વિમલાતાઈ

સબસે ઊંચી ….. થી આગળ

એક દિવસ અમદાવાદથી લલિતાબાઈનો પત્ર આવ્યો. અમારાં ભાનુબહેનનાં લગ્ન મારાં મોટાં પુત્રવધૂના ભાઈ સાથે નક્કી થયાં હતાં. અમારા જમાઈ પૂનામાં સરકારી નોકરીએ હતા. મુંબઈમાં લગ્ન કરી ભાનુબહેન સીધાં પતિગૃહે જવાનાં હતાં, તેથી તેઓ મુંબઈ જાય તે પહેલાં અમને મળવા માટે બોલાવ્યાં હતાં.

અમે બધાં અમદાવાદ ગયાં. અમારે તો મુંબઈ જવાનું નહોતું, તેથી થોડા દિવસ અમદાવાદ રહી હું અને બાળકો ભાવનગર આવ્યાં.

ભાનુબહેનને સાસરે વળાવી લલિતાબાઈ, મોટા, મારાં પુત્રવધૂ, રવિ અને મધુ અમદાવાદ આવ્યાં.

વર્ષોથી લલિતાબાઈની તબિયત સારી રહેતી ન હતી. લાંબા સમયથી તેઓ માંદાં રહેતાં હતાં. તેમની માતાના અવસાન બાદ તેમણે જ તેમનાં બધાં ભાંડુઓને સંભાળ્યાં હતાં અને મોટાં કર્યા હતાં. તબિયત સારી નહોતી રહેતી છતાં પણ ભાઈ-બહેનોનો ભાર સંભાળવા તેમને નોકરી કરવી પડી હતી. રવિ પણ હજી તેની માંદગીમાંથી પૂરી રીતે બહાર આવ્યો નહોતો અને મીરજયી અમદાવાદ લલિતાબાઈના આધાર પર પાછો આવ્યો હતો. તેની સારવાર ચાલુ હતી તેથી તે નોકરી પણ નહોતો કરી શકતો. આખી જિંદગીની હાડમારીથી લલિતાબાઈ કંટાળી ગયાં હતાં.

ભાનુબહેનનાં લગ્નને ફક્ત દસ જ દિવસ થયા હતા. અમદાવાદ પાછા આવ્યા બાદ એક દિવસ લલિતાબાઈ કામે ન ગયાં. ઘરમાંની બધી વસ્તુઓ તેમની બહેનપણીને ઘેર રાખી, કોને કઈ વસ્તુ આપવાની છે, તેની વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી. કોનાં લગ્નમાં કોને કઈ ચીજ-જણસ આપવાની છે તેની વહેંચણી કરીને આપી દીધી. તે વખતે મોટાભાઈ આફિસે ગયા હતા. નરેન નિશાળમાં હતો. અમે ભાવનગર હતાં અને મારાં પુત્રવધૂ ભાનુબહેન અને પોતાના ભાઈની સાથે પૂના ગયાં હતાં. ઘરમાં બીજું કોઈ નહોતું. બપોરે બાર વાગે લલિતાબાઈએ. અગ્નિસ્નાન કર્યું.

અમારા મકાનના ઉપરના ભાગમાં એક ભાડવાત રહેતા હતા, તેમનાં પત્ની દાદરા પરથી નીચે ઊતરતાં હતાં ત્યારે તેમણે નીચેના રસોડામાંથી નીકળતા ધુમાડાના ગોટા જોયા. તેઓ અત્યંત ગભરાઈ ગયાં અને મોટે મોટેથી બૂમો પાડી આજુબાજુના લોકોને બોલાવ્યા. મોટાભાઈની ઓફિસ નજીક જ હતી, ત્યાં એક માણસને દોડાવ્યો, અને તેઓ પણ ઘેર આવી ગયા. તે પણ ગભરાઈ ગયા અને લલિતાબાઈને સીધાં હૉસ્પિટલ લઈ ગયા. લલિતાબાઈનું આખું શરીર દાઝી ગયું હતું અને બપોરે ચાર વાગ્યે તેઓ અવસાન પામ્યાં.

મોટાભાઈને જ્યારે જાણ થઈ કે લલિતાબાઈ દાઝી ગયાં છે, તેમણે મને તરત ટેલિગ્રામથી ખબર કરી. મને તો આ તાર રાતના આઠ વાગ્યા પછી મળ્યો. હવે અમદાવાદ જવા માટે રાતના ત્રણ પહેલાં કોઈ ટ્રેન નહોતી. આવા પ્રતિકૂળ સમયે મને સ્ટેશન પર મૂકવા કોણ આવે? મારા ઘરની બાજુમાં રહેતા પેલો ગરજુ નાલાયક માણસ જે મારી પાસેથી ધાકધમકી આપીને પૈસા લઈ ગયો હતો, તે પણ મને સ્ટેશન પર મૂકવા આવવા તૈયાર ન થયો. આથી હું રાતે જ સ્ટેશન પર પહોંચી ગઈ. રાતે અગિયાર વાગ્યે આખું સ્ટેશન ખાલી થઈ ગયું. હું એકલી બાઈ માણસ શું કરું?  મેં સ્ટેશનમાસ્તર પાસે જઈને વિનંતી કરી કે મને વેઇટિંગરૂમમાં રહેવા દો. તેમણે કહ્યું,  “જુઓ, બહેન, રાતનો સમય છે. વેઇટિંગરૂમમાં એકલાં બાઈમાણસની જવાબદારી હું લઈ શકું નહિ, પણ પ્લેટફોર્મ પર સામાન રાખવાની જાળીના ઓરડા જેવી જગ્યા છે, તેમાં તમે રાત રહી શકો છો, અને અંદરથી તાળું મારી શકો છો.’ આ ભલા માણસે મને જગ્યા આપી અને રાતની ડયૂટી પર એક પૉર્ટર હતો તેને મારી સંભાળ લેવાનું કહ્યું. તેમણે આટલી માનવતા દર્શાવી. તેમની પોતાની ડયૂટી પણ પરોઢિયે ટિકિટ કાપવાની હતી, તેથી તેમણે મને ટિકિટ કાઢી આપી.

બીજે દિવસે બપોરે ચાર વાગ્યે હું અમદાવાદ પહોંચી. ઘર તો સૂમસામ હતું. કોઈ જ ઘેર નહોતું. અમારી હવેલીની પાછળના ભાગમાં મારી નણંદબાના દીકરા રહેતા હતા. હું તેમને ત્યાં ગઈ. તેમણે અને તેમનાં પત્નીએ મને બધી હકીકત કહી, અને મને સ્નાન કરાવ્યું અને ભોજન કરાવ્યું. ત્યાર પછી હું ફરીથી અમારે ઘેર ગઈ ત્યારે રવિ અને મોટાભાઈ ઘેર હતા. હું તેમની પાસે પહોંચી ત્યારે બન્ને ભાઈઓ મારી પાસે ઘણું રડયા. ભાનુબહેનને તાર કર્યો હતો તે પણ પાંચમે દિવસે આવી પહોંચી અને હું ભાવનગર પાછી ગઈ.

લલિતાબાઈના અવસાન બાદ નરેનને આઠ-દસ મહિના અમદાવાદ જ રહેવું પડયું, તેનું એસ.એસ.સી.નું વર્ષ હતું. એસ.એસ.સી. બાદ નરેન મારી પાસે પાછો આવવાનો હતો. લલિતાબાઈની ચિરવિદાય બાદ નરેને અમદાવાદમાં ઘણી મુશ્કેલીમાં દિવસ કાઢયા.


ક્રમશઃ


કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
બ્લૉગઃ  www.captnarendra.blogspot.com