ધિક્કારનાં ગીતો

ભાષાની અશુદ્ધિ ક્યારેક ગીતને વધુ ચોટદાર પણ બનાવી શકે છે.

દીપક સોલિયા

સામાન્ય રીતે ઇમોશનલ અત્યાચાર દ્વિપક્ષી હોય છે. ફક્ત પ્રેમિકા જ પ્રેમી પર કે પ્રેમી જ પ્રેમિકા પર ઇમોશનલ અત્યાચાર ગુજારી શકે એવો કોઈ નિયમ નથી. અને છતાં, ઇમોસનલ અત્યાચારના મામલે એક પક્ષ જ્યારે ભેંકડો તાણે ત્યારે એ તો ફક્ત પોતાના પર ગુજારાઈ રહેલા અત્યાચારનાં રોદણાં જ રડશે. એવે વખતે ફરિયાદી પાર્ટી એ નહીં જોઈ શકે કે એ પોતે પણ સામેની પાર્ટી પર કેવો જુલમ ગુજારી રહી છે.

આ મુદ્દો સાબિત કરતા એક ગીતની આપણે વાત કરી રહ્યા છીએ. એ ગીત છે, ફિલ્મ દેવ.ડીનું ઇમોસનલ અત્યાચાર, જેમાં કવિ ફરિયાદ કરતાં કરતાં પ્રેમિકાને વેશ્યા કહેવાની હદે પહોંચે છેઃ

ઝિંદગી ભી લે લે યાર કિમ મી
બોલ બોલ વ્હાય ડિય યુ ડિચ મી હોર…

હોર એટલે વેશ્યા.

આ તે કોઈ રીત છે? છોકરી છોડી જાય એટલે એને વેશ્યા ગણાવી દેવાની? અને આ જ તમારી કક્ષા હોય, આ જ તમારા સંસ્કાર હોય, આવા જ તમારા લખ્ખણ હોય તો પછી છોકરી છોડી ન જાય તો બીજું શું કરે?

એટલે, ગીતમાં ભલે પ્રેમિકાને સવાલ પૂછાયો છે કે હે વેશ્યા, તું મને શા માટે છોડી ગઈ? પણ જવાબ આ સવાલમાં જ આવી જાય છે કે હે ભાઈ દિલજલા, તું કોઈને સ્ત્રીને વેશ્યા કહેવાની હદે જઈ શકે એવો છીછરો માણસ છે એટલે પેલી તને છોડી ગઈ.

દેવ.ડીમાં (અને એ ફિલ્મ જેના પર આધારિત છે તે શરદબાબુની નવલકથા દેવદાસમાં પણ મહદંશે) એવું દર્શાવાયું છે કે હીરો દેવ પોતે જ ઇમોશનલી સ્ટેબલ નથી. એનું ફટકે ત્યારે તે એ પોતાની પ્રેમિકા પારો પર હાથ પણ ઉપાડી લે છે. પારોની સરખામણીમાં દેવસાહેબ અમીર હોવાથી થોડા લાટસાહેબના વહેમમાં પણ છે. આવા અભિમાની, વાતે વાતે ખોટું લગાડી બેસનારા દેવ સામે પ્રેમિકા નારાજ થઈ જ શકે. ફિલ્મમાં તો એવું પણ દર્શાવાયું છે કે કાચા કાનનો દેવ ફોરેનમાં ભણીને પાછો ફરે છે ત્યારે તે લોકોમાં ચાલી રહેલી કાનાફૂસીને સાચી માની લે છે અને પારોના ચારિત્ર્ય પર શંકા કરે છે. પારો પોતાની ‘નિર્દોષતા અને પવિત્રતા’ સાબિત કરવા મથે તો છે, પણ દેવ હૈ કિ માનતા નહીં. એ પારો પર ખરાબ ચારિત્ર્યનો આરોપ મૂકીને તેને ખરાબ રીતે ખખડાવી નાખે છે. દેવની આવી દાનવતા જોઈને પારો નારાજ થઈ જાય છે.

બાકી દેવ પ્રત્યે પારોને પ્રેમ તો બહુ હતો. પારો બહુ સંભાળ રાખતી હતી પોતાના પ્યારા દેવની. પણ પારોના પ્રેમની દેવ કદર ન કરી શક્યો. દેવ જડ હતો. દેવ આળસુ હતો. દેવ શંકાશીલ હતો. દેવનો મેલ ઇગો બહુ નાજૂક હતો. સામે પક્ષે પારો છેવટે મનુષ્ય હતી. એ કેટલું વેઠે? જ્યારે સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે ભડકેલી પારો માબાપે પસંદ કરેલા મૂરતિયા સાથે પરણી ગઈ.

તો આમાં વાંક કોનો? સ્પષ્ટપણે દેવનો.

આમાં ઇમોસનલ અત્યાચાર કોનો? સ્પષ્ટપણે દેવનો.

અને છતાં અન્યાય કરનાર દેવ પોતે જાણે અન્યાય વેઠનાર પીડિત હોય તેમ આત્મદયાથી પીડાય છે અને પારોના લગનપ્રસંગે એટલો બધો દારૂ ઢીંચે છે કે એ લથડિયા ખાવા લાગે છે, ચાલતાચાલતા રસ્તામાં આવતા લોકો સાથે ભટકાય છે. બધાનું ધ્યાન દેવ પર જાય છે. દેવ પોતે તમાશો બની જાય છે. બાળ-સખીનો લગ્નપ્રસંગ જાળવી લેવાને બદલે દેવ એ પ્રસંગમાં વિઘ્નરૂપ બની રહે છે.

અને આ તરફ, મંચ પર પેલા બે બેન્ડબાજાવાળા દેવના દિલની લાગણીને વાચા આપવાનું ચાલુ રાખતાં છેલ્લે ગાય છેઃ

તૌબા તેરા જલવા તૌબા તેરા પ્યાર
તેરા ઇમોસનલ અત્યાચાર
જાઓ, જાઓ ઓ દિલબર…

ખેર, દિલબર તો જઈ જ રહી હતી, કન્યાવિદાયને હવે થોડી જ મિનિટોની વાર હતી, પરંતુ એટલામાં ભાઈ દેવ ચિક્કાર દારૂના પ્રચંડ પ્રભાવ હેઠળ ધરતી પર ભફાંગ કરતાં એવી રીતે પટકાય છે કે ચહેરો ધૂળ સાથે અફળાવાને કારણે ખાસ્સી ધૂળ ઊડે છે અને ધૂળની એ લઘુ-ડમરી સાથે ગીત પૂરું થાય છે.

ફિલ્મમાં ગીત જોનારને સ્પષ્ટ સમજાય કે આમાં વાંક તો પુરુષનો જ છે, પણ આખી ફિલ્મ જોયા વિના એનો ફક્ત ઓડિયો કે ઇવન વીડિયો જોવામાં આવે ત્યારે ભલભલા સ્વસ્થ પુરુષ એવું માનવા પ્રેરાય કે હા યાર, સ્ત્રીઓ તો બહુ ઇમોસનલ અત્યાચાર ગુજારે…

આવું થવાનું કારણ એ છે કે ગીત તેના ઢીંચાક સંગીત અને અણિદાર શબ્દોને લીધે ભારે અસરકારક બન્યું છે. ગીતમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ તેને નિરાળું અને યાદગાર બનાવવામાં ઉપયોગી નિવડે છે. જેમ કે,

સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં…
અરે વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ…
હો ગઈ દિલ કે પાર ટ્રેજેડી, ટ્રેજેડી…

આ પ્રયોગશીલતા (કે પ્રયોગખોરી તમને જે લાગે તે) આમ તો ગીતકારની ગણાય, પણ અસલમાં નિર્દેશક અનુરાગ કશ્યપનો આમાં હાથ હોવાની શક્યતા પૂરેપૂરી. અનુરાગ કશ્યપની અન્ય ફિલ્મોનાં ગીતોમાં પણ અંગ્રેજી-હિન્દીની એકદમ હટ કે ભેળસેળ જોવા મળતી હોય છે. જેમ કે, અનુરાગની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરના બીજા ભાગના એક ગીતના આ શબ્દો જુઓઃ

જો ભી રોંગવા હૈ ઉસે
સેટ રાઈટવા કરો જી
નહીં લૂઝિયે હોપ
થોડા ફાઈટવા કરો જી.

વાત આટલી જ છે, ‘જે ઠીક નથી તેને ઠીક કરો, આશા ન છોડો, થોડું લડો’. પણ આટલી સાદી વાત કહેવામાં હિન્દી-અંગ્રેજી ભાષાનું જે રીતે મિશ્રણ કરવામાં આવ્યું છે તેને લીધે જુદી અસર પેદા થાય છે.

હિન્દી-અંગ્રેજીની આવી ભેળસેળ ઇમોસનલ અત્યાચાર ગીતને પણ ભારે ફળી છે. અને આ ગીતને ફળ્યા છે પેલા બે બેન્ડવાજાવાળા (એમાંના એકની ભૂમિકા નવાઝુદ્દીન સિદ્દીકીએ ભજવી છે). ફિલ્મમાં બેન્ડવાજાવાળાને ઘુસાડવા એ પણ  અનુરાગ કશ્યપની ખૂબી છે. ગેંગ્સ ઓફ વાસેપૂરના બેય ભાગમાં અનુરાગે બેન્ડવાળાના પાત્રમાં યશપાલ શર્મા પાસે જબરાં ગીતો ગવડાવ્યા છે. બીજા ભાગના આરંભે સરદાર ખાન (મનોજ બાજપેયી)નો જનાજો ઊઠે છે ત્યારે તોતડો બેન્ડવાળો ખોટી-ખરાબ હિન્દીમાં બરાડે છેઃ યાદ તેડી આએગી, મુઝ કો બડા શતાયેગી.

ટૂંકમાં, બેન્ડનો ઉપયોગ, ભાષાની ભેળસેળ, સંગીતનું જોશ અને સૌથી વધુ તો ગીતના આ બે શબ્દો – ઇમોસનલ અત્યાચાર- આ બધાના સંગમને લીધે દેવ.ડીનું આ ગીત એક ‘સદાબહાર’ ધિક્કાર ગીત બની રહ્યું છે.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com