વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,૧૯૮૬) છે. તેમાં ‘અખાની પરંપરાને જાળવીને’ કવિએ હાસ્યકટાક્ષના છપ્પા રચ્યા છે.. કવિએ અંત્યાનુપ્રાસ સાથેની ત્રણ-ત્રણ પંક્તિનું એકમ સ્વીકાર્યું છે. ઓપિનિયન મેગેઝીન-યુ.કે. માંથી સાભાર સ્વીકાર સાથે અત્રે પ્રસ્તુત છે.

અક્ષર અંગઃ

એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન,
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગમતો ચાહી,
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે

આચાર્ય અંગ

ઑફિસ મધ્ય બિરાજે જંત, સકલ આચરે એવો ખંત,
નીજનું પોત ન જુએ લગીર, પરનાં ધોવા નીકળ્યો ચીર
મુખથી વહેતો સૂક્તિ ધોધ, હૃદય મહીં ક્યાં કરવી શોધ

અધ્યાપક અંગ

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઇડ મહીં ત્યાં બૂડે જ્ઞાન !

વિદ્યાર્થી અંગ

ભણવું નામે ઊઘડ્યો દેશ, વસ્તીનો તોટો ન્હૈ લેશ;
માંહોમાંહે બકતા હોડ : ‘પુસ્તકિયા દુનિયાને છોડ’.
થોડાં વર્ગે ઝાહા બહાર, વિદ્યાર્થી કોણ ઊતર્યું પાર ?

કલાકાર અંગ

એક જીવ આ ભમતો ફરે, ચિત્ત એનું તો ક્યહીં ન ઠરે :
કલા કાજ લીધો અવતાર, હું છું એનો તારણહાર’.
પતંગિયાને ફૂલ નહિ એક, રંગ રંગ પર ઊડણ-ઠેક.

તંત્રી અંગ

થઈ બેઠો મોટો તંત્રી : ‘હું સહુનો સાચો સંત્રી’.
ખટ્ટ ખટાખટ બોલે યંત્ર, રોલર-કૂખથી પ્રસવે મંત્ર,
ફાવે તે લખવાની છૂટ, સોયનાકેથી કાઢે ઊંટ.

પ્રકાશક અંગ

અક્ષરની દુનિયાનો દેવ, અક્ષર પાડ્યાની ક્યાં ટેવ?
અક્ષરનાં થોથાં એ કરે, થોથાંથી તો હાટ જ ભરે,
લખનારો ત્યાં આવે જાય, મંદિરમાં જ્યમ જન ઉભરાય.

સેવક અંગ

એક જીવના એવા ઢંગ, કાચિંડો જ્યમ બદલે રંગ,
રંગ બદલતો મન હરખાય, ના કોઈનાથી એ પરખાય,
’સેવક સેવક’ સહુ કો કહે, મનથી ઝાઝું તન લહલહે.

ડૉક્ટર અંગ

વસંત દર્દોની લહેરાય, હરખ વૈદ્યનો ખિસ્સે માય !
’મડદાં ચીર્યાં એ ભૂતકાળ’, તબીબ વિચાર છે તત્કાળ:
’પ્રગતિ સાચી તો જ ગણાય, જો જીવતાંને ચીરતો થાય.’

રાજકારણી અંગ

કંજ-કાનને ભમતો ફરે, ભૃં ભૃં કરતો ડોઝું ભરે,
ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં, મર્કટને તરુ નિજનું નહીં,
દિશા બદલતી ડુગડુગી વાય, ગુલાંટ ખાતો એ ગમ ધાય.

પ્રધાન અંગ

એક ઈસમનો અક્કડ વેશ, ખુરશી દેખી ઢીલો ઘેંશ,
’ખુરશી મા ને ખુરશી બાપ’, રૂંવે રૂંવે એ જપતો જાપ,
પહોંચ્યો ખુરશીની જ્યાં કને માણસ મટીને મતીરું બને.

નગર અંગ

ઝાઝાં રસ્તા ઝાઝાં ધામ, ધામથી ઝાઝાં માણસરામ,
માણસરામની હડિયાદોટ, પગને ક્યાં પગલાંની ખોટ ?
ખોટ હોય તો કેવળ એક, પચી’ કલાકનો દિન ના છેક !

વિવેચક અંગ

એક જંતનો એવો તંત: વાંચું તેનો આણું અંત’.
ઘૂમે કાગળિયે મેદાન, વ્યંઢળ ને વળી કાઢી જાન !
કલમ સબોડે પાડે ત્રાડ, ખીલીથી ખોતરવો પ્હાડ !

નીજ અંગ

ધીરુ પરીખ છે મારું નામ, અક્ષર સાથે પાડું કામ,
કામ કામથી કાગળ ભરું, જળ વિનાની સરિતા તરું,
અક્ષર નામે લખતો ઘણું, પ્રગટે જો કંઈ પોતાપણું !