સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

માતૃભાષામાં શિક્ષણ બાબતે શિક્ષણશાસ્ત્રીઓ કે શિક્ષણના નીતિ નિર્ધારકોમાં કોઇ બેમત નથી. ગુરુદેવ ટાગોર, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ પણ માતૃભાષામાં શિક્ષણના હિમાયતી હતા. આઝાદીના આરંભ કાળે દેશની શિક્ષણનીતિ ઘડવામાં જેમનું મોટું પ્રદાન હતું તે શ્રી જે પી નાયકે દેશની અગ્રણી શાળાઓમાં અંગ્રેજી ભાષાનાં પ્રભુત્વને શિક્ષણમાં ભયંકર વિરોધાભાસ તરીકે જોયેલું. કોઠારી કમિશન (1964-66) ના સભ્ય-સચિવ તરીકે તેમણે ત્રિભાષી (હિ‌‌ન્દી, અંગ્રેજી અને માતૃભાષા)ફોર્મુલ્યાના ગંભીરતાપૂર્વક અમલનો આગ્રહ રાખેલો. શાળામાં માતૃભાષાને પ્રાથમિકતા અને મહત્વને તેમણે શિક્ષણનો એક પવિત્ર મંત્ર ગણેલો. આમ છતાં કરુણતા તો એ છે કે ગુજરાતમાં અને કદાચ દેશભરમાં વધુ ને વધુ અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલતી જાય છે અને માતૃભાષામાં શિક્ષણ આપતી શાળાઓ બંધ થતી જાય છે. વાલીઓની એક આખી પેઢી આવી ગઈ છે કે જે પરિણામની દરકાર કર્યા વિના પોતાનાં બાળકોને કહેવાતી અંગ્રેજી માધ્યમની શળાઓમાં ભણાવવા હઠાગ્રહી બની છે.

વાલીઓ એવી આશા અને ખોટી ધારણા સાથે પોતાનાં બાળકોને અગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરે છે કે પોતાનું બાળક કડક્ડાટ અંગ્રેજી બોલતું થાય અને અંગ્રેજી ભાષા પર તેનો કાબૂ આવ્યેથી તેની ઉજ્જવળ કારકીર્દિ બને. એમની આ ધારણા સાચી હોય તો પણ એટલી બધી અંગ્રેજી માધ્યમની ખનગી શાળાઓ ફૂટી નીકળી છે કે અંગ્રેજીનો ઉપયોગ કરીને ભણાવી  શકે તેવા પૂરતા શિક્ષકો મળી જ ન શકે. આ ઉપરાંત ખાનગી શાળાઓમાં પગારનું ધોરણ એટલું નીચું હોય છે કે હોંશિયાર શિક્ષકો આવી શાળામાં કામ કરવું પસંદ કરે જ નહિ. પરિણામે જૂજ શાળાઓને બાદ કરતા મોટાભાગની શાળાઓમાં અંગ્રેજી માધ્યમ માત્ર ચોપડે જ છે. ઘણીખરી શાળાઓમાં અંગ્રેજી ભાષા પાઠ્યપુસ્તકો અને પરીક્ષા પૂરતી જ મર્યાદિત હોય છે. શિક્ષકો તો ભણાવવા માટે માતૃભષા કે હિ‌ન્દીનો જ આશરો લેતા હોય છે. મેં એવા  ગુજરાતી ભાષી માબાપ જોયા છે કે જે પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમની શાળામા મૂકવાની પૂર્વતૈયારી રૂપે એક વર્ષનાં બળકને ગુજરાતીને બદલે હિ‌ન્દીમાં બોલતા શીખવે છે! એવો અનુભવ પણ છે કે અમદાવાદ જેવા મોટાં શહેરમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને પૂછાયેલા સવાલનો જવાબ તેઓ હિ‌ન્દીમાં આપે છે. આમ બાળકો નથી બરાબર અંગ્રેજી શીખી શકતા   કે નથી માતૃભાષા બરાબર આવડતી. તેમને તો બાવાનાં બેઉ બગડે છે. ઘણાખરાં વાલીઓને આ પરિસ્થિતિનો ખ્યાલ નથી અથવા તો તેઓ આ બાબતે બેદરકાર છે.

આપણો મધ્યમ વર્ગ અને ઉપલો મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીન હોય તો પછી આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગનું તો પૂછવુ જ શુ? આ પછાત વર્ગના લોકો એમ માને છે કે ઉપલા વર્ગના લોકો અંગ્રેજી ભાષા જાણવાને કારણે સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. આ ભ્રામક માન્યતાથી દોરવાઈને તેઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવા લાગ્યા છે. પોતાની જેમ પોતાના સંતાનોને હાડમારીભરી   જિંદગી જીવવી  ન પડે એ આશાએ તેઓ ઓછી આવક છતાં મફત શિક્ષણ ઉપરાંત અન્ય લાભો આપતી સરકારી શાળા છોડીને અંગ્રેજી માધ્યમની શાળામાં કમરતોડ મોંઘી ફી ભરે છે.

પરંતુ હવે CBSE (સે‌ન્ટ્રલ બોર્ડ ઓફ સેક‌ન્ડરી એજ્યુકેશન)ને પ્રાથમિક શાળાના શરૂઆતનાં વર્ષોમાં અંગ્રેજી માધ્યમ બાબતે પુનર્વિચારણા કરવાની જરૂર જણાઇ છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર(Circular No: Acad-30/2025 Date: 22.05.2025)માં શાળાઓમાં પ્રાથમિક (પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 5)નાં માધ્યમ તરીકે માતૃભાષા અથવા પરિચિત સ્થાનિક ભાષા (Regional language) ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. મતલબ કે પ્રાથમિક શાળાના શરૂઆતનાં વર્ષોમાં શિક્ષણ માતૃભાષામાં આપવું. આ પરિપત્રના અમલમાં CBSE સફળ થશે તો શિક્ષણમાં ધરખમ ફેરફર થયો કહેવાશે. માત્ર એટલું જ નહિ ભવિષ્યના શિક્ષણકારો નવાઈ પામશે કે માતૃભાષામાં શિક્ષણ આપવાની આટલી સહેલી વાત વર્ષો સુધી કેમ કોઇનાં ધ્યાનમાં ન આવી!

જો કે CBSE રાજ્યોનાં શિક્ષણ બોર્ડોનાં પ્રમાણમાં ઘણું જ નાનું બોર્ડ છે, પરંતુ શિક્ષણ જગતમાં તેનો એક દરજ્જો  છે તેમજ વ્યાપક પ્રભાવ  છે. એમ કહી શકાય કે રાજ્ય શિક્ષણ બોર્ડો તેને અનુસરવા પ્રેરાય છે ને કેટલાક રાજ્ય શિક્ષણ બોર્ડે પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી છે. પરંતુ હવે CBSE ના પરિપત્ર મુજબ -ભલે શરુઆતના વર્ષોમાં- શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીની જગ્યાએ માતૃભાષા રાખવાની નીતિને બધા જ રાજ્યબોર્ડ અનુસરશે તો શિક્ષણમાં સાચી દિશાનાં પરિવર્તનનો સોનેરી સૂરજ ઉગશે.

આગળ આપણે જેમનો ઉલ્લેખ કર્યો તે જે પી નાયક( જયંત પાંડુરંગ નાયક 1907થી 1981) આપણી આઝાદીના લડવૈયા, મોટા વિદ્વાન ઉપરાંત શિક્ષણકાર પણ હતા. તેમનાં પુસ્તક-A Students’ History Of Education In India:-(જે તેમના અવસાન પછી પ્રગટ થયું હતું)માં તેમણે ખેદ વ્યક્ત કરેલો કે ત્રિભાષી ફોર્મ્યુલાનો અમલ ઢંગધડા વિના કરવામાં આવ્યો છે તો ક્યાંક સાવ કોરાણે મૂકાયો છે.

રાજ્ય સરકારોએ કોઠારી કમિશનના અહેવાલને મંજૂરી આપ્યા બાદ ત્રિભાષી ફોર્મ્યુલાના અમલ માટે શાળાઓ પર કડક પરિપત્રો પાઠવ્યા. પરંતુ એ શાળાઓ પર આ પરિપત્રની ભાગ્યે જ અસર થઈ. કોઈ દૃઢ થયેલી પ્રણાલિકાઓ માટે આવા પરિપત્રો કારગત નીવડતા નથી. ખરેખર તો સમાજમાં આ બાબતે સભાનતા કેળવવાના પ્રયાસો જ પરિણામલક્ષી બનતા હોય છે.

આગળ વધવા માટે અંગ્રેજી માધ્યમાં ભણવું જોઇએ એ ધારણા ખોટી હોવા છતાં સમાજે લગભગ સ્વીકારી લીધી છે. આની સામે(કદાચ રાજકીય હેતુથી) એવું પણ કહેવામાં આવે છે કે આપણને ગુલામીમાં વારસા રૂપે મળેલી અંગ્રેજીથી છેડો ફાડીને તેની જગ્યાએ સ્વદેશી ભાષાને મહત્વ આપવું જોઈએ. પરંતુ આ વાતમાં હજારો વર્ષોથી વંચિત જૂથોને દમ લાગતો નથી. તેમને તો એમ જ લાગે છે કે સમાજના પ્રભાવશાળી વર્ગનાં બળકો તેમજ નેતાઓ અંગ્રેજી ભાષાથી ખાટી ગયા છે. આથી એક ધારણા બંધાઇ છે કે શરૂઆતના ધોરણોમાં જો અંગ્રેજી શીખવવામા આવે તો જ અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવી શકાય. બધા જ વિષયો અંગ્રેજીમાં ભણાવીને આગળ પડતી શાળાઓ (મોટાભાગની CBSE શાળાઓ‌‌‌)એ આ ધારણાને મજબૂત બનાવી છે. પરિણામે દેશમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ- ખાસ કરીને જે રાજ્યનું સંચાલન કાંઇક અંશે નબળું છે એવા ઉત્તર ભારતના રાજ્યોમાં- વધવા લાગી.

વર્ષો પહેલાની વાત છે કે દિલ્હીની એક કે‌ન્દ્રીય વિદ્યાલયનાં પહેલાં ધોરણનાં બાળકો અઠવાડિયાના સાત વારના નામ હિ‌ન્દીમાં બોલી શકતા ન હતા. આટલી નાની વયે બાળકોને માત્ર અંગ્રેજી જ આવડે એવી ઇચ્છા કોઇની પણ થોડી હોય?   પરંતુ સમાજના એક ચોક્કસ વલણે આ સ્થિતિ ઊભી કરી છે.

CBSE દ્વારા માતૃભાષાની હિમાયત તેની મૌલિક વિચારણાની પેદાશ નથી. એણે તો નવી શિક્ષણ નીતિ સાથે સુસંગત રહેવા માટે જ લીધેલો નિર્ણય છે. એક રીતે તે માત્ર કર્મકાંડ જ છે. આમ છતાં આ નિર્ણય આવકાર્ય તો છે જ. જો કે તેનો અમલ કરવા માટે મોટી તૈયારી અને મહેનતની જરૂર તો પડવાની.

એવો સવાલ તો થશે જ કે તો પછી અંગ્રેજી ભાષાનું શું કરવું? ચોક્કસ, અંગ્રેજી ભાષાનું જ્ઞાન આવશ્યક છે જ. એન્જિનિયરિંગ, મેડીકલના કે એ પ્રકારની વિદ્યાશાખામાં જ્યાં અંગ્રેજી ભાષામાં જ શીખવું પડે છે  ત્યાં  વિદ્યાર્થીઓને      અંગ્રેજી જાણવું જરૂરી છે જ ઉપરાંત સાહિત્ય સહિત કોઈપણ વિષયનો ઊંડો અભ્યાસ અંગ્રેજી વિના ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ માટે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમ હોવું જરૂરી નથી ઉલ્ટાનું બળકો અને વાલીઓ માટે એક મોટો બોજ બની રહે છે. એક ભાષા તરીકે અંગ્રેજીનું મહત્વ સ્વીકારીએ, પરંતુ ભાષાનું શિક્ષણ અન્ય વિષયો કરતા જરા અલગ છે. નાની વયનાં બાળકોને અપાતાં ભાષાશિક્ષણમાં સુધારો કરવો હોય તો પ્રચલિત માન્યતા અને પ્રાથમિકતાઓથી આગળ જઈને વિચારવું પડશે. બાળપણમાં ભાષા શીખવી એ બૌધિક વિકાસનું એક પાસું છે અને તેને માટે દૃષ્ટિવંત શિક્ષક અને કેટલાક વધારાના સંસાધનોની પણ જરૂર પડે છે. જે તે ભાષા શીખવા માટે એક પર્યાવરણ ઊભું કરવું પડે. સંગીત, નાટક અને અન્ય લલિત અભિવ્યક્તિના માધ્યમો પણ બાળકની ક્ષમતામાં વધારો કરે છે. આ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે બહુભાષી વર્ગખંડ જ યોગ્ય છે. પરંતુ આજની શિક્ષણ પ્રણાલી ભાષાને એક ઇતિહાસ, ભૂગોળ જેવા એક વિષય તરીકે જ માને છે એટલું જ નહિ એમ પણ માને છે કે બાળકોને પરીક્ષામાં સફળતા મળે એટલે ભયોભયો.

પરીક્ષાલક્ષી આ વલણ તાજેતરમાં વધુ ને વધુ વણસતું જાય છે. માનો કે કોઈ શિક્ષક આ વલણને બાજુ પર મૂકીને યોગ્ય રીતે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી કરે તો તે તેમ કરી શકે એમ પણ નથી. ખાનગી શાળાઓ અને શિક્ષણ પ્રણાલિકા પોતે પણ શિક્ષકને સ્વાયત રીતે કામ કરવા દે તેમ નથી. કેં‌‌ન્દ્રીય વિદ્યાલયોમાં તો દરેક અઠવાડિયામાં દરેક વિષયમાં દરેક ભાગને શીખવવા માટે દેશ આખામાં એકસરખું સમયપત્રક હોય છે. જો કે આ સમયપત્રકનું ચૂસ્ત રીતે પાલન કરી શકાતું નથી અને એ વ્યવહારમાં શકય પણ નથી. તો પણ આ પ્રથા શિક્ષકને અભ્યાસક્રમ અથવા પાઠયપુસ્તકના દરેક ભાગને અન્ય શિક્ષકોની ઝડપે જ પૂર્ણ કરવાની ફરજ પાડે છે. ખાનગી શાળાઓમાં પણ આ જ સ્થિતિ છે. આવી વ્યવસ્થામાં શિક્ષકોને પોતાની ગતિથી અભ્યાસક્રમના ધ્યેયો પૂરા કરવા માટે બહુ ઓછી મોકળાશ છે.

ભાષા તરીકે અંગ્રેજી શીખવાને આવકારીને મૂળ વાત પર આવીએ તો માતૃભાષામાં શિક્ષણની એક પરિણામલક્ષી ઝૂંબેશ ઉપાડવાની તાતી જરૂરિયાત છે. આ ઝૂંબેશની સફળતામાં શિક્ષણનું અને સમાજનું હિત તો છે જ, ઉપરાંત બાળકોના માથેથી એક મોટો બોજ ઉતરતા બાળકોને બાળપણ માણવા મળશે. સૌથી મોટી વાત એ છે કે શિક્ષણને નામે વાલીઓનું શોષણ થતું અટકશે અને ખાસ કરીને મધ્યમ વર્ગનું અનુકરણ કરતા આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગને બહુ મોટી રાહત થશે.

(આ લેખ માટે નેશનલ કાઉ‌ન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ   એ‌ન્ડ ટ્રે‌નિંગ-NCERT-ના ભૂતપૂર્વ ડાયરેક્ટર તથા ભાષા શિક્ષક -ખાસ કરીને બાળકોની ભાષાના- શ્રી‌ ક્રીષ્ન કુમારના ૨૮ જૂન ૨૦૨૫ ના ઈન્ડીયન એક્ષ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલા લેખનો આધાર લેવામાં આવ્યો છે. શ્રી ક્રિષ્ન કુમારનો पढ़नाजरा सोचना[1] નામનો શૈક્ષણિક લેખોનો એક સંગ્રહ પણ હિ‌ન્દી ભાષામાં પ્રકાશિત થયો છે.)


[1] पढ़ना, जरा सोचना


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.