પ્રીતિ શાહ-સેનગુપ્તા

બસ-સ્ટેશન પરની કોઈ અધીરી બસની ખૂબ જોરથી વાગેલી તીણી, લાંબી વ્હીસલથી હું ચોંકીને જાગી ગઈ. હજી તો પરોઢના માંડ ચાર થયેલા. પડખું ફેરવીને થોડું ફરી સૂઈ ગઈ. એટલાંમાં ઢાળ ઊતરતાં, નજીકમાં આવેલા પોલિસ-સ્ટેશનમાંથી પોલિસોને જગાડવા હશે કે શું, પણ રણશિંગા જેવું સંગીત શરૂ થયું. સવારના સાડા ચાર વાગ્યે. જોકે એનો ધ્વનિ કાનને અપ્રિય ના લાગ્યો. સૂવાનો પ્રયત્ન કરતાં સવા પાંચ વગાડ્યા, ને પછી તો ઊઠી જ ગઈ. આઠેક વાગ્યાની તો બસ હતી, તેથી તૈયાર થવાનું જ હતું.

ગૅન્ગ્ટૉકની હોટેલની બહાર નીકળી તો થયું, હાશ, બહુ ઠંડી નથી. મારી બૅગ ઉપાડી લેવા એક છોકરો પણ મળી ગયો. સિક્કિમ નૅશનલાઇઝ્ડ ટ્રાન્સ્પૉર્ટની બસ સમયસર ઊપડી, ને ખૂબ ફાસ્ટ ચાલી. કદાચ જોખમી ગતિથી. રાન્ગ્પો થાણું આવતાં દસેક મિનિટ ઊભી રહી. ત્યાં એક્કે ચ્હાનો ગલ્લો નહોતો, પણ દારૂની દુકાનો ખુલી ગયેલી. ફરી સાંભળવું પડ્યું કે અહીં તો આ જ પીવાય છે આખો દિવસ. મેં વિચાર્યું, મારા જ દેશના એક ભાગમાં કેટલી જુદી હતી દિનચર્યા.

આ સિક્કિમની સરહદ પણ હતી. બસમાંના બે ફિરંગ થાણામાંના ચોપડામાં પોતાનાં નામ નોંધાવી આવ્યા. એક સિક્કિમિઝ ગાર્ડ બસમાં ચઢ્યો, પણ અંદર સુધી ફર્યો નહીં. તિષ્તા ગામ પછી રસ્તો ફંટાયો. બંને ફાંટા જાય છે ઉત્તર બંગાળમાં જ, પણ એક ગયો કાલિમ્પૉન્ગ તરફ, ને બીજો દાર્જિલિન્ગ તરફ. મારે એ તરફ જવાનું હતું. એમ તો હજી તળેટીમાં જઈ ચઢવાને થોડા દિવસ બાકી હતા.

બપોરે એક વાગ્યે દાર્જિલિન્ગ આવ્યું. એની વિખ્યાત “રમકડાંની ટ્રેન”ના નાનકડા પાટા સાથે થઈ ગયા. હવે એ થોડા જ અંતર માટે જાહેર વાહન તથા સહેલાણીઓની મઝા માટે વપરાય છે. વર્ષોના સંદર્ભને કારણે આ પાટા જોઈને તેમજ દાર્જિલિન્ગ પહોંચીને મનમાં બહુ ખુશી થવા માંડી.  થોડી વારમાં એક હોટેલમાં રૂમ શોધી લીધો, ને પછી તરત ચાલવાનું, અને નાનપણથી જેને વિષે સાંભળેલું તે સ્થાનને જોઈ હરખવાનું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

કેટલાં સ્તરો છે આ ગામનાં. બીલકુલ ઢોળાવો પર વસ્યું છે એ. ખાસ્સું મોટું છે, અને ઘણું સરસ પણ છે, એવું લાગ્યું. અને ચોતરફ શું દૃશ્યાવલિ. પહાડો જ પહાડો, નીચાં-ઊંચાં શિખરોની પંક્તિઓ, અને વચમાં ઝૂકેલી ખીણો પછી ખીણો. એમ તો ઉત્તર-પૂર્વ ભારતના ભ્રમણમાં બત્રીસ-પાંત્રીસ દિવસથી પર્વતોના પરિસરમાં જ રહી છું, ને તોયે અહીં ગિરિ-સમુહ વધારે સમીપ છે, ને તેથી વધારે આત્મીય લાગે છે. ગામના રસ્તા ચોખ્ખા હતા. વારંવાર સાફ કરાતા રહે છે. ટ્રાફિક પણ વધારે પડતો નહોતો. વચમાં ચૌરાહા કહેવાતો નગર-ચૉક છે. એને ફરતી બેન્ચો, નાની હાટડીઓ, રૅસ્ટૉરાં અને ખુલ્લામાં બનેલાં કાફે. બહુ ગમી ગઈ આ જગ્યા મને.

ત્યાંથી પ્રાણીગૃહ તરફ જવા માંડી. હતું ઘણે દૂર, પણ રસ્તો બહુ ચઢાઉ નહોતો. એટલે ચાલવું ગમ્યું. વળી, બધું સાફ, તથા શાંત હતું. આહ, આ હતો મારો હિલ-સ્ટેશન વિષેનો ખ્યાલ. ને દાર્જિલિન્ગમાં આવા શાંત પથ મળી ગયા. પ્રાણીગૃહમાં ખાસ જોવા જેવા સાઇબીરિયન ટાઇગર હતા. નજીક હિમાલયન માઉન્ટેનિયરિન્ગ ઇન્સ્ટિટ્યૂટ હતું. એના કમ્પાઉન્ડમાં એવરેસ્ટની ટોચ પર ઊભેલા શેરપા તેન્ઝિન્ગનું મહાકાય શિલ્પ હતું. એમણે ૧૯૫૭ના મે મહિનાની ૨૯મી તારિખે એ ઉચ્ચતમ શિખરને સર કરેલું. ૧૯૮૬માં એ મૃત્યુ પામ્યા પછી આ જ કમ્પાઉન્ડમાં એમની સમાધિ કરવામાં આવી. મને આ શ્રદ્ધેય સ્થાન લાગ્યું.

બાજુમાં બનેલા એવરેસ્ટ મ્યુઝિયમમાં ઘણું જોવાનું હતું. સર્વોચ્ચ ગિરિ પર ચઢવાનો ઇતિહાસ તથા તવારિખ સાથે અનેક ફોટોગ્રાફ મૂકેલા હતા. સમગ્ર હિમાલયનું- ભારત, નેપાલ, ભુતાન, સિક્કિમ, તિબેટને આવરી લેતું મૉડેલ જોઈને અચરજનો પાર નથી રહેતો. શું વ્યાપ છે આ નગાધિરાજનો. આદર ભાવથી સભર હું હજી એક જાત્રા કરવા ગઈ. સત્યજીત રાયની ફિલ્મ “કાંચનઝંઘા” માં જોયેલા, પહાડો અને કંદરામાં થઈને જતા,  કાંચનદ્ઝૉન્ગા શૃંગનો સાક્શાત્કાર કરાવતા અર્ધ-વર્તુળાકાર પથ પર પહેલી જ સાંજે જવું પડે. મેં પ્રણામ કર્યા સર્જક દિગ્દર્શકને અને સર્જનહારને.

સાંધ્ય પ્રકાશમાં આકાશમાં સહેજ ગુલાબી અને આછો જાંબલી રંગ પ્રસરી ગયા હતા. જોતજોતાંમાં ધુમ્મસ સરકી આવ્યું -ચારે બાજુથી, અને બધા પર્વતોને આચ્છાદિત કરી લીધા. ટમટમતા આછા, ઝીણા દીવા દેખાવા માંડ્યા ત્યારે વિસ્મય થયું, અરે, ક્યાં ક્યાં બન્યાં છે રસ્તા અને રહેઠાણો.

ં                 ં                     ં                  ં

દાર્જિલિન્ગ જનાર દરેક જણ ટાઇગર હિલ પર સૂર્યોદય જોવા તો જાય જ. મારે પણ જવું જ હતું. સવારે ચાર વાગ્યાની જીપ-ટૅક્સી નક્કી કરી. રૂમની બત્તી તે સમયે ઘણી વધારે બ્રાઇટ હતી, ને બહાર રસ્તાઓ પર અંધારું અને ધુમ્મસ હતું. જીપો ભરાય તે જ જોવાનું. પૈસાની વહેંચણી ડ્રાયવરો પછી કરી લેતા હશે, ક્યાંતો બધા પૈસા કોઈ નિરાંતે ઊંઘી રહેલા પૈસાદાર માલિકને મળતા હશે. આ સીઝનમાં પ્રવાસીઓ ઓછા, તેથી ચાર વાગ્યે નીકળી શકાયું. ઉનાળામાં તો સવારે અઢી વાગ્યે જીપો નીકળી પડતી હોય છે. કારણ એ કે છેક ઉપર થોડી જ જીપો માટે જગ્યા છે. બાકીની નીચે ઊભી રહે, ને એ છેલ્લો ઢાળ પ્રવાસીઓએ પગે ચઢવો પડે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

સાઇઠેક જીપ તો એ સવારે પણ થઈ ગઈ હતી. એક સ્થાનિક સ્ત્રી ગરમ કૉફી વેચતી હતી. હોશિયાર છે, મને થયું. લગભગ બધા એક કપ કૉફી ખરીદતા હતા એની પાસેથી. જીપમાંથી ઊતરીને અહીં પહોંચવા ઘણાં પગથિયાં તો ચઢવા જ પડેલાં. આમ તો બહાર ઊભાં રહીને પણ જોવાય, છતાં વધુ ભાગનાં ટિકિટ લઈને ત્યાં બનાવેલા ઓરડામાં જતાં હતાં. ઠંડી ઘણી હતીને. બહાર ઊભી રહેલી એક સ્ત્રી થીજી બેભાન થઈ ગયેલી.

દરરોજ એ અનિશ્ચિતતા તો રહે જ કે ગાઢ ધુમ્મસનું આવરણ ખસેડીને સૂર્ય બહાર આવી શકશે કે નહીં. મારી એ પ્રભાતે ક્ષણો પસાર થતી ગઈ અને ડાબી બાજુ પર ગિરિવરોના આછા આકારો છતા થવા માંડ્યા. લગભગ ૮,૬૦૦ મિટર ઊંચું કાંચનદ્ઝૉન્ગાનું તીક્ષ્ણ શૃંગ પહેલું દેખાયું. પછી ૮,૪૭૫ મિ. પર માકાલુ, ૮,૫૦૧ મિ. પર લ્હોત્સે વગેરે. ખૂબ ભાગ્ય હોય તો ૮,૮૪૮ મિ. પરનો એવરેસ્ટ પણ દેખાઈ જાય, પણ તે આજે નહીં. સૂર્યનાં પહેલાં કિરણો ઊંચે વસેલા બરફને સોનેરી-ગુલાબી રંગવા માંડેલાં. આખી નગ-પંક્તિ એમ સ્પષ્ટ થતી ગયેલી. આ ડાબી તરફ મારા સિવાય બીજું કોઈ નહતું.

બધી ભીડ જમણી તરફ હતી, જ્યાંથી સૂર્ય બહાર નીકળવાનો. કોઈએ મને કહ્યું, તમારે સૂર્યોદય નહોતો જોવો? સૂર્ય તો ઊગી ગયો છે. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે બધાં ટાઇગર હિલ પર સૂર્યોદય જોવા આવે છે. એ હું ભૂલી જ ગયેલી. મેં તો હિમાવરિત શિખરોને નવી, તાજી, પ્રકાશમંડિત ઉપસ્થિતિ તરીકે જોયાં, અને એ પ્રથમ ઉદ્ભવ મને અતિ દુર્લભ ને અસાધારણ લાગેલો.

પછી દાર્જિલિન્ગના ચૌરાહા ચૉકમાંથી મેં એક ઘોડો ભાડે કર્યો, અને બીજી કેટલીક જગ્યાઓ જોઈ આવી. સૅન્ટ પૉલ હાઇસ્કૂલ તો બહુ જાણીતી. એનું કમ્પાઉન્ડ અને ગાર્ડન વિશાળ પથરાયેલાં હતાં. એનાં મકાન પણ બ્રિટિશ શૈલીનાં, ને વિશિષ્ટ લાગે. પરીક્ષાઓ ચાલતી હતી. પૂરી થતાં છોકરાં આખા દેશનાં પોતાપોતાનાં ઘેર જવાનાં. આગળના રમત-ગમતના મેદાનમાંથી કાંચનદ્ઝૉન્ગા એટલું પાસે લાગતું હતું કે જાણે હાથ લંબાવીને અડકી લેવાય.

લાલ બંગલા કહેવાતા સરસ મકાનમાં ગોરખા કાઉન્સિલ સેક્રેટરિયેટ હતું. દરવાજે રાઇફલધારી સૈનિકોનો પહેરો. શેરપા તેન્ઝિન્ગનું ઘર નાનું ને સાદું હતું. કદાચ વ્યક્તિ જેવું જ નિરાડંબરી. શાંત એવો આ વિભાગ મને બહુ ગમ્યો. બર્ધવાનના મહારાજાનો મહેલ પણ અહીંથી પૂરેપૂરો દેખાતો હતો. મેં નોંધ્યું હતું કે દાર્જિલિન્ગમાં બધા જ ટૂરિસ્ટ ભાગ સરસ અને સ્વચ્છ છે. ખરેખરા રહેવાસી વિસ્તારો આઘાત પમાડે છે- ગંદા, મેલા, કુડા-કચરા ને ભીડથી ભરેલા, કશીયે સુંદરતા વગરના. પગથિયાં, ગલી, પગથિયાં, ગલી કરતાં કરતાં, હું મુખ્ય બજારમાં પહોંચી ત્યારે દુઃખી દુઃખી થઈ ગયેલી. અરેરે, કેવું જીવન હતું આ લોકોનું.

                ં                     ં                   ં                          ં

મિરિક જવાની બસની મુસાફરી સૌથી ખરાબ થઈ. બેઠક સાવ સાંકડી હતી. સામાન ખોળામાં રાખવો પડ્યો. શાલ ઓઢેલી છતાં બહુ ઠંડી લાગતી રહી કારણકે બારી બંધ જ નહોતી થતી. બસ ભરાઇ ગઈ, લોકો ઊભા રહ્યા, હાલવાની યે શક્યતા રહી નહોતી. ચારેક કલાક આમ ગયા. નીચે ઊતરતા રસ્તા પર ચ્હાના બગીચા આવ્યા કર્યા. રસ્તો વળતો ગયો, ઉપર ચઢીને બીજા પર્વત પર ગયો, વળી નીચે આવ્યો. મિરિક ગામ એક તરફ રહ્યું, માર્કેટમાંથી બસ પસાર થઈ ગઈ, ક્રિશના નગર કહેવાતી જગ્યાએ ઊભી રહી. આ નવું જ વસાવેલું, પ્રવાસીઓ માટેનું મિરિક છે. દાર્જિલિન્ગની ભીડ થોડી ઘટાડવા માટે કદાચ. વળી, મિરિક નીચું પણ ઘણું છે. દાર્જિલિન્ગ ૨,૧૩૪ મિ. પર છે, તો મિરિક ૧,૭૦૦ મિ. પર છે.

આમ સાધારણ છે. સહેલાણીઓ માટે એક સરોવર, એમાં ફુવારો, હોડીની સહેલ, બાજુમાં રૅસ્ટૉરાઁ અને પાર્ટી માટેનો હૉલ, તેમજ રહેવા માટે ફૅન્સી કૉટેજો વગેરે. પણ એ રાતે ગામમાં કદાચ હું એક જ પ્રવાસી હતી. આશરે જ કોઈના કહ્યા પ્રમાણે એક લૉજમાં મને ચોખ્ખો ને સરસ રૂમ મળી ગયો. એક રસ્તો આ જગ્યામાં થઈને જાય છે. સાંજની બસ જતી રહે પછી કોઈ વાહન જતું-આવતું લાગતું નથી. દિવસે ફરવા આવેલાં ઘેર જતાં રહ્યાં હોય છે. ને પછી આ નાનકડું સ્થાન મારે માટે અને મારું થઈને રહે છે. મને બીજા એક કે બે દિવસ અહીં, આ શાંત ખાલીપણામાં ગાળવાનું બહુ જ મન થાય છે, પણ દિલ્હી જવાની ટિકિટથી હું બંધાઈ ગયેલી છું. ફરી ક્યારેક અવાશે અહીં? વાસ્તવિક રીતે જોતાં – કદાચ નહીં.

છતાં જે ચોવીસ કલાક મિરિકમાં હતા તે આનંદમાં પસાર કર્યા. સરોવર ફરતે ચાલી, હોડી ચલાવી, એક જ રૅસ્ટૉરાઁ હતી ત્યાં બંને વાર ખાધું. ટેકરી પર એક મઠ થયેલો દેખાતો હતો, પણ ત્યાં ના જવાયું. અંધારું થયા પછી તો ત્યાંનાં રહેવાસીઓ પણ ઘરોમાં જતાં રહ્યાં. એકનો એક રસ્તો રિક્ત અને સંતુષ્ટ હતો. આસપાસનાં વન સ્થિર અને શાંતચિત્ત હતાં. ચંદ્ર એમ તો ઘણો મોટો હતો, પણ તારાઓને ચમકવા દઈ રહ્યો હતો. એવી હતી આ જગ્યા જેવી જીવનમાં વારંવાર મળવી જોઇએ, એમ મને થયા કર્યું.

             ં                 ં                    ં                ં                     ં

મારા લૉજના માલિક ગોવિંદ રાય નામના નેપાલી સજ્જન હતા. સવારે આવીને એમણે મને કેટલીક નારંગી આપી. કહે, લેવી જ પડશે. એમના ગાર્ડનની હતી. બસ આવી ત્યાં સુધી એ સાથે રહ્યા, ને ખાત્રી કરી કે મને બેસવાની જગ્યા મળે. ત્રણ કલાકે સિલિગુડી આવી લાગ્યું. તરત જ ત્યાંથી બાગડોગરા વિમાન-મથકે જવા રિક્ષા કરી લીધી. દસ કિ.મિ.નો રસ્તો હતો. વિમાન સમયસર ઊપડ્યું, એ પણ નવાઇ ને.

બસ, આ સાથે ઉત્તર-પૂર્વ ભારતની મારી સફર પૂરી થતી હતી. સરસ રહી, સફળ રહી, વિસ્મયકર અને ઉત્તેજક રહી. બૉમ્બ કે બળવાની શક્યતાથી હું ડરી નહોતી. મારા જ દેશના દૂર દૂરના અનન્ય પ્રદેશોનો પરિચય હું કરી શકી હતી. ક્યાંય સુધી બધું મને યાદ રહેશે, અને ક્યાંય સુધી એ યાદો મને ફરી ત્યાં જવા ખેંચતી રહેશે.


હવે પછી સુશ્રી પ્રીતિબહેનની કલમે નદીઓ અને જંગલોના દેશ, ગયાના,ની સફરે નીકળી પડીશું


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.