તારો, મારો સંબંધ એટલે…
નીલમ હરીશ દોશી
ખૂબસુરત રિશ્તા હૈ મેરા ઔર ખુદાકે બીચમેં
જ્યાદા મૈં માંગતા નહી ઔર કમ વો દેતા નહી
પ્રિય દોસ્ત,
વાહ દોસ્ત, આજે તેં એક નવતર કામની શરૂઆત કરીને મને ખુશ કરી દીધો. આર્થિક રીતે તું એટલો ખમતીધર, એવો સક્ષમ નથી કે તું કોઇને પૈસાથી મદદ કરી શકે. પણ દોસ્ત, તારા દિલની અમીરાત કંઇ કમ નથી.અને મારી પાસે તો અંતરની અમીરાતને એજ નોંધ લેવાય છે એની તને જાણ છે ને ?
આજે તેં તારી આસપાસ રહેતા ઝૂંપડપટીના થોડા બાળકોને એકઠા કરીને રોજ સાંજે તેમને ભણાવવા માટે બે કલાક ફાળવ્યા. તારા ગામમાં કોઇ સાધુ મહાત્માની કથા વંચાતી હતી.તારા પડોશીએ તને તેમાં આવવાનો આગ્રહ કરો.પણ તારી પાસે એવો સમય કયાં હતો ? બધાએ તને સલાહ આપી કે થોડા દિવસ આ ભણાવવાનું કામ બંધ રાખીએ તારે કથા સાંભળવા આવવું જોઇએ. ભગવાનની કથાનો અનાદર ન કરાય.કથા શ્રવણ તો મોટું પુણ્ય છે. આવો મજાનો લાભ ઘેર બેઠા મળતો હોય ત્યારે આવા તુચ્છ બાળકોને લીધે એ ગુમાવે એ તો મૂરખ કહેવાય. એમને ભણાવીને તને કયાં પૈસા મળે છે તે તું એ કામ ન છોડી શકે ?
પણ દોસ્ત, તેં તો તારા ભીતરના અવાજને જ અનુસરવાનું રાખ્યું અને તેં કથામાં જવાને બદલે બાળકોને ભણાવવાનું તારું યજ્ઞ કાર્ય ચાલુ રાખ્યું. તેં કથા સાંભળી નહીં પણ તેં કથા જીવી.દોસ્ત, તને મારા સલામ.
તેં શરૂ કરેલો યજ્ઞ દોસ્ત, ચાલુ જ રાખજે. અને મારો સાથ તને મળવાનો જ. કાલે જ બે વ્યક્તિ આવીને તને સામેથી પૈસા પણ આપી ગયા ને ? કે આ પૈસાનો આ સારા કામમાં ઉપયોગ કરજો. દોસ્ત, સારા કાર્યમાં સહકાર આપોઆપ મળી જ રહેવાનો. બસ તારી નિષ્ઠામાં કોઇ ખોટ ન હોવી જોઇએ.
મને તો થાય છે આવા સારા કામનો ચેપ દરેકને લાગે. કથામંડપ ભલે સૂનો રહે અને એમાં બેસેલા હજારો લોકોના હાથ અન્ય માટે કામ કરતા થાય તો ? તો તારી સાથે મારો બેડો પણ પાર થઇ જાય. તારા દ્વારા કરવાવા ધારેલા મારા દરેક કાર્ય પૂરા થાય એ જોઇને મારું હૈયુ પણ નાચી રહે. દોસ્ત, આંખ, કાન, નાક દરેક ઇન્દ્રિયો મેં બધાને સરખી જ આપી છે. એ આંખોથી શું જોવું, એ હાથથી કેવા કાર્ય કરવા કે પગથી કયાં જવું એ નક્કી કરવાનૂં કામ તો દોસ્ત, તારું જ ગણાયને ?
દોસ્ત, તારી પાસે પૂજા, અર્ચના, પ્રાર્થના, શબ્દશક્તિ બધું જ છે. પરંતુ શ્રધ્ધાદીપ સતેજ થતો નથી. બસ અંતરનો એ શ્રધ્ધાદીપ ઝળહળી રહે એ આશા સાથે.
લિ. તારો જ અલ્લાહ, ઇશ્વર.
પ્રાર્થના એટલે જે શબ્દોમાં દિલનું નર્યું નીતરતું તેજ હોય.
જીવનનો હકાર
આજથી સંકલ્પ કરીએ કે મારા પરિચયમાં આવનાર સહુને હું થોડી ખુશી આપું.
