સંપાદક મંડળ, વેબ ગુર્જરી
પ્રીતિ શાહ-સેનગુપ્તા
અનેક લોકો પ્રવાસે જતા હોય છે. મુખ્ય કારણ હોય છે નવા દેશો, ઐતિહાસિક સ્થાનો, કુદરતી સૌંદર્ય વગેરે જોવાની ઇચ્છા. એ સિવાય પણ, બીજી જગ્યાઓએ જનારા એવા પણ થોડા લોકો હોય છે, કે જે ક્યાંક મદદ કરવાના હેતુથી જતા હોય.
હું પોતે બહુ વર્ષોથી દુનિયાનાં સ્થાનોમાં ફરતી ને વિચરતી આવી છું. તેથી, જ્યારે મદદ કરવા માટે ક્યાંક જવાની તક ઊભી થઈ, ત્યારે એને મેં જવા ના દીધી. જ્યારે મારા જાણવામાં આવ્યું, કે ગયાના દેશમાં ડૉક્ટરોનું એક ગ્રૂપ જઈ રહ્યું છે, ત્યારે બિન-તબીબી સ્વયંસેવક તરીકે, મેં એમાં નામ નોંધાવી લીધું.
કદાચ કોઈને પ્રશ્ન થાય, કે તો આ ગયાના ( Guyana) દેશ પૃથ્વી ઉપર છે ક્યાં? ખાસ્સી નવાઈ ભરેલી ઉપસ્થિતિ છે એની. સૌથી પહેલાં તો એ જાણવાનું, કે ગયાના દેશ મહાખંડ દક્ષિણ અમેરિકાના ઉત્તર કિનારા પર આવેલો છે. વળી, ગયાના દેશને ચારસો-બત્રીસ કિ.મિ. લાંબો સમુદ્ર-કિનારો મળેલો છે, પણ સહેલાણીઓને પ્રિય એવાં હલકાં મોજાંવાળો, સૂર્યસ્નાનને યોગ્ય રેતાળ કાંઠો ક્યાંય નથી.

ગયાનાની ડાબી બાજુએ વૅનૅઝુઍલા દેશ છે, દક્શિણે બ્રાઝીલ દેશ છે, અને જમણી બાજુએ સુરિનામ દેશ છે. એક સ્પૅનિશ, બીજો પોર્તુગીઝ, અને ત્રીજો ડચ. પણ કેવી નવાઇ છે, કે ગયાનામાં આમાંની કોઈ ભાષાનો વપરાશ નથી. બલ્કે, ત્યાંની મુખ્ય ભાષા ઇંગ્લિશ છે.
સત્તરમી-અઢારમી સદીમાં, ત્યાં ચઢી આવીને, ઓછોવત્તો સમય વસવાટ તો કરેલો સ્પૅનિશ, ડચ, ફ્રેન્ચ, પોર્તુગીઝ હકુમતોએ પણ, છતાં, છેલ્લે અમલ ઇંગ્લંડનો રહેલો, ને તેથી, ત્યાંની મુખ્ય ભાષા ઇંગ્લિશ રહી છે.
વળી, ભૌગોલિક રીતે, ગયાના દેશ છે ઍટલાન્ટીક મહાસાગરને કિનારે, પણ એની ગણત્રી થાય છે કરીબિયન સમુદ્રમાંના, તેમજ કરીબિયન પ્રજાથી બનેલા અન્ય ટાપુ-દેશો સાથે.
અંગ્રેજ સરકારનો અમલ કરીબિયન સમુદ્રમાંના બીજા ઘણા ટાપુઓ પર પણ રહેલો. જેમકે, ઍન્ટિગ્વા, ટ્રિનિડાડ અને ટૉબૅગો, સેન્ટ થૉમસ, સેન્ટ વિન્સન્ટ, ગ્રનેડા, બાર્બેડોસ વગેરે. તેથી, આ જળ-વિસ્તાર ‘કૉમનવૅલ્થ કરીબિયન’, તેમજ ‘બ્રિટિશ વૅસ્ટ ઇન્ડીઝ’ તરીકે ઓળખાય છે.
અઢારમી-ઓગણીસમી સદીમાં, અંગ્રેજ સરકારે, વહાણો દ્વારા, હજારો ઇન્ડિયનોને, આ ટાપુઓ પર મોકલ્યાં હતાં. ગયાના ટાપુ નથી, છતાં એ સમુદ્રના કિનારા પર રહેલો હોઈ, ૧૮૩૮માં ત્યાં પણ વહાણ નાંગરેલાં, અને કુલ ૪૧૪ ઇન્ડિયન સ્ત્રી-પુરુષો ત્યાં રહી ગયેલાં.
વીસમી સદીમાં, ૧૯૬૦ના દસકાથી શરૂ કરીને, ધીરે ધીરે, આ બધાં સ્થાનો સ્વતંત્ર થતાં ગયાં. ગયાના દેશ બ્રિટિશ કૉમનવૅલ્થનો સદસ્ય બન્યો ૧૯૬૬માં, અને એ સ્વતંત્ર રિપબ્લિક બન્યો ૧૯૭૦માં.
આ બધી જગ્યાઓએ, સત્તરમી સદીથી આફ્રીકાનાં પ્રજાજનોને ગુલામો તરીકે લાવવામાં આવતાં હતાં. અંગ્રેજ સરકારે ગુલામીની પ્રથા ૧૮૩૪માં નાબુદ કરી. પછી તો શેરડીનાં પ્લાન્ટેશન અને બીજાં કારખાનાં બંધ કરી દેવા પડ્યાં. કામ કરનારાંની ભારે અછત દૂર કરવા માટે, પછીથી સરકારે દરિયા-પારની ઇન્ડિયા, ચીન, પોર્તુગલ જેવી પોતાની કૉલૉનિઓમાંથી મજૂરો મોકલવાની વ્યવસ્થા કરી.
આ રીતે, મુખ્યત્વે બંગાળ, બિહાર અને કેરાલા જેવા પ્રદેશોમાંથી લોકો આ જગ્યાઓમાં આવી વસ્યા. દસ વર્ષ કામ કર્યા પછી પાછાં ઇન્ડિયા જવા દેવામાં આવશે, એવું નક્કી થયેલું. થોડાં જણ પાછાં ગયાં પણ ખરાં, પણ વધારે જણ ત્યાં જ વસતાં રહ્યાં. કહેવાય છે, કે પાછાં જવાના પૈસા પણ ઘણાં પાસે હતા નહીં.
ઉપરાંત, આ લોકોને લાવવામાં આવેલા નોકરીના નામ પર, પણ એમની રહેવાની ને ખાવા-પીવાની હાલત ખૂબ ખરાબ રહેતી. તેમજ, એમનો ઉપયોગ મજૂરો અને ગુલામો તરીકે જ કરવામાં આવતો, એમ નોંધાયું છે. હવે એકવીસમી સદીમાં, ઇન્ડિયનોનો ઐતિહાસિક આગમન-દિન આ બધી જગ્યાઓએ, દર વર્ષે, બહુ માનથી ઉજવાય છે.
ગયાનાની વસ્તી સાડા સાતેક લાખથી થોડી જ વધારે છે. એમાંની નેવું ટકા વસ્તી દેશના કિનારાની નજીકમાં વસે છે. દેશની અંદરનો મોટા ભાગનો વિસ્તાર લોકોના વસવાટને લાયક નથી, કારણકે ત્યાં ગાઢ વર્ષા-વન બનેલાં છે. દેશનો નકશો જોઈએ, તો બધે લીલો રંગ, અને વાંકીચૂકી નદીઓ દર્શાવતી ભૂરી લીટીઓ દેખાય.
આ દેશમાં ભૂમિ-માર્ગ છે તેના કરતાં અનેક ગણા વધારે જળ-માર્ગ છે. નકશામાં દેશના મોટા રસ્તા પીળા રંગે ચિતરાયેલા છે. એક મોટો માર્ગ કિનારાના થોડા ભાગમાં જતો દેખાય છે, ને પછી એ ક્યાંક અધવચ્ચે અટકી જાય છે. બીજો એક મોટો માર્ગ ઉત્તર-દક્શિણ જતો બતાવાયો છે ખરો, પણ એની શું હાલત હશે, તે કહેવાય નહીં, કારણકે એ પ્રદેશ તો ગીચ જંગલોનો અને પહાડોનો છે.

નકશામાં નદીઓ માટેની ભૂરી લીટીઓ ઘણી છે. જાણે દેશના શરીર પરની નસો ના હોય. આમાંની મોટી મોટી નદીઓમાં હોડી વાટે જવું પડે. કેટલીક નદીઓનાં નામ માઝારુની, કુયુની, પુરુની, વાઇની, ઍસૅકિબો, બુરો-બુરો, પોમેરૂન અને ડૅમૅરારા છે. બધાં જ નામ કેવાં અવનવાં લાગે છે.
દેશમાં નાની-મોટી અસંખ્ય નદીઓ છે, ને ત્રણસો જેટલા તો ધોધ છે, જેમાંનાં થોડાં નામ છે અરુવાઇ, ઓરિન્ડુક, વાનોસોરો, સાકાઇકા, કાઇએટ્યર, બૅરિન્ગ્ટન બ્રાઉન, કિંગ ઍડવર્ડ સાત, ગવર્નર, ને કાનિસ્ટર વગેરે.
આ પ્રદેશમાં મૂળ વસવાટ હતો ઑરૉનૉક તળ-પ્રજાનો. અનેક જગ્યા, નદી, ધોધ, પહાડો વગેરેનાં નામ એમની તળ-ભાષામાંથી આવેલાં છે. તે સિવાય ઘણાં નામ અંગ્રેજી ઓળખાણ પરથી આવેલાં છે. નકશામાં કોઈ જગ્યાનું નામ (ઇન્ડિયાનું) ઇન્ડિયન નથી દેખાતું.
આજે ગયાનાની વસ્તીના ચુમ્માલિસ ટકા ઇન્ડિયન વંશના લોકોના બનેલા છે. સમાજમાં અને રાજકારણમાં, અગત્યનાં સ્થાનો પરની ઘણી વ્યક્તિઓ દોઢસો વર્ષ પહેલાં આવી વસેલા ઇન્ડિયન લોકોના વંશજ છે. દેશના હાલના પ્રમુખ ડોનાલ્ડ રામોતાર આમાંના જ એક છે. મૂળ બિહારી એવા રામ-અવતાર નામનું અપભ્રંશ થઈને રામોતાર બન્યું છે.
હજી ગયાનામાં પ્રવેશ થતાં પહેલાં જ આવો થોડો પરિચય મેળવી લીધેલો. ને તેથી, મારા મનમાં, એને વિષે રસ અને કુતૂહલ વધી ગયાં હતાં.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
