તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
સોમા વરસમાં પ્રવેશનાં ઉંબર અઠવાડિયાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે નાભિસંબંધ ધરાવતો ભારતીય જનતા પક્ષ પરસ્પર અને પોતપોતાની વિજયક્ષણો ને કસોટીક્ષણો એક સાથે અનુભવતાં માલૂમ પડે છે. સ્વરાજની અમૃતવર્ષી અને સંઘની પોતાની શતવર્ષીમાં આ પક્ષ અને પરિવાર આખો પોતાની કટોકટી સામેની સાચીખોટી લડાઈ પર કંઈક સોનેરી મદાર પણ બાંધી રહેલ છે.
૧૯૭૫ની ૨૬મી જૂન સાથે કોંગ્રેસે ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીને સવાલિયા દાયરામાં મૂકી દીધી હતી એ અલબત્ત સાચું છે. પણ ૨૬મી જૂન સામે લડતના મુદ્દે ને મોરચે સંઘ પરિવાર ક્યાં હતો, કેમ હતો, કેટલે હતો, એ પ્રશ્ન હજારો મિસાબંદીઓમાં એના મોટા હિસ્સા છતાં હતો, છે અને રહેશે. અહીં વાતની શરૂઆત ઓગસ્ટ ૧૯૭૫માં યરવડા જેલમાંથી તત્કાલીન સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસે વડાપ્રધાનને લખેલા પત્રથી કરવાનો ખયાલ છે, જેમાંથી કટોકટી બાબતે સંઘ પરિવારની સંમિશ્ર ને સંદિગ્ધ ભૂમિકા સોડાય છે. બાવીસમી ઓગસ્ટે દેવરસ ઈંદિરા ગાંધીને લખે છે કે અહીં જેલમાં આકાશવાણી થકી પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા પરનું આપનું ભાષણ સાંભળ્યું. આપનું વક્તવ્ય ‘સમયોચિત ને સંતુલિત’ હતું. વાચક યાદ રાખે, આ કટોકટીની જાહેરાત પછીનું અને એને ઘોર વાજબી ઠરાવતું પ્રવચન હતું જે દેવરસને ‘સમયોચિત ને સંતુલિત’ જણાયું હતું. વળી, એમણે ઉમેર્યું હતું કે ‘સમાજની સૌ સાચી શક્તિઓ પોતપોતાનાં ક્ષેત્રમાં પ્રામાણિકતાથી મચી પડે’ એવું જે આપે (ઈંદિરા ગાંધીએ) કહ્યું તે મુજબ ‘સંઘની શક્તિનો યોજનાપૂર્વક ઉપયોગ દેશના ઉત્થાન માટે જરૂરી છે.’
ઈંદિરા ગાંધી સાથે ‘દેશના ઉત્થાન’માં જોડાઈ શકવાના ગર્ભિત સૂચનથી ધાર્યું ઠેકાણું નહીં પડ્યા પછી નવેમ્બર ૧૯૭૫માં વાત આગળ ચાલે છે. દસમી નવેમ્બરે દેવરસ વડાપ્રધાનને લખે છે: ‘સર્વોચ્ચ અદાલતે આપની ચૂંટણીને કાયદેસર ઠરાવી તે માટે અભિનંદન ઘટે છે.’ (કટોકટીકાળે સર્વોચ્ચ અદાલત પાસેથી કેવી રીતે ચુકાદા મેળવાતા એ બધું ઈતિહાસદર્જ છે.) વારુ. વચનમાં વળી કંઈક વાર્તિક સાથે દેવરસનો પત્ર પરાકાષ્ઠાએ પહોંચવા કરે છે: ‘શ્રી જયપ્રકાશ નારાયણજીના આંદોલનના સંદર્ભમાં સંઘનું નામ લેવામાં આવે છે. ગુજરાત આંદોલન, બિહાર આંદોલન સંબંધે સરકાર તરફથી સંઘનું નામ વારંવાર ને વિનાકારણ જોડવામાં આવ્યું છે… આ આંદોલનો સાથે સંઘનો કોઈ સંબંધ નથી.’ આ ‘છેડાફાડ’ શા વાસ્તે છે તે બાબતે દેવરસ પત્રોત્તરની પ્રતીક્ષા સાથે વાતનો બંધ વાળતાં ફોડ પાડે છે કે દૂષિત પૂર્વાગ્રહ છોડી આપ સંઘના હજારો લોકોને મુક્ત કરો અને સંઘ પરનો પ્રતિબંધ દૂર કરો. આમ કરવાથી સંઘના લાખો સ્વયંસેવકોની શક્તિ ગેરસરકારી રાષ્ટ્રોદ્ધારક કામોમાં લાગશે. આટલે મહિને પણ ઈંદિરા ગાંધી અનુત્તર છે એટલે પવનારમાં વિનોબાજીની સંનિધિમાં આચાર્ય સંમેલન યોજાઈ રહ્યું છે અને તરતમાં ઈંદિરાજી પણ એમને મળશે એવા ભણકારા વચ્ચે દેવરસ વિનોબાજીને સાધવા રાગે છે: ઈંદિરાજીના મનમાંથી અમારે અંગેની ગેરસમજ દૂર કરી પ્રતિબંધ ઉઠાવડાવી લો. અમારા હજારો સ્વયંસેવક મુક્ત થતાં વેંત રાષ્ટ્રસેવાનાં ગેરસરકારી કામોમાં એમની સાથે જોડાઈ જશે, તે આ પત્રોનો સાર છે. દેખીતી રીતે જ, જેપી આંદોલન સાથે કોઈ સંબંધ જ નહોતો એવા દાવા સાથેની આ સળંગ રજૂઆત કોઈ જનવાદી લડાયક તબકાની છાપ જન્માવતી નથી. બીજી બાજુ, નાના દેશમુખ સરખા સંઘશ્રેષ્ઠીઓ ભૂગર્ભ મોરચે હતા એ પણ હકીકત છે. એટલે શંકાનો લાભ આપી સમુદાર સમજૂતની રીતે વિચારીએ તો દેવરસ કાં તો વ્યૂહાત્મક રમત રમી રહ્યા હતા અગર સંઘમાં બે મત હતા.
આંદોલનના હિસ્સા તરીકે જયપ્રકાશ માર્ચ ૧૯૭૫માં નવી દિલ્હીમાં જનસંઘના અધિવેશનને સંબોધવા ગયા ત્યારે એમના દિલખુલાસ સંબોધન પછી આભાર માનવા ઊભા થયેલા વાજપેયીએ પણ દિલ ખોલ્યું હતું કે (સામાન્યપણે દેશભક્તિના ગર્જનતર્જનની રાજનીતિ કરતાં) અમારે માટે આ એક જુદો અનુભવ છે… અબ હમ આમ જનતા કે આંદોલન સે જુડ રહે હૈ ઔર ઈસ દૌરાન હમારા ચરિત્ર બદલ રહા હૈ! જૂનાનવા સંસ્કારો વચ્ચેની કશ્મકશ વરતાય છે તેમ કેવળ વ્યૂહાત્મક જ નહીં મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. જનસંઘ સાંસદ સ્વામી ત્યારે આબાદ ઝળક્યા હતા. છતે વૉરન્ટે એ ગૃહમાં હાજરી ભરી વિદેશ મોરચે પહોંચી ગયા હતા. એક અંતરાલ પછી દેશમાં પુન: કાર્યરત હતા ત્યારે માધવરાવ મૂળેએ એમને લગભગ રોતી આંખે કહ્યું કે તમે પાછા નાસી જાવ, કેમ કે અહીં તો મોટી સંખ્યામાં સંઘસાથીઓએ વિધિવત શરણાગતિનો પત્ર તૈયાર કરી નાખ્યો છે અને તહકૂબીના એક ભાગ તરીકે તમારા જેવાને પકડાવી દેવાનુંયે નક્કી છે.
મૂળે ત્યારે સિનિયરો પૈકી હતા. અહીં દેવરસના જે પત્રો ખપમાં લીધા છે તે મહારાષ્ટ્ર વિધાનસભાના પટલ પરથી તેમજ અધિકૃત સંઘ પ્રકાશન ‘હિન્દુ સંગઠન ઔર સત્તાવાદી રાજનીતિ’ (દેવરસ, જાગૃતિ પ્રકાશન) દ્વારા પ્રાપ્ય છે. સ્વામીની મુલાકાત પણ ઈન્ટરનેટ પર સુલભ છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૮– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
