લતા હિરાણી
સુમી ફળિયામાં વાસણ ઉટકતી હતી. તડકામાં એની ગોરી ચામડી પર રતાશ પથરાઈ ગઈ હતી. જાણી જોઈને એણે સાડલાને પીઠ પરથી ખસી જવા દીધો હતો. સુરેશ એને જોઈ રહ્યો, એને બાથમાં લેવાનું મન થયું. ઓહ…. ઓસરીમાં ખાટ પર બેઠેલા બા…
સુમી વહુની દિનચર્યા અને સુરેશની બોલચર્યા બા જ નક્કી કરતા. એમને એક જ કામ, ઓસરીમાં ખાટ પર બેઠાં બેઠાં બધી હિલચાલ પર નજર રાખવી ને પરિસ્થિતિની લંબાઈ પહોળાઈ નક્કી કરી વેતર્યા રાખવી. કેટલા વખતથી ભગવાનનું દેરુંય ઓરડામાંથી ઓસરીમાં ફેરવવાનો વેંત કરતા હતા પણ આ પાણિયારું ને હિંચકાખાટ નડતા હતા. ખાટ વગર બાને જાણે ઘડીયે ન ચાલે. સુરેશને કાને બાનો સાદ પડ્યો.
“હા, બા”
“ત્યાં શું ઊભો છો ? જા ઝટ મારા ચશ્મા સમા કરાવવા દીધા છે, આજે દેવાના છે. લેતો આવ.”
“હા, બા” જીભ પર કાયમ માટે સ્થિર થયેલા શબ્દો બહાર આવ્યા.
********
સુમી પરણીને આવી ને રાત પડે બેય મળતાં ત્યારે એને તુંકારા પર આવતા દિવસો લાગ્યા હતા. સુરેશને એ બહુ વહાલી લાગતી પણ એની સાથે કેમ વર્તવું એમાં એ મુંઝાયા કરતો. આજ સુધી સ્ત્રીના નામે એની આંખ સામે હતા બા. એને અડોશપાડોશમાં જવાનો મોકો ન આવે એનું ધ્યાન બા રાખતા. સુરેશે ભણવાનું અને બા કહે એમ કરવાનું. બાપુજીય એમાં અપવાદ નહોતા. ઘરની આ જ શિસ્ત. દીકરાના લગ્નના થોડાક દિવસ પછી બાએ એને હાથમાં લીધો.
‘પેટે પાટા બાંધીને તને ઉછેર્યો છે દીકરા ! હું તારી સગી જનેતા ને આ તો પારકી છોકરી કે’વાય ! ગગા, મારી વાત ગાંઠ બાંધીને સાંભળી લે, નકર પસ્તાવાનો વારો આવશે. આ કાલ હવારની છોકરીના વેણથી ભરમાઈશ નહીં. આજકાલની છોકરીને નખરાં બહુ આવડે. જરા કડપ રાખવાનો, શું સમજ્યો !’
‘હા બા ! – સુરેશ સમજી ગયો.
રાત પડે ઓરડામાં જતાં પહેલાં એ કડપ પહેરવા પ્રયત્ન કરતો ને સુમીનો ચહેરો જોઈને કૂણો પડી જતો. બિચારી ભોળી ભટાક છે, કેવી મીઠી વાતો કરે છે ! સુમીની પારેવા જેવી આંખોમાં એ પાંખો ફફડાવ્યા કરતો ને સવારે બાના અવાજ સાથે નીચે પટકાતો. બા કહે એ સાચું જ હોય. પાંખોડિયો વિચાર ત્યાં અટકી જતો ને ભાંખોડિયા ભરવા માંડતો તાજા બનેલા પતિનો કડપ !
બાને કહેલો ‘જેશી કૃષ્ણ’વાળો અવાજ બદલાઈ જતો ને એ ઊંચા અવાજે સાદ પાડતો,
‘સુમી, બાની ચા બનાવી કે નહીં ! આટલી વાર કેમ લાગે છે !’ એને જરી હાશ થતી. વાતે વાતે બાની આજ્ઞા માથે ચડાવવાના અજાણ્યા થાકનુંય આ હાથવગું ઓસડ હતું.
સુમી વિમાસણમાં રહેતી, – રાત પડે સાંપડે છે એ પતિ સાચો કે આ ધોળા દિ’નો ? દિ’ ઊગતાં જ આ સમૂળગા બદલાઈ કેમ જાય છે ? બાની સામે કપરકાબી પછાડવાનું એને મન થતું. એ એવું કરી શકતી નહીં. એ ભગવાનનો પાડ માનતી હાશ, આ છોટુ તો છે ! સુમી પરણીને આવી ત્યારનો એને છોટુનો સંગાથ. બપોર ઢળતાં જ એ છોટુની વાટ જોઈ રહેતી. નિશાળેથી એ સીધો દફતર સાથે ભાભી પાસે પહોંચી જતો.
“ભાભી પે’લા મને સુખડી દ્યો.’
સુમીએ ઓસરીમાં ખાટ તરફ નજર નાખી હતી. બાએ સાંભળ્યુ હતું પણ એ એમ જ હાથમાં માળા લઈને બેસી રહ્યા. માળા કરતાં એ બોલતા નહીં, એવું નહોતું. માળા હાથમાં રાખીને સુરેશને મોટું ભાષણ ઠોકી દેતા, સુમીને ધમકાવી લેતા અને બાપુજીનીયે ખબર લઈ નાખતા. છોટુએ બાની સામે જોયું પણ નહીં. ખાટ પાસે જઈ બા હાથ લંબાવે એ પહેલાં ત્યાં પડેલો ડબ્બો ખોલી, ફટાક કરતા બે દડબા ઉપાડી લીધા.
બાનું મોઢું બગડયું, – ‘માપ રાખ.’
‘બા, બે જ લીધા છે’ કહેતો ભાભી પાસે ભાગી ગયો.
રોજ આવું કાંઈક થયા કરતું ને સુમીની નજરમાં છોટુ હીરો બની રહેતો. ઠરવાનું ઠેકાણું એ જ. છ મહિનામાં તો સુમી ને છોટુની દોસ્તી પાકકી થઈ ગઈ હતી. ગરમ ગરમ રોટલી, રોટલા ઉતરતા ને મા દીકરો જમવા બેસી જતા. બાપુજી આવે ત્યારે જમે. એના રોટલા ઉપરેય બા જ ઘી ચોપડી દેતા. ઘીની ટોયલી ને ડબો બધું તાળાબંધ કોઠારમાં રહેતું. ‘કાલ હવારની છોકરી, એને શું ખબર પડે !’
*******
છોટુને નવાઈ લાગતી, ભાભી પેટથી જ કેમ જાડા થવા માંડ્યા ! સુમી કાઠીએ દુબળી ને પાછી ખાવાપીવામાં બાની કડકાઈથી એની તબિયત ખાડે જવા માંડી. રાતે એ સુરેશ પાસે રાવ કરતી.
’’અતારે મારે બે જીવનું ભારણ તોય બા ધરાઈને ધાન ખાવા નથ દેતા!’
સુરેશ એને હળવેથી પંપાળતો, ’’બસ, એકવાર છોકરું આવી જવા દે. જોજે, બાને વ્હાલ આવશે ને એટલે બધું બદલાઈ જશે. હમણાં બા કહે એમ કર.’
ધીમેધીમે ફરિયાદ, રાવ સઘળું શાંત થઈ ગયું. સુમી ચૂપ થઈ ગઈ. એ રાતવાળા સુરેશ પાસે થોડું જીવી લેતી. દિવસમાં મૂંગીમંતર. બા કાંઈ પણ કહે, જવાબ આપવો જ નહીં. માથાકૂટ તો ટળે. સાર એ આવ્યો, બાના શબ્દોમાં ‘પથરા જેવી છે. સાવ નીંભર!’
સુમીને દીકરી જન્મી. ‘હે ભગવાન, આણે તો પથરો જણ્યો !’ હવે જુદી મોંકાણ ઉપડી !
સુમીને બાળક ખાતર પણ થોડુંક બોલવું પડતું.
– બા રોટલા પર છાંટો ઘી નાખી દ્યો ને ! આ ભુખી છોકરી નકરું ચુસ્યા જ કરે છે તે….
– હા, હવે રાણીબાને ધાવણ ખુટે છે ! ઘીના ભાવ સાંભળ્યા છે બાપ જન્મારે !
‘જરી તો દયા માયા રાખ હવે. આ છોકરું નિહાકા નાખે” બાપુજી ક્યારેક ભલે વાંઝિયુંયે, બોલી નાખતા.
‘તમતમારે જઇને નારણની દુકાને બેહો. બૈરાની વાતમાં ડફાકા નો મારો.’
સુરેશને સાંઠીકડા જેવી દીકરીની ખાસ માયા નહોતી થઈ. એને પણ દીકરાની આશા હતી. એ નાનકડો કુમળો લોચો એનેય પાણો લાગવા માંડ્યો હતો.
સુમીના પિયરમાં માતાજીની આડી હતી, દીકરીને સુવાવડ માટે ન તેડાય.
‘પિયરીયાં છુટી પડ્યા છે. દીકરી દઈ દીધી તે જાણે પાછું વળીને જોતાં જ નથી.’ બા બોલ્યા.
‘બા, માતાજી આડા ન ઉભા હોત તો મારા બાપુજી તેડી જ જાત. બસ સવા મહિને નાહી લઉં એટલે મારી બા મને એક દિ’ય અહીં નૈ રેવા દ્યે.’– પથરો થઈ ગયેલી સુમીની આંખમાંથી ધાર ચાલી.
– જોયા જોયા હવે મોટા માતાજીવાળા. લવરી બંધ કર !
સુરેશને માઠું તો લાગ્યું પણ બા…….
છોટુને બહુ ઇંતેજારી હતી કે ભાભીની ઢીંગલી મોટી થાય એટલે એને રમાડવા લઈ જવાય. નાનકડી બબુડી હાથ પગ હલાવે ત્યારે એને આનંદ અને આશ્ચર્યથી જોઈ રહેનાર સુમી સિવાય આ એક જ હતો.
છોકરીને ઝાડા થઈ ગયા’તા. સુમી રોતાંરોતાં બાને સંભળાય એમ સુરેશને આજીજી કરતી હતી.
– હવે ઘરના ઓસડિયાથી ફેર નહીં પડે. મારી છોકરીને દાક્તર પાસે લઇ જાવ. એનું પેટ છુટી પડ્યું છે.
છોકરીના દેહમાં આમેય કાંઈ હતું નહીં. આ બીમારીના કારણે હાથ પગ દોરડી જેવા થઈ ગયા હતા. ચાર દિવસથી એનો ઝાડો બંધ નહોતો થાતો તોય બા, દેશી ઉપચાર જ સારા એ વાતે ટસના મસ નહોતા થતા. એની ચામડી હવે લટકવા માંડી’તી પણ વાટણ ને ચટામણ ચાલતા રહ્યા ને એ નાનકડા બાળે પાંચમા દિવસે માના ખોળે છેલ્લા શ્વાસ લઈ લીધા. બાએ ફાઇનલ કહી દીધું – હશે, જેવી લેણાદેણી.
વાતે વાતે રોઈ પડતી સુમીની આંખ કાચની થઈ ગઇ’તી કે શું ? સુરેશ ગભરાયો. અડોશી પડોશી છાના ઘુસપુસ કરતાં આવ્યા. સુમીને છેલ્લી વાર એનું મોઢું બતાવ્યું ને એ તો જાણે પથ્થરની મુરત ! ચોવીસ દિવસના લોચાપોચાને કપડામાં વીંટી દાટી આવ્યા. આવીને સુરેશ નાહ્યો ને ફળીયામાં બેઠો.
સુમીએ સુરેશને જોયો ને મોટા અવાજે પોક મુકી, છાતી કૂટતી જાય ને રોતી જાય. શેરી આખી ધ્રુસ્કે ચડી ગઈ. સુમીનું કલ્પાંત પેટની જણીના મોત જેટલું જ આ નિર્દયી લોકો માટે હતું.
‘અરે, કેવા કઠણ કાળજાના આ મા દીકરો! પોતાનું લોહી, પોતાનું બીજ ને કાંઈ દયા માયા નહીં…..’
સુરેશને સમજાયું નહીં કે હવે રહી રહીને સુમી ને શું થયું ! હજી છોકરીને લઈને નીકળ્યા ત્યાં સુધી તો આંખ કોડા જેવી હતી ! પણ સુમીનો વલોપાત એની અંદર કંઈક ઓગાળી નાખતો હોય એવું લાગ્યું. શેરી આખી ટોળે વળી ગઈ હતી.
‘છાની રે બટા ! એ તો જેમ ઉપરવાળાએ લખ્યું હોય એમ થાય. આપણું થોડું હાલે છે ? ભાયગમાં હશે તો કાલ હવારે બીજું છોકરું આવશે.’ બાએ ડાયલોગ માર્યો. સુરેશને બાની સમજણ માટે માન થયું. બા ભલે કડક હોય પણ એને ય માયા તો છે હોં !
બાપુજી શહેરમાં શાંતિકાકાની ખબર કાઢવા ગયા’તા. પછી ચાર પાંચ દિ’ રોકાઈ ગયા અને એમાં આ બધું બની ગયું. બાપુજી આવ્યા ને જાણ્યું. એ બા સાથે કંઈ ન બોલ્યા. બહુ દુઃખી અવાજે એમણે સુરેશને કહ્યું,
– હવે મા’ણા થા તો હારું.
સુરેશે સુમીને મનાવવા બહુ પ્રયત્ન કર્યા. એનો અફસોસ પણ છાનો રહેતો નહોતો. પોતે ફરીને આવું થવા નહીં દે, બીજું બાળક આવશે ત્યારે એ બરાબર ધ્યાન રાખશે….. પણ એવી કોઈ હૈયાધારણથી સુમીને કળ વળે એમ નહોતી.
સુમીના બા-બાપુજી આવીને સુમી ને તેડી ગયા હતા. બાએ વાયદો કર્યો’તો કે સુમીને પંદર દિ’માં પાછી મોકલી દેવી. ઘરમાં કોઈ કામ કરનારું છે નહીં. બાથી તો હવે કામ થાય નહીં ને વળી છોકરું રહ્યું નહીં, નહીંતર જુદી વાત હતી.
પંદર દિ’ થયા ને સંદેશો આવ્યો, સુમીની તબિયત સારી નથી, હમણાં નહીં આવે. મહિનો થયો, બે મહિના થયા, સુમીના આવવાના કોઈ અણસારા નહોતા. બાથી કામ નહોતું થતું. સુમી વગર સહુને ફાંફા પડી ગયા’તા. વેવાઈને બે-ત્રણ વાર કહેવડાવ્યું પણ જવાબ ગોળ ગોળ મળ્યા કરતો.
સુરેશે પોતાના દોસ્તની બહેન, જેને સુમી ના ગામમાં પરણાવી હતી એની સાથે ચિઠ્ઠી મોકલી,
“તારા વગર મારા હાલ બુરા છે. એક વાર તું આવી જા. હવે તને કોઇ દુખ પડવા નહીં દઉં…..” કોઇ જવાબ નહીં.
……………….
શાંતિકાકાએ આ સંબંધ કરાવેલો એટલે છેવટે એને વચ્ચે પડવાનું થયું. શાંતિકાકાએ પહેલાં સુમી ને એકલી બેસાડીને વાત કરી જોઈ. ધ્રુસ્કે ધ્રુસ્કે રોતાં રોતાં એ કહે,
– હું બાનું નથી રોતી પણ એવા એ કોક દિ’ તો બોલે મારી ભેરમાં ! હું રાત’દિ એના ઘરમાં વૈતરું કરતી જ ‘તી ને ! મારી દીકરી લાકડા જેવી થઈ ગઈ ‘તી, તોયે બાપ ઊઠીને એના પેટનું પાણી કેમ નો હાલ્યું ?
સુમીની કરમ-કથની સાંભળીને એના બા-બાપુજીનું લોહી તપી ગયું હતું. એમનું પૈસેટકે સમૃદ્ધ ઘર હતું. સુરેશનું ખોરડું નબળું પણ એકનો એક દીકરો જાણીને એમણે દીકરી પરણાવી હતી. આમેય દીકરીની વીતક તો જાણતા હતા. ધીરેધીરે સહુ સુધરશે એમ માની સમસમીને બેસી રહ્યા હતા. આ સુવાવડમાં આડો આંક વળી ગયો. એમણે શાંતિકાકાની સાથે બધું બાની સામેના વિરોધ સમેત કહેવડાવી દીધું, જેનો સાર હતો, – ‘અમારે છુટું કરવું છે.’
સુરેશના ઘરમાં સોપો પડી ગયો. બા સડક થઈ ગયા. દીકરીના બાપ થઈને વેવાઈ આમ ખુલ્લે આમ પોતાની ઉપર આરોપ મુકશે એવી એમને કલ્પના નહોતી. દીકરો ક્યાંક વહુનો ન થઈ જાય કે સુખી ઘરની છોકરી ક્યાંક દીકરાની કાનભંભેરણી કરી મા વિરુદ્ધ ચડાવે નહીં, એ વિચારનું જ આ પરિણામ હતું. સુરેશને સુમી નજર સામે તરવરતી. સુમી હતી તો રોજ મા દીકરો ગરમ ગરમ ખાવા પામતા ! સવારમાં ઉઠતાંવેંત બીચારી કામે ચડી જતી ને રાત સુધી નવરી ન થતી ને તોય પોતાનો પડ્યો બોલ ઝીલનારી અને બધી ઇચ્છાને વશ !
બાથી કામ અને સુરેશથી બા સહન નહોતા થતાં. એના કાનમાં બાપુજીના એ દિવસના શબ્દો યે ઘુમરાતા, – “માણા’ થાજે હવે..
આખરે આ દિવસ આવી પહોંચ્યો. સુમીના બાપુજી કાગળિયા કરવા આવવાના હતા.
************
સવારના અગિયાર વાગ્યા હતા. ઓસરી તપી ગઈ ‘તી લીમડાના ઝાડનો છાંયો આજે તાપને રોકતો નહોતો.
‘રામ રામ રા મ રા મરા મરા..’ની માળા જપતાં બા ખાટે બેસી રહ્યા. બાનો માળા ફેરવતો હાથ ધ્રુજતો’તો કે હોઠમાંથી ફફડતા શબ્દો ! આમેય માળા કરતાં કરતાં મનમાં રોજ કેટલીયે ગોઠવણ ચાલતી હોય, આજે એમાં ફડકો ઉમેરાયો હતો. તાપ લાગતો ‘તો પણ અંદર જવાની પગમાં તાકાત નહોતી વરતાતી.
‘મારે શું છે ? આ રહી તમારી છોકરી ! પૂછી લ્યોને ! શેનું દુખ છે ? અમે ખાવા નથી દેતા ? ઓઢવા પહેરવા નથી દેતા ? ને આ મારો દીકરો ! છે એનામાં કોઈ એબ ? ઘરમાં ગણીને ચાર મા’ણા’ ! નથી કોઈ આગળ કે નથી પાછળ. કામેય શું હોય ! હજી અંગુઠા જેવડી છે તે ક્યારેક વઢવું યે પડે ! વાંક હશે ત્યારે કહેતા હઇશું ને …..’ માળા ફેરવતાં ફેરવતાં બાના હોઠ ફફડતા હતા.
‘બોલો બોલો હજી.. બાકી રહ્યું હોય તો.. ‘ બાપુજી ઓરડા પાસેથી પસાર થતાં અકળાઈને બોલ્યા
બાના હાથમાંથી માળાનો જરા ઘા જેવું થઈ ગયું. ગોઠણે હાથ ટેકવી ઉંહકારા કરતાં ઊભા થયા. માળા લઈને ઠેકાણે મુકી. આડે દિવસે આવું થયું હોય તો પછી એક કલાક સુધી બાની વાણી અસ્ખલિત ચાલ્યા કરે પણ આજે બા મુંગામંતર થઈ ગયા. બાપુજી બોલતાં તો બોલી ગયા પણ પછી એને પસ્તાવોય થયો. ભલે કબુલ ન કરે પણ એનેય મનમાં ફડકો તો છે જ.
પતિની વાતનો જવાબ વાળ્યા વગર બાએ વ્યવસ્થા શરુ કરી દીધી,
‘છોટુને કે’જો નિહાળેથી સીધો એના ઘરે વયો જાય. છોકરું છે. અમથો તમાશો ભાળે.’
હજી તો બાનું વાક્ય પૂરું થાય ત્યાં તો છોટુ દફતર ઉલાળતો ઠેકડા મારતો આવી પહોંચ્યો.
‘મારી બા કે’તા ‘તા કે આજે ભાભી આવવાના છે.’
‘તું જા તારે ઘેર. ભાભી આવશે એટલે તને બોલાવશું હોં !’
બાનું સાંભળવાની એને ક્યાં આદત હતી ! એ અંદર જઇને લપાઈ ગયો. ચિંતામાં બાને એનું ધ્યાન ન રહ્યું.
‘કાલ હવારની છોકરી..અમથું વાતનું વતેસર કર્યું છે !’ – બા ફરી બોલ્યા પણ અવાજમાં એમનો અસલ મિજાજ ક્યાં હતો ?
બાપુજી હવે ચુપ રહ્યા. આજે સવારથી બાના હાથમાંથી વારે વારે કંઈક પડી જતું હતું. સુરેશને ચા પીવા બોલાવ્યો તોયે જાણે ગુનો કરતા હોય એવો દબાયેલો અવાજ લાગ્યો હતો. બાપુજીને ઘડીક વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે જુએ છે એ સાચું છે કે નહીં ? પત્નીનું આ રુપ એમના માટે જુદું હતું. જો કે કારણ સમજાય એવું હતું તો યે…..
હાથમાં ગીતાજી લઈ એ બેઠા પણ એમનું મન શ્લોકમાં લાગ્યું નહીં.
તડકો ફળિયામાંથી તરતો તરતો ઓસરીમાં ફેલાઈ ગયો હતો. અંદર ઓરડામાં અંધારું કળાતું હતું. સુરેશે આવીને જાળીનો પડદો ખેંચ્યો અને પછી અંદર જઇ બેઠો. એને હવે પોતે સાણસામાં ફસાઈ ગયો હોય એમ લાગતું હતું. આજ સુધી બા કહે એમ કર્યે રાખ્યું હતું.
‘હજી અંગૂઠા જેવડી છે, એને શું ખબર પડે!’ – પણ મામલો વધી ગયો. ક્યાંક બધાની હાજરીમાં ફ્જેતી ન થાય !’ એને રહીરહીને સુમી યાદ આવતી હતી.
મેં જરા કડપ રાખ્યો પણ એ તો બિચારી ગરીબ ગાય જેવી હતી. ક્યાં કોઇ દિ’ સામે થઇ છે ! બા અમથા… અને આ પહેલી દીકરી આવીને મરી ગઇ ત્યારે બિચારી કેવી રોઈ રોઈને અર્ધી થઈ ગઈ તી પણ કોણ જાણે ત્યારે મારી આંખેય પાટા બાંધેલા હતા !
બાએ કહ્યું ‘તું, ‘હશે, પા’ણો ગ્યો” એમાં હું યે પા’ણો જેવો થઈ ગ્યો તો.
બપોર પછી સુરેશે ઓસરીમાંથી ખાટ છોડી નાખી. બેય બાજુ લાંબી શેતરંજી નાખી. બાપુજી વચ્ચે બેઠા ને સુરેશ ખૂણામાં ગુમસુમ બેસી ગયો.
સાંજના ચારેક વાગે બધા એક પછી એક આવી ગયા. બે કાકા, ફુઆ અને બે ગામના વડીલ. સુમીના બે મામા, કાકા ને એના બાપુજી પાંચેય સાથે આવ્યા. પાછળ પાછળ સુમીય લાજ કાઢી ઘરમાં આવી. એના બાપુજીએ સુમીને સાથે લીધી હતી કે એને આપેલો દાગીનો ને મોંઘી ચીજવસ્તુ પાછી લઈ લે. બા મંદિરવાળા ઓરડામાં હતા. સુમી સુરેશ સામે એક નજર નાખી ખૂણાની ઓરડીમાં જતી રહી. સુરેશની યાચનાભરી આંખો પળવાર ઊંચી થઈ ને ઢળી ગઈ. બા કાઢી ન મૂકે એ બીકે છોટુ એ ઓરડીમાં ચૂપચાપ બેઠો હતો. ભાભીને ચોંટી પડ્યો. સુમી રોઈ પડી.
“તો હવે શું કરવું છે ?” ગામના વડીલ ડાહ્યાબાપા બોલ્યા.
“હવે આમ ને આમ નો ખેંચાય. અમારી પારેવા જેવી છોકરી…” સુમીના મામાએ જવાબ વાળ્યો
“ભાઇ હાચું ઇ છે કે સુરેશનો કંઇ વાંક નથી. સાસુ વહુની થોડીક ચણભણ છે.. બધું થાળે પડી જશે તમે માનો તો…” સુરેશના કાકાએ સમાધાનના સુરમાં કહ્યું.
”આને તમે થોડી ચણભણ કયો છો ? વેવાણ મારી છોકરીને ભરખી જશે !” સુમીના બાપુજી ગુસ્સામાં લગભગ ઉભા થઇ ગયા.
“મોટાભાઈ, શાંતિ રાખો. તમારું બીપી વધી જશે. આમેય હવે આપણે ફેંસલો કરવાનો જ છે.” સુમીના કાકા બોલ્યા
“જુઓ વેવાઈ, અમે કાન બંધ કરીને બેઠા નહોતા. બધીય વાતું વહેતી વહેતી અમારા સુધી પહોંચતી જ ‘તી. સુમી ગાળીગાળીને કહેતી ‘તી તોય એના બોલ્યામાંથી અમે પામી જતાં ‘તા કે દીકરી સુખી નથી. અમે અત્યાર સુધીમાં ઓછી બાંધછોડ નથી કરી. વેવાણ જમાનાના ખાધેલ છે અને સુરેશચંદ્ર કે તમે, કોઈ એને બે વેણ કહી શકતા નથી.. સો વાતની એક વાત. હવે અમારે છેડાછૂટકો કરવો છે.”
“ભાઈ તમે માનો તો હવે હું એને વારીશ. તમારી દીકરીનું હું ધ્યાન રાખીશ બસ?” બાપુજી ખચકાતા બોલ્યા.
”રહેવા દો વેવાઈ. આજ સુધી તમે કેમ ન બોલ્યા?”
અંદરથી રડવાનો અવાજ આવ્યો.
બારણામાંથી છોટુએ ડોકિયું કર્યું.. “બા બધું સાંભળે છે હોં… “
“તું અહીં મોટાની વાતમાં કેમ ડબડબ કરવા આવ્યો છો? જા તારા ઘરે જા.. અને વચ્ચેનું બારણું બંધ કરતો જા.” બાપુજી બોલ્યા.
છોટુએ બારણું અધુકડું વાસ્યું.
ચર્ચાઓ ફરી ઉગ્રતાથી થઈ. પ્રસંગો, ઘટનાઓના ફરીફરીને પોષ્ટમોર્ટમ થયાં. એના નવા નવા અર્થઘટનો અને તારણો… પરિણામ એક જ … અમારી છોકરીને અમે પાછી લઈ જશું.
સુરેશ નીચું મોં કરીને બેઠો હતો. આમે ય ગામડાગામમાં મા દીકરો વગોવાઈ ગયા હતા. આજે સૌની વચ્ચે સાવ ઉઘાડા થયા.
“હશે ભાઈ, તમારે સમાધાન નથી જ કરવું તો આનો અંત લાવો. લઈ જાવ તમારી દીકરીને અને મોટાભાઈ, વહેવારે સુમીના આણામાં પિયરમાંથી જે આપ્યું હોય એ તમે પાછું આપી દો એટલે વાત પૂરી, બીજું શું?” ચતુરકાકા નિવેડા પર આવી ગયા.
“હા, બધુંય આપી દો પાછું એટલે પંચ પાસે લખત કરાવી લઈએ. કોરટમાં પતતાં તો બહુ વાર લાગે.”
ઘરમાંથી એક પછી એક ચીજ વસ્તુઓ આવતી ગઇ. વાસણો, મોતીના તોરણ, ચાકળા, ઝુમર, ગાદલું, રેશમી રજાઈ, કપડાં, દાગીના……. સુમીના બાપુજી પાસે આણામાં આપેલી વસ્તુઓનું લિસ્ટ હતું. એ પ્રમાણે બધું ઓસરીમાં ખડકાતું ગયું. ટેમ્પાવાળાને ય બોલાવી લીધો.
છોટુ મોટાદાદાની બીકે બહાર નહોતો આવતો પણ કાન માંડીને બેઠો હતો. એકબાજુ ભાભી રોતા’તા ને બીજી બાજુ બા રોતા’તા. હવે દીકરાનું ઘર ભાંગતું હતું અને પોતે કાંઈ કરી શકતા નહોતા.
“એ અમારા છે.” શાંતિકાકાના હાથમાં રહેલા સાંકળા જોઈ સુમીના કાકા બોલ્યા.
“આ તો મને યાદ નહોતું તે થયું પુછી લઉં. સાંકળા તો અહીંથી યે ચડાવ્યા હોયને !”
એમણે ઓરડામાં ઉભેલી સુમીની સામે જોયું અને સાંકળા વેવાઈને આપી દીધા.
બધો હિસાબ પુરો થયો.
“સુમી બેટા, તું તૈયાર છો ને ? ચાલ ચંપલ પહેરી લે.” મામાએ પુછ્યું અને નિસાસો નાખ્યો.
“કોને ખબર હતી કે મારે તને આમ પાછી ય લઈ જવી પડશે!”
સુમીની હિંમત છુટી ગઈ હતી. એ સૌની દોરવાઈ દોરાતી હતી. પિયર ગઈ ત્યારે તો એને લાગ્યું હતું કે બસ હવે એ છુટી આ નરકમાંથી. એને સુરેશ યાદ આવી જતો પણ એ કઠણ થઈને બેસી રહેતી. આવો નમાલો વર શું કામનો ? મા પાસે મિંયાની મિંદડી ! જમ જેવી સાસુ સાથે જન્મારો કેમ નીકળે ! પણ આજે જેવી સામસામી ચર્ચા શરુ થઈ ને સુમીના હાથ-પગ પાણી પાણી થવા માંડ્યા હતા. મામાએ ચંપલ પહેરવાનું કહ્યું અને એનું શરીર કોથળા જેવું થઈ ગયું. આંખે અંધારા આવી ગયા. જેમતેમ પગ નાખ્યા. ડાબા, જમણાનું યે ઓસાણ ન રહ્યું.
મામાએ સુમીનો હાથ પકડ્યો. બીજા લોકો બહાર નીકળી ચુક્યા હતા.
અચાનક છોટુ દોડતો આવ્યો. સુમીભાભીનો પાલવ ખેંચતો બોલ્યો,
“તમે તમારી બધીય વસ્તુ લઈ જાવ, અમારી નંઈ.”
સુમીના મામા બાઘાની જેમ જોઈ રહ્યા.
“લગન થ્યા ત્યારે શીલાકાકીએ મને કીધું’તું, ભાભી તો અમારા છે.”
ધ્રુસ્કા ઉપર ધ્રુસ્કા… અને સુમીએ પગમાંથી ચંપલ ફેંકી દીધા.

નાજુક સ્નેહ સંબંધનું સુંદર ઉદાહરણ.
સરયૂ પરીખ
LikeLike
તપતી મરુભૂમિ પર જરા અમસ્તી લાગણીઓનો છંટકાવ થાય તોયે એમાંથી ભીની માટી જેવી સુગંધ આવે એવા સુમી અને છોટુના લાગણીભર્યા સંબંધની હૃદયસ્પર્શી વાત.
LikeLike
આભાર વેબગુર્જરી અને રાજુલબહેન
LikeLike