વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
આગાહીનો કોયડો
પરેશ ૨. વૈદ્ય
કોઈને એ વાતનું આશ્ચર્ય થાય કે ટેક્નોલૉજીથી સજ્જ માણસ આજે નિયત સમયે રોકેટ છોડી મહિનાઓ બાદ એ મંગળના ગ્રહ પર ક્યારે પહોંચશે અને કયા સ્થળે ઉતરણ કરશે તે જણાવી શકે છે પરંતુ અરબી સમુદ્ર પરથી દેશમાં દાખલ થતા ભેજનો અમુક જથ્થો કયા પ્રદેશ પર ક્યારે અને કેટલો વરસશે કે પછી નહીં જ વરસે તે છાતી ઠોકીને કહી નથી શકતો !
પરંતુ આશ્ચર્ય થવું ન જોઈએ. તેનું મુખ્ય કારણ એ કે પેલું રોકેટ માણસે પોતે મોકલ્યું છે અને એ તેના કાબૂમાં છે. પરંતુ પેલું વાદળું તો વાતાવરણનાં મહા ઘમ્મર વલોણાંનો એક ભાગ છે. એ ૧૨૦૦૦ કિ.મી.ના વ્યાસની પૃથ્વી ફરતું ૪૫ કિ.મી.ના જાડા થરમાં વીંટળાયેલું છે. ૫૦ લાખ અબજ ટન (પાંચડા ઉપર ૧૫ મીંડાં)નો હવાનો આ જથ્થો સ્થિર નથી. એ પૃથ્વીને સમાંતરે તો ક્યારેક ઉપર તરફ વહ્યા કરે છે. તેને ભગવાન ભાસ્કર એકસો અબજ મૅગાવૉટના દરે ઊર્જા પૂરી પાડયા કરે છે. આ પ્રચંડ ગતિ સમુદ્રમાં પણ હજારો માઈલના વિસ્તારમાં પ્રવાહો પેદા કરી તેને વલોવ્યા કરે છે. આપણું વાદળું જ્યાં પહોંચે ત્યાં સ્થાનિકે શું દબાણ, ભેજ કે ઉષ્ણતામાન છે તેના પર તેના વરસવાનો આધાર છે.
આ સમગ્ર પરિસ્થિતિનું ઠીક ઠીક ભાન હોવા છતાં તેને ગણિતનાં સૂત્રમાં બાંધીને તેની વર્તણૂંક ભાખી શકાય તેટલું જ્ઞાન હજી નથી. આથી જ ટુચકાઓની જેમ હવામાન શાસ્ત્રીની મજાક ઉડાવવાને બદલે જેણે અને તેના પુરોગામીઓએ આગાહીની ક્ષમતા મેળવવા શું શું કર્યું તેનો આપણે તાગ લઈશું.
આગાહી કોને જોઈએ ?
યુરોપના દેશોમાં જ્યારે બે ઓછા પરિચિત સજ્જનો મળે અને વાત કરવા માટે વિષય ન હોય તો ઔપચારિકતા ખાતર હવામાન બાબત પૂછપરછ કરે છે. “આજે હવામાન ખુશનુમા છે” અથવા “તમારે ત્યાં મોસમ કેવી છે?” વગેરે. ત્યાં હવામાન દિવસાદિવસ બદલાતું હોવાથી આનો કંઈ અર્થ છે; એટલે જ ત્યાં હવામાનની આગાહી લોકો રસથી વાંચે કે સાંભળે છે. એના ઉપરથી એ લોકો તે દિવસનો કે બીજા દિવસનો કાર્યક્રમ પણ ઘડે છે.
આપણે ત્યાં સામાન્ય માણસને હવામાનના હેવાલ કે રોજિંદી આગાહીમાં રસ નથી જણાતો. કેટલાક લોકો શિયાળામાં ગઈ રાત્રે ઉષ્ણતામાન કેટલું ઓછું થઈ ગયેલું તે જાણવા પ્રયત્ન કરે છે. પરંતુ વરસાદના વરતારાની નથી ચિંતા કરતા કે નથી તેનો ભરોસો. આથી ઉલટું એવો વર્ગ છે જેને આગાહીનો ખૂબ ઉપયોગ હોય. સમુદ્રમાં જનારા માછીમારો અને નાવિકોને સમુદ્ર તોફાની નથી તે જાણવું હોય છે. વિમાનના પાયલોટોને તો વરસાદ ઉપરાંત હવાનાં દબાણ વગેરેની પણ માહિતી જોઈએ છે. ક્રિકેટની સીઝનમાં ટીમો અને પ્રેક્ષકો ઝાકળ અને વરસાદની ચિંતા કરતા હોય છે. (કે જેથી ડકવર્થ-લુઈસ સૂત્ર લાગુ ન પડી જાય!) આટલું તરતનાં હવામાન વિષે. લાંબાગાળાની આગાહી એટલે આવનારાં ચોમાસાં બાબત તો ખેડૂતો ઉપરાંત અર્થશાસ્ત્રીઓ અને સૂકા પ્રદેશના રહેવાસીઓને પણ રસ હોય છે.
પ્રાચીન રીતો :
અગાઉના જમાનાની ફુરસદની જિંદગીમાં ટૂંકાગાળાની આગાહીની જરૂર ન જણાઈ હોય, પણ ચોમાસાની ચિંતા તો આજ કરતાં ય વધુ હતી. તેથી પારંપરિક રીતોથી આગાહી તે કાળથી થતી આવી છે. તેનું ધોરણ જે તે કામનાં પ્રાપ્ત જ્ઞાનની માત્રા પ્રમાણે બદલાતું રહ્યું છે. પંચાંગ શોધાયાં તે પછી ભારતમાં વરસાદ નક્ષત્રોનાં વાહનો પ્રમાણે આવે તેનું મનાવા લાગ્યું. આજે પણ લોકો તેવાં વાહન (દેડકો, બળદ, હાથી) નાં નામ લઈ વરસાદના વરતારા આપે છે. આ લેખકનાં નાનીમા અખાત્રીજના દિવસે કાચી માટીનાં કોડિયાંમાં પાણી ભરી તેના તૂટવાની પ્રક્રિયા પરથી ચોમાસાંના ચાર માસના વરસાદની માત્રાની આગાહી કરતાં. આ રિવાજ રાજસ્થાનમાં હજુ ચાલે છે. શક્ય છે કે કચ્છ-રાજસ્થાન જેવા સૂકા પ્રદેશમાં હવામાંના ભેજની માત્રા અગત્યનું ઘટક હોઈ તેનો કોડિયાં તૂટવા જોડે સંબંધ હોય.
આથી થોડી વધુ વ્યવસ્થિત આગાહી ગુજરાતમાં જાણીતાં ભડલી વાક્યોમાં છે. ભડલી પોતે કવિ હતા કે એમની દીકરીનું નામ ભડલી હતું તે વિષે મતાંતર પ્રવર્તે છે. તે વાતને છોડી તેના ૮૦થી ઉપર દોહાની વાત કરીએ. વાત તો તેનાં આવનારાં ચોમાસાં બાબત છે પરંતુ બહુ ઓછું અવલોકન પર આધારિત છે. જેમ કે એક દોહામાં હોળીના દિવસે પવનની દિશા પરથી વરસાદની માત્રા ભાખે છે. બાકી મોટાભાગે વાર અને તિથીના સંજોગો પરથી ભવિષ્યવાણી કરેલ છે. ઉદાહરણ રૂપે, ‘મહા સુદ સાતમનાં સોમવાર હોય તો દુકાળ પડે’ અથવા ‘ફાગણમાં પાંચ મંગળવાર આવે તો ય દુકાળ પડે.’ તેમાં કશું આધારભૂત ન લાગે. દેશની ઘણી ભાષાઓમાં આવી રચનાઓ હશે જ. પણ હવામાનનો આધાર સ્થળ ઉપર છે તેથી એક રાજ્યના દોહા બીજાં રાજ્યને લાગુ પડે તે જરૃરી નથી.
જેમ જેમ ચોમાસાની પ્રક્રિયાના વ્યાપકતા અને વિવિધ સ્થળોનો સંબંધ સમજાવા લાગ્યો. તેમ તેમ આગાહીમાં પારંપરિક ડહાપણની અગત્ય ઘટવા લાગી અને પશ્ચિમમાંથી આવેલી વધુ વ્યવસ્થિત અને પ્રમાણિત પદ્ધતિ તરફ નજર નાંખવી પડી.
આધુનિક રીતો:
એ રીતોની સફળતાની વાત કરવાને હજુ વાર છે પરંતુ તેના પ્રયત્નોમાં બે વાત જરૂર નોંધપાત્ર છે. એક એ કે ત્યાં હવમાનનું માત્ર નિરીક્ષણ કરતા બેસી ન રહી તેના પ્રાચલોની માપણી બાબત પણ વિચાર થયેલો. ટોરીસેલીએ છેક ઈ.સ. ૧૬૪૪માં હવાનું દબાણ માપવાનું સાધન ‘બેરોમીટર’ બનાવ્યું. તે પછી ફર્ડિનાન્ડે થર્મોમીટર અને ભેજમાપક બનાવ્યાં. ઈ.સ. ૧૬૬૭માં હવાનો વેગ માપવા માટે એનેમોમીટર મળ્યું. વાતાવરણ તરફ ભૌતિક દૃષ્ટિએ જોવાનાં આ સાધનો હતાં. વાતાવરણની વર્તણૂંક સમજવા માટે આ પૅરામીટરોની માપણી અગત્યની હતી. ઈ.સ. ૧૮૨૦માં બ્રાન્ડેસે હવામાનનો ચાર્ટ બનાવ્યો અને ૧૮૬૦ સુધી ૫૦૦ હવામાન કેન્દ્રો બની ગયાં હતાં. અમેરિકી સેનાએ હવામાનની આગાહીનો પહેલો ૨૪ કલાકનો રિપોર્ટ પહેલીવાર ૧૮૭૦માં બહાર પાડયો. પછી ૧૮૯૦થી આ કામ મુલ્કી ખાતાં (વૅધર બ્યૂરો)ના હાથમાં સોંપાયું.
બીજી વાત વધારે આશ્ચર્યકારક છે. તે એ કે ભારત પણ હવામાન અવલોકનોની બાબતમાં અમેરિકાથી બહુ પાછળ નહોતું. અહીં મદ્રાસમાં પહેલી વેધશાળા છેક ૧૭૯૬માં સ્થપાઈ હતી અને ૧૮૭૫માં આપણું હવામાન ખાતું સ્થપાયું જેનું નામ આજે પણ એ જ છે ઈન્ડિયા મીટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD). ત્યારે ૭૭ હવામાન કેન્દ્રો ખુલ્લી ચૂક્યાં હતાં.
પરંતુ આ સિદ્ધિ આપણા ગોરા સત્તાધીશોની હતી. બ્રિટનથી ભારત નોકરી કરવા આવેલ અંગ્રેજોને અહીંના વિચિત્ર ચોમાસામાં રસ પડયો હતો. તેથી તેઓ પોતાને ત્યાં હતી તેવી વ્યવસ્થા ગોઠવતા હતા. ઈતિહાસની કડવી હકીકત છે કે આપણા લોકોને આ બધી વ્યવસ્થાની ન ખબર હતી, ન રસ હતો. આખા દેશનાં હવામાન કેન્દ્રોએ ૧૫મી જૂન ૧૮૭૮ના દિવસે ખાતાના વડા મથક સિમલા તાર કરી પોતપોતાનાં અવલોકનો મોકલ્યાં. તેના આધારે દેશનો પહેલો હવામાન રિપોર્ટ ૧૭ જૂને જારી થયો. આ પછીથી બધાં હવામાન કેન્દ્રોને ‘સિમલા ઓફિસ’ તરીકે ઓળખાય છે. (આજે ય પૂનામાં ‘સિમલા ઓફિસ’નું બસ સ્ટોપ છે!)
આપણે વાંચી ગયા કે અહીંનાં ચોમાસાંના હવાના પ્રવાહો વિષે હેડલી અને વૉકરે અભ્યાસ કર્યો. ગીલ્બર્ટ વૉકર પોતાની કેમ્બ્રિજની નોકરી છોડી અહીં હવામાન ખાતાના વડા બનીને આવેલા. તેનાથી ય પહેલાં એક વડા શ્રી બ્લેન્ફોર્ડે એમ ભાખેલું કે જો હિમાલયના વાયવ્ય ભાગમાં શિયાળામાં બરફ વધારે હોય તો પછીનાં વર્ષે ચોમાસું નબળું જાય. (આ ઘટકને આજે ય હવામાન ખાતું આગાહી કરતા ધ્યાનમાં લે છે!)
છતાં મુશ્કેલી છે :
|
જે ગામમાં ચોવીસ કલાકમાં એક જ બસ આવતી હોય ત્યાંના લોકોને એ બસનું મહત્ત્વ ખૂબ હોય. એ વેળાસર આવશે કે નહીં તેની પણ ચિંતા હોય. જો આજની બસ ચૂકાઈ ગઈ તો પછીની બસ તો છેક કાલે જ મળે અને તે ય આવે તો ! ભારતનું ચોમાસું પણ એ બસ જેવું જ છે. આ વરસનું ચોમાસું નિષ્ફળ જાય તો આવતાં વરસ પહેલાં મદદની કોઈ આશા જ નહીં. આથી જ ‘ઓણ ચોમાસું કેવું હશે !’ એ પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે. |
અનેક લોકોના પ્રયત્નોથી એક વાત વૈજ્ઞાનિકોને સમજાઈ હતી કે યુરોપમાં હવામાનની આગાહી કરવી એ વાત ભારતમાં ચોમાસાંની આગાહી કરવા કરતાં જુદી હતી. એઘટના જ જુદી છે અને તેના પર અસર કરનારાં પરિબળો અકળ હતાં. વૈજ્ઞાનિક આધારવાળી આગાહીનો ઈતિહાસ ભલે જૂનો હોય, ભારતીય ચોમાસાં બાબતનું જ્ઞાન માંડ પચાસ વર્ષ જૂનું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય સહકારનો ફાળો ઘણો મોટો છે.
આધુનિક સમયમાં – ખાસ કરીને બીજાં વિશ્વયુદ્ધ પછી – વિજ્ઞાનનાં બધાં ક્ષેત્રે વિચારની આપ-લે કરવાની પરિપાટી વિકસી છે. આપણે તેનો આભાર માનવાનો છે કારણ કે એને કારણે આપણાં ચોમાસાંનો બહુ મોટો પાયે અભ્યાસ થયો છે. બીજા દેશનાં સાધનો, વૈજ્ઞાનિકો અને કમ્પ્યુટરો તેમાં વપરાયાં. આજ લગીનું જે જ્ઞાન – અહીં સુધીમાં પ્રકરણોમાં જે વાંચી ગયાં તે માહિતી – આ સામૂહિક જ્ઞાનયજ્ઞનું પરિણામ છે. આવતાં પ્રકરણમાં સહકારની એ અજાણી પણ અનોખી કહાણી વાંચીશું.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
