જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
માસી, તમે માલા છો ને ? ‘ ત્રણ વરસની યુગ્મા વ્યોમાને વહાલથી વળગી રહી. ‘ના, હોં માસી મારા છે.’ છ વરસની ત્રિચા માસી પર પોતાનો કબજો કરવા આતુર હતી.
બંને છોકરીઓને આ સરસ સરસ માસી બહુ ગમી ગયા હતા. જોકે વ્યોમાનું ઠસ્સાદાર વ્યક્તિત્વ સૌને આકર્ષતું. પણ આ બાળકીઓની વાત તો અલગ હતી.
‘માસી ચાલો, આપણે કેરમ રમીએ..ત્રિચા તેનો હાથ ખેંચી અંદર પોતાના રૂમમાં લઇ ગઇ.વ્યોમા અભાનપણે ખેંચાઇ.ત્યાં તો યુગ્મા પોતાની મોટી સરસ મજાની ઢીંગલી..બાર્બી લઇ આવી અને પરમ ઉદારતાથી આ માસીને આપી. જાણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. વ્યોમા આ નિર્વ્યાજ સ્નેહના ઝરણામાં ભીંજાયા સિવાય કેમ રહી શકે ?
નિતાંત..નવો અનુભવ..અને પોતે છલોછલ ! આવી સભરતા તો કયારેય નથી અનુભવી. તેણે વહાલથી યુગ્માને તેડી લીધી.ત્યાં ત્રિચા રિસાઇ ગઇ.’માસી. મારી સાથે રમતા નથી..’વ્યોમા તેના ચહેરા પરના ભાવ પર ઓળઘોળ..!તે ખોળામાં યુગ્માને લઇ એક હાથમાં ઢીંગલી પકડી ત્રિચા સાથે કેરમ રમવા લાગી..કેટલા વરસો પછી….!
ત્યાં અંદરથી હાથ લૂછતી લૂછતી સોનાલી આવી, ‘ઓહ..આ છોકરીઓ તને હેરાન કરતી હશે..છે જ બંને જળો જેવી..બંને ચોંટી છે ને તને..! ચાલ, એ તો રમશે બંને જાતે..
‘ ના, સોના, તું તારે તારું કામ પતાવ. મને આ દીકરીઓ સાથે રમવાની મજા આવે છે. ‘ ‘જેવી તારી ઇચ્છા…યુગ્મા, ત્રિચા, આંટીને હેરાન ન કરતા હોં. ‘ ’ અમે કંઇ માસીને હેરાન નથી કરતા…અમે તો તેમની સાથે રમીએ છીએ..હેં ને માસી ? ‘ વ્યોમાએ હસીને હા પાડી. અને ફરીથી બંને સાથે રમવામાં મશગૂલ બની ગઇ. સોનાલીને આશ્ચર્ય તો થયું. પરંતુ કશું બોલી નહીં. ને રસોડામાં ગઇ.
સોનાલી અને યુગ્મા કોલેજની ખાસ બહેનપણીઓ..જોકે બંનેના સ્વભાવમાં..વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. અને છતાં બંનેની મૈત્રી અતૂટ રહી હતી. વ્યોમા બિન્દાસ અને નારી સ્વતંત્રતાની પૂરી હિમાયતી. કોઇ છોકરો તેની આસપાસ ફરકી શકતો નહીં. લગ્નસંસ્થામાં તેને જરા યે વિશ્વાસ નહોતો. નાનપણથી જ તેણે પોતાના ઘરમાં મમ્મીને હમેશા સહન કરતી, રડીને રહી જતી જોઇ હતી.થોડી મોટી થતાં તેની આસપાસમાં પણ અનેક સ્ત્રીઓનું શોષણ થતું…અન્યાય સહન કરતી જોઇ હતી. પરિણામે તેના મનમાં સતત નેગેટીવ વિચારો ચાલતા રહેતા. પુરૂષો બધા ખરાબ જ હોય. સ્ત્રીઓને અન્યાય જ કરતા હોય એવી એક ગ્રંથિ તેના મનમાં ઘર કરી ગઇ હતી. પરિણામે પોતે કયારેય લગ્ન નહીં કરે એવું તેણે નક્કી કરી લીધું હતું. અને એ જ માર્ગ પર તે ચાલી રહી હતી.
એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર તે નોકરી કરતી હતી. પૂરી સ્વતંત્ર..કંપનીના કવાર્ટરમાં એકલી આરામથી રહેતી હતી. હમણાં કંપનીના કામે તે આ શહેરમાં આવી હતી. અને તેની મિત્ર સોનાલી આ જ શહેરમાં રહેતી હોવાથી તેને ઘેર જમવા આવી હતી. બંને બહેનપણીઓ વરસો પછી મળી શકી હતી. બંને પોતપોતાની રીતે ખુશ હતી. બંનેના રસ્તા અલગ હતા. પરંતુ મૈત્રી તો આજે પણ લીલીછમ્મ રહી હતી. જમીને રાત્રે બધા સાથે બેઠા હતાં. સોનાલીનો પતિ શાલિન પણ એક મોટી કંપનીમાં જનરલ મેનેજર હતો. તેનો સ્વભાવ ખૂબ હસમુખો હતો. વ્યક્તિત્વ આકર્ષક હતું. બધા સાથે ગપ્પા મારતા હસી મજાક કરી રહ્યા હતા. શાલિન કહે, બહાર સરસ ઠ્ંડી હવા છે. ચાલો લોંગ ડ્રાઇવ પર જઇએ.
યુગ્મા અને ત્રિચાએ તાળીથી પપ્પાની વાતને વધાવી લીધી. બધા બહાર નીકળ્યા. બંને છોકરીઓ વ્યોમા સાથે ખૂબ ભળી ગઇ હતી. આખે રસ્તે તેમનો કિલકિલાટ ચાલ્યો. એ કલરવથી વ્યોમા છલકી રહી. બધાએ આઇસ્ક્રીમ ખાધો, પાન ખાધું બહાર ખુલ્લી હવામાં થોડીવાર બેઠા.શાલિન સોનાલીની જે સંભાળ લેતો હતો. વ્યોમા મૌન બનીને જોતી જ રહી હતી. કયાંક કશુંક સ્પર્શી રહ્યું હતું. કંઇક…… જીવનમાં શું ખૂટતું હતું ? રોજ ઓફિસેથી આવી જમી, થોડી વાર ટી. વી. પર આડીઅવળી ચેનલો ફેરવવાની, કે મેગેઝિનના પાના ઉથલાવી સૂઇ જવાનું..વહેલી પડે સવાર.રોજ એકલા એકલા કોની સાથે બહાર નીકળે ?
આજે અહીં કેવા મજા આવતી હતી. દિલમાં જાણે આનંદ છકલતો હતો. કેવી મીઠડી દીકરીઓ છે. અનેક વિચારોમાં વ્યોમા ખોવાઇ રહી.
બે દિવસ સોનાલીએ તેને પોતાને ઘેર જ રાખી. બે દિવસ જાણે બે કલાક બની ગયા હતા. બે દિવસ પછી વ્યોમા ઘેર ગઇ ત્યારે તેના મનમાં સોનાલીના શબ્દો પડઘાતા હતા. ’ વ્યોમા, એવું નથી લાગતું કે લગ્ન ન કરવાનો તારો નિર્ણય ખોટો હતો ? લગ્ન કરીને અમુક લોકો દુ:ખી થાય છે. તો એનાથી અનેકગણા લોકો સુખી પણ થાય જ છે. એ કેમ ભૂલી જાય છે ? અને સુખી કે દુ:ખી થવું એમાં કયારેક સંજોગો અને કયારેક માણસ પોતે ભાગ ભજવતો હોય છે. હજુ કંઇ મોડું નથી થયું. જીવનસંધ્યાએ એકલતા જીરવવી બહું આકરી લાગશે. મારો કોઇ આગ્રહ નથી. પણ એક વાર શાંતિથી વિચાર જરૂર કરજે.’ અને….વ્યોમાની નજર હાથમાં રહેલ પેપરમાં મેટ્રીમોનીયલ ..લગ્નવિષયક જાહેરાત પર ફરવા લાગી.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
