ગયા સપ્તાહના મણકામાં આપણે શ્રી નટવર ગાંધીની નજરે વોશિંગ્ટન (ડી. સી.)ની તત્કાલીન અર્થવ્યવસ્થાનો પરિચય કર્યો.
આજના મણકામાં હવે આગળ …..

વૉશિંગ્ટન ફડચામાં ગયું!

૧૯૯૫માં વૉશિંગ્ટન ફડચામાં ગયું. વૉલ સ્ટ્રીટમાં એની આબરૂના કાંકરા થયા. કૉંગ્રેસે એના ચૂંટાયેલા રાજકર્તાઓ– મેયર અને કાઉન્સિલરો પાસેથી, નાણાંકીય બાબતોના બધા અધિકારો, અને સત્તાઓ ખૂંચવી લીધાં. એ કામગીરી સંભાળવા માટે કૉંગ્રેસે એક કંટ્રોલ બોર્ડ અને ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરની (સી.એફ.ઓ.ની) નિમણૂંક કરી. વધુમાં કૉંગ્રેસે સી.એફ.ઓ.ને અસાધારણ અધિકારો, હક્કો, સ્વતંત્રતા અને સત્તા આપ્યાં. વૉશિંગ્ટનની બધી જ નાણાંકીય જવાબદારી સી.એફ.ઓ.ને સોંપી. આનો અર્થ એ પણ થયો કે નાણાંકીય બાબતમાં કંઈ પણ ગોલમાલ કે આઘાપાછી થાય તો એ બધું ઓળઘોળ થઈને સી.એફ.ઓને માથે આવે.

વૉશિંગ્ટનના રાજકારણમાં આ હોદ્દો ખૂબ અગત્યનો ગણાય. ભારતમાં જે હોદ્દો નાણાંપ્રધાનનો ગણાય એના જેવો જ. જોકે, ભારતના નાણાંપ્રધાન કરતાં આ સી.એફ.ઓ.ની જવાબદારી, સત્તા અને સ્વતંત્રતા વધારે. આપણે ત્યાં નાણાંપ્રધાનને વડાપ્રધાનના હાથ નીચે કામ કરવાનું અને એ જે કહે તે કરવાનું. વડાપ્રધાનની વિરુદ્ધ એ કશું ન કરી શકે. ભૂલેચૂકેય એવું કાંઈ કરે તો એને ગડગડિયું મળે.

વૉશિંગ્ટનનો સી.એફ.ઓ. ભલે મેયર અને કાઉન્સિલ સાથે કામ કરે, છતાં પોતાની સમજણ પ્રમાણે એ એમનાથી વિરુદ્ધ પણ જઈ શકે. એ પોતે જ પોતાનો બોસ. મેયર કે કાઉન્સિલ સી.એફ.ઓ.ને કૉંગ્રેસની અનુમતિ વગર રજા ન આપી શકે. મેયર અને કાઉન્સિલની ટર્મ ચાર વરસની હોવા છતાં સી.એફ.ઓ.ને પાંચ વરસની ટર્મ આપવાનું કૉંગ્રેસે નક્કી કર્યું, એનો પગાર પણ કૉંગ્રેસે જ નક્કી કરીને કહ્યું કે જે પગાર અમેરિકન પ્રમુખના કેબિનેટ મેમ્બરને મળે છે તે સી.એફ.ઓ.ને આપવો.

વૉશિંગ્ટનના આખાય રાજતંત્રમાં નાણાંકીય ક્ષેત્રે કામ કરતા ૧૨૦૦ જેટલા લોકોનો બધો જ સ્ટાફ એના હાથ નીચે. મેયર કે કાઉન્સિલ પણ આ સી.એફ.ઓ.ની અનુમતિ વગર નાણાંકીય બાબતમાં કશું જ ન કરી શકે. દર વર્ષે સી.એફ.ઓ. જ નક્કી કરે કે ટૅક્સની આવક કેટલી થશે અને જે આવક હોય એનાથી વધુ ખર્ચ ન થાય તે જોવાની જવાબદારી પણ એની જ. એ જ નક્કી કરે કે વૉલ સ્ટ્રીટમાં જઈને કેટલું દેણું કરવું અને એ દેણું બરાબર નિયમસર ભરાય તેની જવાબદારી પણ એની જ.

આવી અસાધારણ સત્તા અને જવાબદારીવાળી સી.એફ.ઓ.ની પોઝિશન ઊભી કરવાનો મૂળ આશય એ હતો કે વૉશિંગ્ટન ભવિષ્યમાં ક્યારેય ફડચામાં ન જાય અને એની નાણાંકીય સ્થિતિ હંમેશ સદ્ધર રહે. થયું પણ એવું જ. હું જ્યારે ૧૯૯૭માં વૉશિંગ્ટનમાં ટૅક્સ કમિશનર થયો ત્યારે સરકાર લગભગ ૫૦૦ મિલિયન ડોલરના ફડચામાં હતી. અને જ્યારે ૨૦૧૩માં સીએફઓના હોદ્દા પરથી છૂટો થયો ત્યારે એની સિલકમાં દોઢ બીલિયન ડોલર જમા હતા! આ મહાન પરિવર્તનનો ઘણો યશ વૉશિંગ્ટનના પહેલા સી.એફ.ઓ. એન્થની વિલિયમ્સને જાય છે.

ન્યૂ યૉર્ક, ફિલાડેલ્ફિયા જેવાં મોટાં શહેરોને પણ વૉશિંગ્ટનની જેમ નાણાંકીય મુશ્કેલીઓ પડી હતી. એમણે પણ મોટી ખાધ અનુભવી હતી. એ બધામાંથી કોઈ પણ વૉશિંગ્ટન જેટલી ઝડપથી નાણાંકીય સદ્ધરતા ફરી મેળવી શક્યું ન હતું. કંટ્રોલ બૉર્ડ અને સી.એફ.ઓ.આવ્યા પછી જ વૉશિંગ્ટનના બોન્ડ્ઝ ‘જંક’ કેટેગરીમાંથી ‘ટ્રીપલ એ’ કેટેગરી સુધી પહોંચ્યા હતા. વૉશિંગ્ટનની આવી નાણાંકીય સદ્ધરતા સિદ્ધ કરવામાં મેં જે ભાગ ભજવ્યો છે એનું મને ગૌરવ છે. મારી આ સિદ્ધિ માટે મને ખૂબ માન અને સન્માન મળ્યાં છે. અનેક પ્રકારના અવોર્ડ્ઝ અને માનપત્ર મળેલાં છે. પણ એ બધાંમાં સૌથી નોંધપાત્ર જો હોય તો એ કે મારા શાસન દરમિયાન આવડું મોટું કૌભાંડ થયું છતાં હું ત્યાં બીજાં સાત વરસ સી.એફ.ઓ તરીકે ટકી રહ્યો હતો. એ કેવી રીતે?

આ ઝંઝાવાતમાંથી હું કેવી રીતે બચ્યો?

હું જ્યારે જ્યારે કોઈ મોટી મુસીબતમાં ફસાઉં છું ત્યારે એ ઝંઝાવાતમાંથી હેમખેમ પસાર થવા માટે એક વાત ખાસ યાદ રાખું છું. ટૅક્સ ઑફિસના કૌભાંડના મોટા ઝંઝાવાતમાંથી બચવા માટે પણ મને એ વાત બહુ કામ લાગી હતી. એ વાત આ છે : ટૅક્સ ઑફિસને સંભાળવામાં, એના તંત્રની વ્યવસ્થા બરાબર ગોઠવવામાં મેં મારાથી શક્ય તેટલા બધા પ્રયત્નો કરેલા ખરા? અને જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ હોય, એટલે કે મારાથી થતું હું બધું જ કરી છૂટ્યો હોઉં, તો ઓછામાં ઓછું મને તો શાંતિ અને ધરપત રહે કે મારાથી બનતું મેં બધું કર્યું, અને ન બનવા જેવું જે થયું તે મારા કાબૂ બહારની વાત હતી. હા, કૌભાંડ જરૂર થયું. એનો અર્થ એ થયો કે મેં જે સુધારાવધારાના પ્રયત્નો કર્યા હતા તે ઓછા પડ્યા, પરિણામે જે બન્યું એની જવાબદારી મેં સ્વીકારી લીધી.9 તમે જો તમારાથી થતું બધું જ કરી છૂટ્યા હો અને છતાં પણ જો તમે નિષ્ફળ જાવ અને એ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારો, તો એનાથી વધુ તમારી જાત આગળ તમે કે બીજા શું માગી શકે?

યોગાનુયોગ થયું પણ એમ જ. અહીં વૉશિંગ્ટનના રાજકર્તાઓ ટૅક્સ ઑફિસને સુધારવાના મારા પ્રામાણિક પ્રયત્નો જોઈ શક્યા હતા. એ પ્રયત્નો દ્વારા જે ધરખમ સુધારા થયા હતા એ પણ સ્પષ્ટ હતા. એથી જ તો તે બધાએ કહ્યું કે મારે મારું સુધારાવધારાનું કામ ચાલુ રાખવું. મારા રાજીનામાનો અસ્વીકાર થયો. એટલું જ નહીં, પણ ઊલટાનું મને બીજાં સાત વરસ એ જ હોદ્દા પર કામ કામ કરવાની તક મળી.

આ કટોકટી આવી અને એમાંથી હું પસાર થઈ ગયો. પણ એમાંથી શું પાઠ ભણવાનો છે? આ સંદર્ભમાં પ્રારંભમાં મેં વિખ્યાત ફ્રેંચ ફિલોસોફર Pierre Teilhard de Chardinનું જે વિધાન મૂક્યું છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. એ કહે છે કે કોઈ સંનિષ્ઠ માણસ ઉપર મોટી ઉપાધિ આવી પડે છે ત્યારે આવું કેમ થયું એવો પ્રશ્ન પૂછવાને બદલે આવી પડેલ બલાને ટાળવા એણે શું કર્યું એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ.

બીજી વાત એ છે કે જીવનમાં મુસીબતો તો આવ્યા જ કરવાની છે. એનાથી ગભરાઈએ તો જીવન કેમ જીવાય? અને જે લોકો કાંઠે ઊભા ઊભા તમાશો જુએ છે એ તો તમારી ટીકા કર્યા જ કરવાના છે. આમ કરો ને તેમ કરો એવી સુફિયાણી સલાહસૂચનાઓ પણ આપ્યા કરવાના. આમ કર્યું હોત તો વધુ સારું એવી વાતો પણ કરવાના. એ બધાથી ગભરાઈને આપણાથી હાથ થોડા ખંખેરી નખાય? કે જીવનમાંથી રાજીનામું થોડું અપાય? આ બાબતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ થીઓડોર રુઝવેલ્ટનું એક વિધાન હું હંમેશ ધ્યાનમાં રાખું છું: “It is not the critic who counts: not the man who points out how the strong man stumbles or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs and comes up short again and again, because there is no effort without error or shortcoming…”


ક્રમશઃ