મૌનનું આકાશઃ કાવ્યસંગ્રહઃ શ્રી ગૌરાંગ દિવેટીઆ

અવલોકનઃ દેવિકા ધ્રુવ

અમદાવાદથી ઊડાન ભરીને શિકાગો થઈને એક પુસ્તક મારા આંગણે આવ્યું. કવિતાનું પુસ્તક હોઇ, ત્વરિત ગતિએ એક વિહંગાવલોકન કરી લીધું એ વાતને ત્રણ -ચાર મહિના વીતી ગયા. હમણાં ફુરસદની પળોમાં ખુલ્લા આકાશ નીચે બેસી, શ્રી ગૌરાંગ દિવેટીઆ લિખિત ‘મૌનનું આકાશ’ શાંતિથી વાંચ્યું, માણ્યું અને જાગેલા પ્રતિભાવ લખવાનું મન થયું.

 શ્રી ગૌરાંગભાઈની ઓળખાણ ઘણાં વર્ષો જૂની, પારિવારિક સંબંધ પણ ખરો પરંતુ વધુ પરિચય કવિતાની કેડી પર. ક્યારેક અમે સાથે કવિતાપાઠ પણ કરેલ છે. એ રીતે સાહિત્યિક વડીલમિત્ર તરીકે ઉલ્લેખું તો જરાયે ખોટું નથી જ..

આકાશી ભૂરા રંગના મુખપૃષ્ઠ પર વાદળીઓના આકારમાં ગોઠવાયેલું શિર્ષક સાંકેતિક અને સોહામણું લાગ્યું. આકાશ મૌન જ છે; પણ આ પુસ્તકમાં વર્ષો સુધીનું, કદાચ આખા આયખાનું મૌન રહેલ સંવેદન આકાશની જેમ પથરાયું છે અને તે પણ નિવેદનમાં જણાવ્યું છે તે રીતે  ખરા અર્થમાં સહજપણે સર્જાયેલું છે.

પ્રકૃતિના તત્ત્વોથી માંડીને ભીતર ભરેલા ખાલીપાની અહીં  અભિવ્યક્તિ છે. ૧૦૫ પાનાંમાં સમાયેલી આ રચનાઓમાં ગઝલો, મુક્તકો,અછાંદસ ઉપરાંત ૬૪ ગીતો છે. શિર્ષકમાં થયેલ ઈશારા મુજબ, આકાશ હેઠળ રહેલ મૌન કુદરત અને ભીતરમાં ભરેલ મૌન-બંને યથોચિત અહીં ઝીલાયાં છે. કવિની કલ્પનામાં સ્વાભાવિકપણે જ આવી જતાં વરસાદ,ફૂલ,પંખી, ટહુકા,પાણી,દરિયો,માછલી અને મૃગજળ પણ છે. અહીં અચરજ,અટકળ,અણસારા, વિરહ અને મૂંઝારા પણ વર્તાય છે તો સાથે સાથે કૃષ્ણપ્રેમ અને અનહદનું સંગીત પણ સંભળાય છે.

શ્રી ગૌરાંગભાઈની અછાંદસ કવિતાઓમાં તેમના હૃદયસ્થ કવિનું સ્મરણ છે,બાળપણની લખોટીઓનો પારદર્શક રણકો છે, વિખૂટો પડેલ થપ્પો છે, ચંચળ દડો છે અને કવિતામાંથી મળતો અનહદનો આનંદ પણ છલકાયો છે.

એમની ગઝલોમાં મોટેભાગે શૂન્યતા,એકલતા, ખાલીપા અને ‘હુ’ને શોધવાની મથામણ ઊંડે સુધી સ્પર્શાઈ છે. ગઝલના માપદંડોને બાજુએ મૂકીને ગમી ગયેલી ‘તે પછીની વાત છે’ અને ‘શબ્દ થઈ ગયો છું’- આ બંનેના ભાવો કાબિલેદાદ છે.

મુક્તકોની વાત કરીએ તો એક મુક્તકમાં એ લખે છે કે,

સાગરનું રહસ્ય શોધવા નદી સુધી ગયા,

સમયનું રહસ્ય શોધવા સદી સુધી ગયા,
હોવાનું આ રહસ્ય કોણ ઉકેલે,
‘છે’નું રહસ્ય શોધવા ‘નથી’ સુધી ગયા.

‘વાહ’ પોકારી જ જવાય.

આ સંગ્રહનું સૌથી મોટું જમા પાસું છે ગીતોનું. બે ચાર નહિ પણ ઘણાં ગીતો ખૂબ ગમી ગયાં. લયબદ્ધતા તો ખરી જ પણ એથીય વિશેષ એની વિવિધતાને કારણે પણ એને ટાંકવાનું ગમે જ.

શરૂઆતનાં પાનાઓમાં આવતી ‘અનુભૂતિ’ કવિતામાં હિન્દી-ગુજરાતી બંને ભાષાઓમાં ભળી ગયેલ અદ્વૈતભાવ, એના ‘અનહદ મહીં સમાયો’ની જેમ અતિ સહજપણે ભળી ગયો છે. એની ગૂંથણી પણ મને ખૂબ મૌલિક અનુભવાઈ. તે પછી ‘આજ મને ફૂટ્યું છે વરસાદી ગીત’ સાદ્યંત સુંદર અને મનોહર બન્યું છે. પંચમહાભૂતનાં તત્વોને એક અનોખી રીતે ’પંચસત્ત્વ’માં વર્ણવ્યાં છે એ પણ કવિકર્મની કાબેલિયત જ કહી શકાય.

આગળના પાનાં નં. ૨૬માં

‘તડકાઓ તોડીને જોયું તો લાગ્યું,
કે સૂરજ જેવું તો કશું છે જ નહિ’…
થંભેલી ક્ષણોમાં જઈ બેઠા તો લાગ્યું,
કે ખરવું – ખીલવું કશું છે જ નહિ!
કેટલી બધી અને કેવી ઊંચેરી સમજણ અને સ્થિતપ્રજ્ઞતા! એ જ વાત  વળી એક બીજા ગીત ‘અપરંપાર’માં પણ કરી છે કે,

‘કશું અંદર નથી કે કશું બહાર’.

ઝલમલતા ભીતરના ઝાંખા અજવાસમાં,
સઘળું જાણે અપરંપાર.’

કેટલાંક ગીતોમાં નજરને પણ આ કવિ એક અલગ નજરે જુએ છે. એ કહે છે કે,

‘નજરોની ડમરીમાં ઝંખવાતી આંખોમાં અજવાળું કેમ કરી આંજવું?’

અને ક્યાંક નજર માટે લખે છે કે,

‘બદલાતાં દૄશ્યોથી થાકેલી નજરોને થાવા દેવી છે હવે બંધ’.

‘માછલી’ના ગીતમાં મૃગજળનો ભાવ સરસ ઝીલાયો છે, ‘અમે’ ગીતમાં ઘેરો આંતરસંઘર્ષ વ્યક્ત થયો છે,’પરમ’ કવિતામાં પરમમાં ભળવાનો મીઠો ગુંજારવ સંભળાય છે, એ પછીના કેટલાંક ગીતોમાં ભીતર ભરચક ભરચકનો આનંદ પણ વર્તાય છે. ‘સગપણ,માણસ છૈ, મસ્તી અમસ્તી, રૂપ-અરૂપ’ વગેરે ગીતો મઝાના બન્યાં છે. ક્યાંક વિરોધાભાસ અલંકાર પણ ઉચિત રીતે પ્રયોજાયો છે.

૬૩ નંબરના ગીતમાં,

‘માણસ થઈને એક જ નાટક કેટકેટલું ભજવ્યાજી,
છેવટે એ વેશ ઓઢીને પોક મૂકીને રોયાજી.

અહીં એક સનાતન સત્ય ખૂબ ખૂબીપૂર્વક ઉપસ્યું છે!

કવિને મન ‘સાધો’ શબ્દ ખૂબ પ્રિય હોય તેમ લાગે છે. તો કેટલાંક ગીતોમાં તેમના માનીતા

કવિઓની અસર પણ જાણેઅજાણે ડોકાય છે. દા.ત. સૂરપાંચમના મેળા, ગીત અમે ગોત્યું ગોત્યું ને તોયે ના જડ્યું,અમે ગીત પરમનાં ગાશું, તું જ તારો દીવડો વગેરે. અલબત્ત, સહજ રીતે, જરા અલગ રીતે…બીજી એક વાત ધ્યાનમાં એ આવી કે લગભગ દસથી અગિયાર ગીતોને શિર્ષક નથી મળ્યાં. તેથી આ અવલોકનમાં પાનાં નંબરથી નોંધ્યાં છે.

સમાપનમાં કહું તો, મને ‘સગપણ, શ્વાસ-સેતુ, તડકાઓ તોડીને, દરિયો અને એક નવું આકાશ મારી ભીતરે પથરાય-‘ સૌથી વિશેષ આસ્વાદ્ય અને કાવ્યત્ત્વની ઊંચાઈને આંબતા લાગ્યાં. ‘મૌનનું આકાશ’માંનાં ઘણાં ગીતો સમર્થ સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયાં છે એ જ મોટી સિદ્ધિ છે.  ગૌરાંગભાઈએ ‘નિજાનંદ માટે લખ્યાં’ એમ કહે છે, પણ કાવ્યજગતમાં એમનાં ગીતો નોંધાશે અને પોંખાશે જ એવી શ્રદ્ધા છે.

કવિને ખૂબ અભિનંદન અને તેમનો જ એક શેર ‘હું તો બસ લખ્યા જ કરીશ, ભૂંસાય ત્યાં સુધી’ની મનોકામના ફળે એવી શુભેચ્છા.

અસ્તુ.