તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

હજુ ચિત્તમાં પચાસી આસપાસનો દોર જારી છે, પણ આજે ૧૯૭૫થીયે છ વરસ પાછળ ૧૯૬૯માં જવા ચાહું છું. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી ગયા પછી ‘ગુંગી ગુડિયા’ ઈંદિરા ગાંધી વડાંપ્રધાન બન્યાં હતાં અને ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ હાંફતે હાંફતે જીતી હતી. એમની ખરેખરની ને ખરાખરીની પારી ૧૯૬૯માં શરૂ થઈ જ્યારે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીને બદલે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ગિરિને ‘અંતરાત્માને ધોરણે’ ટેકો આપવાની બાજી ખેલી હતી. (સદા સન્નધ્ધ આચાર્ય કૃપાલાણીએ ત્યારે માર્મિક ટિપ્પણી કરી હતી કે આપણે ક્યાં વાલિયા જેવા મોટા લૂંટારા છીએ કે અંતરાત્મા જાગે અને વાલ્મીકિ બનીએ? આપણે તો સાવ સાધારણ ચોટ્ટા છીએ- આપણે ‘અંતરાત્મા’ કેવો ને વાત કેવી!)

૧૯૬૯ના જુલાઈમાં જ ઈંદિરાજીએ બાકી કોંગ્રેસ શ્રેષ્ઠીઓની સહમતિની પરવા કર્યા વગર ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી. ૧૯૬૯થી શરૂ થયેલો આ ઘટનાક્રમ પછીનાં બેચાર વરસમાં જ જયપ્રકાશને એમનાં દેખીતાં બિયાબાં વરસોમાંથી સહસા રાજકીય-રાષ્ટ્રીય કેન્દ્રમાં લઈ આવવાનો હતો. ઈતિહાસમાં પાછે પગલે જઈએ તો છેક ૧૯૫૩માં જવાહરલાલે (એમની એકચક્રી આણના સંજોગોમાં) જાહેર વસવસો પ્રગટ કીધો હતો કે સ્વરાજનિર્માણના આજના તબક્કે આંબેડકર, કૃપાલાની, જેપી વગેરે અમે સાથે ન હોઈએ એ કેવું કહેવાય. એટલેથી જ નહીં અટકતા એમણે સમાજવાદી સાથીઓને સરકાર સાથે સંકળાવા ઈજન દીધું હતું. ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા. કંઈક પરિભાષિત- કંઈક અપરિભાષિત રૂપે જવાહરલાલ એમને પોતાના અનુગામી રૂપે જુએ છે એવીયે આમ છાપ હતી. દાયકા બાદ ૧૯૬૪માંયે નેહરુના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રીએ સૂચવેલું પહેલું નામ જયપ્રકાશનું હતું.

જરા લાંબે પને આ વાત ચાલે છે, પણ વેળાસર કહી દઉં કે જયપ્રકાશ વ્યક્તિગત સત્તાના અર્થમાં જોડાવા આતુર નહોતા. પરંતુ સમતાલક્ષી કાર્યક્રમને ધોરણે સહમતિ બને તે દૃષ્ટિએ એમણે આપેલી વળતી નોંધમાં બેંક રાષ્ટ્રીયકરણ સહિતના સમાજવાદી મુદ્દા હતા. તે વખતે વાત આગળ ન વધી પણ ૧૯૫૩માં આવેલો રાષ્ટ્રીયકરણનો મુદ્દો ૧૯૬૯માં જરા જુદી રીતે ફેર ઊછળ્યો અને કોંગ્રેસના ભાગલાથી માંડી કટોકટી અને નવા રાજકીય ધ્રુવીકરણ સહિતની એક આખી ઈતિહાસ પ્રક્રિયાને એણે મરોડ આપ્યો. આ મરોડમાં ભ્રષ્ટાચાર અને એકાધિકારના સપાટાએ જયપ્રકાશને વળી ચિત્રમાં આણ્યા.

વારુ, વચલી વાતો કુદાવી કટોકટીની જાહેરાત પછીની સંસદીય ચર્ચા પર આવી જાઉં? ઉમાશંકર જન્મજયંતી સંભારીને અગાઉ મેં એમના રાજ્યસભાના સંબોધનને યાદ કર્યું જ છે. હવે, અહીં છેક ૧૯૫૩થી દેશનાં પ્રગતિશીલ પરિબળો જે માંગ ઊઠાવી રહ્યા હતાં એ બેંક રાષ્ટ્રીયકરણનું ઉદાહરણ લઈને લોકસભામાં કટોકટીકાળે થયેલ એક વક્તવ્યની થોડીક ઝલક: ‘૧૯૬૯માં જે વિભાજન થયું તે હકીકતમાં કોઈ કાર્યક્રમને લઈને નહોતું થયું, વ્યક્તિઓને લઈને થયું હતું. આમ છતાં મારા જેવા એ આશામાં ભળ્યા કે હવે આ લોકો કાર્યક્રમ પર અમલ કરવાને બંધાયેલા રહેશે. જુલાઈ ’૬૯માં બેંગ્લોર અધિવેશનમાં બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના મારા ઠરાવને બહુમતીનો ટેકો હતો. આમ છતાં જેણે મને એ ઠરાવ પાસ કરવા પર બહુ જોર ન દેવા સમજાવેલું તે જ ઈંદિરા ગાંધીએ ત્યાર બાદ એક અઠવાડિયામાં વટહુકમ બહાર પાડી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું! આમાં કોઈ સિદ્ધાંતો માટેનો પ્રેમ વહ્યો જતો હતો એમ નહોતું, પરંતુ એમના પોતાના પદ પર ખતરો ઊભો થયો હતો. ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં ઠરાવેલી મુદતમાં બંધ કરવાના ઠરાવની તરફેણમાં અમે મતદાન કર્યું ત્યારે એમનો વિરોધ હતો તે હું પોતે જાણું છું.’

આ બધું સંભારી મોહન ધારિયાએ ઉમેર્યું હતું: ‘૧૯૬૯ હો કે ૧૯૭૫, મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રીના પોતાના પદ પર આફત ઊતરી છે ત્યારે જ આકરાં પ્રગતિશીલ પગલાં ભરવાનું એમને સૂઝ્યું છે. વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટી તરીકે ખપાવવામાં આવી છે.’ તેજતર્રાર કોંગ્રેસ સાંસદ શશી થરુરે હમણાં કટોકટીની પચાસ વરસી નિમિત્તે લખતાં પોતાના પક્ષ અને તત્કાલીન નેતૃત્વ વિશે ખૂલીને વાત કરી છે. નવજીવન સારુ લાલાયિત કોંગ્રેસને એ આત્મમંથન સારુ ચોક્કસ ઉપયોગી થઈ પડે એમ છે.

જોકે, આ લખનાર કોંગ્રેસ-ભાજપ સહિત સહુનું ધ્યાન લેખના ઉપસંહારમાં થરુરે તારવેલ બોધપાઠ તરફ ખેંચવા આતુર છે: એમાં પણ, ભાજપ અને એના ચાહકોને જાતતપાસ સારુ એથી કિંમતી મદદ મળી રહેશે. થરુરે કહ્યું છે કે આપણી અત્યારની રાજકીય આબોહવામાં એ દિવસોનો એક મોટો બોધપાઠ એ છે કે સંસદીય બહુમતી ધરાવતી મગરુર કારોબારી સત્તા લોકશાહી વાસ્તે ખાસી જોખમી પુરવાર થઈ શકે છે. એમાં પણ પોતે કદાપિ ભૂલ કરી શકે જ નહીં એવા તોરમાં ને તોરમાં લોકશાહી પ્રથા માંહેલાં અંકુશ ને સમતુલાની કશી તમા વગર ચાલવાનું એનું વલણ હોય તો તો પૂછવું જ શું.

નોંધ્યું તમે? ‘આપણી અત્યારની રાજકીય આબોહવામાં…’


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.