જયશ્રી વિનુ મરચંટ

આજે, ૨૦૧૬, ફેબ્રુઆરીની પહેલી તારીખ છે. સાંજના ૪ વાગ્યા છે. હું હાથમાંનો કોફીનો કપ ટીપોય પર મૂકી, સોફા પર બેસી, બારી બહાર, આકાશને પળવાર તાકતી રહી. કોઈ પણ વિચાર નહીં, બસ સાવ શાંત! મેં પગ લાંબા કર્યા ટીપોય પર. ઘરમાં મારા સિવાય, બીજું કોઈ નહોતું. મેં દેશી રેડિયો ઓન કર્યો. ફ્રીમોન્ટ, કેલિફોર્નિયાના દેશી રેડિયો પર, ૧૯૬૯ અથવા ૧૯૭૦નું, બ્લેક એન્ડ વ્હાઈટ બોલીવુડ મુવી, “ખામોશી”નું એક સુંદર ગીત, “હમને દેખી હૈં, ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ, હાથસે છુ કે ઉસે રિશ્તોંકા ઈલ્ઝામ ન દો!” વાગી રહ્યું હતું અને, ઓચિંતો, મને કે.જી. ક્લાસથી કોલેજકાળ સુધી, મારી સાથે ભણેલા, મારા ખૂબ વ્હાલા મિત્ર, સુધાંશુનો ૧૯૭૦નો પત્ર યાદ આવી ગયો! એની સાથે જ, મને એ મારા અમેરિકન સ્ટુડન્ટ લાઈફ અને યુનિવર્સીટીના કેમ્પસના દિવસો યાદ આવી ગયા.

૧૯૬૯-૧૯૭૦માં, ૨૦ વરસની હું, મુંબઈમાં કોલેજ પૂરી કરીને, આગળ અભ્યાસ કરવા માટે અમેરિકા નીકળી ગઈ હતી. આજે, આટલા વર્ષો પૂર્વે લખાયેલા એ પત્રના સ્મરણ સાથે જ, મારા વિચારોની અટારી પર બે ચહેરા ન જાણે કેમ, ઓચિંતા જ લટાર મારવા નીકળી પડ્યા. આ ચહેરા હતા, અમારી પ્રાથમિક શાળાના બે શિક્ષકો, શાહસર અને પ્રજાપતિસરના. બેઉ શિક્ષકો વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય અને પોપ્યુલર હતા.

૧૯૭૦ના ફેબ્રુઆરીની શિયાળાની (માઈનસ)-૨૦ ડિગ્રીવાળી, એ બર્ફીલી, ઠંડીગાર, મિશીગનની સાંજે, હું ક્લાસ પતાવીને ઘરે આવી. કમપ્યુટર હજુ તો “પા પા પગલી” ભરીને, યુનિવર્સીટીમાં “આવું-આવું” કરતું હતું તો ઇ-મેલની તો વાત જ શી? પ્રી-ઈન્ટરનેટના એ દિવસો હતા. અમે ગણીને ૩૫-૪૦ ઈન્ડિયા, પાકિસ્તાન અને શ્રી લંકાના વિદ્યાર્થીઓ એ યુનીવર્સીટીમાં ત્યારે ભણતા હતા. હું એક અમેરીકન ફેમિલી સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. ઘરની ખૂબ યાદ આવતી અને હું વતનથી સ્વજનો અને મિત્રોના પત્રોની કાગડોળે રાહ જોતી રહેતી. કોલેજમાંથી રોજ જેવી હું ઘરે આવતી કે ટપાલ પર તૂટી પડતી, એ જોવા કે, ઈન્ડિયાથી પત્ર આવ્યા છે કે નહીં. આમતેમની જંક ટપાલ, ખાસ કરીને તો ત્યારે તો બિલો પણ મેઈલમાં જ આવતા તોએ બાજુમાં મૂકી, ઈન્ડિયાથી આવેલા કાગળો પર, ભૂખ્યો સિંહ જે રીતે શિકાર પર તરાપ મારે, એમ હું તરાપ મારીને ખોલતી. બર્ફીલી મોસમમાં આ પત્રો વતનથી માતા-પિતાની, સ્વજનોની તથા સહુ મિત્રોની હૂંફ અને ગરમાવો લઈને આવતા. એ બધા જ પત્રો હું અનેકવાર વાંચતી અને આંખોમાંના ભીના વાદળો ક્યારે ચુઈ પડતા, ને, ક્યારે ઘરઝૂરાપો આંસુ બનીને વહેવા માંડતો એનું ભાન ન રહેતું.

આજે એ પત્રની યાદ આવતાં જ, સુધાંશુનો ૧૯૭૦નો એ કાગળ ફરી વાંચવાનું મન થયું. હું ઊભી થઈ અને મારા જૂના પત્રોની ફાઈલોનો બોક્સ કાઢ્યો. અમે ભારતથી અમેરિકા મુવ થયાં હતાં ત્યારે અમારા ભણતરના સર્ટિફીકેટસ અને કામના અન્ય કાગળોની ફાઈલો સાથે લેતાં આવ્યાં હતાં.

અમેરિકા આવ્યાં પછી,  મારા પતિદેવે, માનો કે ન માનો, મારા અને એમના સર્ટિફિકેટ્સ, અને જૂના પત્રો, કાગળો, વરસ પ્રમાણે ફાઈલ કરીને મૂક્યા હતા.

મેં ૧૯૭૦ની ફાઈલ કાઢી અને ધેર ઈટ વોઝ! હું સુધાંશુનો, એ, થોડો જર્જરીત થયેલો અને કિનારીમાંથી ફાટી ગયેલો કાગળ, ભીની આંખે ન જાણે કેટલી વાર સુધી જોતી રહી. નોસ્ટાલજિયામાં, હું ભાવવિભોર થઈને બેઠી જ રહેત પણ આજે એ પત્ર વાંચવાની તાલાવેલી એટલી બધી હતી કે, આંખો લૂછી, મેં એ કાગળ વાંચવાનું શરુ કર્યું.

સુધાંશુએ એ પત્રમાં લખ્યું હતુંઃ –

“તને યાદ છે, જયુ, આપણા એલિમેન્ટરી સ્કૂલના શાહસર અને પ્રજાપતિસર? બધાં જ વિદ્યાર્થીઓમાં અને વિદ્યાર્થીઓના માતા-પિતામાં કેટલા પ્રિય હતા ને કેટલું માન હતું એ બેઉ સરનું? તું નહીં માને, પણ અહીં તો, આજે, કોઈ એ બેઉને ધિક્કારે છે તો કોઈ કહે છે કે, “છી, આવા શિક્ષકો આપણા બાળકોને ભણાવતાં હતાં? સારું થયું કે હવે રીટાયર્ડ થઈ ગયા છે, નહીં તો કેટલી ખરાબ અસર વિદ્યાર્થીઓ પર પડત?” કોઈ વળી કહે છે કે શાહસરની પત્નીનો ઈલાજ જાણી જોઈને બરાબર થયો નહોતો જેથી પત્નીના નામનો કાંટો જ નીકળી જાય! સાચું ખોટું તો ખબર નથી પણ શાહસરની પત્ની છેલ્લા બે વરસથી ખૂબ જ બિમાર રહેતા હતા. ગયા ડિસેમ્બર મહિનાના પહેલા વીકમાં જ એ ગુજરી ગયા હતા., બે મહિના થશે એમના મૃત્યુને. શાહસરની એક જ દિકરી છે જે લગ્ન પછી, છેલ્લા ૪ વર્ષોથી ન્યુયોર્ક રહે છે, એ પણ માતાના મૃત્યુ પછી, અહીં મહીનો રહીને પાછી જતી રહી.

બે અઠવાડિયા પહેલાં જ ખબર પડી કે શાહસર પોતાનું ઘર ભાડે આપી પ્રજાપતિસરની સાથે રહેવા જતા રહ્યાં છે. પ્રજાપતિ સર તો સીંગલ જ હતાં. કોઈ કહે છે કે પ્રજાપતિસર અને શાહસર કોલેજકાળથી મિત્ર હતાં પણ પ્રજાપતિસરને શાહસર રોમેન્ટીકલી ગમતાં હતાં. પ્રજાપતિસર પોતે ગે છે. આથી જ એ પોતે પરણ્યા પણ નહીં અને શાહસરની પાસે જ અને સાથે જ કામ કરતાં રહ્યાં. હવે આ ઉમરે, શાહસર એમના આશિક સાથે ખુલ્લમખુલ્લા રહેવા જતા રહ્યા છે.

કોને ખબર, મને આ બધી ઊડતી વાતો સાંભળી ખૂબ જ ખરાબ લાગ્યા કરતું હતું. મારા ને તારા જેવા કેટલા બધા સ્ટુડન્ટસ એમને ‘આઈડીયલાઈઝડ’ કરતાં હતાં, યાદ છે ને? મેં નક્કી કરી લીધું કે મારે જાતે જ જઈને સરને મળવું જોઈએ ને, હું ગયા અઠવાડિયે એમને મળવા ગયો. બેઉ ઘરે હતાં. એમણે મને પ્રેમથી આવકાર્યો. હું એમની પત્નીના ફ્યુનરલમાં પણ ગયો હતો. મેં એમને પૂછ્યું, “સર, તમારી તબિયત હવે કેમ છે? આન્ટીની કમી બહુ વર્તાતી હશેને?” એટલીવારમાં પ્રજાપતિસર ચા બનાવીને લઈ આવ્યા. ચા પીતાં મેં તો પૂછી જ લીધું, “સર, શું થયું છે? લોકો કેવી કેવી વાતો કરે છે? કહે છે કે તમે અને પ્રજાપતિસર…!” શાહસર હસીને, હાથ ઊંચો કરી, મને બોલતાં રોકીને બોલ્યાં, “દીકરા, મને નથી ખબર કે કોણ શું બોલે છે અને સાચું કહું તો મારે જાણવુંયે નથી! બોલ, તારે જાણવું શું છે બેટા? કોઈ સંકોચ રાખ્યા વિના પૂછ.”

બે ઘડી માટે સદંતર મૌન. મને ખબર જ ન પડી કે હું શું પૂછું અને કઈ રીતે પૂછું. છેલ્લે, મેં હિંમતથી પૂછી જ નાંખ્યું, “સર, તમે બેઉ કપલ તરીકે સાથે રહો છો?” એમણે હસીને મને જે calm and composed જવાબ આપ્યો તે ખરેખર, અમેઝીંગ હતો. શાહસર નિર્દોષ હાસ્ય સાથે બોલ્યા, “મારા તરફ પ્રજાપતિને આકર્ષણ હતું એ વાત અમારા કોલેજ કાળથી માંડી, આજ સુધી, ન તો એણે મારાથી છુપાવી ક્યારેય અને ન તો મેં મારી પત્નીથી કે દિકરી મોટી થઈ ગઈ પછી એનાથી પણ છુપાવી. હું સજાતીય સંબંધોનો હિમાયતી નથી મને સજાતીય આકર્ષણ પણ નથી.           

મને આજે પણ મિત્ર તરીકે પ્રજાપતિ માટે ખૂબ જ ભાવ છે અને હંમેશાં જ રહેશે. એ મને ચાહે છે પણ કદીયે ન તો એણે અજુગતું વર્તન કર્યું છે કે ન તો લાગણીઓનું વરવું પ્રદર્શન કર્યું છે! He has been nothing but very graceful and discreet throughout the life.

આ બધું હું કે એ, કેટલા મહાન છીએ, એનું ડિંડિમ વગાડવા નથી કહેતો પણ જે હકીકત છે, એ જ તને જ કહી રહ્યો છું. હવે એને મારા તરફ સજાતીય પ્રેમ છે તો છે, એય કરે તો શું કરે? ને, એણે કર્યું શું છે, પ્રેમ જ કર્યો છે ને? ચોરી નથી કરી, ધિક્કાર નથી રાખ્યો કે હિંસા નથી કરી. બેટા, રાધાના સ્વરુપે હોય કે મીરાંના સ્વરુપે હોય, કે રુકમણિના રુપમાં હોય, પ્રેમ તો દરેક રૂપમાં ફક્ત પ્રેમ જ હોય છે. તો શું થઈ ગયું કે પ્રજાપતિનો મારા માટેનો પ્રેમ દુનિયાના સ્વીકૃત બંધનોમાં માપસર ફીટ નથી થતો?”

હું અવાચક રહીને સાંભળ્યા કરતો હતો. એક ઊંડો શ્વાસ લઈને ખૂબ જ નેકી ભરેલી નજર- જે નજરને હું કદીયે નહીં ભૂલું – એ નજરથી મને જોઈને કહ્યું, “કદાચ તને શું, કોઈનેય ખબર નથી આજ સુધી, કે હું શા માટે અહીં રહેવા આવ્યો. બેટા, મારી પત્નીની માંદગી લંબાતી જતી હતી. મૃત્યુના ચાર દિવસ પહેલાં, મારી પત્નીએ પ્રજાપતિ પાસેથી વચન માગ્યું હતું કે જો એને કઈંક થઈ જાય તો પ્રજાપતિએ મને પોતાના ઘરમાં રહેવા લઈ જવો. ન જાણે કેમ પણ એને સાન આવી ગઈ હતી કે આ રોગ એનો જીવ લઈને જ જશે! ને, જો એને કઈંક થઈ ગયું તો એની યાદોમાં ઘેરાયેલો હું, એકલો, આ ઘરમાં હિજરાતો રહીશ. બેટા, એક અદભૂત જિંદગી મેં અને મારી પત્નીએ સાથે ગુજારી હતી. મારી પત્ની એના છેલ્લા શ્વાસ સુધી મારી જ ચિંતા કરતી રહી કે એના ગયા પછી હું કેવી રીતે એકલો જીવી શકીશ. આ જ કારણસર એ પ્રજાપતિને છેલ્લા દિવસ સુધી સમ આપીને મારી જ ભલામણ કરતી રહી કે એને કંઈ થઈ જાય તો પ્રજાપતિએ મને એના ઘેર લઈ જવો..! એને ખબર હતી કે મારી દીકરીના ઘરે હું અમેરિકા રહેવા નહીં જાઉં. બસ, આટલી જ વાત હતી કે મારી પત્નીની છેલ્લી ઈચ્છાને માન આપવા હું અહીં રહેવા આવી ગયો!”

ચા પીવાઈ ગઈ હતી અને બાકીની વાતો એમણે દિલ ખોલીને કરી, “હવે અમે બેઉ મિત્રો સાથે રહીએ છીએ અને ભૂતકાળની વાતોમાં અથવા તો વર્તમાનની બીનાઓમાં મન પરોવીએ છીએ. વિજ્ઞાન, રાજકરણ અને સાહિત્યની ચર્ચા કરીએ છીએ. ક્યારેક નાટક, સિનેમા જોવા પ્રજાપતિ મને આગ્રહ કરીને લઈ પણ જાય છે. અમે આનંદમાં રહીએ છીએ. મને તો એ જ સમજણ નથી પડતી કે એકલા થઈ ગયા પછી આનંદમાં રહેવું શું પાપ કે ગુનો છે?”

પ્રજાપતિસરે શાહસરને કહ્યું “તું દુઃખી કેમ થાય છે? સત્ય તને ખબર છે, મને ખબર છે.”

શાહસર હસીને બોલ્યા, “મને તો ભાઈ, તારા માટે અપાર દુઃખ થાય છે. તને હું તારી રીતે ન મળ્યો ને તે છતાં બધાએ તારા પર અપવાદ મૂક્યો!”

પ્રજાપતિસર હજુ કંઈ બોલે એ પહેલાં મેં પુછ્યું, “પણ સર, આ બધી વાતોની લોકોને ખબર કેવી રીતે પડી?”

એમણે બાળસહજ નિખાલસતાથી કહ્યું, “તારા જેવા જ બે ચાર વિદ્યાર્થીઓ મળવા આવ્યા હતા ભાઈ. એમણે મને પૂછ્યું કે મેં મારી પત્નીની યાદોથી ભરેલું ઘર છોડી અહીં આવીને રહેવાનો નિર્ણય કેમ લીધો તો મેં તને જેમ સત્ય કહ્યું, એ જ એમને પણ કહ્યું. કદાચ એમાંથી કંઈ ડખો થયો હોય તો કોણ જાણે!”

મારાથી રહેવાયું નહીં, ને, મેં તો એમને કહી દીધું “સર, બધાયને સાચું કહેવાની જરુર શું હતી?”

એમનો આપેલો જવાબ તો સાચે જ, હું જિંદગી આખી નહીં ભૂલીશ, “બેટા, સહુ વિદ્યાર્થીઓને જિંદગી આખી અમે ભણાવતાં રહ્યાં કે સાચું બોલો, સત્યને સામા મોઢે અપનાવો. ને, આજે, જ્યારે જિંદગી અમારી પરીક્ષા લે છે ત્યારે હવે ચોરી કરીને કે ખોટું બોલીને પાસ થવું, એ, ન તો મારાથી થશે કે ન તો પ્રજાપતિથી થશે. આજે કઈં પણ વાંક, ગુના કે ખોટું કર્યા વિના, ખાલી સમાજના ડરે, હું જૂઠું બોલું કારણ કે મને પ્રજાપતિ કેમ આ રીતે ચાહે છે અથવા તો સમાજના ડાયરામાં ફીટ ન બેસે એવો અમારો આ કેવો સંબંધ છે, કે, જેનો અમારી કોઈ પાસે જવાબ નથી? બેટા, જેમ જિંદગીની પાસે દરેક સવાલોના જવાબ નથી હોતા તેમ જ માણસ પાસે દરેક સંબંધોના નામ પણ નથી હોતા!”

પછી તો, અહીંની અને ત્યાંની વાતો કરીને, મેં એમની રજા લીધી. બહાર નીકળ્યો એમના ઘરેથી પણ એ એમનું છેલ્લું વાક્ય, ”જેમ જિંદગીની પાસે દરેક સવાલોના જવાબ નથી હોતા તેમ જ માણસ પાસે દરેક સંબંધોના નામ પણ નથી હોતા!”-  મારા મનમાં ઘર કરી ગયું. પણ, કોણ જાણે કેમ, જયુ, સરના આ છેલ્લા વાક્યની સાથે સરની સહુ વાતો સાંભળીને, મને તારી ખૂબ જ યાદ આવી ગઈ. તું હંમેશા દરેક સંબંધમાં ક્લેરીટી રાખવી પસંદ કરે છે અને શાહસરે પણ આટલી જ ક્લેરીટીથી એમના સંબંધની બધી વાતો કરી. જો તો ખરી, એમની વાતો લખવામાં, મેં પણ આટલો લાંબો પત્ર લખી પણ નાખ્યો! આશા છે કે તું મજામાં હોઈશ. કાગળ લખજે.. અને, તે પણ, સમયસર.. સમજીને? તારી “લા…લા.. લેન્ડ..”માં ખોવાઈ ન જતી…! અને અહીંનું કોઈ પણ કામ હોય તો મૂંઝાયા વિના લખજે. આવજે.”

મેં વિચાર કરતાં કરતાં, પત્ર પાછો, ૧૯૭૦ની એ ફાઈલમાં મૂક્યો. શાહસરનું એ ભૂલાઈ ગયેલું વાક્ય, આ પત્ર વાંચ્યા પછી, મારા અંતર-મન પર છપાઈ ચૂક્યું હતુંઃ “જેમ જિંદગીની પાસે દરેક સવાલોના જવાબ નથી હોતા તેમ જ માણસ પાસે દરેક સંબંધોના નામ પણ નથી હોતા!”

રેડિયો પર “નાનક” રસમલાઈની એડ આવી રહી હતી. “ખામોશી”નું ગીત તો ક્યારનુંય પૂરું થઈ ગયું હતું.  ઘરમાં કોઈ નહોતું આથી જ કદાચ મૂંઝાયા વિના બેસૂરા અવાજે મેં ગણગણવાનું શરુ કર્યું

“હમને દેખી હૈં, ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ, હાથસે છુકે ઉસે રિશ્તોંકા ઈલ્ઝામ ન દો!
સિર્ફ અહેસાસ હૈ યે, રુહસે મહેસૂસ કરો, પ્યારકો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો!”

અને ગણગણતાં, પત્રવાળી ફાઈલ બોક્સમાં મૂકી, બોક્સ પાછો ક્લોઝેટમાં મૂકી, ક્લોઝેટ બંધ કરી દીધો.


સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.