રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. જેમ મેં અગાઉ જણાવ્યું તેમ કવિવર ટાગોરને સતત એવું લાગ્યા કરતુ કે કોઈક અણદીઠીચેતના, કોઈક અગમ્યશક્તિ તેમને સર્જન કરવા પ્રેરી રહીછે. આ દિવ્ય શક્તિથી અભિભૂત થઇ કવિવર કહેતા કે મારીસર્જનાત્મકતા એ “મારી” નથી પણ આ દિવ્ય શક્તિ મનેહાથ પકડીને કરાવી રહી છે. તેમના માટે એ દિવ્ય શક્તિ, એ પરમચેતના તેમની સર્જનત્મકતાની ધરોહર હતી. કવિવર એક આધ્યાત્મિક કવિ હતા. આધ્યાત્મ એટલે કે “spirituality” તેમના વ્યક્તિત્વ સાથે એકરૂપ થયેલ હતું . તેઓ એવું દૃઢ પણે માનતા કે દરેકના આત્માની સરગમ એ દિવ્ય શક્તિ સાથે સતત જોડાયેલી છે અને ધબકતી રહે છે. અને તેઓ એ પરમાત્મા સાથે પ્રાર્થનાના માધ્યમથી સતત જોડાયેલા રહેતા. અને કદાચ એટલે જ કવિવરે તેમની અનેકાનેક રચનાઓ, એ દિવ્ય શક્તિને પ્રાર્થના રૂપે સંબોધીને કરેલી છે.
આજે આપણે પણ એવી જ એક રચના કે જે પૂજા પારજોયમાં(વિભાગમાં) અને પ્રાર્થના ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે અને જે કવિવરની એ દિવ્ય શક્તિ સાથેની સાતત્યતા પ્રદર્શિત કરે છે તેને જાણીશું અને માણીશું . આ એક પ્રાર્થના છે જેની રચના ગુરુદેવે ૧૯૧૩ માં કરી હતી. અને તેનું શીર્ષક છે তোমারি নাম বলবো – Tomari Naam Bolbo” અર્થાત “સતત તારા જ નામનું સ્મરણ હું કરું …”.
આ રચનાનું સ્વરાંકન રાગ ખંભાજ પર આધારિત છે અને તેને ત્રિતાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. આ રચનાના સ્વરાંકન પર બંગાળના લોક સંગીત – બાઉલ સંગીતની પણ છાંટ જોવા મળે છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું..
સતત તારા જ નામનું સ્મરણ હું કરું…
મુજ ભીતરના ગહન એકાંતે કદી હું વિચરું
કદી મારા વિચારોના ગૂઢ અરણ્યે વિહરું
અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
ભાષા અને શબ્દોના શણગારને છોડીને
મૌનની સૌમ્ય સાદગીને હું ધારણ કરું
અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
આશા અને અપેક્ષાના બંધનોની પેલે પાર
બસ, પ્રેમના રંગે રંગાવાની આજીજી હું કરું
અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
મારી ખુશીઓ અને અશ્રુઓના અર્ધ્ય મહી
બસ, એક તારા સુંદર ચહેરાના દર્શન કરું
અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
કારણ અને તારણની માયાજાળને ત્યજીને
બસ, તારી અસીમ કૃપાનો અહેસાસ કરું
અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
પ્રત્યેક શ્વાસની સરગમ પર સવાર થઈને
બસ, હર ક્ષણે, હર પળે તને યાદ હું કરું
અને સતત તારા જ નામનું સ્મરણ હું કરું
તારા જ નામનું સ્મરણ હું કરું…
© Alpa Shah (અલ્પા શાહ)
આ સરળ રચનામાં કવિવરે કદાચ એક જીવનના અંતિમ ધ્યેયને પામવાની એક ચાવી આપી દીધી છે. કવિવર આ રચનામાં પોતાની પ્રત્યેક મન:સ્થિતિમાં એ દિવ્ય શક્તિના નામને સ્મરવાની વાત કરે છે. આનંદના અવસરે કે વિષાદના વમળે, ભીતરે ડગ માંડતા કે જગત સાથે ચાલતા, કોઈ પણ કારણ અને અપેક્ષા વિના પ્રભુના નામને સ્મરવાની વાત કવિવર અહીં કરે છે. મૂળ રચનામાંતો કવિવર એમ પણ કહે છે કે જેમ નાનું બાળક પોતાની માને જે રીતે સતત ઝંખતું હોય, તેવી રીતે હું તારું સ્મરણ કરું.
પ્રત્યેક સ્થળ, સમય અને સંજોગોને પેલે પાર જઈને પણ જો આપણે મનથી સતત નિરંતર એ દિવ્ય શક્તિનું સ્મરણ કરી શકીએ તો તો કદાચ “Art of Living” સિદ્ધહસ્ત થઇ જાય. મને આજથી ૨૯ વર્ષ પહેલા કોઈકે એક ખુબ સરસ વાક્ય કહ્યું હતું અને એ વાક્ય મારા મનમાં અંકિત થયી ગયેલું છે. “I want to live the life with keeping Krishna in the center” પ્રભુને કેન્દ્રમાં રાખી તેનું સતત સ્મરણ કરતા કરતા પ્રત્યેક કાર્ય કરીએ તો કદાચ જીવનને એક નવા જ પરિમાણથી માણી શકીએ.
આપણા વેદ અને પુરાણો પણ સતત નામ સ્મરણ કે નામ સંકીર્તનનો મહિમા વર્ણવે છે. નામ સ્મરણ એટલે કે સતત પ્રાર્થના એ કદાચ પ્રભુ સુધી પહોંચવાનો સીધો અને સરળ માર્ગ છે. નવધા ભક્તિના નવ પગથિયામાં, સ્મરણ અને કીર્તન એ પહેલા બે પગથિયાં છે. શ્રીમદ ભગવદ્દ ગીતાના નવમાં અધ્યાય “” માં સતત કીર્તનનો મહિમા વર્ણવતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ १४ ॥
આ રચનામાં કવિવર અકારણ એટલે કે કોઈ પણ કારણ વગર અને કોઈ પણ અપેક્ષા વગર પ્રભુને સ્મરવાની વાત કરે છે તે તેમના ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ભાવને ફલિત કરે છે. સામાન્યતઃ આપણી રોજિંદી જિંદગીમાં આપણે મસ્ત બની ને વિહરતા હોઈએ છીએ પણ જયારે જીવનમાં અચાનક અણધાર્યો વણાંક આવે કે પ્રભુની મદદની જરૂરિયાત ઉભી થાય, કંઈક કારણ ઉદ્ભવે ત્યારે આપણે પ્રાર્થનાનો સહારો લેતા હોઈએ છીએ અને दुःख में सुमिरन सब करे, सुख में करे न कोई પંક્તિઓને સાર્થક કરતા હોઈ છીએ. પણ જો આપણે સતત એ દિવ્ય શક્તિનું સ્મરણ કરતા રહીએ અને તેને કેન્દ્રમાં રાખીને દરેક પ્રવૃત્તિ કરતા જઈએ તો ” जो सुख में सुमिरन करे, तोह दुःख काहेको होय” પંક્તિઓ આપણા જીવનમાં પણ સાર્થક થાય. મેં હમણાં એક ખુબ ગહન વાક્ય વાંચ્યું ” The value of persistent prayer is not that God will hear us, but that we will finally hear God”. અર્થાત સતત સ્મરણ – પ્રભુ આપણને સાંભળે એટલે નથી કરવાનું પણ આપણા અંતરમાં રહેલા દિવ્ય શક્તિનો અવાજ આપણે સાંભળી શકીએ એટલે કરવાનું છે. અને જો આ ચોમેર થતા ઘોંઘાટમાં આપણને એ અંતરનાદ સંભળાઈ જાય તો તો ખરેખર सच्चिदानन्दની પ્રાપ્તિ થઇ જાય…
તો ચાલો, કવિવરે આ રચનામાં દર્શાવ્યું છે તેમ પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક પાળે એ દિવ્ય શક્તિનું સતત સ્મરણ કરવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો.
તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
