મારી દ્વિધા
ઘણાનું જીવન મોટે ભાગે સરળ અને સીધી રીતે આગળ વધેલું દેખાય. એમની જીવન પ્રગતિનો ક્રમ કંઈક આવો હોય છે: વ્હાલ ભર્યા કુટુમ્બમાં જન્મ અને ઉછેર, જીવનની મુખ્ય જરૂરિયાતોની કોઈ તંગી નહીં, સારી નિશાળ અને ખ્યાતનામ કોલેજમાં અભ્યાસ, સંપન્ન કુટુમ્બ. અભ્યાસ માટે અમેરકાગમન, બાપાની પેઢીમાં પહેલેથી જ ગલ્લા ઉપર બેસી જવાની સગવડ, અથવા તો લાગવગને કારણે મોટી જાણીતી કમ્પનીઓમાં મળતો એકઝીકયુટીવ જોબ, સારા અને પ્રતિષ્ઠિત કુટુમ્બની ભણેલી ગણેલી છોકરીની સાથે લગ્ન, પ્રસન્ન દામ્પત્ય અને પછી બે ત્રણ સંતાનો, વગેરે. આમાનું કશું મારી જિંદગીમાં થયું નહીં. મારું કંઈક ઊંધું જ પડ્યું. અકરમીનો પડિયો કાણો એમ એકેએક દાવ અવળો જ પડ્યો. કંઈક ગડથોલા ખાધા. અથડાયો, પછડાયો. અમેરિકનો આવી અણધારી જીવનયાત્રાને muddling through કહે છે.
મારો જન્મ ૧૯૪૦માં સાવરકુંડલામાં થયો. ૨૦૨૧માં હું આ લખું છું ત્યારે મારી ઑફિશિયલ ઉંમર ૮૧ની ગણાય. સાચી ઉંમર તો રામ જાણે! મારો જન્મ ઘરે થયેલો. અમારા ગામમાં નહોતી કોઈ હૉસ્પિટલ કે ન કોઈ પ્રસૂતિગૃહ. ઘરે દાયણ આવે. અમે ભાઈ બહેનો બધાં આમ ઘરે જ જન્મેલાં. અમારા જન્મનો કોઈ ઑફિશિયલ રેકોર્ડ ન મળે. આજે પણ દેશમાં લગભગ ૫૯% જેટલા જન્મોનો કોઈ ઑફિશિયલ રેકોર્ડ નોંધાતો નથી. જો જન્મતારીખ જ ન નોંધેલી હોય તો ઉજવવાની વાત કેવી? મને યાદ નથી કે અમારા ઘરમાં મારી, કે બીજા કોઈની પણ જન્મતારીખ ક્યારેય ઉજવાઈ હોય.
સાવરકુંડલા એ જમાનાના કાઠિયાવાડમાં હતું. પછીથી ગુજરાતમાં ભળ્યું. એ નાના ગામની વસ્તી ત્યારે લગભગ વીસેક હજારની હશે. આમ તો એ બે ગામો હતાં: સાવર અને કુંડલા. વચ્ચે નાવલી નદી. જ્યારે ધોધમાર વરસાદ વરસતો ત્યારે એમાં બંને કાંઠા છલકાઈ જાય એટલાં પૂર આવતાં. પૂર ઓસરે નહીં ત્યાં સુધી બન્ને ગામ વચ્ચેનો વ્યવહાર બંધ થઈ જાય. બન્ને ગામને જોડતો કોઈ બ્રીજ ત્યારે નહોતો. હવે તો નદી જેવું કાંઈ રહ્યું નથી.
૧૯૫૭માં હું મુંબઈ નોકરી કરવા આવ્યો. ત્યાં મુળજી જેઠા માર્કેટમાં ગુમાસ્તા તરીકે નોકરી મળી અને મારી કારકિર્દી શરૂ થઈ. ૧૯૬૫માં મુંબઈ છોડ્યું. અમેરિકા આવ્યો. મુંબઈના એ આઠ વરસો દરમિયાન મેં અસહ્ય હાડમારી ભોગવી. સારી નોકરી અને રહેવાની ઓરડી શોધવા કઈંક ખત્તા ખાધા. અમેરિકામાં પણ કંઈક નોકરીઓ કરી. ઘણે ઠેકાણે રહ્યો અને છેવટે ૧૯૭૭માં હું વૉશિન્ગટનમાં ઠરીઠામ થયો. છેલ્લા ૪૪ વર્ષોથી ત્યાં જ રહું છું, અને એવી ધારણા છે કે બાકીની રહીસહી જિંદગી અહીં વૉશિન્ગટનમાં જ પુરી કરીશ. બાકી તો રામ જાણે!
આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિંદગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો! મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વૉશિંગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વૉશિંગ્ટોનિઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વૉશિંગ્ટોનિઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે.
કોઈને પણ પૂછો તો કહેશે કે આ જીવનયાત્રા એક નીવડેલા અને સફળતા પામેલા માણસની છે. છતાં મને એમ કેમ થયા કરે છે કે મેં જિંદગી વેડફી છે? આજે જીવનસંધ્યાએ મને નિષ્ફળતાનો ડંખ કેમ સતત પજવે છે? દિવસ ને રાત આ જ વિચાર આવ્યા કરે છે કે મેં જિંદગીમાં શું ઉકાળ્યું? આ સમસ્યાના મૂળમાં છે બીજાઓ સાથે હંમેશ સરખામણી કર્યાં કરવાની મારી ખરાબ આદત. હું જ્યારે બીજા સિદ્ધહસ્ત લોકોની–લેખકો, વિચારકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંશોધકો વગેરેની વાતો વાંચું સાંભળું છું ત્યારે ઈર્ષાથી સમસમી ઊઠું છું. થાય છે કે એ લોકોની સિદ્ધિઓની સરખામણી સામે મેં કાંઈ જ મેળવ્યું નથી. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી હું સતત પીડાઉં છું. જે મળ્યું છે તેનો સંતોષ અને આનંદ સાવ નથી એવું નથી, પણ એ ક્ષણિક જ હોય છે. તત્કાલ સંતોષની લાગણી અનુભવીને તરત મારું મન છટકીને જે નથી મળ્યું તે તરફ વળે છે અને નથી મળ્યાનું દુઃખ પેટ ચોળીને ઊભું કરે છે. અર્ધા ભરાયેલા પાણીના ગ્લાસને જોઉં છું તો મને ભરેલો ભાગ નથી દેખાતો, ખાલી ભાગ જ દેખાય છે! આ દ્વિધાનું મારે શું કરવું?
બધા લોકોને કંઈક અને કંઈક મહત્ત્વાકાંક્ષા હોય છે. એ મનુષ્ય સહજ છે. અને જો માણસ યથાશક્તિ પ્રયત્ન કરે અને ઈશ્વરકૃપા હોય તો એ ધારેલી ઇચ્છાઓ સફળ થવાની શક્યતા છે. મારી મહત્ત્વાકાંક્ષા કોઈ જુદા જ પ્રકારની છે. જે લોકો આદર્શ તરીકે મારા કલ્પનાવિશ્વમાં ઘર કરીને બેઠા છે તેમનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એ લોકો સુધી મારાથી આ ભવમાં તો પહોંચાય જ નહિ. રાજકીય ક્ષેત્રે નહેરુ, રુઝવેલ્ટ કે ચર્ચિલ; સાહિત્યમાં એડમંડ વિલ્સન, ટી એસ એલીએટ, ઉમાશંકર જોશી, સુરેશ જોષી, ચેખોવ, નેબોકોવ, કે નાયપોલ; ચિંતકોમાં વિટગનસ્ટાઈન કે વિલિયમ જેમ્સ જેવા જો મારા ખ્યાલમાં હોય તો હું એમને આ જિંદગીમાં કયારે પહોંચવાનો છું?
મારા જીવનની આદર્શ વ્યક્તિ: ગાંધીજી
અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે : ગાંધીજી! હાઈસ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાનાં થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી. નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાઇબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.
બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિશે લખ્યું હતું—એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાસ્પદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ—આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે, પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે. સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં, પણ વિશ્વસાહિત્યનું એક ઉત્તમ આત્મનિવેદન છે.
અને છતાં એમની આત્મકથા એમના જીવન અને ખાસ કરીને એમની મહત્તા સમજવા માટે ઉપયોગી નથી નીવડતી. એટલું જ નહીં પણ એ poor guide છે. આત્મકથા અને એમનાં બીજાં લખાણોમાં એમનું વલણ ‘મો સમ કૌન કુટિલ ખલ કામી’નું, સતત self-deprecatory જ રહ્યું છે. પોતે કેવા સામાન્ય હતા; કેવા બીકણ હતા; કેવા શરમાળ હતા; વિદ્યાર્થી તરીકે, વકીલ તરીકે જ્યાં જ્યાં એમણે હાથ અજમાવ્યો ત્યાં બધે જ શરૂઆતમાં કેવા પાછળ પડેલા; પુત્ર, પતિ અને પિતા તરીકે કેવા નિષ્ફળ નીવડ્યા–આવી જ પોતાની મર્યાદાઓની, ખામીઓની જ વાતો. ક્યાંય બણગાં ફૂંકવાની વાત નહીં. કોર્ટમાં પહેલો કેસ લડવા ઊભા થયા તો પગ ધ્રૂજવા લાગ્યા! એવું જ થયું કૉંગ્રેસના અધિવેશનમાં પહેલી વાર ઠરાવ રજૂ કરવા ઊભા થયા ત્યારે. કોઈ સાંભળે નહીં.
બીજા સમકાલીન ભારતીય નેતાઓ કેવા મહાન હતા એની ખાસ નોંધ કરે: ફિરોજશાહ મહેતા તો મુંબઈના ‘બેતાજ બાદશાહ, અને મુંબઈના સિંહ હતા…અને હિમાલય જેવા, લોકમાન્ય તિલક સમુદ્ર જેવા તો ગોખલે ગંગા જેવા.’ આ બધા અને બીજાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ જેમની મહત્તાનાં વખાણ કરતાં એમની જીભ સુકાતી નહોતી, તેમાંથી કોઈ પણ મારી દૃષ્ટિએ ગાંધીજીની કક્ષાના હતા નહીં. આમ કહેવામાં હું એ નેતાઓની મહત્તા સ્વીકારતો નથી એવું નથી, પણ એટલું જ કહેવાનું કે એમાંનું કોઈ પણ એમની કક્ષાનું ન હતું, એવી હતી ગાંધીજીની બહુમુખી પ્રતિભા અને મહાનતા.
છતાં એમણે પોતાના સામાન્ય દોષો કે ભૂલોને કેવું મોટું સ્વરૂપ આપ્યું હતું! પોતે ભૂલ કરે તો એ ‘પહાડ જેવડી ભૂલ’ હોય એમ વાત કરે! નાનપણમાં કિશોર સહજ એકાદ બીડી ફૂંકી કે થોડું માંસ ખાઈ લીધું કે થોડું ખોટું બોલ્યા, અથવા તો વેશ્યાવાડામાં એક આંટો માર્યો અને તે પણ સાવ નકામો—આવી ઝીણી ઝીણી વાતને એમણે ચોળીને ચીકણી કરી છે. એમાંય પિતાના મૃત્યુ સમયે એમની સાથે હોવાને બદલે પોતે પત્ની સાથે સૂતા હતા તેનો ડંખ તો એમને જિંદગીભર સતાવતો રહ્યો હતો. બિનકસરતી નબળું શરીર; ચોર, ભૂત અને સાપના ભયથી રાતે દીવા વગર અંધારામાં ન સૂઈ શકે એવો બીકણ સ્વભાવ, ભણવામાં સાવ સામાન્ય—આવું બધું ભોળાભાવે વાંચતા હું એમ માનતો થઈ ગયો કે આવો સાવ સામાન્ય માણસ જો મહાત્મા થઈ શકતો હોય તો હું શા માટે ન થઈ શકું?
ત્યારથી જ નક્કી કરેલું કે થવું તો ગાંધીજી જેવા થવું! ગાંધીજી મારું જિંદગીભરનું obsession રહ્યા છે. દેશમાં જાઉં અને જો હું અમદાવાદ ગયો હોઉં તો જરૂર સાબરમતી આશ્રમમાં આંટો મારું, અને દિલ્હી ગયો હોઉં તો રાજઘાટ પર. મારી દૃષ્ટિએ સ્વતંત્ર ભારતના આ સૌથી અગત્યનાં પવિત્ર તીર્થસ્થાનો છે. જતી જિંદગીએ જ્યારે હું કવિતા ભણી વળ્યો ત્યારે મારી ગાંધીભક્તિ મેં ચાર સૉનેટમાં વ્યક્ત કરી છે.
બહુમુખી પ્રતિભા
ગાંધીજી કેવા મહાન હતા તે તો મને પરદેશમાં આવ્યા પછી સમજાયું. દેશમાંથી બહાર નીકળ્યા પછી ઘણું બધું ફરવાનું થયું છે, અમેરિકામાં તેમ જ દુનિયાના અનેક દેશોમાં. કોઈ પણ ઠેકાણે જાઉં, તક મળે તો બુકસ્ટોરમાં જરૂર આંટો મારું. જોઉં કે લોકો શું વાંચે છે, ખરીદે છે. બાયોગ્રાફીના સેક્શનમાં જોઉં તો ગાંધીજી વિશે સ્થાનિક ભાષામાં લખાયેલાં કે અનુવાદ થયેલાં પુસ્તકો, ખાસ તો એમની આત્મકથા જરૂર જોવા મળે. એમના વિશે અનેક ભાષાઓમાં કેટલું બધું લખાયું છે! છતાં ભાગ્યે જ એવું વરસ જાય કે પશ્ચિમમાં એમના વિશે કાંઈક અને કાંઈક નવું દળદાર પુસ્તક ન લખાયું હોય. શરમની વાત તો એ છે કે એમની માતૃભાષા ગુજરાતીમાં જ એમનું કોઈ આધારપૂર્ણ, પ્રમાણભૂત અને સમતોલ જીવનચરિત્ર હજી સુધી લખાયું નથી. જે લખાયું છે તેમાં મોટે ભાગે એમની પ્રમાણભાન વિનાની પ્રશસ્તિગાથા જ હોય છે. આવાં રેઢિયાળ જીવનચરિત્રોમાં મને આપણી યુનિવર્સિટીઓના સંશોધનનાં નીચાં ધોરણો દેખાય છે, અને સાથે સાથે આપણા પ્રૉફેસરોની સંશોધન પ્રત્યેની ઉદાસીનતા અને પાંડિત્ય કેળવવા માટે જરૂરી ઉદ્યમનો અભાવ પણ દેખાય છે.
વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં મારી અટક સાંભળતા તરત પ્રશ્ન પુછાય: તમે મહાત્માના કંઈ સગા થાવ કે? આજે મને અમેરિકા આવ્યે પચાસ વરસ થયાં. વિદેશવાસનાં આ વર્ષો દરમિયાન જે કાંઈ થોડી ઘણી મુશ્કેલી પડી તેની સરખામણી ગાંધીજીએ લંડન અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં જે હાડમારીઓ સહન કરી હતી તેની સાથે ન જ થઈ શકે. પરંતુ એમણે જે નીડરતા અને આત્મવિશ્વાસથી વિદેશવાસની હાડમારીઓનો સામનો કરેલ તે મારે માટે આજે પણ અજાયબીની વાત છે! ક્યાંથી આવી એ નીડરતા? એ આત્મવિશ્વાસ?
સ્વાતંત્ર્ય સંગ્રામમાં બોમ્બ ફેંકીને પકડાવાના ડરે ભાગીને સંતાઈ જતા ક્રાંતિકારીઓની હિંમતની વાત ઘણી વાર થાય છે. ત્યારે આ ભડવીર માણસ ભાગવાની વાત કરતો નથી. એ તો બ્રિટિશ રાજ્યને ચેલેન્જ આપીને કહેતા કે હું અહીંયા છું આવીને મને પકડી જાવ. કોર્ટમાં બ્રિટિશ જજને કહે છે કે હા, મેં જ બ્રિટિશ રાજ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે, તમે મને જે જેલની સજા આપશો તે ખુશીથી ભોગવીશ. તમારો કાયદો કહે તેમ જ મને વધુ ને વધુ સજા કરો! દેશના રાજકારણમાં ગાંધીજી આવ્યા ત્યાં સુધી આપણા નેતાઓ દર વર્ષે ભરાતા કૉંગ્રેસના અધિવેશનમાં ભભકાદાર અંગ્રેજીમાં ભાષણો અને ઠરાવો કરીને સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલતા હતા! એમાંથી ભાગ્યે જ કોઈની ત્રેવડ હતી કે બ્રિટિશ સરકારના જુલમી વહીવટને સામે ચાલી પડકારે અને કહે કે તમારે જે કરવું હોય તે કરો, હું તમારી જેલથી ડરતો નથી. દેશની સ્વતંત્રતા માટે હું જેલમાં જવા તૈયાર છું. એ લડતમાં જો મરવું પડે તો હું મરવા તૈયાર છું. આવી ‘કરેંગે યા મરેંગે’ની ખુમારી એક વખતના આ બીકણ માણસમાં ક્યાંથી આવી? અને આવી ખુમારી બીજાં કેટલાં નેતાઓમાં હતી?
ગઈ સદીની શરૂઆતમાં જ્યારે યુરોપના ધુરંધર નેતાઓ પહેલા વિશ્વયુદ્ધના મહાન હિંસક મોરચાઓની મસલત કરી રહ્યા હતા ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના અંધારા ખૂણામાં અહિંસક મોરચાનું આયોજન કરી રહ્યા હતા. અહીં જ એમણે organized nonviolent mass movement—સંગઠિત સામૂહિક પણ અહિંસક આંદોલનના શ્રી ગણેશ માંડ્યા. એ એમને કેવી રીતે સૂઝ્યું? અમેરિકાની સિવિલ રાઈટ્સ મુવમેન્ટ હોય કે, આરબ સ્પ્રિંગ હોય, કે બાલ્ટિક દેશોની સ્વતંત્રતા મેળવવાની ઝુંબેશ હોય—આખી દુનિયાના લોકો એ અહિંસક ચળવળનો દાખલો લઈને આજે જુલમગારોના ત્રાસમાંથી મુક્તિ પામે છે.
ગરીબમાં ગરીબ, દુઃખીમાં દુઃખી લોકોની સેવામાં એમણે જીવન ઓગાળી દીધું, તો આવી લોકસેવા કરવાની ધગશ એમને ક્યાંથી લાગી? આવું સમસંવેદન એમને કેવી રીતે મળ્યું? દેશના ગરીબોની વ્યથા સમજવા માટે એમની સાથે એ આત્મસાત થયા. માત્ર શબ્દોથી નહિ, પણ રોજબરોજના જીવનવ્યવહારમાં, ખાવા, પીવા અને પહેરવામાં. વાતો કરીને નહિ, પણ પોતાનું જીવનપરિવર્તન કરીને. અસ્પૃશ્યતાનિવારણ કરવું હોય તો ભંગીવાસમાં જઈને રહેવું પડે. ગ્રામોદ્ધાર કરવો હોય તો ગામડાંઓમાં જઈને ગામડિયાઓની સાથે જઈને રહેવું પડે. આમ દેશના દુઃખિયારાઓની પરિસ્થિતિનું એમનું જ્ઞાન એ પોથીમાંના રીંગણાનું નહીં, પણ જાત અનુભવનું હતું. એ કહેતા: “I do not know whether you have seen the world as it really is. For myself, I can say I perceive the world in its grim reality every moment.” (૧૯૧૮).
એમને એ પણ ખબર હતી કે દેશની ગરીબી હઠાવવી હોય તો એ કોઈ સ્લોગન કે વરદીની, કે પંચવર્ષીય યોજનાની વાત ન હતી. તે માટે તો ગરીબો વચ્ચે રહીને કામ કરવાની વાત હતી. આ એક બે દિવસ કે વરસ બે વરસની વાત ન હતી, એમાં તો જીવન અર્પી દેવું પડે, અપાર ધીરજ ધરવી પડે. કંઈક સવળાં પાસાં ન પડે તો હિમ્મત ન હરાય કે નિરાશ ન થવાય. એમણે બરાબર કહેલું કે : “I am not a quick despairer.” (૧૯૨૨) આવી નિરંતર સેવા કરવામાં જ એમણે એમના જીવનની સાર્થકતા જોઈ હતી: “For men like me, you have to measure them not by the rare moments of greatness in their lives, but by the amount of dust they collect on their feet in course of life’s journey.” (૧૯૪૭)
માત્ર રાજકારણ જ નહિ, પણ જીવનના એકેએક ક્ષેત્રમાં એમણે આખીયે જિંદગી સતત પ્રયોગ કર્યા કર્યા છે. સાચા અર્થમાં એ પ્રયોગખોર મહાત્મા હતા. ખોરાક, પોશાક, શિક્ષણ, આરોગ્ય, બાળ ઉછેર, સેક્સ, ગ્રામસેવા, ધર્મ, સાહિત્ય, અર્થશાસ્ત્ર–જીવનનું ભાગ્યે જ કોઈ એવું પાસું હશે કે જે વિશે એમણે વિચાર ન કર્યો હોય, કે એ બાબતમાં કંઈક એમણે અજમાવ્યું ન હોય કે જેમાં એમને કંઈક ને કંઈક કહેવાનું ન હોય. અને એ બધું કહેવામાં એમણે કોઈ સંકોચ નહોતો રાખ્યો. જીવનભર જેમ એ કાર્યરત રહ્યા હતા, તેમ એ કંઈ ને કંઈ લખતા પણ રહ્યા. એમના સમગ્ર લખાણના ગ્રંથોની સંખ્યા સો સુધી પહોંચી છે! આ માણસ શરમાળ હતો? “શરમાળપણું એ મારી ઢાલ” એમ કહેતો!
માટીમાંથી માનવ બનાવવાનો એમની પાસે જાદુ હતો. દેશનાં ગભરુ લોકો જે હંમેશ બ્રિટિશ રાજકર્તાઓથી ફડફડતાં હતાં તેમનો ભય એમણે દૂર કર્યો. કહ્યું કે કોઈથી ગભરાવાની જરૂર નથી. એટલું જ નહીં પણ બધા જ ત્રાસ કરનારા લોકો હતાં તેમની સામે શીંગડા ભરાવતા શીખવાડ્યું. દેશમાં અબળા ગણાતી સ્ત્રીઓને પણ એમણે ઘરમાંથી બહાર લાવી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડી અને એમને જેલમાં જતી કરી! ગાંધીયુગમાં દેશને કેવા કેવા મહાન માણસો મળ્યા! અને માત્ર રાજકારણમાં જ નહીં, પણ જીવનના અનેક ક્ષેત્રે. અનેકવિધ લોકોસાથે વિધવિધ સંજોગોમાં કામ કરવું અને કરાવવું એ એમની અદ્ભુત ખૂબી હતી. એ એમને ક્યાંથી મળી? બલિદાન અને ત્યાગની અપેક્ષા જ્યારે એ બીજા પાસે રાખતા ત્યારે એ બાબતમાં તેમણે પોતાનું નામ પહેલું નોંધાવ્યું હોય જ.
એમના માનવ સંબંધો, એમની સેવાભાવના સર્વથા નિર્વ્યાજ હતાં. આઠેક દાયકાની જિંદગી પછી એ કયો દલ્લો મૂકી ગયા? સાબરમતી આશ્રમમાં એ મિલકત હજી એમને એમ પડી છે : રેંટિયો, ચપ્પલ, ચશ્માં, ડેસ્ક વગેરે નિત્ય જીવનની જૂજ જરૂરિયાતની વસ્તુઓ. ૧૯૪૭ના ઑગસ્ટની પંદરમીએ મુખ્યત્વે એમના જ નેતૃત્વ નીચે દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે એ ક્યાં હતા? રાજધાની દિલ્હીમાં સ્વતંત્રદિનની ઉજવણીમાં એ નહોતા પડ્યા, કે સ્વતંત્ર ભારતના પ્રમુખ કે વડા પ્રધાન થવાની તજવીજમાં નહોતા પડ્યા. એ તો બંગાળનાં કોમી હુલ્લડોમાં ફસાયેલા નિરાધાર લોકોની સેવામાં, એમને બચાવવામાં જાનના જોખમે પગપાળા ગામડે ગામડે ઘૂમતા હતા. આવો નિસ્વાર્થ ભાવ એમનામાં ક્યાંથી આવ્યો?
કહેવાય છે કે છેલ્લાં બેએક હજાર વર્ષમાં ગાંધીજી જેવો માણસ દુનિયાને જોવા મળ્યો નથી. મહાન વિજ્ઞાની આઇનસ્ટાઇને તો ત્યાં સુધી કહ્યું કે ભવિષ્યમાં લોકો એમ માનશે પણ નહિ કે આવો માણસ આ પૃથ્વી પર એક વાર સદેહે જીવ્યો હતો. સહજ જ પ્રશ્ન થાય કે આવી મહાન વિશ્વવિભૂતિને હું આદર્શ માનીને બેસું એનો અર્થ શો? એમના જેવા થવાનું મારું ગજું નથી એવું કહેવું પણ નિરર્થક છે. મને ખાત્રી છે કે આ ભવમાં તો હું ક્યારેય આ આદર્શ સુધી પહોંચવાનો નથી જ નથી. તો પછી જે અશક્ય છે તેને આદર્શ માનીને શા માટે બેસવું? મેથેમેટિક્સમાં Asymptotic—અનંતસ્પર્શીય—એવો એક કન્સેપ્ટ છે. એટલે કે પરિઘથી ફંટાયેલી એક લીટી બીજી એક લીટીને મળવા પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એ નજીક આવે છે, પણ કદીયે એ બે લીટીઓ મળી શકતી નથી. છતાં મળવાનો એ પ્રયત્ન તો ચાલુ જ રહે છે.
બલવંતરાય ઠાકોરની એક પંક્તિ છે : ‘નિશાન ચૂક માફ, કિન્તુ નહીં માફ નીચું કદી.’ કોઈ મને એમ ન કહી શકે કે મારું નિશાન નીચું છે! આખરે જીવનમાં આપણે કશુંક અગત્યનું મેળવવું હોય તો તેને માટે નિરંતર અસાધારણ પરિશ્રમ કરવો જોઈએ. માણસમાં ઈશ્વરદત્ત પ્રતિભા ભલે હોય પણ જો એ પ્રતિભાબીજની માવજત ન કરી હોય તો એ વિશિષ્ટતા અચૂક વેડફાઈ જવાની. મારામાં કોઈ ઈશ્વરદત્ત શક્તિ કે મેધાવી બુદ્ધિ તો નથી જ નથી, પરંતુ જે કોઈ થોડીઘણી છે તેની પણ મેં માવજત નથી કરી. એ જાળવણી માટે અસાધારણ પરિશ્રમપરાયણતા હોવી જોઈએ એ મારામાં નથી. છતાં આવા અસાધ્ય ધ્યેયની પાછળ પડી રહેવામાં હું મારા જીવનનો વિકાસ જોઉં છું. આ અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિની મથામણમાં જ હું જીવનની સાર્થકતા જોઉં છું.
મોટી નવાઈની વાત એ છે કે જીવનસંધ્યાએ જ્યારે આ લખી રહ્યો છું, ત્યારે પણ આ અસાધ્યતાની વાસ્તવિકતા હું સ્વીકારી શકતો નથી. હું હજી પણ જે લેઇટ બુમર મહાનુભાવોએ મોટી ઉંમરે સિદ્ધિઓ મેળવી છે તેમનો અભ્યાસ કર્યા કરું છું અને ઊંડે ઊંડે આશા રાખું છું કે કદાચ મારું પણ એવું થાય! ઘણો વખત આ બાબતમાં પશ્ચિમ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સલર કોનરાડ એડીનાવર અને આપણા મોરારજી દેસાઈ જે બન્ને બહુ મોટી ઉંમરે પોતાના દેશના મુખ્ય સૂત્રધાર થયેલા એ મને બહુ કામે લાગતા! જો કે જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ આ યુક્તિ બહુ ચાલશે નહીં.
અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી.એફ.ઓ. તરીકે મેં જે ભાગ ભજવ્યો તે અહીંના ટીવી છાપાં ઉપરાંત દેશના ટીવી છાપાંમાં પણ ઓછુંવત્તું આવ્યું. આમ હું દેશમાં પણ ક્યારેક ક્યારેક છાપે ચડ્યો. મને ઘણી વાર પૂછવામાં આવે છે કે ડિસ્ટ્રીકની નાણાંકીય પરિસ્થિતિમાં જે ધરખમ ફેરફાર થયા એ કેવી રીતે થયા? “તમે જે કામ વૉશિંગ્ટનમાં કર્યું તે દેશમાં ન થઈ શકે? દેશની નાણાંકીય પરિસ્થિતિ કેવી રીતે સુધરે? તમે જે કામ કર્યું છે તે વિશે કેમ લખતા નથી?” એક ભારતીય ઈમિગ્રન્ટ પરદેશ, અને તેમાંય અમેરિકામાં જઈને આ કામ કેવી રીતે કરી શક્યો હશે તે કુતુહલના જવાબમાં પણ કઈંક અંશે આ આત્મકથા લખાઈ છે. તેથી જ તો અહીં મારા પ્રોફેશનલ જીવનની ગતિવિધિ વધુ છે. અંગત જીવનની મથામણો પ્રમાણમાં ઓછી છે. અને જે છે તે પણ પ્રોફેશનલ જીવનમાં અનિવાર્યતઃ અંતર્ગત હતી તે જ છે.
જન્ક બોન્ડના સ્ટેટસમાંથી વૉશિંગ્ટનનું AA and AAA સુધીના બોન્ડ રેટિંગ સુધી ઝડપથી પહોંચવું એ અમેરિકન મ્યુનિસિપલ ફાઈનાન્સ ક્ષેત્રે ખરેખર જ અસાધારણ ઘટના હતી. મારા પ્રોફેશનલ જીવનની એ એક મહાન ઘટના હતી. છતાં હું જ્યારે મારા જીવન વિશે વિચાર કરું છું ત્યારે થાય છે કે સોલોમન ગ્રંડીની12 સાધારણતાની પેલી વાત, મારી આજુબાજુના હજારો અને લાખો લોકોની જેમ મને પણ લાગુ પડે જ છે. ભલે ને મને મારા જીવનની આ સાધારણતા સ્વીકારવાનું આકરું લાગતું હોય, પણ હું મારી જાતને આજે પૂછું છું: કે ભાઈ, તેં ક્યો મોટો વાઘ માર્યો છે કે તું આ બધું લખવા બેઠો? તું ક્યાં મોટો ગાંધીજી કે ચર્ચિલ થઈને બેઠો છે કે લોકોને તારા જીવનમાં રસ હોય? આ પ્રશ્ન મને પણ સતાવે છે.
મારા ભાવનાસૃષ્ટિના આદર્શો સુધી પહોંચું કે ન પહોંચું, તેની બીજાઓને ન પડી હોય તે હું સમજી શકું છું, પણ મને એ નિષ્ફળતાનો મોટો ડંખ રહ્યો છે. અને એ સમજવા હું પ્રયત્ન કરું છું. આત્મકથન એ આત્મશોધનનો જ એક પ્રકાર છે. હું તો ત્યાં સુધી કહું કે જ્યાં સુધી તમે લખો નહીં ત્યાં સુધી તમે શું વિચારો છો તે જાણવું મુશ્કેલ છે. એ દૃષ્ટિએ હું આ લખીને જાતને પામવાનો પ્રયત્ન કરું છું. કદાચ બીજું કાંઈ નહીં તો ઓછામાં ઓછું મારી નિષ્ફળતા વિશે જરૂર લખી શકું. માલ્કમ મગરીજ નામના એક બ્રિટિશ પત્રકારની આત્મકથાનું શીર્ષક છે, Chronicles of Wasted Time. એ પ્રમાણે આ મારી નિષ્ફળતાની રામકહાણી છે એમ માનો. ઉપરવાળો મને પૂછે એ પહેલાં મારે જ મારી જાતનો હિસાબ આપવો છે, કે ભાઈ તને જીવન જીવવાની જે ઉમદા તક મળી તેનું તેં શું કર્યું? આ જિંદગીમાં તેં શું ઉકાળ્યું? અને જીવનની પરીક્ષામાં હું જો નપાસ થયો તો કેમ થયો?
સાડા સાત દાયકાની આ જિંદગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવા લેબલ લગાડવા એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરૂર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે તો એ વાતમાં હું માત્ર એમની બડાશના બણગા જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવન સાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે જેને ઇંગ્લીશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોલકલ્પિત છે!13
કશું પણ આત્મકથન આખરે તો જાત વિશેની જાહેરખબર જ હોય છે. લેખક ઢંઢેરો પીટાવીને ગામને કહે છે કે જુઓ હું કોણ છું, મેં શું શું કર્યું છે, વગેરે. એ દૃષ્ટિએ પ્રખ્યાત અમેરિકન કવિ એમિલી ડિકિન્સને (Emily Dickinson) જે ચેતવણી આપી છે તે વિચારવા જેવી છે :
How dreary—to be—Somebody!
How public—like a Frog—
To tell one’s name—the livelong June—
To an admiring Bog!
આજે જીવનસંધ્યાએ બેઠો બેઠો હું વિચારું છું કે હું જીવન કેમ જીવ્યો, હું ક્યાં ક્યાં ભમ્યો, મેં શું શું જોયું, કોને કોને મળ્યો, કોણે કોણે મારો હાથ પકડ્યો, અને મેં કોના કોના હાથ પકડ્યા, કોને કોને મેં દુભવ્યા, કોને અન્યાય કર્યો, ક્યાંથી મને નિર્વ્યાજ પ્રેમ મળ્યો અને મેં કોને એવો જ પ્રેમ આપ્યો–આવી બધી વાત લખવી છે. જે ઠેકઠેકાણે, દેશ વિદેશમાં અનેક નોકરીઓ કરી છે, તેની જ વાત કરું તોય મને મારી ગતિવિધિનો ખ્યાલ આવે. વધુમાં મારી જિંદગીમાં જે બન્યું છે તે વાત જો હું સચ્ચાઈ અને પ્રામાણિકતાથી કરું તો એમાંથી કંઈક નક્કર નીપજે.
રોબર્ટ ફ્રોસ્ટની એક પ્રખ્યાત કવિતા ‘Road Not Taken’ની અંતિમ પંક્તિઓ છે : ‘Two roads diverged in a wood, and I— I took the one less travelled by, and that has made all the difference.’ મારું કંઈક ઊંધું જ થયું છે. મેં જે રસ્તો પકડ્યો તે ચીલાચાલુ હતો, બધા જે રસ્તે જતા હતા તે બાજુ હું વળી ગયો. ભાગ્યે જ જ્યાં કોઈ જતું ત્યાં જવાનું જોખમ મેં નથી લીધું. એમ કેમ થયું? મેં એવા દાખલાઓ જોયા છે કે માણસ એકલો હિમાલયના પ્રવાસે નીકળી પડે અને છ મહિને પાછો આવે. એક મિત્ર મુંબઈથી હીચ હાઈકિંગ કરીને અફઘાનિસ્તાન પહોંચ્યા પછી ઘરે કાગળ લખીને જણાવ્યું કે અહીંથી હું યુરોપ જવાનો છું. આવું કોઈ સાહસ મેં કર્યું જ નથી. એમ કેમ?
હું સ્કૂલમાં હતો ત્યારે તોફાની છોકરાઓમાં મારી ગણતરી નહોતી થતી. ક્યારેય કોઈ છોકરીની છેડતી કરી હોય, નિશાળમાં માસ્તરનો હુરિયો બોલાવ્યો હોય, તોફાન કર્યાં હોય, મારામારી કરી હોય, ક્લાસમાં ગુટલી મારી ફિલ્મ જોવા ગયો હોઉં–એવું કશું જ મેં કર્યું નથી. અમેરિકનો જેને ‘messing around,’ કહે છે, એવું મેં કંઈ કર્યું જ નથી. ઊલટાનું મારી ગણતરી ડાહ્યાડમરા છોકરામાં થતી! પશ્ચિમના દેશોમાં જે વિશ્વયુદ્ધો થયાં તેમાં અસંખ્ય કિશોરો અને યુવાનો જોડાયેલા. સોળ, સત્તર વરસનો છોકરો લશ્કરમાં જોડાય અને દુનિયા ફરી આવે. પ્રખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે જ્યારે ઇટલીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ગયેલા અને ઘવાયેલા ત્યારે તેની ઉંમર માત્ર અઢાર વરસની હતી! વિન્સ્ટન્ટ ચર્ચિલ પચીસના થયા એ પહેલા ક્યુબા, ઇન્ડિયા, સુદાન અને સાઉથ આફ્રિકાની લડાઈઓમાં ભાગ લઈ ચૂક્યા હતા. આપણા દેશમાં પણ ત્રીસી અને ચાલીસીના દાયકામાં ઉછરેલા કિશોરો અને યુવાનોને દેશની સ્વતંત્રતાની ઝુંબેશમાં જોડાવાની તક હતી. ખુદ મારા પિતાશ્રી જ કિશોરવયમાં જેલમાં જઈ આવેલા. લાઠીનો માર ખાઈ આવેલા. આવું કોઈ સાહસ કરવાની મારા જમાનાના કિશોરોને કોઈ તક મળી નથી, અને જો મળી હોય તો મેં તો લીધી જ નથી.
ઘરમાંથી મને જો ગિરનારના પર્યટનમાં જવાની પણ જો રજા ન મળતી હોય તો લશ્કરમાં જોડાવાની તો વાત ક્યાં કરવી? છોકરાઓને શિસ્ત મળે તે માટે એનસીસી અને એસીસીમાં જોડાવાની તક સ્કૂલમાં મળતી. એમાં છોકરાઓને યુનિફોર્મ મળે, કૂચ કરવા મળે, લાઠી કેમ ચલાવવી એની ટ્રેનિંગ મળે. મારે એમાં ખૂબ જોડાવું હતું, પણ ઘરેથી સ્પષ્ટ ના પાડી: આપણે એવા કોઈ લશ્કરનાં ધીંગાણાં કરવા નથી જવું! સ્કૂલના કેટલાક છોકરાઓને એ યુનિફોર્મમાં કૂચ કરતા જોઈ ઈર્ષાથી હું જલી જતો.
કૌટુંબિક પરિસ્થિતિ, બીજાઓ પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન, બીજાઓની મારા માટેની શું અપેક્ષાઓ છે, મારે માટે શું ધારશે એનો જ સતત ખ્યાલ કરીને મેં હંમેશ સરળ દેખાતો રસ્તો લીધો છે. એ સહીસલામતીવાળું પગલું ભરવામાં હું મારી ગભરુ મનોદશા જ જોઉં છું. કટોકટીના ટાણે લોકોની ઐસી તૈસી કરીને મન ફાવે તેમ કરવાની મારામાં હિમ્મત કોઈ દિવસ આવી નથી. જેમ કોઈ સાહસી લોકો બધું ફગાવીને ચાલી નીકળે અને મનનું ધાર્યું કરે છે તેવું મેં ક્યારેય કર્યું નથી. એમ કરવામાં સાહસ છે, જોખમ છે, પણ સાથે સાથે નવું અજમાવવાનું, નવી સીમાઓ ઓળંગવાનું અને નવી ક્ષિતિજો સુધી પહોંચવાનું excitement પણ છે જે મેં કદી અનુભવ્યું નથી.
જો કે આજે જે નથી કર્યું અને જે ગુમાવ્યું છે તેનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. આશય માત્ર છે સમજવાનો કે શા માટે હું જોખમ લેતો નથી. અલબત્ત, અહીં એક માણસની આપવીતીની વાત છે. આવી આત્મકથા વ્યક્તિના ગમા અણગમા અને પૂર્વગ્રહોથી રંગાયેલી હોય એ સ્વાભાવિક છે.
ક્રમશઃ
