અંકિતા સોની
લાલ રંગના ડ્રેસમાં સંપૂર્ણ સજ્જ થઈને આરસી સ્વાતિ અને અજયના રિસેપ્શનમાં જવા નીકળી. વેન્યુની ઝગમગાટ એના ચહેરા પર અંધારું કરી રહી હતી. નવદંપતીને શુભેચ્છા પાઠવવા માટે સ્ટેજ પર જતાં પહેલાં મન મક્કમ કરીને હોઠ પર બનાવટી સ્મિત સજાવી લીધું. ગિફ્ટ આપીને ફોટોસેશન પતાવતાં સ્વાતિએ હળવેથી એનો હાથ દબાવ્યો અને જરા લુચ્ચું હસી. આરસીના હૃદય પર આઘાતના લીસોટા પડ્યાં અને ધીરેથી એ ત્યાંથી સરકી ગઈ. ઘરે આવતાં જ આંસુઓનો બાંધ તૂટી પડ્યો. અજયને યાદ કરીને એ ક્યાંય સુધી રડતી રહી.
થોડા દિવસ બાદ સ્વાતિ અને અજય અમેરિકા જવા રવાના થયાં, પણ આરસીએ ન તો ફોન કર્યો કે ન રૂબરૂ મળવા ગઈ. જો કે અંદરખાને અજય પણ ઈચ્છતો હતો કે આરસી ત્યાં ન આવે. તેઓના જવાથી આરસીને જીવન અર્થવિહીન લાગવા માંડ્યું હતું. સ્કૂલ બસથી માંડીને કૉલેજની પિકનિક સુધીની સફરમાં અજય હોય તો આરસી હોય જ. અજય માટે આરસી વિહોણું વિદેશગમન પ્રથમ વાર જ હતું.
સાંજ પડ્યે આરસી દરિયાકિનારે જતી અને અજયને યાદ કરીને આંસું સારતી. ક્યારેક ભીની રેતીમાં આંગળા ખોસીને અજયનું નામ લખતી ત્યાં ગોઝારી લહેર આવીને પાણી ફેરવી નાખતી ત્યારે એ લહેરમાં એ સ્વાતિને જોતી. દિવસો વીતતા ગયા. મહિનાઓ પણ વીતવા લાગ્યા. દુઃખનું ઓસડ દહાડા એમ આરસી ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. ઓફિસના કામમાં પોતાની જાતને ડુબાડીને દુનિયાથી સાવ વિખૂટી પડવા ઈચ્છતી આરસીને ક્યાં ખબર હતી કે શાંત પાણી જેવા જીવનમાં ઊઠેલાં વલયો હજુ ભયંકર વાવાઝોડાને નિમંત્રણ આપી રહ્યાં છે!
જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં. આ ત્રણ વર્ષમાં સ્વાતિ અવારનવાર આરસીને પોતાના અજય સાથેના ફોટા મોકલતી રહેતી તો ક્યારેક ફોન પર લાંબી વાતો કરતી. એની વાતોના જવાબમાં ખાલી હોંકારો ભણતી આરસી પાસે વાતો કરવા જેવું આમ પણ શું હતું? ઓફિસમાં હવે એ જુનિયરની પોઝિશન પરથી સિનિયર બની ગઈ હતી.
એક વખત કોલેજના ગેટ ટુ ગેધરમાં આરસીની જૂની મિત્ર રિયા મળી ગઈ. લગ્ન પછી રિયા દિલ્લીમાં સેટલ થઈ ગયેલી એ પછી પહેલી વાર જૂના મિત્રોને મળવા આવેલી. પાર્ટીમાં સામેલ તમામ સહપાઠીઓ સાથે મુલાકાત બાદ એક ખૂણામાં ચૂપચાપ બેસેલી આરસીને એણે ધબ્બો માર્યો.
“એઈ..કેમ એકલી બેઠી છે? અજય ક્યાં છે? એની સાથે ક્યાંક ઝગડો કરીને તો નથી આવી ને!” રિયાએ અજાણતાં જ આરસીની દુઃખતી રગ પર હાથ મૂક્યો.
“અજય..અજય અમેરિકા છે..સ્વાતિ સાથે..” આરસી ધીમેથી બોલી.
“કેમ સ્વાતિ સાથે? એ નખરાળીએ અજયને તારી પાસેથી ચોરી તો નથી લીધો ને..!” રિયાએ હસતા હસતા પૂછ્યું. હવે આરસીથી રહેવાયું નહીં. એણે પર્સ લઈને ઝડપથી ત્યાંથી ચાલતી પકડી. આરસીના વર્તન પરથી રિયાને કંઈક કાચું રંધાયું હોવાનો ભાસ થયો. પાર્ટીમાં હાજર અન્ય મિત્રો દ્વારા એને અજય અને સ્વાતિના લગ્નની જાણ થતાં રિયાને આંચકો લાગ્યો. ‘અજય આરસી સાથે આવું કરી જ ન શકે..જરૂર સ્વાતિ કોઈ રમત રમી ગઈ હશે..’ એ વિચારવા લાગી.
રિયા આરસી અને અજયની બાળપણની મિત્ર હતી. આરસી અને અજય બંનેની પાક્કી દોસ્તી પાછળ ફૂટેલા પ્રેમના અંકુરની એકમાત્ર સાક્ષી રિયા જ હતી. સ્કૂલમાં એકબીજાનો નાસ્તો ખાઈ જવાથી શરૂ થયેલી બંનેની લડાઈ કોલેજના બીજા વર્ષે પ્રપોઝ ડેના ગુલાબ પર પૂર્ણ થઈ ગયેલી. સ્કૂલથી માંડીને કૉલેજ સુધી સાથે જ રહેલા આરસી અને અજયની જોડી સર્વસ્વીકૃત બની ગયેલી. ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને આરસી આગળ ભણવા નહોતી માંગતી. જ્યારે અજય માસ્ટર ડિગ્રી મેળવવા મોટા શહેરમાં જવા થનગની રહ્યો હતો. આરસીના જીવનમાં વિયોગનો યોગ બસ ત્યારથી શરૂ થયો.
અજયે મોટા શહેરની જાણીતી કૉલેજમાં એડમિશન લીધું. શરૂઆતમાં આરસી સાથે રોજ ફોન પર લાંબી વાતો થતી પછી અભ્યાસની વ્યસ્તતામાં એમાં કાપ મૂકાતો ગયો. અભ્યાસ પૂર્ણ થતાં જ એને એક કંપનીમાં નોકરી મળી ગઈ. ત્યાં બોસની દીકરી સ્વાતિ સાથે અજયની રોજની મુલાકાત દોસ્તીમાં પરિણમી. સ્વાતિ ખૂબ જ ચંચળ અને રૂપાળી. વળી કામના બહાને ઓફિસમાં એની અવરજવર ખૂબ રહેતી. અજય શરૂઆતમાં સ્વાતિ સાથે નજર સુદ્ધાં મિલાવતો નહીં. ચપળ અને બોલકણી સ્વાતિ આખરે અજય સાથે દોસ્તી કરવામાં સફળ રહી. એક વાર મળવા આવેલી આરસીની ઓળખાણ અજયે સ્વાતિ આગળ પોતાની ભાવિ પત્ની તરીકે જ આપેલી. એ પછી સ્વાતિ અને આરસી વચ્ચે પણ મિત્રતાનો સેતુ બંધાયો. છતાં સ્વાતિએ અજયની સાથે લગ્ન..!
અમેરિકાથી સ્વાતિએ ત્રણ વર્ષ બાદ ઓચિંતો ફોન કર્યો. ઔપચારિક વાતોના દોર પરથી મૂળ તંતુ સાધવા એ પ્રયત્ન કરી રહી.
“આરસી, તું લગ્ન ક્યારે કરીશ?” સ્વાતિના સૂરમાં પહેલી વાર આરસીને સહાનુભૂતિ અનુભવાઈ.
“મારે હવે લગ્ન નથી કરવા.” આરસીથી બોલી જવાયું .
“સાંભળ, હું ઇન્ડિયા આવી રહી છું. નેક્સ્ટ વીક. આપણે મળીએ.” સ્વાતિના અવાજમાં થોડો ફફડાટ વર્તાતો હતો.
બીજા અઠવાડિયે સ્વાતિ અમેરિકાથી પરત આવી હતી. આરસી મળવા ગઈ ત્યારે સ્વાતિને જોઈને તેણે આશ્ચર્ય અનુભવ્યું. સાવ નિસ્તેજ ચહેરો અને શરીર તો બિલકુલ લેવાઈ ગયેલું. ઊંડી ઉતરી ગયેલી આંખો નીચેના ખાડા, ખરબચડા ગાલ, આછા થયેલા વાળ, ગળામાં સાફ સાફ દેખાતી નસો, ઢીલા પડી ગયેલા હાથપગ.. ક્યાં પહેલાની સ્વાતિ અને ક્યાં અત્યારની..! આરસીએ આમતેમ નજર નાખીને અજયની ગેરહાજરીની ખાતરી કરી. કદાચ અજય હોય તો પણ એને મળવામાં હવે આરસીને કશો રસ બતાવવો નહતો. છતાં પણ મનમાં તો ઊંડે અજયને એક વાર જોઈ લેવાની ઈચ્છા અકબંધ હતી.
“આરસી, અજય નથી આવ્યો. હું એકલી જ આવી છું. ” આરસીની મૂંઝવણ કળી જતાં સ્વાતિ બોલી. સ્વાતિને વાત ક્યાંથી શરૂ કરવી એ સમજાતું નહોતું. આરસી પણ ચૂપચાપ હતી.
“આરસી, શું તને મારા માટે નફરત નથી થતી? મેં તારી સાથે દગો કરીને અજય સાથે… ” સ્વાતિ નિ:સાસો નાખતી બોલી.
“અજયે જે કંઈ કર્યું હશે તે વિચારીને જ કર્યું હશે. બાળપણથી ઓળખું છું એને..” આરસી મૌન તોડતા બોલી.
આરસી, આજે મારે તને બધું કહી દેવું છે. ત્રણ ત્રણ વર્ષથી સંગ્રહેલો હૃદયનો તમામ બોજ હળવો કરવો છે. અજય દગાબાજ નથી…” સ્વાતિને બોલતાં બોલતાં ઉધરસ ચડી. આરસીએ ઊભા થઈને એના વાંસે હાથ ફેરવ્યો. જરાક સ્વસ્થ થઈને સ્વાતિએ ફરીથી અટકેલી વાતનો દોર શરૂ કર્યો.
“આરસી..એક દિવસ અન્ય શહેરમાં આવેલી અમારી ફેકટરીનું નિરીક્ષણ કરવા હું અને અજય કાર લઈને જતા હતાં. ત્યાં અચાનક અજયની તબિયત બગડી. મેં કારને ઝડપથી હોસ્પિટલ તરફ વાળી. ડૉકટરે તપાસ કરતાં માલૂમ પડ્યું કે અજયના હૃદયમાં છિદ્ર છે. આ સમાચારથી મારા પગ તળેથી જમીન ખસી ગઈ. અમે શહેરના ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ છિદ્ર મોટું થતું જતું હોવાથી સર્જરી શક્ય નહોતી. અજય નહોતો ઈચ્છતો કે તું દુઃખી થાય એટલે તને કશી જાણ ન કરી. અજયની પાસે જિંદગીના દિવસો બહુ થોડા હતાં ત્યારે મને અહેસાસ થયો કે હું પણ અજયને પ્રેમ..! તારું જીવન દુઃખમય ન બને એટલે અજયે અને મેં તને દગો દેવા માટે લગ્ન… એથી કદાચ તું અમને નફરત કરે અને અન્ય સાથે લગ્ન કરીને તારી જિંદગી સુધારે. મારાથી દિનપ્રતિદિન બગડતી એની હાલત જોવાતી નહોતી એટલે એને લઈને અમેરિકા આવી ગઈ. અમેરિકામાં પણ ઘણા ડૉકટરોને બતાવ્યું પણ પરિણામ શૂન્ય હતું. અજયના કહેવાથી અવારનવાર હું તને અમારા ફોટા મોકલતી પણ તારો કોઈ વિરોધ મને જણાયો નહીં.” સ્વાતિની વાત સાંભળતા આરસીની આંખો વરસી પડી.
“આટલું બધું થઈ ગયું અને મને જણાવ્યું પણ નહીં? મને કયા ગુનાની સજા આપી એણે? એ ગુનેગાર તો છે જ કારણ કે એણે જાણી જોઈને તારું જીવન પણ…” બોલતા બોલતા આરસીનો કંઠ રૂંધાયો.
“ના..એ ગુનેગાર નથી..એ જાણતો હતો કે મને પણ કેન્સર..અને હવે તો મારી પાસે પણ દિવસો ઓછા છે..” સ્વાતિના સ્વરમાં ઢીલાશ આવી ગઈ.
“શું? તને પણ? મારે અજયને મળવું પડશે..”સ્વાતિના ખભે હાથ મૂકી આરસી મોટેથી બોલી.
“અજય આપણને છોડીને જઈ ચૂક્યો છે.. ઘણે દૂર..” સ્વાતિના શબ્દો આરસીની છાતીમાં ભોંકાયા અને એ ત્યાં જ ઢળી પડી.. અજય સાથેની અધૂરી યાત્રા પૂરી કરવા..!

બહુ સુંદર કથાનક
LikeLike