મંજૂષા

 વીનેશ અંતાણી

પ્રથમ નજરે અઘરું છે, પરંતુ કરવા જેવું છે. બધી રીતે ખૂબ આગળ નીકળી ગયા પછી, નવી નવી ટેક્નોલોજીમાં ફસાયા પછી, પતિ-પત્નીને નજીવી બાબતો માટે ઝઘડા કરવાની આદત પડી જાય પછી, સંતાનોને કુમળી વયે યોગ્ય સંસ્કાર આપવાનું ચૂકી ગયા પછી, વૃદ્ધ માતા-પિતાને એકલાં રહેવા મજબૂર કર્યા પછી, સફળતાના ખોખલા ખ્યાલોમાં લપસી પડ્યા પછી, અનિયમિત અને બિનજવાબદાર એરલાઇન્સના વિમાનમાં બેઠા પછી, ટ્રેનની મુસાફરીમાં ભળતા સ્ટેશન પર ઊતરી ગયા પછી, વરસતા વસાદમાં રેઇન કોટ કે છત્રી લીધા વગર ઘરની બહાર નીકળ્યા પછી… જીવનનુ કોઈ ક્ષેત્ર બાકી નથી, જ્યાં વગર વિચારે ખોટે માર્ગે ચઢી ગયા પછી સહેલાઈથી બહાર નીકળી બેક ટુ બેઝિક્સ – મૂળ પરિસ્થિતિમાં – પાછા અઘરું છે.

‘બેક ટુ બેઝિક્સ’ એટલે મૂળભૂત અને સાદામાં સાદો અભિગમ ફરી અપનાવવો, પાયાનાં મૂલ્યોને ફરી અનુસરવાં. આપણે કારણ વિના પરિસ્થિતિને ગૂંચવી નાખીએ છીએ. આ બાબત શિક્ષણ, બિઝનેસ, અંગત સંબંધો અને જીવનશૈલી જેવી ઘણી બાબતોને સ્પર્શે છે. હવે ટી.વી. કે સેલ ફોન વિના એક ઘડી પણ ચાલતું નથી. સોશિયલ મીડિયાને અનુસર્યા વિના રહી શકાતું નથી. બિનજરૂરી અભિપ્રાયો આપવાનું વ્યસન થઈ ગયું છે. નિર્ભેળ પ્રેમ કરવાનું ચૂકી ગયાં છીએ. સારાં પુસ્તકો વાંચવાની આદત ભૂતકાળ બની ગઈ છે. વડીલોની ઉપેક્ષા કરવી અને હાલતાં ને ચાલતાં કોઈ વ્યક્તિને અપમાનિત કરવી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પૂર્વગ્રહો પ્રેરતી વિચારધારાને અનુસરવું.

આજે આપણે ઘણી ખોટી બાબતોથી જીવનનો સાચો અર્થ ગુમાવી બેસવાની ચરમસીમા પર પહોંચી ગયા છીએ, એક વાર પરસ્થિતિ કે સંજોગોને સંકુલ બનાવી દીધા પછી એનાં ગૂંચળાંમાંથી બહાર નીકળવું અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ જાય છે. એક કંપનીના અધિકારીઓએ એમની કંપનીની કાર્ક્ષમતા વધારવાના શુભ ઇરાદાથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની બહુ મોટી વિદેશી કંપનીનું મોંઘુંદાટ સોક્ટવેર ખરીદ્યું. એ સોફ્ટવેરને પોતાની કંપનીને અનુકૂળ બનાવવા માટે સ્વાભાવિક રીતે ઘણા ફેરફાર કરવાની જરૂર લાગી. કોમ્પ્યૂટરના નિષ્ણાત લોકોને એ કામ માટે રોક્યા. બધા ઉત્સાહભેર કામ કરવા લાગ્યા, પરંતુ એમનો ઉત્સાહ મર્યાદા બની ગયો. એમણે મૂળ સોફ્ટવેરમાં ઉચિત ફેરફારો કરવાની જગ્યાએ એને વધારે કોમ્પલેક્ષ બનાવતા ગયા. એ રીતે બનાવેલા નવા સોફ્ટવેરથી કંપનીની કામ કરવાની મૂળભૂત પદ્ધતિમાં ગૂંચવાડા ઊભા થયા, બધું કર્મચારીઓની સમજની બહાર રહી ગયું અને ગોટાળા થવા લાગ્યા. છેવટે કંપનીના માલિકોએ ‘બેક ટુ બેઝિક્સ’ની નીતિ અપનાવી, પરંતુ બધું એટલું ગૂચવાઈ ગયું હતું કે મૂળ પદ્ધતિ સુધી પહોંચે તે પહેલાં કંપનીએ ઘણી ખોટ ભોગવવી પડી હતી.

કશુંક જુદું કરવાની ધગશનો અર્થ સરળ કામને સુંકુલ બનાવવા જેવો થતો નથી. અમેરિકા જેવા દેશોની ચમકદમકથી આકર્ષાઈ વિદેશ જઈ વસેલા ઘણા લોકો મૂળ તરફ પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા છે. નામ બદલાવીને આ ઉદાહરણ. શેખર અને શાલિની યુ. એસ.માં ઉચ્ચ પોઝિશન પર કામ કરતાં હતાં. દસ વર્ષ પહેલાં લગ્નસંબંધથી જોડાયાં હતાં. આલીશાન ઘર, કાર અને અદ્યતન ઉપકરણોથી સજ્જ જીવનશૈલી. બધું હતું છતાં એક તકલીફ હતી. એમને જીવવા માટે સમય મળતો નહોતો, આખો દિવસ ચાલતું કામ મોડી રાત સુધી લંબાતું. પતિ-પત્ની હોવું અને પ્રેમ એટલે શું એ વાત જ ભૂલી બંને એકમેક માટે યંત્રમાનવ જેવાં બની ગયાં હતાં. દામ્પત્યજીવનમાં તિરાડો પડવા લાગી હતી, સફળ કારકિર્દીનાં સપનાં સાકાર કરવા તેઓ સંતાન પેદા કરવાનો વિચાર ઠેલતાં રહ્યાં હતાં. એવી સ્થિતિમાં શેખરની દાદીના એંસીમા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા તેઓ ભારત આવ્યાં. દાદા-દાદી જીવનભર ગામડામાં રહ્યાં હતાં. બંને વચ્ચે સમજભર્યો પ્રેમ આ ઉંમરે પણ સચવાઈ રહ્યો હતો. એમની વિશાળ વાડી હતી. ગામડાનું શાંત જીવન, દાદાદાદીના સંબંધોની ગરિમા અને સાદાઈ જોઈને શેખર-શાલિની આશ્ચર્યમાં ડૂબી ગયાં. કશાયની ઉતાવળ નહોતી, કશાય પાછળ ભાગવાનું નહોતું, કોઈ સ્ટ્રેસ નહોતો. થોડા દિવસ દાદાદાદી સાથે રહ્યા પછી શેખર-શાલિનીને એમના તણાવપૂર્ણ જીવનની નિરર્થકતા વિશે નવેસરથી વિચારવાની તક મળી. એમણે અમેરિકાની જોબ અને વૈભવ છોડી દાદાદાદી સાથે ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો. એમના જીવનમાં ફરી કોમળતા આવી, શાંતિ મળી અને એમને જીવનનો સાચો અર્થ સમજાયો. હવે તેઓ ગામડામાં રહી ખેતીકામમાં રસ લે છે, સામાજિક સેવાનાં કાર્યો કરે છે અને ઘેર બેસીને કમ્પ્યૂટર પર નવા સોફ્ટવેર બનાવી બજારમાં વેચે છે. તેઓ બંને દાદા-દાદીની જેમ જીવવાનો આનંદ માણવા લાગ્યાં છે.

આપણે અગાઉ આવાં નહોતાં. આપણી આગલી પેઢીઓની જીવનશૈલી આજની સરખામણીમાં સરળ અને સાદીસીધી હતી. તે સમયે સાંજે ઘેર પાછા ફરવા માટે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવું પડતું નહોતું. એ લોકો પત્રો લખતા, કુશળ સમાચારનું આદાનપ્રદાન કરતા, મિત્રોને નિરાંતે મળતા, ખુલ્લા મેદાનમાં દેશી રમતો રમતા, સાથે બેસી ગીતો ગાતાં, હસતાં, રમતાં અને ધબ્બા મારતાં. ઉત્સવોમાં હૈયાનો ઉમંગ હતો, લગ્નપ્રસંગોમાં લાખો-કરોડોનો ધુમાડો થતો નહોતો. દુકાનોમાં જાતે જઈ ચીજવસ્તુઓની પસંદગી કરતાં. કપડાં સિવડાવવા દરજી ઘેર બેસાડતાં. સંતાનોને વાર્તા કહેતાં. પરિવાર સાથે બેસીને જમતાં. કોઈનું દુ:ખ જોઈ દુ:ખી થતાં. શુભપ્રસંગે વ્હોટ્સએપ પર મેસજ મૂકી દેતાં નહોતાં, રૂબરૂ આનંદ વ્યક્ત કરતાં હતાં. અડધી અડધી અડાળી ચા પીવાનો મહિમા હતો.

એ સમય સંપૂર્ણ નહોતો તો અત્યાર જેવો ગૂંચવાયેલો પણ નહોતો. દરેક પેઢીનાં પોતાનાં ‘બેઝિક્સ’ હોય છે અને તે એમણે પણ ગુમાવ્યાં હોય છે. એમને પણ ક્યારેક જીવન ખોખલું લાગવા માંડ્યું હશે અને એમણે પણ મૂળ જીવનની મૂળ સ્થિતિમાં પાછા ફરવાના પ્રયત્નો કર્યા હશે. કેટલાક સફળ થયા હશે, કેટલાકે જીવનની આંટીઘૂંટીમાં અટવાયેલા રહી જીવી લીધું હશે. એ લોકોએ પણ ક્યારેક વિચાર્યું હશે – અમે આ રીતે જીવવા માગતાં નહોતાં.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.