વિમલાતાઈ
સુખદુઃખ મનમાં ન આણીએ ! પણ… થી આગળ
અમે અમદાવાદ આવ્યાં અને અમારા માટે એક નવું પર્વ શરૂ થયું.
મારી મીના, સુધા અને જયુને અમે હાઈસ્કૂલમાં દાખલ કરી. અમારું ગાડું હવે ધીમે ધીમે સરળતાથી ચાલવા લાગ્યું હતું. અમદાવાદમાં તો છોકરીઓ માટે પણ ફી ભરવી પડતી હતી. સુધાને સારા માર્ક મળતા હોવાથી તેને અર્ધી જ ફી ભરવી પડતી હતી. સુધા અને મીના બન્નેએ એસ.એસ.સી.ની પરીક્ષા આપી. સુધા તો પહેલા પ્રયત્ને પાસ થઈ ગઈ, પણ મીના એક કે બે માર્કથી નાપાસ થઈ. છ મહિના બાદ લેવાતી પરીક્ષામાં મીના પાસ થઈ ગઈ અને ટાઇપિંગના ક્લાસમાં જોડાઈ, અને એક વર્ષમાં તેને નોકરી મળી ગઈ. સુધા કૉલેજમાં દાખલ થઈ, પણ ઇન્ટરના વર્ગમાં આવી ત્યારે તેને કોણ જાણે એવી અડચણ આવી ગઈ કે તેણે કૉલેજનું શિક્ષણ ત્યાં જ મૂડી દીધું. જયુ મેટ્રિક પાસ થઈ ગઈ.
મીનાને નોકરી તો મળી, પણ થોડા સમયમાં તેની બદલી વડોદરા થઈ. તેને એકલી મોકલતાં જીવ ન ચાલ્યો એટલે હું તેની સાથે વડોદરા ગઈ. શરૂઆતમાં અમે બન્ને જણા મારાં મામીને ઘેર ઊતર્યા. આ મારાં એ જ મામી હતાં જેમને ત્યાં હું નાનપણમાં રહી હતી. મામીનો સ્વભાવ ઘણો જ સારો હતો અને તેમનાં દીકરા-દીકરીએ અમને ઘણો જ સ્નેહ આપ્યો. અમારું ઘણું ધ્યાન રાખ્યું તેથી અમને કોઈ જાતની તકલીફ ન થઈ. એક મહિનો તેમને ઘેર રહ્યા બાદ મીનાને સુંદર સરકારી ફ્લેટ મળ્યો, તેથી અમે ત્યાં રહેવા ગયાં.
સુધાએ અમદાવાદ રહી નરેનની ખૂબ સંભાળ લીધી. આગળ જતાં તેને પણ સારી નોકરી મળી ગઈ. સુધાએ જવુને કૉલેજમાં જવા કહ્યું, અને નરેન-સુધાએ મળી જુનું કોલેજનું શિક્ષણ પૂરૂં કર્યું.
મીનાને તેના ફ્લેટમાં સરખી વ્યવસ્થા કરી આપ્યા બાદ હું અમદાવાદ પાછી આવી, પણ અવારનવાર તેને મળવા વડોદરા જતી. મીના એક વર્ષ વડોદરા રહી તે દરમિયાન તેનો પરિચય તેની જ ઓફિસમાં કામ કરનાર યુવાન સાથે થયો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.
થોડા દિવસ બાદ મીનાની બદલી અમદાવાદ થઈ. અમે લગ્નની તારીખ નક્કી કરી. નરેને મીનાનાં ગ્ન ઘણી ઉત્તમ રીતે ઊજવ્યાં. આ મારું પ્રથમ શુભકાર્ય હોવાથી મારાં પિયરનાં બધાં સગાં-વહાલાં આવ્યાં હતાં. મારા બનેવીની તબિયત સારી નહોતી તેમ છતાં તેઓ પણ ખાસ હાજરી આપવા આવ્યા હતા. નરેને બધા મહેમાનોની સારી ખાતરબરદાસ કરી, બધાંની મરજી સંભાળી અને પ્રસંગ સારી રીતે સંપન્ન કર્યો. લગ્ન પછી મીનાએ પોતાની બદલી વડોદરા કરાવી લીધી.
આમ દિવસ ચાલતા હતા ત્યાં અચાનક મારા બનેવીનું વેરાવળ ખાતે અવસાન થયું. તેઓ પચાસ વર્ષના હતા. મારી બહેન ફક્ત ત્રીસ વર્ષની હતી અને આ નાની વચે તેને વૈધવ્ય આવ્યું. મારા બનેવીએ તેમની કારકિર્દી દરમિયાન ઘણા પૈસા કમાયા હતા, પણ બધી આવક તેમનાં પોતાનાં સગાંવહાલાંઓને પોષવામાં ઉડાવી દીધી હતી. તેઓ પોતે ગંભીર રીતે માંદા પડયા ત્યારે તેમનાં આ જ સગાંસંબંધીઓએ તેમની દરકાર ન કરી. આવડા મોટા પોલીસ ઇન્સ્પેક્ટરનો હોદ્દો ધરાવતા હોવા છતાં મારી બહેન માટે તેમણે કશી જ જોગવાઈ કરી નહિ. તેમણે મારું તો સર્વસ્વ ઉડાવી દીધું હતું પણ મારી બહેન માટે તેમણે કશો જ આશરો રહેવા દીધો નહિ. દમુનો બધો ભાર હવે તેના મોટા દીકરા પર આવી પડયો. તેનો નાનો દીકરો હજી નિશાળમાં ભણતો હતો. આવા હતા અમારા લોકો!
એક દિવસ મારો નરેન બીમાર પડી ગયો. પહેલાં તેને ટાઇફોઈડ થઈ ગયો અને ત્યાર પછી તેનો તાવ ઊતરતો જ નહોતો. અમારા ભાણા ડૉક્ટર હતા. તેમણે નરેનનું ખૂબ ધ્યાન રાખ્યું, અને ઘણી સારી સાર-સંભાળ લીધી. પોતાના ખર્ચે તેમણે નરેનને ઇંજેકશન અને દવા આપ્યાં. હું તો રાતદિવસ એક કરીને તેની સેવા કરતી હતી. મારો તો એકનો એક પુત્ર, આમ ગંભીર રીતે બીમાર પડે તેથી મને શું થતું હશે તે કોઈ કેવી રીતે જાણે ? મારી તો રાતની નીંદર હણાઈ ગઈ હતી. હું તો મારાથી થઈ શકે એટલી નરેનની સેવા કરતી હતી, પણ ખરી મહેનત તો અમારા ભાણાની હતી. નરેનનો તાવ ઊતરતો નહોતો તેથી તેઓ નરેનને પોતાની મોટરમાં બેસાડી એક પછી એક સ્પેરિયાલિસ્ટને ત્યાં લઈ જતા હતા. નરેનનો ભાવનગરનો મિત્ર અમને પૈસાની મદદ કરતો હતો. સખત બીમારીની હાલતમાં શાની જરૂર નથી પડતી? મારા પૈસા લોકો પાસે પડયા હતા, જેનો મને કશો ઉપયોગ થતો નહોતો, કારણ કે તેઓ તો એક પાઈ પણ આપવાનું નામ લેતા નહોતા. અંતે મેં સામે ચાલીને માગણી કરી ત્યારે મને થોડા પૈસા મળ્યા. આવી રીતે મારે ખરાબ હાલતમાં દિવસ કાઢવા પડયા.
ડૉક્ટર જે કહે તે હું નરેન માટે કરી આપતી હતી. જે કહે તેવો ખોરાક તેના માટે હાજર કરતી હતી. ધીરે ધીરે નરેનની તબિયત સુધરવા લાગી. ત્રણ મહિના બાદ મારો કુંવર સાજો થયો અને કામે જવા લાગ્યો ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. નરેન પણ મારા માટે અડધોઅડધો થતો હતો અને કુટુંબનો ભાર ચલાવવા માટે સખત મહેનત કરતો હતો. મારી પાસે બેસીને એવી એવી સારી વાતો કરતો અને ઘણો સ્નેહ આપતો હતો.
નરેન હોશિયાર છોકરો હતો. પોતાની મહેનતથી તે ઘણો આગળ આવવા લાગ્યો. ભાવનગરમાં કૉલેજના છેલ્લા વર્ષમાં જ્યારે તે માંદો પડ્યો હતો ત્યારે તે બી.કૉમની પરીક્ષા આપી શક્યો નહોતો. આ વખતે તેણે બી. કૉમ.ની પરીક્ષા આપી અને ગ્રેજ્યુએટ થઈ ગયો. મેં તેને લગ્ન કરવા માટે ઘણો આગ્રહ કર્યો પણ તે તૈયાર થતો નહોતો. તેના માટે એટલા પ્રસ્તાવ આવવા લાગ્યા કે લોકોને જવાબ આપવાનું મારા માટે ભારે થઈ જતું હતું. મને તો ધાસ્તી પડી ગઈ કે હું તો નરેનનાં લગ્ન જોયા વગર જ મરી જઈશ. મારી બા તો મારાં લગ્નની રાહ જોઈ જોઈને મૃત્યુ પામી હતી. હું લગ્નની વાત કાઢું તો નરેન મને સમજાવીપટાવીને વાત ટાળી દેતો.
મારી મોટી દીકરી મીના ગર્ભવતી થઈ હતી અને શિરસ્તા પ્રમાણે તેની પ્રથમ ડિલિવરી માટે તે મારે ત્યાં અમદાવાદ આવી. સમય પૂરો થતાં તેને પુત્ર અવતર્યો, અને મને મારો પહેલો પૌત્ર મળ્યો. અમે બધાં એટલાં રાજી થઈ ગયાં કે અમારા હર્ષનો પાર ન રહ્યો. કોણ જાણે કેમ, જન્મ પછી થોડા જ દિવસમાં બાબો બીમાર પડી ગયો. તેને તાવ આવતો હતો તેથી અમે તેને ગ્લુકોઝનું પાણી પિવડાવવા લાગ્યાં અને તેને સખત ડાયેરિયા થઈ ગયો. અમે તો તેને તરત વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ જઈને દાખલ કર્યો.
રાતે જ્યારે નરેન તેને જોવા આવ્યો ત્યારે બાબો સાવ નિશ્ચેષ્ટ અવસ્થામાં પડ્યો હતો. નરેન તરત મોટા ડૉક્ટર પાસે ગયો અને તેમને બાબાની ગંભીર હાલત વિશે વાત કરી. તેમણે તરત આવી બાબાને તપાસ્યો અને તત્કાળ દવાઓ લાવવાનું કહ્યું. નરેન દવાઓ લઈ આવ્યો અને સારવાર શરૂ થયા બાદ બાળકને સારું લાગ્યું. નવ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ તેને ડૉકટરે રજા આપી. ત્યાર બાદ અમે તેનો નામકરણવિધિ ઘણા ઠાઠમાઠથી કર્યો. બાબાનું નામ મોહનીશ રાખ્યું.
મોહનીશ જરા પણ રડે તો તેના નરેનમામાં અને માસીઓ રાતે ઊઠીન તેને લેતાં અને તે શાંતિથી સૂઈ જાય ત્યાં સુધી તેને ફેરવતાં. મીનાની રજા ત્રણ મહિનાની હતી તે તેણે લંબાવી, અને ચાર મહિને તે વડોદરા ગઈ ત્યારે હું પણ તેની સાથે ગઈ. મોહનીશને અમે લાડથી મૉન્ટી કહેતા. તે પાંચ મહિનાનો થયો ત્યાં સુધીમાં અમે તેને બાટલીથી દૂધ પીવાની ટેવ પાડી હતી. હું હવે વધારે સમય વડોદરા રહી શકું તેમ ન હતું, કારણ કે નરેન અને સુધાની નોકરી ચાલુ હતી.
બન્ને જણા મારા વગર હેરાન થતાં હતાં. આખરે મોન્ટીને લઈ હું અમદાવાદ પાછી આવી. મૉન્ટી હવે મારી પાસે જ રહેતો હતો. કોણ જાણે કેમ પણ તે વારંવાર એવો માંદો પડી જતો હતો કે નરેન અને સુધા—જયુને તેનું સતત ધ્યાન રાખવું પડતું હતું. સુધા અને જયુ તેને એક સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયાં અને તેમણે જે સારવાર લખી આપી તે શરૂ કર્યા પછી જ તેની તબિયત સારી રહેવા લાગી. આખો દિવસ મારી પાસે રહેવાથી તેનું મારા પર એવું હેત બંધાયું હતું કે તેની મા વડોદરાથી આવે તો પણ તેની પાસે તે જતો નહિ. હું તેની નજરથી જરા પણ દૂર જઉં તો તે રડવા લાગી જતો.
આમ મારા દિવસ આનંદથી વ્યતીત થતા હતા.
ક્રમશઃ
