ્રકાશ અને નરેન્દ્ર દેવ તો બંધારણ ઘડતર માટે આંબેડકરનાં હતાં. આ ત્રયી બુર્ઝવા ને જૂનવાણી લેખાતા ગાંધીની એ સમજ દર્શાવે છે કે નવભારતમાં ન્યાયી સમાજ નિર્માણ સારુ વર્ગ ને વર્ણ બેઉ બાબતે સભાનતા જોઈશે. મહારાષ્ટ્રના સમર્પિત સમાજવાદી નેતા એસ. એમ. જોષીની એક વાત, વિગત તરીકે, મને સતત સ્પર્શતી રહી છે. એ કહેતા કે અમારી યુવાનીમાં અમારી સામે દૈવતરૂપ પરાક્રમી પ્રતિભાઓ તિલક અને સાવરકર જેવી હતી. પણ ગાંધીજી આવ્યા અને અમે સમજ્યા કે સમતા વગરની સ્વતંત્રતા અધૂરી છે. સ્વરાજ આડે બે’ક વરસ માંડ હશે ત્યારનો ગાંધી-નેહરુ પત્રવ્યવહાર જાણીતો છે, જેમાં નેહરુ ‘હિંદ સ્વરાજ’ને લગભગ બાજુએ મૂકીને ચાલે છે. પણ આ જ ગાંધી, બહુ મોડેથી ખબર પડી તેમ, ૧૯૩૬માં કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલની કારોબારી પર લાંબા ઈતિહાસમાં પહેલી વાર જયપ્રકાશ, નરેન્દ્ર દેવ અને અચ્યુત પટવર્ધન એ ત્રણ સમાજવાદી શખ્સિયતને સમાવવામાં કારગત નીવડ્યા હતા.
જરી ઉતાવળે આ જે બધા વિગત લસરકા અહીં મારી રહ્યો છું એનો માયનો કહો તો માયનો ને મરમ કહો તો મરમ એ છે કે આંબેડકર જેને કોંગ્રેસનું (સ્વરાજ લડતના વડા પ્લેટફોર્મનું) એક ધરમશાળા કે કોથળા જેવું સ્વરૂપ કહેતાં તેમાં એક સર્વસમાવેશી શક્યતા હતી અને કથિત રૂઢિચુસ્ત મત વચ્ચે પ્રગતિશીલ સમાસ પ્રવેશની ગુંજાશ હતી. સ્વરાજ પછી કોંગ્રેસમાંથી સમાજવાદીઓ જુદા પડ્યા અને એક વૈકલ્પિક પક્ષ બાંધણીની એમની કોશિશ રહી.
નરેન્દ્ર દેવના નેતૃત્વ હેઠળના સમાજવાદી પક્ષ અને કૃપાલાણીના નેતૃત્વ હેઠળના કૃષક મજદૂર પ્રજા પક્ષ એક થયા એમાંથી પ્રજા-સમાજવાદી પક્ષ આવ્યો. વળી, લોહિયાના નેતૃત્વમાં સમાજવાદી પક્ષ આવ્યો અને નવા એકીકરણ સાથે સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી આવી. પણ ૧૯૬૭7ના આંશિક ને ૧૯૭૭ના વધુ પ્રભાવક એકત્રીકરણ સાથે આ બળો જનતા પક્ષ રૂપે જે મેનિફેસ્ટો સાથે કટોકટી કોંગ્રેસ સામે ઊભર્યાં એમાં કોંગ્રેસ સામે અંદરબહારના નાનામોટા પ્રગતિશીલ ફિરકાઓ થકી લોકશાહી અને સમાજવાદી ખુશબો હતી… રોટી અને આઝાદી બંને!
સમાજવાદીઓમાં એક લોહિયા હતા જેમને વર્ણવાસ્તવની પાકી ખબર હતી- અને એમણે સત્તાસ્થાનોમાં ને અન્યત્ર પિછડોં કી બહુમતી પર ભાર મૂક્યો. મુલાયમ ને લાલુનું રાજકારણ (અલબત્ત લોહિયાના સપ્તક્રાંતિ દર્શન અને જયપ્રકાશના સંપૂર્ણ ક્રાંતિ દર્શન અંગે ખોડંગાતું) પણ એનું એક નિદર્શન છે. કટોકટીવશ શિકસ્ત પામી, ધીરે ધીરે બહાર આવેલી કોંગ્રેસ, સમાજવાદ અને લિબરલ સંમિશ્રણ ચેષ્ટા સાથે બંધારણ પરના ભારપૂર્વક જાતિ જનગણનાને પ્રમુખતા આપતું આગળ વધી રહ્યું છે. નવા સમાજવાદી આંદોલનનો મિજાજ લોહિયા કહેતા તેમ ‘સડકો સૂની પડે તો સંસદ ભટકી પડે’ની તરજ પર પ્રગટ થવા કરે છે. ઉત્તર પ્રદેશ અને બિહારની કોંગ્રેસ-સમજૂતી, આ રીતે જોવા-સમજવા જેવી જરૂર છે…
જોઈએ પુણે મિલનમાંથી શા સંકેતો સાંપડે છે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭ -૯– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
