ગયા અંકમાં આપણે ડૉ જયંત મહેતાનઈ કિશોરાવસ્થા અને કૉલેજ કાળની યાદો સાથે પરિચય કર્યો.

હવે આગળ…


લગ્નના બજારમાં:

૧૯૬૫ના અરસામાં ડાકોરનો સમાજ રૂઢિચુસ્ત હતો. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજમાં દીકરા-દીકરીનાં લગ્ન બ્રાહ્મણ પરિવારમાં જ થતાં અને બૃહદ અંશે વડીલોની ઇચ્છા મુજબ થતાં. વર્ણ વ્યવસ્થા ઉપરાંત પેટા જાતિ પણ પ્રચલિત હતી. એટલે ત્રિવેદી બ્રાહ્મણોમાં પણ ‘તડ’ પેટા જાતિ હતી. મારા વડીલ બંધુનો વિવાહ તેમની સંમતિ વિના જ થયો હતો. મારા લગ્ન અંગે મારે બે-ત્રણ ઉમેદવારમાંથી એક નક્કી કરીને પિતાજીને જાણ કરવી એવું નક્કી થયેલું. પરંતુ ભાવી જીવનસાથીને મળવા જતાં ગામમાં અફવા ફેલાતી કે ફલાણાનો વિવાહ નક્કી થયો છે. મારો મિત્ર હરીશ, આ પરિસ્થિતિને કુંભારના ‘માટલાં બજાર’ સાથે સરખાવતો. “મોટાભાગના માટલાં તો ટકોરા મારવા જતાં જ તરડાઈ જાય છે!” આ વિધાનનો મને કરુણ અનુભવ થયો. જ્યારે કોઈ કન્યા માટે વિવાહનું માગું આવે અને અફવા ઊડે, ત્યારે એ છોકરીની પ્રતિષ્ઠા જાળવવા હું યથાશક્તિ પ્રયત્ન કરતો. મારા માતા-પિતાના મગજમાં આ વિશે ગેરસમજ થતી. ‘હું ફલાણી છોકરીનો બચાવ કરું છું. એનો અર્થ, કે મને એ કન્યા સાથે વિવાહ મંજૂર છે.’ તેવું તેઓ માની લેતા. મારે ચોખવટ કરવી પડતી. સામાજિક દબાણ હેઠળ મારા પિતાશ્રીનો એવો આગ્રહ કે મારે બનતી ત્વરાએ વિવાહ માટે કોઈ છોકરી પસંદ કરી લેવી. જ્ઞાતિ બહારની કોઈ છોકરી સાથે સગાઈ અને તે પછી લગ્ન થાય તેવી શક્યતા માટે એમણે મને કોઈ અવકાશ આપ્યો જ નહીં. લગ્ન તો જ્ઞાતિમાં અને તે પણ પેટા જ્ઞાતિ (તડ) મુજબ થવા જોઈએ તેવો તેમનો આગ્રહ. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણનો છોકરો, નાગર બ્રાહ્મણ કે તપોધન બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કરી શકે નહીં તેવો ચુસ્ત નિયમ! આવા સંજોગોમાં મારે માટે નિર્ણય લેવાનું શક્ય ન હતું.

એક દિવસ મારી હોસ્ટેલમાં હું વાંચનમાં મગ્ન હતો, ત્યારે બારણે ટકોરા પડ્યા. હોસ્ટેલનો પટાવાળો સંદેશો લાવ્યો કે ડૉક્ટર સી. જે. શાહ સાહેબ (રેક્ટર) મને મળવા માંગે છે. એમનું રહેઠાણ અમારી હોસ્ટેલના ત્રીજા માળે હતું. સાહેબે મને કેમ બોલાવ્યો તે મને સમજાયું નહીં. મારી કંઈક ભૂલ થઈ હશે? મને વિચાર આવ્યો. હું રાત્રે મોડે સુધી વાંચતો, એટલે બીજા કોઈ વિદ્યાર્થીએ ફરિયાદ કરી હશે? આવા બધા વિચારો સાથે હું શાહ સાહેબના રહેઠાણે પહોંચ્યો. શાહ સાહેબે મને અંદર બોલાવીને પેંડા ભરેલી વાડકી આપીને કહ્યું, “જયંત, આ પેંડા તારે માટે છે. અભિનંદન!” મને ખૂબ નવાઈ લાગી. “શેના પેંડા છે?” મેં નમ્રતાથી પૂછ્યું. “હું ડાકોર દ્વારકાધીશનાં દર્શનાર્થે ગયો હતો. ત્યાં મંદિરમાં જ તારા પિતાશ્રી મળ્યા. એમણે સંદેશો કહેવડાવ્યો છે કે તારા વિવાહ થઈ ગયા છે. છોકરીનું નામ છે મીનાક્ષી.” (શાહ સાહેબે આ સગાઈના શુભ સમાચાર રૂપે પેંડા ખરીદ્યા અને મને ભેટ ધર્યા.) મારે માટે આ સમાચાર આનંદ કરતાં આઘાતના વિશેષ હતા. હું મીનાક્ષીને ઓળખતો હતો અને જીવનસાથી માટે મેં એની પસંદગીનો વિચાર કર્યો પણ હતો. પરંતુ હું નિર્ણય લઉં તે પહેલાં જ મારી સગાઈ થઈ ગઈ! આ સંબંધ જે રીતે નક્કી થયો અને મારી સમક્ષ આ બાબતનો સંદેશો જે રીતે પ્રસ્તુત થયો, તેની માઠી અસર મારા અને મીનાક્ષીના ભાવિ ઉપર પડી. અમે પરણી ગયાં, પરંતુ ટકોરા મારતાં પહેલાં જ માટલામાં તિરાડ પડી ગઈ. સંબંધોની મીઠાશ પુનઃ કેળવતાં ઘણો સમય લાગ્યો. મારા ઘરનાં સર્વે સ્નેહીજનો એવું માને છે કે મારું લગ્ન એક પ્રેમલગ્ન છે! આ ઘટનાનું રહસ્યમય સત્ય માત્ર હું જ જાણું છું.

ઇસ્ટ આફ્રિકા

ભારતથી અમેરિકા આવવા તબીબોએ ECFMG નામની પરીક્ષા પાસ કરવાની હોય છે. આ માટેનાં પરીક્ષા કેન્દ્ર પહેલાં ભારતમાં જ હતાં. પરંતુ સરકારે બંધ કરાવ્યાં, એટલે પરદેશમાં જઈને પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ હતી. મેં નૈરોબી કેન્દ્ર ભર્યું. અનિલ અને દિલીપ નામના બે મિત્રોની સહાયથી નૈરોબી (કેન્યા) જવાની વ્યવસ્થા થઈ ગઈ. પરંતુ ત્યાં જવામાં અને ત્યાં પહોંચ્યા પછી અનેક મુશ્કેલીઓ પડી. પૈસાનો અભાવ, ત્યાં રહેવાની વ્યવસ્થાની કેટલીક અગવડ. એટલે મેં નોકરીની તપાસ શરૂ કરી. નૈરોબીમાં હું હરિવદન પટેલને ઘેર રહેતો હતો. આગાખાન હૉસ્પિટલ​માં મને નોકરી તો મળી, પરંતુ હૉસ્પિટલે એક લાખ​ શિલિંગ​ની બાંહેધરી માગી. ડૉક્ટર​ વર્ષ પૂરું કર્યા વિના રાજીનામું આપે, તો હૉસ્પિટલ​ના સ્ટાફને વિશેષ મુશ્કેલી પડે. એટલે એમણે આવો નિયમ બનાવ્યો. ‘નોકરી મળી છે’ તેવો પત્ર (Job offer) લઈને હું હરિવદનભાઈને ઘેર આવ્યો, ત્યારે મારા ચહેરા ઉપર હર્ષ​-શોક મિશ્રિત લાગણી જોઈને તેમણે પ્રશ્ન કર્યો, “જયંત​ભાઈ, શું મુશ્કેલી છે?” મેં એક લાખ શિલિંગની બાંહેધરી (Bank certified Bond or Deposit) ની વાત કરી. હરિવદનભાઈ સાથેનો સંબંધ નવો હતો અને એ મારા કુટુંબી પણ​ ન હતા. છતાં વિના સંકોચે એમણે એક લાખ શિલિંગની બાંહેધરી આપવાનું સ્વીકાર્યું. “તમે ગભરાશો નહીં. હું એક લાખ શિલિંગ બેંકમાં જમા કરાવીશ​ અને હૉસ્પિટલ​ને બાંહેધરી આપીશ.” આ પ્રસંગ અહીં એટલા માટે રજૂ કરું છું કે એમની માનવતા અને નિ:સ્વાર્થ ભાવે મને મદદ કરવાની ભાવના મને સ્પર્શી ગયાં. મેં નૈરોબીમાં નોકરી લેવાને બદલે જિન્જા (Jinja, Uganda)માં નોકરી શોધી કાઢી. કારણ કે એમની સજ્જનતાનો ઉપયોગ કરવાનું મને વાજબી લાગ્યું નહીં.

જિન્જામાં નોકરી શરૂ કર્યા પછી બીજો અસાધારણ પ્રસંગ બન્યો. મીલ્ટન​ ઓબોટેની ગેરહાજરીમાં ઈદી અમીને લશ્કરી બળવો કર્યો અને યુગાન્ડાની સત્તા પોતાને હસ્તક કરી. તે દિવસે હું હૉસ્પિટલ​માં નાઇટ​ ડ્યૂટી કરી રહ્યો હતો. સાંજે છ વાગ્યાનો સમય હતો. હું એક દર્દીને તપાસી રહ્યો હતો. વૉર્ડ​માં લગભગ ૨૦ જેટલા ખાટલા હતા. બધામાં દર્દીઓ હતા. ત્યાં હૉસ્પિટલ​ના બધા ખાટલા ભરેલા જ રહેતા. અચાનક બંદૂક ફૂટ​વાના અવાજ આવ્યા. થોડી ક્ષણો પછી આઠ-દસ સૈનિકોની ટુકડી ‘લેફ્ટ-રાઇટ’ કરતી મારા વૉર્ડમાં આવી. બધા સૈનિકો પાસે બંદૂક હતી. એના વડા ઑફિસરે એની લાન્ગો ભાષામાં એક દર્દીની પૂછતાછ વિશે મને પ્રશ્નો પૂછવા માંડ્યા. મને એની ભાષા સમજાઈ નહીં અને આ ઑફિસર​ ઉતાવળમાં હોય તેવું લાગ્યું. મારા સદભાગ્યે મારી બાજુમાં એક આફ્રિકન નર્સ​ ઊભી હતી. એણે મને જવાબો આપવામાં મદદ કરી. લશ્કરી ઑફિસરે​ બેડ નંબર અને દર્દીનું નામ શોધીને જે દર્દીની તપાસ માટે આવ્યા હતા, તે તરફ પ્રયાણ કર્યું. એ દર્દી ચાદર ઓઢીને ચહેરો સંતાડી સૂતો હતો. અફસરે એની ચાદર ખેંચી કાઢી. બીજા એક સૈનિકને પૂછીને ખાતરી કરી કે આ કહેવાતો દર્દી એ જ વ્યક્તિ છે, જેની શોધમાં તેઓ અહીં આવ્યા હતા. બંદૂકની બે ગોળીઓ ફૂટી. મોટો ધડાકો થયો. મારા વૉર્ડ​માં જ, મારી અને નર્સની હાજરીમાં જ સૈનિકોએ આ વ્યક્તિને હૉસ્પિટલ​ના વૉર્ડ​માં જ ગોળીથી ઠાર કર્યો. પછી જાણે ‘કશું બન્યું જ નથી’ તેમ વર્તીને ‘લેફ્ટ-રાઇટ’ કરતાં વૉર્ડ​ની બહાર નીકળી ગયા. હું, નર્સ અને બીજા દર્દીઓ આ બનાવ જોઈને હબકી ગયાં. લશ્કરી ઑફિસર​ને, દર્દીને બહાર લઈ જવાની કે ન્યાયાધીશની પરવાનગી માગવાની કોઈ જરૂર ન લાગી. દયા, કાયદો, માનવતા બધું ઊડી ગયું. તે દિવસ પછી યુગાન્ડાની સુંદર નોકરી છોડીને અમેરિકા આવવાની તૈયારી શરૂ કરી. જાન્યુઆરી ૧૯૭૨માં હું અમેરિકા આવ્યો.

ભગવાનની કૃપા એટલી કે અમેરિકા આવવાની પરીક્ષા ( ECFMG) હું સમયસર પાસ કરી ચૂક્યો હતો. તેથી ઈદી અમીને લશ્કરી બળવો કર્યો, તે દિવસથી જ મને શંકા હતી કે ભારતીય વંશજ પ્રજા માટે યુગાન્ડામાં પ્રશ્નો ઊભા થશે. મોટી સંખ્યામાં ભારતીય વંશજ પ્રજાને હિજરત કરીને ભારત, ઇંગ્લેન્ડ કે કેનેડા જવું પડ્યું. મોંઘા ઘર યુગાન્ડામાં જ મૂકી દઈ, સાથે થોડું સોનું-ચાંદી લઈને જે ભારત પહોંચ્યાં, તેમને ઍરપૉર્ટ​ ઉપર ખૂબ જ મુશ્કેલી પડી તેવું મેં અમેરિકા આવ્યા પછી જાણ્યું. ભારત સરકારે, યુગાન્ડાથી રાતોરાત છૂટી નીકળેલી પ્રજાને સહાયતા કરવાને બદલે, કસ્ટમના અધિકારીઓએ આ પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું! કેનેડાની સરકારે આ હિજરત કરીને આવેલી પ્રજાને આવકાર આપ્યો અને સહાયતા કરી! આ બધી ઘટનાઓ બની તેના પ્રારંભમાં જ હું અમેરિકા આવી ગયો. પરંતુ મારે માટે પ્રશ્નોની હારમાળા હતી જ. જિન્જા ઉતાવળમાં છોડ્યું, એટલે ગરમ કપડાં કે ઠંડીમાં અનુકૂળ પડે તેવા સાધનો ન હતાં. જાન્યુઆરીની ચોથી તારીખે આવ્યો, ત્યારે શિકાગોમાં ચાર ઇંચ બરફ હતો. સફેદ ચાદર દૂરથી તો સુંદર લાગે, પણ હાથમાં બેગ લઈને ચાલવાનું ખૂબ મુશ્કેલ હતું. મીના સગર્ભા હતી. એટલે એને સાચવવાનું પણ મુશ્કેલ હતું. પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. વિલ્સન​ ઍરપૉર્ટ​ ઉપર આવ્યા હતા. પરંતુ અન્યોન્યને શોધી કાઢતાં ખૂબ મુશ્કેલી પડી. છેવટે અમે હૉસ્પિટલ​ પહોંચ્યાં. જ્યાં રહેવા માટે એક રૂમની વ્યવસ્થા હતી. મીનાને ઊબકા-ઊલટી જેવી ફરિયાદ હતી અને શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ. પહેલા સાત-આઠ દિવસ તો એણે દૂધ અને ફળ-ફળાદિથી જ​ ચલાવી લીધું. શિખાઉ ડૉક્ટર માટે નવા વાતાવરણમાં ગોઠવાઈ જવાનું ખૂબ​ કપરું થઈ પડ્યું. જિન્જા હૉસ્પિટલ​માં તો હું મેડિકલ ઑફિસર​ હતો અને શિકાગોની હૉસ્પિટલ​માં તો કેવળ શિખાઉ (intern) ડૉક્ટર!

શિખાઉ ડૉક્ટરનો પગાર નજીવો અને અઠવાડિયામાં ૬૦-૭૦ કલાકનું કામ! ભારતમાં મિત્રો પાસેથી રૂપિયા અને યુગાન્ડામાંથી ઉછીના લીધેલા શિલિંગ​! માનસિક બોજો પણ હતો જ. નવી સંસ્કૃતિ, નવી રીતભાત! સાતેક મહિના પછી મીનાની પ્રસૂતિનો દિવસ આવ્યો, ત્યારે night call duty પણ મારી જ હતી. એટલે એની સારવારમાં મેં મદદ કરી. અમારાં જીવનમાં પ્રથમ બાળક- દીકરીનો જન્મ થયો! હું અને મીના એટલા બધા થાકી ગયેલાં કે હેતલના આગમનની ઉજવણી કરવાનો ઉમંગ પણ શેષ​ રહ્યો ન હતો. બે-ત્રણ અઠવાડિયા પછી હૉસ્પિટલ​નું બિલ આવ્યું ૩૫૦૦ ડૉલર​​ અને ડૉક્ટરનું બિલ ૩૦૦ ડૉલર​​. ૧૯૭૨ની સાલમાં આ રકમ અમારે માટે બહુ મોટી હતી. હેલ્થ ઇન્સ્યૉરન્સ​ હતો. પણ પ્રેગનન્સી મેં નોકરી શરૂ કરી, તે પહેલાં હતી. એટલે હેલ્થ ઇન્સ્યૉરન્સે ખર્ચો આપવાની મનાઈ કરી. મારી પત્નીની સારવાર મેં કરી હતી, પણ હૉસ્પિટલે​ ડૉક્ટરની સારવારનું બિલ પણ મને જ મોકલ્યું! અગાઉનું દેવું, અણધાર્યો ખર્ચો અને ગાડી ખરીદવાના નાણાંનો અભાવ! આટલી તકલીફ ઓછી હોય તેમ જાણવા મળ્યું કે અમારો પ્રોગ્રામ AMA દ્વારા મંજૂર થયો નહીં. એટલે ઇન્ટર્નશિપ​નું વર્ષ રિપીટ​ કરવું પડ્યું. આ માટે નવી નોકરી છોડીને શિકાગોથી ન્યૂયોર્ક નવી ઇન્ટર્નશિપ​ શરૂ કરવી પડી. મીના અને મારા લગ્નજીવનમાં એક બાળક અને નવો દેશ, નવો વેશ! મીનાને ભરતગૂંથણ અને નવી નવી વાનગી બનાવવાનો શોખ. મારે દિવસના દસ કલાક કામ કરવાનું અને વચ્ચે સમય મળે તો ગુજરાતી અથવા અંગ્રેજી કવિતા વાંચીને મારો માનસિક ત્રાસ હળવો કરવાનો! રથનાં બે પૈડાં સરખાં ન હોય તો કૃષ્ણ ભગવાનને પણ સારથિ થવાનું મુશ્કેલ થઈ જાય. અમે તો સામાન્ય માનવી! આ પ્રારંભની સમસ્યાસભર​ ગાથાઓનું વિગતે વર્ણન કરું તો આખું પુસ્તક લખી શકાય! દર ત્રીજે દિવસે Night duty આવે. જેમાં આખી રાત દર્દીઓની સારવારમાં અથવા પેઇજ​રના જવાબો આપવામાં નિદ્રાદેવી દુર્લભ બની જાય. મીના આદર્શ ગૃહિણી છે; પરંતુ ગુજરાતીમાં M.A.કર્યું હોવા છતાં એને ગુજરાતી સાહિત્યમાં  રુચિ નથી. અહીં આવીને તેણે નર્સિંગનો અભ્યાસ શરૂ કર્યો.

૧૯૭૫-૭૬ માં તાલીમ પૂરી કર્યા પછી ફેફસાંના રોગના નિષ્ણાત તરીકે પ્રાઇવેટ પ્રૅક્ટિસ​ પ્રારંભ કરવાની અનેક તકો હતી. પરંતુ મારી બાની ટી.બી.ની બીમારી જોયા પછી મેં ટી.બી. ના નિષ્ણાત પણ થવું તેવો નિર્ણય કરેલો. એટલે એક વર્ષની વિશેષ તાલીમમાં ટી.બી. વિષય સાથે રિસર્ચ​ ફેલોશિપ​ કરી અને નોંધપાત્ર વૈજ્ઞાનિક પરિપત્રો પ્રગટ કર્યાં. આ બધું પતાવીને ૧૯૭૭ માં હું જ્હોનસન​ સિટી આવ્યો. આ ગામમાં ટી.બી.નું પ્રમાણ ખૂબ વધારે હતું. અહીં મારા અનુભવ અને ઉત્સાહની ખૂબ જરૂર હતી. વ્યવસાય માટે ઘણી બધી ઑફર​ હતી. પણ મેં સ્વેચ્છાએ ઓછા પગારવાળા આ ગ્રામીણ વિસ્તારમાં નોકરી સ્વીકારી. ૪૫ વર્ષના સમયમાં અહીં મને ઘણા બધા અનુભવો થયા. મેડિકલ​ પ્રૅક્ટિસ​, કૉલેજ​માં પ્રાધ્યાપક અને મેં નવેસરથી શરૂ કરેલો ટી.બી. પ્રોગ્રામ! આ ગામમાં પણ મુશ્કેલીઓની અછત ન હતી. પરંતુ અહીં મને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી. લગભગ ૯૫ જેટલા વૈજ્ઞાનિક સંશોધનપત્રો, પરિપત્રો પ્રગટ કર્યાં. આશરે ૧૫ જેટલા ઍવૉર્ડ​​ મળ્યા. સારા અધ્યાપક તરીકે મેડિકલના વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો. પરંતુ મારી સફળતાની વાતો અહીં પ્રસ્તુત કરવામાં મને રસ નથી. ત્રણ-ચાર પ્રસંગો, જે મારા સ્મૃતિપટ ઉપરથી ભુંસાતા નથી, તે અત્રે પ્રસ્તુત કરીશ.

૧૯૭૭ ની સાલમાં જ્હોનસન સિટી આવ્યાં, ત્યારે આ વિસ્તારમાં ભારતીય કુટુંબોની સંખ્યા નહિવત્ હતી. મીના શોપિંગ માટે મોલમાં ભારતીય પોશાક પહેરીને જાય, તો લોકો તાકી તાકીને જોયા કરતા. J.C.Press ના ખબરપત્રીએ તો ઇન્ટરવ્યૂ લીધો, ફોટા લીધા અને અખબારમાં આ બધું છપાયું પણ ખરું! મારી દીકરીએ સ્કૂલમાં એવું કહેલું કે “અમે ઇન્ડિયન છીએ.” એટલે શિક્ષકોએ એવું ધાર્યું કે અમે ચ​રોકી-અમેરિકન ઇન્ડિયન છીએ. સ્કૂલના એક કાર્યક્રમમાં અમે રેઇન​ ડાન્સ (Rain dance) કરીશું તેવી તેમની અપેક્ષા હતી. તાજમહેલની નાની આકૃતિ અને મહાત્મા ગાંધીના ફોટા જોઈને શિક્ષકોને નવાઈ લાગી. ‘સત્યના પ્રયોગો’ ની અંગ્રેજી નકલ મેં શિક્ષકને ભેટમાં આપી. બે વર્ષ પછી આ ગામમાં અમે એક નવું મકાન શોધ્યું. મિ. ટેઇલર​​ એના બિલ્ડર હતા. ગામના ભદ્ર વિસ્તારમાં આ ઘર હતું, એટલે મિ. ટેઇલર​ મને વેચવા માટે આનાકાની કરતા હતા. એમને ચિંતા હતી કે આજુબાજુના ધોળા અમેરિકનને આ નહીં ગમે. મારા પાર્ટનર ડૉ. જોસેફ​ ફેરો પણ આ વિસ્તારમાં જ રહેતા હતા. એટલે મેં ફેરો દ્વારા બિલ્ડર સાથે વાર્તાલાપ ગોઠવ્યો. પછી હું મકાન ખરીદી શક્યો. રંગભેદની નીતિની પાતળી રેખાઓમાં કેટલાક શબ્દો ઉકેલવા ખૂબ અઘરા છે. ઘર નક્કી કર્યા પછી પણ જે થોડું ઘણું બાંધકામ બાકી હતું, તે પૂરું કરતાં મિ.ટેઇલર​ને બહુ વાર લાગી. મેં પૂછ્યું,

“મિ.ટેઇલર​, આ મકાનનું બાંધકામ બહુ ધીમું ચાલે છે. આમ કેમ?”

“તમારી લોન માટે તમે અરજી નથી કરી એવું બેંક મેનેજરે મને કહ્યું અને આ ગામમાં લોન મંજૂર થતાં મહિનો લાગશે!” બિલ્ડરે જવાબ આપ્યો.

બીજે દિવસે સવારે હું બેંકમાં ગયો અને મેનેજર સાથે વાતચીત કરી. બે-ત્રણ દિવસમાં બેંક મેનેજર અને મિ. ટેઇલર વચ્ચે શું વાર્તાલાપ થયો તે મને ખબર નથી, પરંતુ સાત-આઠ દિવસમાં બાકીના બાંધકામનું કામ પૂરું થઈ ગયું અને આઠમે દિવસે અમે અમારાં નવા મકાનમાં ગૃહપ્રવેશ કરી શક્યાં.

ટેનેસી રાજ્યના નાના ગામના આવા અનુભવોની ગાથા પણ લાંબી છે. એક દિવસ મારી દીકરી શાળામાંથી ઘેર આવી, ત્યારે મેં એની આંખોમાં આંસુ જોયાં. મેં એને પૂછ્યું કે, “કેમ બેટા, શું થયું?” એણે વિગતવાર મને સમજાવ્યું કે, “આપણે રવિવારે ચર્ચમાં નથી જતાં, તે જાણીને બધા શિક્ષકો મારાથી નારાજ છે. એક શિક્ષકે તો મને કહ્યું કે જો હું જીસસ ક્રાઇસ્ટને નહીં સ્વીકારું, તો રૌરવ નરકમાં જઈશ. હું હવે ગભરાઈ ગઈ છું, એટલે આ બાઇબલ વાંચું છું.” મારા ઘરમાં પૂજાઘર હતું. ત્યાં બેસીને મેં મારી દીકરી સાથે પ્રાર્થના કરી અને બીજે દિવસે J.C.Pressના તંત્રીને ફોન દ્વારા બધી વાત સમજાવી. મારા સદભાગ્યે તંત્રીશ્રીના માતુશ્રી મારા દર્દી હતાં. તંત્રીએ એક સ્ટાફ​ મેમ્બરને મારે ઘેર મોકલી. એણે ઘરમાં રાખેલા પૂજાઘરના ફોટા લીધા. મેં ભગવત્ ગીતાના બે ત્રણ શ્લોકો સમજાવ્યા અને સનાતન ધર્મની વાત ટૂંકાણ​માં રજૂ કરી. J.C.Pressની રવિવારની પૂર્તિમાં આ વાત છપાઈ, એટલે મેં મારી દીકરીના શિક્ષકને નકલ મોકલી. તે પછીના દિવસોમાં હું શાળાના પ્રિન્સિપાલ​ સાહેબને મળ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એ મારી ફરિયાદને સમજી શક્યા. એમણે મને શાળાના શિક્ષકોની મિટિંગમાં હિંદુ ધર્મ વિશે પ્રવચન આપવા બોલાવ્યો, ત્યારે કેટલાક શિક્ષકોના ચહેરા ઉપરનો રંજ હું જોઈ શક્યો. આ બધા પ્રસંગો પછી પણ રવિવારે સાંજે યહોવા વીટનેસ ચર્ચના ઉત્સાહી યુવાનો, બાઇબલની નકલ આપવા મારે ઘેર વારંવાર આવતા. આજે પણ મારા ખ્રિસ્તી મિત્રો, વારંવાર મને ધર્માંતરની સલાહ આપે છે.


ક્રમશઃ