વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
અલ–નીનો શું છે ?
પરેશ ૨. વૈદ્ય
હાથી કેવો લાગે છે તે સમજવા માટેના પાંચ અંધજનોના પ્રયત્નની વાત આપણે જાણીએ છીએ. મોનેક્સ કાર્યક્રમ અને તે પછીના સંયુક્ત અભ્યાસથી અગાઉ ભારતીય ચોમાસાં વિષે આપણી સમજણ પણ એવી જ કંઈક હતી. માત્ર આપણી ઉપરનાં વાતાવરણનો અભ્યાસ કરવાથી ચોમાસાંની ઘટનાનું સમગ્ર ચિત્ર ન મળી શકે તે આ પ્રયોગોથી સ્પષ્ટ થયું. આ નવા જ્ઞાનમાં એક અણધારી વસ્તુ હાથ લાગી તે ‘અલ-નીનો’ની ઘટના.

આ શબ્દ થોડાં વર્ષોથી જ સામાન્ય જનના શબ્દકોષમાં આવ્યો છે. હવામાનશાસ્ત્રીઓ માટે પણ એ બહુ જૂનો નથી. છેલ્લાં ચાલીસેક વર્ષથી જ તેને સમજવાની ગડમથલ થઈ રહી છે. આ એક કુદરતી ઘટના છે. જેમાં દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ કિનારે, પેરૂ દેશની નજીકના સમુદ્રમાં ત્રણ ચાર વર્ષમાં એકવાર ગરમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળે છે. એટલે ત્યાંના લોકો માટે આ શબ્દ જૂનો છે. પરંતુ ભારતીય ઉપખંડના ચોમાસાં જોડે તેનો સંબંધ જોડાયો તે પછી એ વૈજ્ઞાનિક શબ્દકોષમાં દાખલ થયો.
ઉચ્ચારમાં અરબી લાગતો આ શબ્દ ખરેખર સ્પેનિશ ભાષાનો છે. તેનો અર્થ છે “નાનો છોકરો”. ઘટના મોટાભાગે નાતાલની આસપાસ બનતી હોવાથી ‘નાના છોકરા’નો ભાવાર્થ ‘બાળ ઈશુ’ છે. સમુદ્રમાં જે સ્થળે પાણી ગરમ હોય તે જગ્યાએ સારો વરસાદ થાય છે. આથી ત્રણચાર વર્ષે એકવાર દક્ષિણ અમેરિકાને કાંઠે સારો વરસાદ થાય છે. આવું ક્યારેક બનતું હોવાથી જ લોકોએ તેને ઈશુનું લાડકું નામ આપ્યું હશે. પરંતુ જ્યારે એ લોકો ખુશ હોય છે ત્યારે આપણું ચોમાસું નબળું જવાની સંભાવના બને છે. આ કેમ બને તે સમજવા વિશ્વના નકશામાં પ્રશાંત મહાસાગર પર નજર નાંખો. આ સાગરની બે તરફ જમીનની કુદરતી સરહદ બનેલી છે. એક બાજુ ચીન, મલયેશિયા, ફિલીપાઈન્સ વગેરે દેશો તો સામે બે અમેરિકા ખંડો. જ્યારે જ્યારે પૂર્વ છેડે, અમેરિકા ખંડ પાસે સમુદ્ર વધુ ગરમ હોય છે ત્યારે પશ્ચિમ છેડે એ ઓછો ગરમ હોય છે અને આપણું નસીબ આ પશ્ચિમ છેડા જોડે બંધાયેલું છે. તેથી તે વર્ષે આપણે કોરાં રહી જઈએ છીએ. (ચિત્ર-૨૦)

પવનનું વલોણું :
સમુદ્રના સામસામા કિનારાઓ વચ્ચે આ ‘ઉંચક-નીચક’ શાને થાય છે તે સમજવું રસપ્રદ છે. કુદરતની એવી ઉપકારક એક રચના છે કે તળાવ કે સમુદ્રનાં પાણી ઉપર સૂર્યનો તાપ પડવાથી માત્ર તેનું ટોચનું પાણી જ ગરમ થાય છે. ઉષ્ણતાનયન (પ્રવાહીમાં ગરમી પ્રસરવાને લગતા)ના નિયમ પ્રમાણે ગરમ પાણી ઊંચે ચડે છે, નીચે નથી જતું. આથી તળાવમાં ડૂબકી મારો તો શીતળ જળનો અનુભવ થાય છે. આમ જો ન હોત તો કુમળા જળચર જીવોને ગરમ થતાં જતાં પાણીમાં જીવવું મુશ્કેલ બન્યું હોત. જો કે એવું પણ નથી કે સતત ગરમી પડયા કરવાથી ઉપરનું પાણી અમર્યાદ ગરમ થઈ જાય કે ઉકળવા માંડે.
આમ ન બનવાનું કારણ છે કે પાણી થોડું તો ઉપર-તળે થતું જ હોય છે. સમુદ્રમાં ભરતી-ઓટ થોડે અંશે આ માટે જવાબદાર છે. પરંતુ વધારે અગત્યનું કારણ પવનો છે, જે સરોવરોને પણ લાગુ પડે છે. પવનના ધક્કાને કારણે હીલોળા લેતું પાણી એક તરફ ધકેલાય છે. ત્યારે તેની જગ્યાએ કાંઠા પાસે નીચેનું પાણી ઉપર આવે છે. (જુઓ ચિત્ર) આને અંગ્રેજીમાં Upwelling કહે છે. આમ થવાને કારણે સમુદ્રનાં પાણીનાં પોષક તત્ત્વો અને કાર્બન ડાયોક્સાઈડ ભળવાનું ઉપયોગી કામ પણ થાય છે.

આ સાદી ઘટનાના આપણાં ચોમાસાં જોડે સંબંધ જાણવા ફરીથી પ્રશાંત સાગરનાં ચિત્ર પર જઈએ. સામાન્ય રીતે પવનની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે, એટલે કે દક્ષિણ અમેરિકાથી ફિલીપાઈન્સ (કે ભારત) તરફ. આથી અમેરિકા ખંડના કિનારાનું પાણી ધક્કા ખાઈને પશ્ચિમ તરફ જાય ત્યારે ત્યાં પેટાળમાંથી ઠંડુ પાણી ઉપર આવી તેની જગ્યા લે છે. આથી ઈક્વાડોર, પેરૂ વગેરે દેશોની નજીકનો કાંઠો ઠંડો રહે છે. ગરમ પાણી એશિયા આવે ત્યારે ત્યાં સપાટીની ભેજવાળી હવા ગરમ થઈ ઉપર ચઢે છે. તેનાથી વરસાદ આવે છે. પરંતુ પેરૂ, ચીલી વગેરે કોરાં રહે છે.
પરંતુ આશરે ચાર વરસે પવનની દિશા ઉલટાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયાથી ચીલીની દિશામાં જતા પવનના ધક્કાથી આ તરફનું ગરમ પાણી પણ તે તરફ જાય છે. એટલે વરસાદની ઋતુ દક્ષિણ અમેરિકા પાસે થાય છે. પશ્ચિમ કિનારે અપ-વેલીંગ થવાથી સમુદ્ર ઠંડો થાય છે અને વરસાદની તકો ઘટે છે. દર ચાર પાંચ વર્ષે થતી પવનની દિશાની આ ઉલટફેરને બગીચામાંના હીંચકા કે ઊચક-નીચક જોડે સરખાવી શકાય. વિષુવવૃત્તથી થોડે દક્ષિણ તરફ આ થતું હોવાથી તેને આ ઘટનાને ‘દક્ષિણી આવર્તન’ કહે છે. અલ-નીનો તેની સાથે જોડાયેલ હોવાથી કેટલાક નિષ્ણાતો બંનેને જોડીને આ ઘટનાને ‘El-Nino Southern Oscillation’ એટલે ટૂંકાણમાં ENSO (એન્સો) જ કહે છે. ચોમાસાંને લગતાં સાહિત્યમાં આ શબ્દ દેખાય તો તેને અલ-નીનો જ સમજવો.
જો આ ઘટના જુલાઈ-ઓગસ્ટમાં બને તો એ આપણા ચોમાસાંનો સમય છે. તેથી વરસાદની માત્રા ઉપર તેની અસર પડે છે. પરંતુ એવું નથી કે ચોમાસું તદ્દન કોરું જાય, કારણ કે બીજા ઘટકો પણ વરસાદની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. પરંતુ વરસાદ ઘટી તો જાય છે. પરંતુ આ જ ઘટના નવેમ્બર-ડિસેમ્બરમાં બને તો તેની અસરની જાણ નથી થતી. તે વખતે પૂર્વ આફ્રિકામાં ચોમાસું હોય છે એટલે ત્યાં વરસાદ ઘટે છે. પેલી તરફ પેરૂ, ઈક્વાડોરમાં વરસાદ વધવાની સાથે સાથે કેલિફૉર્નિયા ઉપર વાવાઝોડાંની સંખ્યા પણ વધે છે.
હવામાનશાસ્ત્રીઓએ છેલ્લાં ૧૧૦ વર્ષના આંકડાઓનો અભ્યાસ કર્યો છે. તે પ્રમાણે જ્યારે આપણે ત્યાં દુકાળ પડ્યા (વર્ષ ૧૯૭૨, ૧૯૮૭, ૧૯૯૭, ૨૦૦૨, ૨૦૦૯) તે વર્ષો જરૂર અલ-નીનોનાં હતાં. પરંતુ એવાં ય કેટલાંક વર્ષ હતાં કે જ્યારે અલ નીનો હતો તેમ છતાં વરસાદ ઉપર અસર નહોતી થઈ. વળી દેશ મોટો હોવાથી કેટલાક પ્રદેશોને અસર ન પણ થાય. ૨૦૦૯નાં ચોમાસાનું ઉદાહરણ છે, જે સામાન્ય અલ નીનોનું વર્ષ હતું. ત્યારે દેશમાં વરસાદ ઓછો તો થયો પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વર્ષા થયેલી. ત્યાં લગી કે ભુજમાં પૂર પણ આવેલું. કચ્છની નજીક ઓછા દબાણનું ક્ષેત્ર થવાની સ્થાનિક ઘટનાને અલ-નીનો જોડે સંબંધ ન હતો.

લા–નીના :
પ્રશાંત મહાસાગરને પેલે છેડે પાણી ગરમ થવાને બદલે અસાધારણ રીતે ઠંડું થઈ જાય તો તે ઘટનાને ‘લા-નીના’ કહે છે. સ્પેનિશમાં એનો અર્થ થાય છે ‘નાની બાળકી’ આમ બને તો એ કાંઠે વરસાદ સામાન્ય કરતાં પણ ઓછો થાય છે. ભારતમાં લા-નીનાવાળાં વરસોમાં કદીય દુકાળ નથી પડ્યો તેવું અવલોકન છે. મોટાભાગનાં વર્ષો એવાં હોય છે જેમાં અલ-નીનો કે લા-નીના બંને નથી હોતાં. આવાં વર્ષોને સામાન્ય કહી શકાય. પરંતુ એવાં વર્ષોમાં પણ દુકાળ પડયા છે ખરા.
અલ–નીનોની આગાહી :
આ ઘટનાથી દુનિયામાં ઘણી જગ્યાએ અસર પડે છે. આથ્ાી ચોમાસાંની જેમ એની પણ આગાહી કરવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરે છે. એ અને લા-નીના શા માટે થાય છે, અથવા કહો કે પ્રશાંત સાગરમાં પવનોની દિશા અમુક વર્ષે શા માટે ઉલટી હોય છે તેની પૂરી સમજણ તો હજુ નથી પડી. જેમ ચોમાસાંને સમજવા માટે નિરીક્ષણો કર્યા હતા, તેમ અલ-નીનો માટે પણ વિસ્તારિત કાર્યક્રમ ચાલો છે. સાથેનાં ચિત્રમાં જે ગંજાવર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે દર્શાવી છે.

૧. જાડી રેખાઓ તે વ્યાપારી જહાજોના માર્ગ બતાવે છે. એ માર્ગે જ્યાં જહાજો સમુદ્રની સપાટી ઉપર તેમ જ પાણીમાં સેંકડો મીટર ઊંડાઈએ વિવિધ માપણીઓ કરે છે.
૨. નાનાં તીર છે તે તરતાં બોયાં છે. એ સપાટીએ પવન/હવા બાબતનાં અવલોકનો લઈ તે ઉપગ્રહોને મોકલે છે. સમુદ્રના પ્રવાહની દિશા પણ બોયાંની મુસાફરીથી ખબર પડે છે.
૩. ટપકાંની ઊભી કતાર છે તે સ્થાયી બોયાં (લંગર નાંખીને ઊભાં રાખેલાં) છે. તરતાં બોયાં જેવું કામ કરવા ઉપરાંત પાણીમાં ઊંડે પણ ઉષ્ણતામાન માપે છે.
૪. કિનારાઓ નજીક (*) આ નિશાન છે તે ભરતી માપક ગેજ છે. તેવા ગેજ મધદરિયે પણ છે. સમુદ્રનાં પાણીની સપાટીની ઉંચાઈ માપે છે. ભરતી ઉપરાંત ગરમીને કારણે પાણીનું કદ વધે તેથી પણ ઊંચાઈ બદલે છે. આપણાં ચોમાસાંની આગાહી આ ઘટક ધ્યાનમાં લેવાય છે કારણ કે એ પરોક્ષ રીતે અલ-નીનોની માપણી છે.
આ બધી માહિતીના ભંડાર પરથી પવન અને પાણીના પ્રવાહો વચ્ચેના સંબંધને લાગતાં ગણિતિક ‘મોડેલ’ બને છે. તેના પરથી અલ-નીનો આવવાનો અંદાજ ઘણા મહિના અગાઉ કાઢવામાં આવે છે. આ માત્ર સાવચેતી છે, માણસ પાસે તેને રોકવાનો કોઈ ઉપાય નથી ! તે છતાં અલ-નીનોનાં આગમનની વાતથી નિરાશા ફેલાવાને કારણ નથી. વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ અછતનાં આયોજનમાં કરી શકાય. બાકી અલ-નીનોનાં નામથી પહાડ તૂટવા જેવી વાતો મેગેઝીનો અને છાપાંઓ કરે છે તેવું ભયંકર એ પ્રાણી નથી. એનું નામે ય ખબર ન હતી ત્યારે પણ દર ૫-૭ વર્ષે દુષ્કાળનો સામનો તો આપણે કરતાં જ આવ્યાં છીએ. તેમાંના કેટલાક દુકાળ એને કારણે હશે એવું હવે સમજાય છે.
હા, કુદરતની એક અજબ ઘટના તરીકે તેનું અચરજ જરૂર થાય. છેક ૨૦,૦૦૦ કિલોમીટર દૂરથી આપણાં જીવન પર અસર પાડે છે તે પરથી કવિ ભાસ્કર વોરાનું વર્ષાગીત ‘તારે રે દરબાર મેઘારાણા’ યાદ આવે છે. જાણે દૂર વાગતી કોઈ ગેબી વીણા આપણા વરસાદને પોતાની તરફ નચાવે છે. કવિએ તો વળી સાગરનું કનેક્શન પણ જોયું છે, જાણે અલ-નીનોની વાત પરથી જ ગીત રચ્યું હોય.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
