પ્રવાસી યુ. ધોળકિયા
આગમ શાસ્ત્રના ગયા મણકામાં આપણે વૈશ્નવ આગમોનો ટૂંક પરિચય મેળવ્યો. આજે હવે શિવ આગમો અને અન્ય આગમો વિશે સંક્ષિપ્ત વિવેચન કરીએ.
વૈષ્ણવ આગમનાં પાંચરાત્ર સંહિતામાં નારદ કહે છે કે બ્રહ્માજીથી ઘાસનું તણખલું એ વિષ્ણુ (કૃષ્ણ) સ્વરૂપ છે. વિષ્ણુ વેદમાં વર્ણિત બ્રહ્મ છે આ રીતે જ કામિકા આગમમાં શિવના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. –
“આપ જ સમગ્ર વિશ્વના કર્તા હર્તા છો. વિશ્વમાં જે કંઈ ઉપર નીચે છે તે આપનું જ સ્વરૂપ છે. આપ માનવમાત્રના મુક્તિદાતા છો. આપે જ સૃષ્ટિનું સર્જન, તેની જાળવણી અને તેનું તિરોધાન કરીને કૃપા વરસાવો છો. આપ જ માનવને હકારાત્મકતા તરફ દોરી જાઓ છો. આખું બ્રહ્માડ આપમાં સમાઈ જાય છે.”
શિવાગમ
આધુનિક તંત્ર નિષ્ણાત શ્રી ઋષિનાન્દી જણાવે છે કે વિશ્વના તમામ ધર્મના રચયિતા શિવ છે. એવું મનાય છે કે તેઓએ ૭ કરોડ મંત્રોની રચના કરી હતી.
શિવાગમોને વ્યવસ્થિત રૂપ મહાજ્ઞાની વાસુદેવે આપ્યું. આપણે અગાઉના લેખોમાં જોયું હતું તેમ માતા પાર્વતી શિવને ધર્મ અને અધ્યાત્મના પ્રશ્નો પૂછે છે. શિવ તેમને આ આગમોમાં મૂર્તિશાસ્ત્ર, મંદિરોની રચના, લિંગ તથા મૂર્તિ સ્વરૂપે બીરાજેલા મહાદેવની પૂજાવિધિ કઈ રીતે કરવી તેની સમજણ આપે છે.
કૈલાશનાથ મંદિરની એક તક્તી પર શિવાગમોના ૨૮ ગ્રંથોનાં નામ કોતરવામાં આવ્યાં છે. તેમાં સૌથી પ્રસિદ્ધ કામિકા આગમ અને ઇશાન શિવ ગુરુપદે પદ્ધતિ છે. કામિકા આગમમાં ૧૨,૦૦૦ જેટલા મંત્રો છે. આ બે આગમો પર પ્રભુત્વ મેળવવા માટે આજીવન સમર્પિત રહેવું પડે છે. આ આગમના આચાર્યોમાં વાસુદેવ ઉપરાંત દક્ષિણ ભારતના નીલકંઠ સ્વામી, તીરૂ મુરારી, મણિકાવ સાગર, સુંદરર નબિયાર, નંબિ સમંદર અને સૌથી પ્રસિદ્ધ તેવરમ હતા. દક્ષિણ ભારતના પલ્લવ રાજવીઓએ શિવાગમ પ્રેરિત શિવ ધર્મ સ્વીકાર્યો. તેઓએ તેનો પ્રચાર અને પ્રસાર ફક્ત દક્ષિણ ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ કર્યો. પરિણામે દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા વિયેટનામ, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા અને ઇન્ડોનેશિયામાં પલ્લવ સમ્રાટોએ શિવ ધર્મ સ્થાપી ત્યાં પૂર્વે પ્રચલિત બૌદ્ધ ધર્મનો લગભગ વિનાશ કર્યો. આવી જ પરિસ્થિતિ તેઓએ દક્ષિણ ભારતમાં પણ કરી.
શિવાગમને વ્યવસ્થિત કરનાર વાસુદેવ જણાવે છે કે સાક્ષાત શિવે તેમને આ જ્ઞાન પ્રત્યક્ષરૂપે આપ્યું. તે પછી વાસુદેવને આત્મસાક્ષાત્કાર થયેલ. શિવાગમના પ્રચાર અને પ્રસારમાં પણ ભારતની અન્ય પરંપરાઓની જેમ સંવાદનો આધાર લેવામાં આવ્યો હતો. આ લેખમાં પણ આપણે શ્રી વ્રજમાધવ ભટ્ટાચાર્યના ગ્રંથ ‘શૈવિઝમ એન્ડ ધ ફૅલિક વર્લ્ડ’ અને ગુગલસર્ચનો આધાર લીધો છે.
શિવાગમોમાં શિવનાં પાંચ મુખની પૂજન અને અર્ચનની વિધીનું પ્રાધાન્ય છે. આ આગમોમાં શિવનાં પાંચ મુખોમાંથી કઈ રીતે આગમો રચાયાં તે વિશે જ્ઞાન આપવામાં આવ્યું છે. આ પાંચ મુખોનું ટુંક વર્ણન આ પ્રમાણે છેઃ
૧) સદ્યોજાત મુખઃ તેમાં પશ્ચિમ દિશામાં વિશ્વ સમાયેલું છે. આ મુખમાંથી કામિકા આગમ, યોગર્થ અને અજીત આગમની ઉત્પતિ થઈ છે.
૨) વામદેવઃ તે ઉત્તર દિશા સૂચવે છે. તેમાં દીપ્ત સૂક્ષ્મ, અંશુમાન વગેરે આગમો છે.
૩) અઘોરઃ તે દક્ષિણ દિશા સૂચવે છે. તેનાં આગમોમાં રૌરવ, મુક્ત, વિમલ, મુખબિંબ વગેરે છે.
૪) તત્પુરુષઃ તે પૂર્વ દિશાનો નિર્દેશ કરે છે. તેનાં આગમોમાં લલિત, ઈશાન, શિવ ગુરુદેવ પદ્ધતિ ઈત્યાદિ છે.
૫) ઈશાનઃ દસે દિશાઓ તેમાં સમાઈ જાય છે. તે શિવાગમના મૂળભૂત ૨૮ આગમોનો સ્રોત છે.
૨૮ મુખ્ય શિવાગમો પરથી વિશાળ સંખ્યામાં આ શાસ્ત્રના ઉપાગમો હતા જેમાં લાખોની સંખ્યામાં શ્લોકો અને મત્રો હતા. આજે બહુ ઓછાં ઉપાગમો મળે છે. આગમોમાં સંસ્કૃત વર્ણમાળામા ૫૧ મૂળાક્ષરો તથા બીજમંત્રોને આધારે રચાયેલા અદ્ભૂત મંત્રો જોવા મળે છે. આ વર્ણમાળામાંથી પછીથી જુદા જુદા શાસ્ત્રીય રાગોની રાગમાળા બની. આ રાગોનો ઉપયોગ મંદિરની પ્રદક્ષિણા કરતી વખતે કરવામાં આવે છે.
શિવાગમોમાં મુખ્ય ‘માલિનીવિશ્વાસ’, ‘સ્વચ્છંદ’, ‘વિજ્ઞાન-ભૈરવ’, ‘આનંદ ભૈરવ’, ‘મૃગેન્દ્ર’, ‘માતંગ’, ‘સ્વયંભૂ’, ‘રુદ્રયામલ’ અને ‘કામિકાગમ’ વગેરે મહત્વનાં છે.
+ + +
કામિકા આગમ અને અન્ય શિવાગમો આપણને કઈ રીતે જાગૃત થઈને જીવન જીવવું તે શિખવે છે. ગુરુ ઉપાસક અને સાધકની યોગ્યતા પ્રમાણે તેમને પરમ ચેતના સાથે જોડાઈને પ્રવૃત્તિમય જીવન કઈ રીતે જીવવું તેનું માર્ગદર્શન આપેછે. આ રીતે આ શાસ્ત્ર આપણને પશુમાંથી શિવ પશુપતિ સાથે મિલન કરવાનું માધ્યમ બને છે.
કામિકા આગમ બે ભાગમાં વહેંચાયેલું છે. તેના પ્રથમ ભાગમાં ૭૫ પ્રકરણો છે. તેને શિવનું મુખ (શીર્ષ) સમાન ગણવામાં આવે છે. બીજા ભાગમાં ઘણાં પ્રકરણો છે. આમાંથી બે વિષય આપણે ટુંકમાં જોઈશું.
વર્ણમાળાના વર્ણનું વિજ્ઞાન
વર્ણમાળાના ૫૧ વર્ણનું વિજ્ઞાન સમજવાથી સાધકને તે વર્ણનો પ્રભાવ જાણવા મળે છે. ‘અ’ વર્ણથી ‘ક્ષ’ વર્ણનો આધાર લઈને શિવમાર્ગ પર કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મળે છે. આ વર્ણમાળામાંથી જ વિવિધ મંત્રોનું સર્જન થાય છે. યોગ્ય ગુરુના સાન્નિધ્યમાં સાધક મંત્ર વિજ્ઞાન પર પ્રભુત્વ મેળવીને શિવમય બની શકે છે. આગમશાસ્ત્રના મંત્રો સનાતન પરંપરાના આત્મા અને દેહ સમાન છે.
પ્રાણપ્રતિષ્ઠા
સનાતનીઓ માટે શિવમૂર્તિ અને શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા એક અતિઆવશ્યક પ્રક્રિયા છે. પ્રથમ તો જે સ્થાન પર પ્રસ્તુત મૂર્તિ કે લિંગનું સ્થાપન કરવાનું હોય જેને પવિત્ર જળના કળશથી પવિત્ર કરવામાં આવે છે. પછી મૂર્તિ / લિંગને પણ આ જળથી પવિત્ર કરીને ગુરુ શિવને એ સ્થાને પધારવાનું અહ્વાન કરે છે. આ સમયે ગુરુની યોગ્યતાની પણ કસોટી થાય છે, કેમકે તેણે પોતાની સમગ્ર ચેતના અને પંચપ્રાણોનો આધાર લઈને મૂર્તિ / લિંગમાં પ્રાણનો સંચાર કરવાનો હોય છે. આ માટેના મંત્રો આ મુજબ છેઃ

આ રીતે ગુરુ મૂર્તિ કે લિંગમાં સૌ પ્રથમ પ્રાણ સંચાર કરે છે. તે પછી તેના બધાં અંગોમાં પ્રાણનો સંચાર કરવામાં આવે છે. મૂર્તિની આંખ ઉઘાડવાની ક્રિયા (ઉન્મિલન) પણ એક મહત્વની પ્રક્રિયા છે.
આમ જ્યારે મૂર્તિ કે લિંગ ચેતનામય બની જાય છે ત્યારે ગુરુ સૌ પ્રથમ તેનાં પૂજન અર્ચન કરે છે. આપણા જેવા સામાન્ય ભક્તોને તે પછી મૂર્તિ કે લિંગની પૂજા કરવાની છૂટ મળે છે.
પ્રાણપ્રતિષ્ઠા એ બહુ જ ગંભીર અને વિશ્વમાં બેજોડ પ્રક્રિયા છે.
+ + +
શાક્ત આગમો અને અન્ય આગમો
વૈષ્ણવ આગમોને જે રીતે સંહિતા કહેવામાં આવે છે તે રીતે શાક્ત આગમોને તંત્ર કહેવામાં આવે છે. આમ આગમ અને તંત્ર વચે કોઈ ભેદ નથી. આ આગમોમાં આદ્યાશક્તિને સમગ્ર સૃષ્ટિનું મૂળ કહેવામાં આવે છે. સૃષ્ટિનું સર્જન પણ આ શક્તિ જ કરે છે.
આમ તો શાક્ત આગમોની સંખ્યા ૭૭ દર્શાવવામાં આવે છે.પરંતુ, ખરી રીતે તો, તેના હજારો ગ્રંથો મળે છે. શાક્ત આગમોમાં પણ શક્તિ અને શિવના સંવાદોમાં જ બધા સિદ્ધાંતોની સમજ આપવામાં આવી છે. પરંતુ, અહીં શક્તિને એટલાં શક્તિશાળી રજૂ કરાયાં છે કે તેમના વિના શિવ એ શવ સમાન છે.
આગમ-તંત્ર ગ્રંથોમાં મહાનિર્વાણ, કુલર્ણવ, કુલસાર, પ્રપંચસાર, તંત્રરાજ, રૂદ્રયમલ, બ્ર્હ્મા યમલ, વિષ્ણુ યમલ અને ટોડલ મુખ્ય છે. તે ઉપરાંત અહિબુર્ધન્ય, સનત કુમાર, નારદ, મેરૂ ઈત્યાદિ ગ્રંથો છે.
ગણેશ અને સૂર્ય આગમો નષ્ટ થઈ ગયાં છે. તેથી તેના વિશેના જ્ઞાન અંગે પુરાણોનો આશ્રય લેવો પડે છે. આ ગ્રંથોને આધારે આ બન્ને દેવોની અને તેમની મૂર્તિઓની પૂજા અને સાધના કરવામાં આવે છે.
+ + +
આગમોનું વિષયવસ્તુ
બન્ને આગમોની સંખ્યા ઘણી છે. એ બધાં જુદા જુદા સમયે લખાયેલાં છે. તેથી વિદ્વાનો આગમોના વિષયવસ્તુને બે વિભાગોમાં વર્ણવે છે.
[૧]
ચર્ચાપાદ – ધાર્મિક વિધિઓ કઈ રીતે કરવી અને તે સમયે કયા નિયમોનું પાલન કરવુ, સારી વર્તણૂક અને ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ, સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે કઈ રીતે સામંજસ્ય સ્થાપી કઈ રીતે શાંતિથી જીવવું, રહેઠાણનાં ઘરો વચ્ચેની ચણતરની સમજ
ક્રિયાપાદ – મંદિરના દેવોનું સ્થાપન અને તેમની પ્રાણપ્રતિષ્ઠા તથા પુજન વિધિ, મંદિરોની સંરચના વિશે વૈજ્ઞાનિક જ્ઞાન, પુજારીએ પાળવાના નિયમો, મંદિરમાં કરાતી દૈનિક પૂજા અને ખાસ ઉત્સવો વખતે કરાતી પૂજાવિધિ પર વિવેચન
યોગપાદ – ધ્યાનની વિધિઓ વિશે વિશદ્ માર્ગદર્શન, રાજયોગ અને અન્ય યોગ પદ્ધતિઓ દ્વારા સાધકની કુંડલિની જાગ્રત કરી તેને શિવત્વ પમાડવાની વિધિ વિશેનું વિજ્ઞાન
જ્ઞાનપાદ – પરમ શિવતત્વ વિશે ગહન વિશ્લેષ્ણ, આત્મા, પ્રકૃતિ અને મુક્તિમાર્ગ પર અનન્ય ચર્ચા
કામિકા આગમમાં રાજાઓ અને તેમના દરબારીના ભવ્ય પ્રાસાદો કઈ રીતે બાંધવા, સામાન્ય પ્રજાના ઘરોની રચના, ગ્રામો, નગરો તથા શહેરો તેમજ કુવા, તળાવો વગેરેની બાંધણી વગેરે વિશે સૂક્ષ્મ ચર્ચા જોવા મળે છે. મૂળ મંદિર ઉપરાંત દેવાલયો તથા રહેણાક વિસ્તારમાં બંધાતાં કોઈ પણ મંદિરોમાં દેવોની સ્થાપન વિધિ, લિંગ રચના અને તે સમયે મૂળ મંદિર જેવી બધી જ વિધિઓ કરવાનું વિધાન છે. આ જ આગમમાં દિક્ષાર્થીઓ, આચાર્યો અને ગુરુઓ વડે પાળવાની આજ્ઞાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
[૨]
ચર્ચા પાદઃ દૈનિક પૂજાવિધિ અને અર્ચનવિધિમાં કોઈ ભૂલચુક થાય તો તેનાં પ્રાયશ્ચિત અને દેહશુદ્ધિમાટેની આજ્ઞા, શિવને જળસિંચન તથા અન્ય દ્રવ્યો સાથે પૂજન-અર્ચન, રૂદ્રાક્ષ માળાથી શિવનું જપ વિધિથી સ્મરણ
ક્રિયાપાદઃ મંત્રજાપ દ્વારા આત્મજાગૃતિ કેળવવી, સંધ્યા વિધિ, હોમ અને નાના મોટા યજ્ઞો, કઈ રીતે જીવન વ્યાપન કરવું તે વિશે ગુરુને સૂચના
જ્ઞાનપાદઃ શિવ પર ગહન ચિંતન અને મનન, દક્ષિણ ભારતના શિવ માર્ગમાં ત્રણ વિભાગો – પશુ (માનવી), પાશ (માયાનાં બંધન) અને પતિ (શિવ – નો આધાર લઈને માનવે મુક્તિ કેમ પામવી તે પર પ્રચંડ ચર્ચા જોવા મળે છે.
+ + +
આગમ શાસ્ત્રોની સમજ વિના હિંદુ ધર્મની પરંપરાનું જ્ઞાન અપૂર્ણ છે. આગમોને લઈને આપણી આ મહાન પરંપરા સનાતન અને સંપૂર્ણ બની શકી છે.
હવે પછીના મણકામાં તાંત્રિક વિદ્યા વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
