મંજૂષા

 વીનેશ અંતાણી

હૈદરાબાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આખી રાત ધીમો વરસાદ વરસ્યો પછી વાદળઘેરી ધૂંધળી સવાર કોઈ વેદકાલીન સમય જેવી લાગતી હતી. તે સમયનો અનુભવ કરવા હું શિરીષ પંચાલ દ્વારા સંકલિત અને સંપાદિત ‘ભારતીય કથાવિશ્વ’ ગ્રંથનો પહેલો ભાગ લઈને બેઠો હતો. એમાં એમણે ઋગ્વેદની ઋચામાં જોવા મળતા કથાસંકેતોની વિગતે વાત કરી છે. હવામાં વરસાદ છે, મારું ધ્યાન વર્ષાઋતુ સાથે જોડાયેલી વિગતો પર છે.

શિરીષભાઈએ ગ્રંથના આરંભે ભારતીય કથાસહિત્યની પૂર્વભૂમિકા સમજાવતો વિશદ્દ અભ્યાસલેખ આપ્યો છે, એમાં એક જગ્યાએ લખે છે: ‘કેટલીક પ્રાકૃતિક ઘટનાઓને વેદમાં જુદી રીતે જોવામાં આવી છે. સૂરજ વાદળ તળે ઢંકાઈ જાય એ ચિત્ર સાર્વત્રિક છે. ઋગ્વેદની એક ઋચા એમ કહે છે કે ઇન્દ્રે વજ્ર ફેંકીને વાદળાંને ચીર્યાં અને એટલે સૂરજ બહાર આવ્યો, અંધકારનો નાશ થયો. વિજ્ઞાન કહે છે કે સૂર્ય અને પૃથ્વી જે અંતરે છે તે અંતરને કારણે જ પૃથ્વી પર જીવસૃષ્ટિ શક્ય બની. સૂર્યને કારણે જ પૃથ્વી પર સંસ્કૃતિઓ ટકી, કૃષિસંસ્કૃતિ સૂર્યને કારણે. જલનો એક પર્યાય જીવન છે, જલ વિના અહીં કશું જ શક્ય ન બને.

વળી ભારતની પ્રાકૃતિક ભૂગોળ જોઈશું તો અહીં ત્રણ ઋતુ છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોને બાદ કરીએ તો અહીં બારે માસ વરસાદ પડતો નથી. વળી, ચોમાસા દરમિયાન જે વરસાદ પડે તે પણ અનિયમિત. ઋગ્વેદથી માંડીને મધ્યકાળ સુધી, અર્વાચીન કાળ સુધી, ભારતમાં લાખો લોકોનાં મૃત્યુ દુકાળમાં થયાં. વેદમાં પણ વચ્ચે વચ્ચે ઉલ્લેખો આવશે કે બાર બાર વરસનો દુકાળ પડ્યો. આ પરિસ્થિતિને કારણે અહીંના લોકો સૂર્ય, ઇન્દ્ર, વરુણને પ્રાર્થે એ સ્વાભાવિક છે. યજ્ઞયાગાદિનાં મૂળ પણ અહીં જોવા મળશે. નદીનાળાં છલકાય એમાં ભારતીય ઋષિઓએ ઇન્દ્રને કારણભૂત માન્યા.’

આ જ ગ્રંથમાં ઇન્દ્રને લગતી ઋગ્વેદની કેટલીક ઋચાઓ આપી છે. એમાંની બે ઋચા જોઈએ: ‘ઇન્દ્રે ભૂપ્રદેશમાં વહેનારી ચાર નદીઓને મીઠા પાણીથી ભરી દીધી’; ‘હે ઇન્દ્ર, વર્ષાકાળમાં મેઘોને વિદાર્યા, જળદ્બારો ખોલ્યાં, જળપૂર્ણ મેઘોને મુક્ત કર્યા, મોટા મોટા પહાડ તોડ્યા, જળધારા વહાવી.’

વર્ષાના વાતારણમાં મને હિમાચલ પ્રદેશના કવિ દેવની એક સુંદર કવિતા ‘ઋતુપર્વ મિંજર’ અચૂક સાંભરે અને એ વિશે વારંવાર લખવાનું મન થાય છે. વર્ષાઋતુમાં હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં મકાઈના ડોડા પર રેષાઓ ફૂટે પછી ચંબામાં સાત-આઠ દિવસોનો મેળો ભરાય છે. આ પર્વને ત્યાંના લોકો મિંજર કહે છે.

કવિ દેવ ‘ઋતુપર્વ મિંજર’ કાવ્યમાં કહે છે: ‘જુઓ, તે મદમસ્ત – અલ્લડ – રસિક પ્રવાસી મેઘ દિશાઓને બાથમાં ભરી, મિંજરનો ધ્વજ ફરકાવતો ચંબાનાં મેદાન, આંગણાં અને ઘરમાં પાછો ફરવા લાગ્યો છે. પહાડો, ગાઢ વનો, ઊંડી ખીણો, ધરતીનો ઉભાર જોઈ વ્યાકુળ થઈ ઊઠેલો મેઘ રાતના પાછલા પહોરે, ધીમા પગલે, આકાશમાંથી ચુપચાપ નીચે ઊતરી આવ્યો છે અને પછી ધરતીનું બધું જ પોતાની બાહોમાં ભરી આખી રાત બેસુધ જેવો પડ્યો રહે છે. પરોઢ થતાં જ એ ઢળી પડશે કાચી કંદલી પર, અહીંથી તહીં, દૂર સુધી… ‘સવારનો તડકો નીકળશે ત્યારે કુંજડીઓની હાર સ્નાન કરવા નીકળશે અને પનિહારીઓ ગાગર ઉપાડી પનઘટ પર પહોંચશે ત્યારે આ મેઘ પનિહારીઓને એકલી જોઈ ચીડોનાં વનમાંથી બહાર નીકળશે અને એમને ઘેરી લેશે. પનિહારીઓ પાછી ફરશે ત્યારે એમનાં ભીનાં લથબથ અંગો અને સ્વપ્નિલ આંખો જોતાં જ લોકોને ખબર પડી જશે કે ઋતુપર્વ મિંજર ઊજવવા માટે પ્રવાસી વાદળો ગઈ રાતે ઘેર પાછાં આવી ગયાં છે.’

કોઈએ કહ્યું છે કે વરસાદનું દરેક ટીપું એક નવો આરંભ છે. એથી આપણે વરસાદની ચાતકનજરે વાટ જોઈએ છીએ. ચાતક પક્ષી વિશે લોકોમાં એક જાણીતી માન્યતા છે કે એ વરસાદના પાણી સિવાય બીજું પાણી પીતું નથી. તરસ્યું ચાતક એની ચાંચ આકાશ સામે ખુલ્લી રાખી મહિનાઓ સુધી વરસાદની રાહ જુએ છે અને વરસાદનું પાણી ધરાઈને પી લે પછી એના મધુર અવાજથી વાતાવરણને છલકાવી દે છે. ભારતીય સંગીત, ચિત્રકળા, સાહિત્ય અને પછી તો ફિલ્મોમાં વરસાદનો મહિમા ગાવામાં આવ્યો છે.

વરસાદ વિશે દુનિયાભરમાં અનેક લોકવાર્તાઓ મળે છે. આફ્રિકાના એક દેશ કેમરૂનમાં વારંવાર દુષ્કાળ પડે છે. એ સમયે દૂર દૂર સુધી ક્યાંય પાણી મળતું નથી. મોટાં ભાગનાં તળાવો, નદીનાળાં સુકાઈ જાય. એવામાં કોઈ ગામના તળાવમાં થોડું પાણી બચ્યું હતું. એ તળાવમાં રહેતી એક માછલીએ શપથ લીધા હતા કે પાણીના છેલ્લા ટીપા સુધી ગામને તરસ્યું રહેવા દેશે નહીં. ગામની એક સ્ત્રી પાણી માટે તલસતાં એનાં સંતાનો માટે તળાવમાંથી પાણી લેવા ગઈ અને છેલ્લા ટીપા સુધી બધું પાણી ઘડામાં ભરી લીધું. ત્યારે માછલીએ એને કહ્યું કે સ્ત્રી એને પણ પાણીની સાથે લઈ જાય. સ્ત્રી માછલીને પોતાની સાથે ઘેર લઈ ગઈ. સ્ત્રીએ ખપ પૂરતું પાણી પોતાના માટે રાખી બાકી વધેલું પાણી ગામના લોકોમાં વહેંચી દીધું. પછી એ ખાલી ઘડામાંથી માછલીને કાઢવા જતી હતી ત્યાં જ જોયું તો આખો ઘડો ફરી પાણીથી ભરાઈ ગયો હતો. સ્ત્રીને બહુ આશ્ર્ચર્ય થયું. એણે નવા પાણીની પણ અગાઉ જેવી વ્યવસ્થા કરી, ઘડો ફરી પાણીથી ભરાઈ ગયો. એમ કરીને માછલીએ દુષ્કાળના કારમા સમયમાં આખા ગામને પાણી વિના તરસ્યું રહેવા દીધું નહીં.

શ્રાવણ પછી ભાદરવો અને પછી ચોમાસાની વિદાય. શરદઋતુમાં આકાશમાંથી વાદળાં વિદાય લેશે. નદી-તળાવોનાં નીર નીતરીને ચોખ્ખાં થઈ જશે અને આપણે ફરી વરસાદની રાહ જોવા લાગશું. વરસાદ આપણી વયના દરેક તબક્કા સાથે જોડાયેલો રહે છે. વરસાદનો આનંદ માણવા માટે આપણું બાળપણ સાચવી રાખીએ. વરસાદને બાળકની જેમ ઓઢીએ, યુવાનોની જેમ માણીએ અને વૃદ્ધાવસ્થામાં વીતેલાં ચોમાસાંને વાગોળતાં રહીએ.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.