વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

અન્યની દાદી-નાનીની જેમ મારી દાદી પણ વૃદ્ધ દેખાતી હતી. સૌ કહેતા એમ, યુવાનીમાં એ સુંદર હશે, પણ છેલ્લાં વીસ-વીસ વર્ષથી હું એનો આવી અઢળક કરચલિયોવાળો ચહેરો અને એટલી જ કરચલિયોવાળી કાયા જોતો આવ્યો છું. આજે એનું નાનું કદ, મોટું શરીર, કમરથી વળી ગયેલી દાદીમાને જોઈને એ યુવાનીમાં સુંદર લાગતી હશે કે કેમ એ વિશે પણ શંકા થાય છે. હા, સારી દેખાતી હોવાની શક્યતા સાવ કાઢી નાખવા જેવી નથી.

એના શરીરનું સંતુલન જાળવવાનું હોય એમ એનો એક હાથ કમર પર રહેતો અને બીજા હાથમાં જપમાળા લઈને ભજન ગણગણતી ઘરમાં ફરતી. ચોતરફ બરફથી છવાયેલા પહાડોને જોઈને મનમાં શાંતિનો ભાવ જાગે એમ ચાંદીની જેમ ચમકતા વાળ અને સાફસૂથરા સફેદ વસ્ત્રો પહેરેલી દાદીને જોઈને મનમાં શાંતિ અનુભવાતી.

મારી અને દાદીમા વચ્ચે સરસ મૈત્રી હતી. મારાં માતાપિતા જ્યારે શહેરમાં રહેવાં ગયાં ત્યારે મને દાદીમા પાસે મૂકીને ગયાં. બસ, ત્યારથી હું અને દાદીમા સાથે રહ્યાં. સવારે મને જગાડતી, નવડાવીને સ્કૂલે જવા તૈયાર કરતી ત્યારે મીઠા અવાજમાં પ્રાર્થના ગાતી રહેતી જેથી મને પણ પ્રાર્થના યાદ રહી જાય. એનો અવાજ સરસ હતો એટલે સાંભળવો ગમતો.

લાકડાની પાટી, સરપટની કલમ અને માટીનો ચાક એક થેલીમાં મૂકીને નિશાળે વિદાય કરતી. હા, જઉં તે પહેલાં રોટલી પર જરા અમસ્તું ઘી અને સાકર ચોપડીને ખવડાવતી. મને મૂકવા આવે ત્યારે કૂતરાઓ માટે વાસી રોટલી સાથે રાખતી અને રસ્તાનાં કૂતરાંઓને ખવડાવતી. એ મને નિશાળે મૂકવા આવતી કારણ કે મારી નિશાળ ગુરુદ્વારાનો જ એક ભાગ હતી જ્યાં અમને વર્ણમાળા અને સવારની પ્રાર્થના શીખવાડમાં આવતી.

અમે બાળકો વરંડામાં કતારબંધ બેસીને વર્ણમાળા કે પ્રાર્થના ગાતા. દાદી અંદર જઈને ગ્રંથ સાહેબના પાઠ કરતી. સાંજ પડે બંને સાથે ઘેર જતાં. દાદીમાને જોઈને ગલીના કૂતરાં રોટલી માટે પાછળ પાછળ ઘર સુધી આવતાં.

સાંજે દાદીમા એનાં બાળપણની, દેવી-દેવતા કે દેવદૂતોની વાતો કરતી અને હું સાંભળતો.

શહેરમાં મા-બાપુ બરાબર ગોઠવાયાં ત્યારે અમને બોલાવી લીધાં.

બસ ત્યારથી અમારી ઘનિષ્ઠતા ખતમ થવાં માંડી. હું અંગ્રેજી સ્કૂલમાં જવા માંડ્યો ને દાદીનું મારી સાથે નિશાળે આવવાનું બંધ થઈ ગયું. અહીંયા રસ્તા પર કૂતરાંઓ નથી હોતાં એટલે દાદીએ આંગણાંમાં પંખીઓને દાણા નાખવાનું શરૂ કર્યું.

થોડા દિવસ સુધી તો સવારે નિશાળે જવા મને જગાડીને તૈયાર કરતી. સાંજે પાછો આવું ત્યારે ગુરુજીએ શું શીખવાડ્યું એ પૂછતી. હું અંગ્રેજી શબ્દો, પશ્ચિમી જ્ઞાન અને વિજ્ઞાન, આકર્ષણનો નિયમ, આર્કિમિડીઝનો નિયમ, દુનિયા ગોળ છે એ બધું કહેતો, જે એને સમજાતું નહીં અને ગમતું પણ નહીં એટલે ધીમેધીમે એ ઓછું થતું ગયું.

એને અંગ્રેજી સ્કૂલોનું ભણતર સાવ બેકાર લાગતું. ભગવાન અને ધર્મ અંગે કંઈ ભણાવવામાં નહોતું આવતું એ એને ભારે કઠતું.

એક દિવસ જ્યારે અમને સંગીત શિખવાડવામાં આવશે એવું કહ્યું તો એ ખૂબ પરેશાન થઈ કારણ કે એને મન સંગીત એટલે ભોગ-વિલાસ.

સંગીત નાચવાવાળા કે ભીખ માંગવાવાળા જેવી હલકીવરણ માટે હોય અને સભ્ય લોકોએ એનાથી દૂર રહેવું જોઈએ એવું માનતી. અને એ પછી તો અમારો સંબંધ જાણે સાવ ખતમ જ થઈ ગયો. દાદીમાએ ચુપચાપ આ દૂરી સ્વીકારી લીધી. કોઈનીય સાથે વાત નહોતી કરતી. બસ, ભજન ગણગણતાં રેટિંયો કાંત્યા કરતી.

સાંજે થોડો સમય બહાર આવીને વરંડામાં બેસતી. રોટલીનાં ઝીણાં ઝીણાં ટુકડા કરીને ચકલીઓને નાખતી. ક્યારેક ચકલીઓ એની પાસે આવીને બેસતી. દાદી એમને બેસવા દેતી. સાંજનો એ અડધો કલાક એનાં માટે સૌથી સુખનો સમય હોય એવું સ્મિત એ સમયે એના ચહેરા પર દેખાતું.

જ્યારે ઉચ્ચ ભણતર અર્થે પાંચ વર્ષ માટે વિદેશ જવાનું નક્કી થયું ત્યારે દાદીને દુઃખ થશે એવું મને લાગતું હતું, પણ એ સ્વસ્થ હતી. સ્ટેશન મૂકવા આવી ત્યારે પણ માળા ગણતાં ગણતાં પ્રાર્થના કરતી રહી. દાદીએ મારું માથે ચૂમી લીધી ત્યારે હું એને કહી ન શક્યો કે એ ચુંબન મારા માટે કેટલું મૂલ્યવાન હતું. પાંચ વર્ષે પાછો આવ્યો ત્યારે એ સ્ટેશને મને લેવા આવી. આશ્ચર્યની સાથે આનંદ થયો.

એની ઉંમર સ્થગિત થઈ ગઈ હોય એમ પાંચ વર્ષ પહેલાં એ હતી એવી જ આજે લાગી. કોઈ ફરક નહોતો. મને આલિંગનમાં લીધો ત્યારે પ્રાર્થના ગણગણવાનું ચાલું હતું. સાંજ પડે પહેલાંની જેમ ચકલીઓને દાણા નાખતી વખતે ચહેરા પર એ જ આનંદ, પણ સાંધ્ય પ્રવૃત્તિમાં પરિવર્તન દેખાયું. એ દિવસે એણે પ્રાર્થના કરવાના બદલે પડોશની સ્ત્રીઓને એકઠી કરીને જૂના ઢોલક પર યોદ્ધાઓની ઘર-વાપસીનાં ગીતો જોશભેર ગાતી રહી.

હું આવ્યો એના બીજા દિવસે એને તાવ ચઢ્યો. ડૉક્ટરના મતે એ સામાન્ય તાવ હતો, પણ દાદી કહેતી હતી કે હવે એનો અંત નજીક છે અને હવે જે સમય છે એ માત્ર પ્રાર્થનામાં લીન રહેવા માંગે છે.. અમારા વિરોધ છતાં આખો સમય શાંતિપૂર્વક માળા ગણતી અને પ્રાર્થના કરતી રહી.

અચાનક અમે કશું વિચારીએ કે સમજીએ એ પહેલાં એનાં હાથમાંથી માળા સરી પડી, હોઠ અને આંખો બંધ થઈ ગયા. ચહેરો સફેદ પૂણી જવો થઈ ગયો. પ્રથાનુસાર એને પથારીમાંથી જમીન પર લઈને સફેદ કપડું ઓઢાડી દીધું અને સૌ અગ્નિદાહની તૈયારીમાં પડ્યાં.

સાંજે દાદીને લેવા એના રૂમમાં ગયા ત્યારે આથમતા સૂર્યનો સોનેરી તડકો રેલાતો હતો. એ સોનેરી તડકામાં કેટલીય ચકલીઓ ચુપચાપ બેઠી હતી. દાદીની જેમ મા પણ એમનાં માટે રોટલીનાં ટુકડાં લઈ આવી. પણ, ચકલીઓ એ તરફ ધ્યાન આપ્યાં વગર બેસી રહી. જેવા દાદીની અર્થી લઈને બહાર આવ્યા કે ચુપચાપ ઊડી ગઈ.

બીજા દિવસે રોટલીનાં એ ટુકડાંઓ કચરાપેટીમાં નાખવા પડ્યાં.


ખુશવંત સિંહ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.