ખેતરના શેઢેથી

– મનહર જાની

ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
કલરવતા દન ગયા હાલી.

થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…

અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
તડકાનાં નાગોડિયાં છોરાં
રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
લઈ બપોરી વેળાનાં પોરાં
થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…

 

વરસાદનો વાંધો

નીતિન વડગામા

વરસાદે લીધો વાંધો.
પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!

કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.

બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.

ફાટેલાઅ આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.

લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!

મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.

સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.