ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઉત્તરાખંડ, એની નાજુક ભૂગોળ અને સર્વોચ્ચ અદાલતની હિમાચલ પ્રદેશ વિશેની ટીપ્પણી વિશે ગયા સપ્તાહે આ કટારમાં લખાયું, પણ એ પહેલાં ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની દુર્ઘટના બની અને ભારે તબાહી સર્જાઈ. અલબત્ત, આવું પહેલી વાર બન્યું નથી, અને છેલ્લી વાર પણ નહીં હોય. આ દુર્ઘટના શી રીતે બની એ વિશે પ્રસાર માધ્યમોમાં વિગતવાર આવી ગયું છે. આથી ટૂંકમાં એનો ઉલ્લેખ કરીને મુખ્ય વાત પર આવીએ.
સાગરતળથી આશરે ૮,૬૦૦ ફીટ પર વસેલા, ઉત્તરાખંડના ધરાલી ગામેથી ખીરગંગા નદી પસાર થાય છે. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અહીં વરસેલા મૂશળધાર વરસાદને પગલે આવેલા ‘ફ્લેશ ફ્લડ’ને કારણે જે તબાહી સર્જાઈ એણે જાનમાલનું પુષ્કળ નુકસાન કર્યું. આ દુર્ઘટનાની વિડીયો ક્લીપોમાં મકાનો પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થતાં જોઈ શકાય છે. તબાહી પછીનાં, સમગ્ર વિસ્તાર કાદવમાં ગરક થવાનાં દૃશ્યો હૈયું ધ્રુજાવી દે એવાં છે. બચાવકાર્યો પૂરજોશમાં ચાલે છે.

પહેલી નજરે નૈસર્ગિક આપત્તિ લાગે એવી આ ઘટના પાછળ ખરેખર તો અનેક પરિબળો જવાબદાર છે. મૂશળધાર વરસાદ કુદરતી ગણાવી શકાય, પણ તેને પગલે જે તબાહી થાય એ ઘણે ભાગે માનવસર્જિત કારણોથી થાય છે. આમ તો આ કંઈ એવું ગહન કે જટિલ સંશોધન નથી, બલકે નજરે દેખાતું ઉઘાડું સત્ય છે. આવી ઘટનાઓ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ઠેરવી દેવું સૌથી સહેલું પલાયન છે.
આવી ઘટનાઓ બને ત્યારે નીતિવિષયક બાબતો વિશે વિચારવું જરૂરી બની રહે છે, જે સમગ્ર વિસ્તારના પરિસ્થિતિવિજ્ઞાનને સુસંગત હોય. પશ્ચિમી હિમાલયનું આ ક્ષેત્ર ભૂપૃષ્ઠની રીતે બહુ નાજુક ગણાય છે. દરમિયાન જળસ્રોતના સંસાધન અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી મુખ્ય સંસ્થા કેન્દ્રીય જળ આયોગ દ્વારા આ ‘ફ્લેશફ્લડ’ માટે વાદળ ફાટવાને કારણભૂત ગણાવ્યું છે. બીજી તરફ ભારતીય મોસમવિજ્ઞાન વિભાગે આનાથી સાવ વિપરીત અહેવાલ જણાવ્યો છે. ઉત્તરકાશીની ભૌગોલિક રચના વિશિષ્ટ છે. આ જિલ્લો હિમાલયના દક્ષિણ ઢોળાવ પર આવેલો છે. તેનું આવું સ્થાન અને ઉપરથી સતત વરસાદ-આ બન્ને બહુ ઘાતક સંયોજન છે. ફ્લેશફ્લડ અને ભૂસ્ખલન માટેની ‘આદર્શ’ કહી શકાય એવી પરિસ્થિતિ અહીં ઉદ્ભવે છે. અમસ્તું પણ પર્વતીય વિસ્તારમાં નાનાં ઝરણાં પણ ચોમાસા દરમિયાન પાણીનો ધસમસતો પ્રવાહ બની જતાં હોય છે, અને ઘણી વાર તે વહેણ પણ બદલે છે. હિમાલયમાં પ્રવાસ કરનાર સૌ કોઈ જાણતા હશે કે ચોમાસામાં તો ઠીક, રોજેરોજ પણ બપોર પછીના સમયમાં ઝરણામાં પાણીનું વહેણ ધસમસતું વહેવા લાગે છે, કેમ કે, ઊપરના ભાગે રહેલો બરફ ઓગળવા લાગે છે. તાજેતરનાં વરસોમાં ગ્લેશિયર ઓગળવાની ઘટનાઓ વધી રહી છે, જેને કારણે આ જોખમ વધ્યું છે. ઉત્તરકાશીમાં થયેલા વિનાશ પાછળનું એક પરિબળ કુદરત ખરું, પણ એ સિવાયનું જે પરિબળ છે એ માનવીય છે.
આ સમગ્ર વિસ્તાર ‘ભાગીરથી ઈકોસેન્સિટીવ ઝોન’ (ઈ.એસ.ઝેડ.)નો હિસ્સો છે. ઈ.સ. ૨૦૧૨થી અપાયેલા આ દરજ્જાનો હેતુ ગંગોત્રી અને ઉત્તરકાશી નગર વચ્ચેના ૪,૧૦૦ ચો.કિ.મી. વિસ્તારને અનિયંત્રીત વિકાસ સામે સુરક્ષા કવચ પૂરું પાડવાનો હતો. કેમ કે, આડેધડ થઈ રહેલો વિકાસ છેવટે કુદરતી આપત્તિ સામેની સુરક્ષાને નબળી બનાવે અને તેનાથી થતા નુકસાનમાં અનેકગણી વૃદ્ધિ કરે. ‘ઈકોસેન્સીટીવ ઝોન’ જાહેર કરવા છતાં આ વિસ્તારના વિકાસને નિયંત્રીત કરી શકાયો નથી. આ વિસ્તારની નદીઓનાં વહેણ અવરોધાય છે, યા સંકોચાય છે. પ્રવાસનઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉન્માદભર્યા ઉત્સાહમાં કેન્દ્રની તેમજ રાજ્યની સરકારે આ વિસ્તારની ભૂપ્રણાલિ અને જૈવપ્રણાલિની સંવેદનશીલતાને અવગણી છે. ‘ઈ.એસ.ઝેડ.’ દ્વારા અપાયેલી ચેતવણીઓને અનેકવાર અવગણી છે. આનું મોટું ઉદાહરણ એટલે ચાર ધામને સાંકળતા ચતુર્માર્ગી રોડનો પ્રકલ્પ. અત્યાર સુધી અતિશય કઠિન ગણાતી આ વિસ્તારોની યાત્રાને આસાન બનાવવા માટે આ પ્રકલ્પ આરંભાયો છે. સમજાય એવું છે કે પુણ્ય પ્રાપ્ત કરવાની લોકોની ઘેલછા અને વૃત્તિને પોષવા-પંપાળવા માટે એ વધુ છે. આ સમગ્ર વિસ્તારનું નાજુક ભૂપૃષ્ઠ આટલું દબાણ વેઠી શકે એમ નથી એ કોઈને પણ સમજાય અને દેખાય એવું છે. પ્રવાસન થકી પ્રાપ્ત થનારી આવક ગમે એટલી વધુ હશે, પણ તે આ વિસ્તારને થનારા પ્રાકૃતિક નુકસાન સામે કંઈ નથી. પ્રવાસીઓની અવરજવર એ હદે વધે કે અહીંની નાજુક જૈવપ્રણાલિ તેની સામે ઝીંક ઝીલી ન શકે અને એવા માહોલમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થાય ત્યારે બચવું મુશ્કેલ બની જાય.
હમણાં થયેલી તબાહીમાં સતત વરસાદ અને કળણ જેવા બની રહેલા કીચડાના ટેકરાને કારણે રાહત કામગીરી ઘણી મુશ્કેલ બની રહી છે. ઉત્તરાખંડમાં આ પહેલાં પણ આવી દુર્ઘટનાઓ બનેલી છે. એમાંથી કશો બોધપાઠ લેવાયો હોય એમ હજી સુધી લાગ્યું નથી. આથી દરેક વખતે થનારી દુર્ઘટના વધુ ભયાવહ બની રહે છે. આ અંગેની નીતિઓ ઘડનારના ધ્યાનમાં આટલી સાદી વાત ન આવી હોય એ શક્ય નથી. સવાલ છે જળવાયુ પરિવર્તન, વિકાસદોટ, સ્થાનિક અને ક્ષેત્રીય પર્યાવરણ, સ્થાનિકો સામે ઊભા થતાં જોખમો, તેમજ આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલિ- આ બધા વચ્ચે સંતુલન અને સંકલન જળવાય એ જરૂરી છે. અલબત્ત, આ બધાની સાથોસાથ ભ્રષ્ટાચારના અનિવાર્ય પરિબળને પણ અવગણી શકાય નહીં. ઉત્તરાખંડના વિકાસ બાબતે અત્યારે તો બાજી હાથમાંથી નીકળી ગઈ લાગે છે, કેમ કે, ચતુર્માર્ગી રોડનો પ્રકલ્પ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. આપણી સંવેદનાની ધાર હજી પણ થોડીઘણી રહી હોય તો એ આવનારાં વરસોમાં સાવ બુઠ્ઠી થઈ જશે એ નક્કી છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૦૮– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
