ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
એક સમય એવો હતો કે પાંચથી સાત વરસની ઉમરનાં બાળકોનાં રમકડાંમાં પાવો અને/અથવા મોઢાવાજાનો સમાવેશ જોવા મળતો. બિલકુલ પ્રાથમિક કક્ષાનાં આ ‘વાદ્યો’નું આયુષ્ય આઠ-દસ મહિના અથવા તેનાથી પણ ઓછું રહેતું. એમાં પણ મોઢાવાજાને જાળવવું વધુ અઘરું હતું, કારણકે તેનું માળખું અત્યંત તકલાદી હોતું અને તેના સૂરો પણ કોઈ પણ ક્ષણે વાગતા બંધ થઈ જતા. પરિણામે આ વાદ્યની જનસામાન્ય ઉપર છાપ એક તકલાદી રમકડાથી ઉપર નથી બની.
પણ, હાર્મોનિકા અથવા માઉથઓર્ગન તરીકે ઓળખાતું આ વાદ્ય રમકડાના ‘મોઢાવાજા’ કરતાં ઘણું વિશેષ છે, પ્રાથમિક પરિચય કેળવતાં ખ્યાલ આવશે કે દેખાવે અત્યંત નાનકડું અને કદાચ પ્રભાવહિન આ વાજિંત્ર ખાસ્સું સક્ષમ અને ઉપયોગી છે.
હાર્મોનિકા એક ફૂંકવાદ્ય છે, પણ તે અન્ય ફૂંકવાદ્યોથી એ રીતે અલગ પડે છે કે તેને વગાડવા માટે વાદકે હાર્મોનિકાની અંદર ફૂંક મારી, હવા દાખલ કરવાની તો હોય જ છે, સાથે સાથે તેણે વાદ્યના માળખામાંથી હવા બહાર શોષવાની પણ જરૂર રહે છે. તેની રચનામાં લાકડા અને/અથવા સ્ટીલની બનેલી એક લંબઘન ચેમ્બરમાં સમાવિષ્ટ ધાતુની પાતળી પતરીઓ હોય છે. વાદ્યમાં હવા દાખલ કરવાથી અને તેમાંથી હવા બહાર શોષવાથી જે તે પતરી કંપન અનુભવે છે અને તે કંપનને આનુષંગીક સ્વર પેદા થાય છે,.
હાર્મોનિકાની રચના અને તેને વગાડવાની પદ્ધતિને અનુલક્ષીને તેના વિવિધ પ્રકારો જોવા મળે છે. આપણે માત્ર પ્રાથમિક પરિચય કેળવવો હોઈ, બે જ પ્રકાર વિશે વાત કરીએ. જે સૌથી સાદો પ્રકાર છે, તેને ડાયાટોનિક હાર્મોનિકા કહેવાય છે. તેમાં મુખ્ય માળખાની ઉપરની બાજુએ એક પાતળી પટ્ટી ઉપર આઠ, દસ, બાર કે સોળ ચોરસ કે ગોળ છીદ્રો હોય છે. આવા હાર્મોનિકાની એક મર્યાદા તે છે કે કોઈ પણ સૂરવલીના તીવ્ર અને કોમળ સ્વરો ડાયાટોનિક વાદ્યની મદદથી છેડી શકાતા નથી. આ મર્યાદા દૂર કરવા માટે ઉપરની પટ્ટીના એક છેડે એક બટન જેવી રચના જોડવામાં આવે છે અને તે પટ્ટી ચાલુ વાદને એક છીદ્રથી બાજુના છીદ્ર સુધી સરકાવી શકાય છે. બટન સાથે સ્પ્રિંગજોડી હોવાથી દબાવેલી પટી બટનને છોડી દેવાથી મૂળ જગ્યાએ પરત આવી જાય છે, આમ, સાદા માઉથઓર્ગનની મર્યાદા તેના ક્રોમટિક પ્રકાર વડે અતિક્રમી શકાય છે, નીચે ડાબી બાજુએ ડાયાટોનિક અને જમણે ક્રોમેટિક પ્રકારનાં હાર્મોનિકા જોઈ શકાય છે. નોંધનીય છે કે મોટા ભાગની પાશ્ચાત્ય ધૂનો ડાયાટોનિક પ્રકારના હાર્મોનિકા વડે છેડી શકાય છે, જ્યારે ભારતીય સંગીત પર આધારિત ધૂનો માટે ક્રોમેટિક પ્રકારના હાર્મોનિકાનો ઉપયોગ અનિવાર્ય હોય છે.

હાર્મોનિકાના સ્વરનું એક ઉદાહરણ સાંભળીએ. શુભ્રાનીલ સરકાર નામનો એક યુવાન ક્રોમેટિક પ્રકારના હાર્મોનિકા પર અતિશય કુશળતાથી રાગ સારંગ મલ્હાર વગાડી રહ્યો છે. આ વાદન માણવાથી ખ્યાલ આવે છે કે બટનની મદદથી પટ્ટીને સંચાલિત કરીને વાદક કલાકાર ધાર્યા સૂર નિષ્પન્ન કરે છે.
હવે જેના વાદ્યવૃંદમાં હાર્મોનિકાનો ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણીએ.
હિન્દી ફિલ્મી સંગીતના ઢાંચામાં ક્રાંતિકારી બદલાવ લાવનારા સંગીતનિર્દેશકોમાં સી. રામચંદ્રનો સમાવેશ થાય છે. ૧૯૪૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ શહનાઈનાં તેમનાં બનાવેલાં ગીતોએ દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી. તે પૈકીનું આજે પણ લોકપ્રિય એવા ગીત ‘આના મેરી જાન મેરી જાન’ માં હાર્મોનિકાનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે, પરદા ઉપર નાયકને આ વાદ્ય વગાડતો દર્શાવાયો છે.
ફિલ્મ દિદાર(૧૯૫૧)નાનૌશાદના નિર્દેશનમાં બનેલા ગીત ‘બચપન કે દિન ભૂલા ના દેના’ ના વાદ્યવૃંદમાં હાર્મોનિકાના અંશો સ્પષ્ટ માણી શકાય છે. પરદા ઉપર ઘોડેસવારી કરતાં કરતાં ગાઈ રહેલાં બાળકો સાથે દોડી રહેલા તેમના રખેવાળને હાર્મોનિકા વગાડતો ચિત્રાંકિત કરાયો છે.
ફિલ્મ એક હી રાસ્તા(૧૯૫૬)ના હાર્મોનિકાપ્રધાન ગીત ‘સાંવરે સલોને આયે દિન બહાર કે’ માણતાં જોઈ શકાય છે કે સાયકલની આગળની ટોકરીમાં બેઠેલો બાળક હાર્મોનિકા વગાડતો રહે છે. સંગીત હેમંતકુમારનું છે.
૧૯૫૭ની ફિલ્મ દેખ કબીરા રોયાના ગીત ‘હમ પંછી મસ્તાને’માં સંગીતનિર્દેશક મદનમોહને માઉથ ઓર્ગનના કર્ણપ્રિય અંશો ભરી દીધા છે.
૧૯૫૭ની જ ફિલ્મ બારીશનું એક ગીત ‘દાને દાને પે લીખા હૈ’ સાંભળતાં ખ્યાલ આવે કે તેમાં વાગતા હાર્મોનિકાની ધૂન થોડેઘણે અંશે આપણે ઉપર માણ્યું તે ગીત ‘આના મેરી જાન મેરી જાન’ને મળતી આવે છે. આમ હોવું સ્વાભાવિલ છે, કારણ કે બન્ને ફિલ્મોના સંગીતકાર સી. રામચંદ્ર છે.
https://www.youtube.com/watch?v=M71STM3yZV0&list=RDM71STM3yZV0&start_radio=1
હવે માણીએ ૧૯૫૮ની ફિલ્મ સોલવાં સાલનું એક ગીત ‘હૈ અપના દિલ તો આવારા’, જે હાર્મોનિકાના રાષ્ટ્રગીત તરીકે જાણીતું છે, સચીનદેવ બર્મનના સ્વરનિર્દેશનમાં હેમંતકુમારે ગાયેલા આ ગીતના વાદ્યવૃંદમાં માઉથ ઓર્ગનના એકદમ પ્રભાવક અંશો કાને પડતા રહે છે.
https://www.youtube.com/watch?v=r7eS2ELDarQ&list=RDr7eS2ELDarQ&start_radio=1
ફિલ્મ કાલી ટોપી લાલ રૂમાલ(૧૯૫૯)માં સંગીત ચિત્રગુપ્તનું હતું. આ ફિલ્મનાં હાર્મોનિકાના પ્રભાવક અંશો ધરાવતાં બે ગીતો- ‘ઓ કાલી ટોપીવલે જરા નામ તો બતા’ અને ‘લાગી છૂટે ના’ એક પછી એક માણીએ.
૧૯૬૦ની ફિલ્મ મંઝીલ માટે સચીનદેવ બર્મને એક અનોખી ધૂન ધરાવતું ગીત ‘ચૂપકે સે મીલે પ્યાસે પ્યાસે’ બનાવ્યું હતું. તેમાં હાર્મોનિકાનો પ્રભાવક ઉપયોગ થયો છે.
ફિલ્મ પ્યાર કી પ્યાસ(૧૯૬૧)નું હાર્મોનિકાના કર્ણપ્રિય ટૂકડા ધરાવતુ ગીત ‘આયા જનમદિન આયા વસંત દેસાઈના નિર્દેશનમાં બન્યું હતું.
આજે અહીં અટકીએ. આવતી કડીમાં હાર્મોનિકાના અંશો ધરાવતાં વધુ ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

સરસ રજુઆત. સાંભળવાનું પણ ગમ્યું.
સરયૂ
LikeLike