આશા વીરેન્દ્ર
લંડનમાં ઊછરીને મોટી થયેલી શ્વેતા અબજોપતિ પિતા મિ. મિત્તલનું એકનું એક સંતાન. આમ તો એ અને એમનાં પત્ની દીકરીને ભારતમાં કોઈ સંજોગોમાં ન પરણાવે પણ સામે કાર્તિક પણ એવા જ તવંગર કુટુંબનો હોનહાર પુત્ર હતો. અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીમાં કામ ક્લર્યા પછી કંપનીએ એને બધી સુખસગવડો સાથે એને ડોલરમાં પગાર આપવાની શરતે દિલ્હીમાં આવેલી કંપનીની શાખામાં મેનેજર પદે મૂક્યો હતો. બંને પક્ષે માતા-પિતા વિદેશમાં અને શ્વેતા તથા કાર્તિક દિલ્હીમાં . શરૂ શરૂમાં શ્વેતાના મનમાં ગભરાટ હતો.
‘કાર્તિક, તું તો આખો દિવસ તારા કામમાં રોકાયેલો હશે. આ તદ્દન અજાણ્યા શહેરમાં હું એકલી શું કરીશ?’ ‘ડાર્લિંગ, જરાય ચિંતા ન કરીશ. તારી પાસે ગાડી, ડ્રાઈવર હાજર જ રહેશે. મૉલમાં જઈને શૉપિંગ કરજે. મલ્ટીપ્લેક્સમાં મનગમતી ફિલ્મો જોજે, ફેસબુક પર મિત્રો બનાવજે અને ફાઈવસ્ટાર હૉટેલમાં લંચ લેજે. રાત્રે દસેક વાગ્યા સુધીમાં હું આવી જઈશ. પછી તો આપણે સાથે જ હશું ને?’કાર્તિકએના ગાલ પર ટપલી મારતાં કહ્યું.
શ્વેતાને ડર હતો એટલું આ શહેર એને અજાણ્યું ન લાગ્યું. ધનાઢ્ય લોકોની વસ્તીવાળા વિસ્તારો અમેરિકાની યાદ અપાવે એવા ને એટલા જ વિકસી ગયા હતા. સવારે કાર્તિકના ગયા પછી એણે ડ્રાઈવરને પૂછ્યું, આપણે ‘સીટીલાઈટ’ મૉલ જવું છે. ગાડી તૈયાર છે?
‘જી મેડમ, આપ આવો એટલે નીકળીએ.’ડ્રાઈવરે વિવેકપૂર્વક જવાબ આપ્યો. શ્વેતાએ તૈયાર થઈને એક નજર અરીસા તરફ નાખી. ગયે અઠવાડિયે જ ખરીદેલા ડાયમન્ડના ઈઅરીંગ્સ એના ચહેરા પર ખૂબ શોભતાં હતાં, અને કાર્તિકે એના જન્મદિવસે ભેટ આપેલા સ્કર્ટ અને ટૉપ તો કેટલાં સુંદર લાગતાં હતાં ! પોતાનુ ગોલ્ડન બ્રાઉન પર્સ ખભે ભરાવી, બારણું ખેંચી એ બહાર નીકળી. ગાડીમાં બેસતાંની સાથે એને યાદ આવ્યું –‘વરસાદના દિવસો છે. ગમે ત્યારે જોરદાર વરસાદ આવી જાય છે. છત્રી લેવાની તો રહી જ ગઈ.’ વળી ઘર ખોલી, છત્રી લઈને એણે ધડામ દઈને બારણું બંધ કર્યું.
મૉલમાં જઈને બે-અઢી કલાક સુધી ફરીફરીને એણે ઢગલાબંધ વસ્તુઓની ખરીદી કરી. જાતજાતનાં સૌંદર્ય પ્રસાધનો, ચાર-પાંચ જોડી બૂટ, ચંપલ અને સેન્ડલ, તદ્દન નવી ફેશનની પર્સ, કપડાં-મનગમતી ચીજો મળી જવાથી એ ખુશ હતી. બધી વસ્તુઓ કાઉન્ટર પર આવ્યા પછી એણે બીલ બનાવવા કહ્યું.
‘ચાલીસ હજાર મૅમ, કેશ કે ક્રેડિટ કાર્ડ ?’કાઉન્ટર પરનાં યુવાને પૂછ્યું . ‘ક્રેડિટ કાર્ડ. ’ સ્મિત કરતાં શ્વેતાએ કહ્યું અને પર્સ લેવા ખભે હાથ લગાવ્યો ત્યાં એ ચમકી ઊઠી. ખભે પર્સ હતું જ નહીં . એ યાદ કરવા મથી રહી, ક્યાં ગયું પર્સ? એકાએક એને યાદ આવ્યું . છત્રી લેવા જ્યારે એ દરવાજો ખોલીને ઘરમાં ગઈ ત્યારે પર્સ ઘરમાં જ ભૂલી ગઈ હતી. ઘરની ચાવી પણ એણે પલંગપર ફગાવી હતી એ પણ લેવાની રહી ગઈ હતી. હવે? ક્રેડિટ કાર્ડ , રોકડા પૈસા, મોબાઈલ, ઘરની ચાવી—બધું જ ઘરમાં અને એ ઘરની બહાર !
‘સૉરી, મારું ક્રેડિટ કાર્ડ ઘરે ભુલાઈ ગયું છે. હું કાલે આવીને આ બધો સામાન લઈ જઈશ.’ એણે વીલે મોઢે કહ્યું.
કાર્તિકની ઑફિસ તો અહીંથી ૨૫-૩૦ કિ.મી. દૂર. રાત્રે દસ સિવાય એ આવશે નહીં . અત્યારે વાગ્યો છે બપોરનો એક. શું કરવું ને ક્યાં જવું? નહીં કોઈ સગાસંબંધી કે નહીં કોઈ મિત્રો. અને મૉલમાંથી ખાલી હાથે પાછી આવેલી જોઈને ડ્રાઈવર રાજનને નવાઈ લાગી પણ મૅડમને પુછાય તો નહીં ! એણે ગાડી ચાલુ કરીને પૂછ્યું, ‘મૅડમ કઈ તરફ લઉં?’
આજે જિંદગીમાં પહેલી વાર શ્વેતાએ પૈસા વગર ઘરની બહાર પગ મૂક્યો હતો. કંઈ સમજાતું નહોતું કે આવી પરિસ્થિતિમાં રાત્રે દસ વાગ્યા સુધી એ શું કરશે? ‘કોઈ પબ્લીક ગાર્ડન તારી જાણમાં હોય તો ત્યાં લઈ લે.’પછી અત્યંત સંકોચથી એણે કહ્યું, ‘રાજન , તારી પાસે કેટલા પૈસા છે? મને આપને ! તને ઘરે જઈને આપી દઈશ.’
રાજને લંબાવેલ હાથમાંથી વીસ રૂપિયા લેતાં એને યાદ આવ્યું કે બે દિવસ પહેલાં ડ્રાઈવરે પોતાની માંદી માની દવા લાવવા પાંચસો રૂ. એડવાન્સ માંગેલા ત્યારે પોતે ઘસીને ના પાડેલી. એને મનોમન શરમ આવી. ગાર્ડનમાં દાખલ થઈને ઝાડની છાયામાં મૂકેલા બાકડા પર એ બેસી પડી. માનસિક થાક અને ભૂખથી એ અકળાઈ ગઈ હતી. અચાનક એનું ધ્યાન ગયું તો નીચે ઘાસમાં બેસીને બે-ત્રણ મેલાઘેલા છોકરાઓ કાગળની પ્લૅટમાંથી કશુંક ખાઈ રહ્યા હતા. એણે પૂછ્યું, ‘ શું ખાવ છો?’
‘શાક અને પૂરી’એક છોકરાએ આંગળાં ચાટતાં કહ્યું. ‘એક શેઠિયાએ અપાયવા.’ ‘ક્યાં મળે?
બીજા છોકરાએ ગાર્ડનની બહાર ઊભેલી લારી તરફ હાથ લંબાવ્યો. સવારના ફક્ત એક ગ્લાસ જ્યૂસ પીને એ ઘરેથી નીકળી હતી. હવે તો પેટ જાણે પાતાળમાં પહોંચી ગયું હતું. લારી પાસે જઈ એ શાક-પૂરીની દસ-દસ રૂ.ની બે પ્લૅટ લઈ આવીને એક રાજનને આપી ત્યારે રાજનને એટલી નવાઈ લાગી કે એ મોઢું ફાડીને જોઈ રહ્યો . ખાવાનું ક્યાં પાણીથી, કેવાં વાસણમાં, કોણે બનાવ્યું હશે એની જરાય ચિંતા કર્યા વિના એ ટેસથી ખાવા લાગી. ખાઈ તો લીધું , પણ પાણી ક્યાં? છોકરાઓ નળ નીચે ખોબો ધરીને પાણી પીતા હતા. એણે પણ કોશિશ કરી. ઘણું પાણી ઢોળાયું ને થોડું પીવાયું પણ એને મજા પડી.
બીજે દિવસે આખી બપોર એણે પોતાના કબાટમાંથી અત્યાર સુધી અકબંધ પડેલી સાડીઓ, પરફ્યૂમ, બૂટ-ચંપલ બધું કાઢ્યું અને મનમાં બોલી, ‘મારી પાસે આટઆટલું તો છે, નવું લેવાની શી જરૂર? ’ પછી રાજનને બોલાવી એને એક હજાર વીસ રૂપિયા આપીને કહ્યું, ‘આ વીસ ગઈ કાલે લીધા હતા તે અને હજાર તારી માની દવા અને ફ્રૂટ માટે. પણ હા, તું ફરીથી મને પેલા પાર્કમાં લઈ જજે હં ! પેલા છોકરાઓને આઈસ્ક્રીમ ખ્વડાવવાનો છે.’
(મધુચંદા દત્તાની અંગ્રેજી વાર્તાને આધારે)
