વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

સૂબેદાર રાજીન્દર સિંહનું જે દિવસે પેન્શન નિશ્ચિત થયું ત્યારે એમની જિંદગીનો સૌથી મોટો આધાર ગુમાવી બેઠા હોય એમ એ અત્યંત પરેશાન હતા.

અનેક જંગ, અચૂક નિશાન, અડધા ડઝનથી વધુ ચંદ્રકો મેળવી ચૂકેલા રાજીન્દર સિંહના સિપાહીઓની કદમતાલ મિલાવતી પરેડ જોઈને તો સૌ અચબિંત થઈ જતા. જાણે માનવસંચાલિત રોબોટ જોઈ લો.

રાજીન્દર સિંહે યુવાની પગ મૂક્યો જ ને પહેલું યુદ્ધ લઢ્યા. ત્યારબાદ ઈરાક, આરબ દેશ, જર્મની, ફ્રાંસના યુદ્ધ વખતે બહાદુરીના અનેક મેડલ મેળવ્યા. છેલ્લા યુદ્ધમાંથી પાછા આવ્યા ત્યારે એમની સેવાઓના ઈનામરૂપે જમીન આપવામાં આપીને કહેવામાં આવ્યું કે, હવે એ ઈચ્છે તો ગામ જઈને ખેતી કરી શકે છે અથવા ત્રણ મહિનાની રજાઓ પછી સરહદ પર તહેનાત રેજિમેન્ટમાં ફરજ પર જોડાઈ શકે છે.

રાજીન્દર સિંહને કહેવાનું મન થયું કે કુલવંત કૌર જેવી ગજબનાક છોકરી સાથે લગ્ન કરીને ફોજમાં જવાનો વિચાર સુદ્ધાં નહીં આવે, પણ એણે માત્ર સ્મિત ફરકાવ્યું.

છ વર્ષે ગામ પહોંચ્યો. મિત્રો, સંબંધીઓ મળવા આવ્યા. પણ, જેની રાહ જોતો હતો એ કુલવંત ન આવી.

“મા, કુલવંત ન આવી? એને હું આવવાનો છું એની જાણ તો છે ને?”

મા શું કહે?

કુલવંતના લગ્ન નજીકના ગામના ઠેકેદાર બખ્તાવર સિંહ સાથે થઈ ગયા હતા ને એક બાળકની મા બની ચૂકી હતી. રાજીન્દરને સરહદ પર આ વાતની જાણ થાય એની શું હાલત થાય એ વિચારીને એને સમાચાર આપવામાં નહોતાં આવ્યાં.

અંતે છેલ્લાં ત્રણ વર્ષથી માબાપે જે વાતની જાણકારીથી દૂર રાખ્યો હતો એ વાત માએ એને કહેવી જ પડી.

રાજીન્દર સ્તબ્ધ બની ગયો. એને એવું લાગ્યું કે, લગ્નની શરણાઈઓ સાંભળવાની વર્ષોથી એ રાહ જોતો હતો એ સૂર એનાથી દૂર થઈ રહ્યા છે. એના બદલે યુદ્ધનાં બ્યુગલનો, શહેર પર થતી બોંબવર્ષાનો કાન ફાડી નાખે એવો શોર સંભળાવવા માંડ્યો.

“બસ, બે દિવસની રજા મળી હતી. કાલે અમારી રેજિમેન્ટ સરહદ પર જવા રવાના થવાની છે.” કહીને બીજી સવારે રાજીન્દર સરહદ પર જવા ચાલી નીકળ્યો. માબાપ આઘાતથી જોતાં રહ્યાં

રાજીન્દરે આજ સુધી જીવલેણ લડાઈ કરીને છાવણીઓ સર કરી હતી. દરેક વખતે એ આબાદ બચી ગયો હતો. હવે એ દિલથી ઈચ્છતો હતો કે, કોઈ એક ગોળી કુલવંતની યાદોથી ઘેરાયેલા એના મનને વીંધીને આરપાર નીકળી જાય. પણ, એવું ન બન્યું.

ત્યારબાદ એના કેટલાય સાથીઓ જંગમાં ટકી ગયા, પણ આસામ, બર્માની સરહદનાં જંગલોમાં મેલેરિયાના મામૂલી તાવની સામે ન ટકી શક્યા. રાજીન્દરને માંગ્યું મોત પણ ન મળ્યું. એ સલામત રહ્યો.

ઈજીપ્ત, લિબિયાના રેગિસ્તાનમાં, કોહિમા કે બર્માના પહાડો પર, મલાયાનાં જંગલો, કળણભૂમિમાં, રાજીન્દર મોતની રાહ જોતો રહ્યો. મોત ન મળ્યું, પણ અનેક ચંદ્રકો એના યુનિફોર્મ પર લાગતા ગયા. જમાદારમાંથી સૂબેદાર બની ગયો. માથે અને દાઢીમાં સફેદી ચમકવા માંડી.

બીજું યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું. હિંદુસ્તાનને આઝાદી મળી. મુલકોનું વિભાજન થયું. અંતે રાજીન્દર નિવૃત્ત થયો.

છાવણીમાં એનો અંતિમ દિવસ હતો. નોન- કમિશન્ડ ઑફિસરની મેસમાં એ બેઠો હતો. મેસના રેડિયો પર હિંદુસ્તાનીઓને લલકારતો અવાજ સંભળાતો હતો.

“આ જંગ કોઈ બાહ્ય દુશ્મનની સામે નથી,પણ અંદરના દુશ્મન સામેનો જંગ છે. અજ્ઞાન, નાદારી, બેકારી અને બીમારી સામેનું આ યુદ્ધ છે. આ જંગમાં સુરંગ પાથરવા ખાઈ નથી ખોદવાની, અહીં કૂવાઓ ખોદવાના છે.

“આ જંગમાં સલામતી માટે મજબૂત દીવાલો નહીં હોસ્પિટલો ઊભી કરવામાં આવશે. આ જંગ બંદૂક, તલવાર, મશીનગન કે બોંબથી નહીં હળ, કોદાળી, ટ્રેકટરથી લડવામાં આવશે.”

રાજીન્દર સિંહને કેટલીક વાત સમજાઈ, કેટલીક ન સમજાઈ, પણ એવું લાગ્યું કે આ નવો જંગ છે જે આજ સુધી ક્યારેય એ લડ્યો નથી.

અધિકારીઓના આદેશ મુજબ એ આરબો, તુર્કીઓ, જર્મનો, ઇટાલિયનો કે જાપાનીઓ સામે જંગ લડ્યો હતો. આજે કોઈ સૌથી મોટો અધિકારી એને નવા જંગ માટે લલકારી રહ્યો હતો. આ જંગ પોતાની અંદરના દુશ્મનો સામે છે એવું સમજાયું ત્યારે રાઇફલ પરથી એના મજબૂત હાથની પકડ ઢીલી થઈ.

રેજિમેન્ટની નિવૃત્તિને લીધે એના મનમાં એકલતાનો અંધકાર છવાયેલો હતો. લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી શું કરશે, ક્યાં જશે? માબાપ હયાત નહોતાં. ગામમાં હતું કોણ કે જેની પાસે એ જાય?

ઠક… ઠક .. ઠક ..

જૂતાંનો અવાજ સંભળાયો. સામે એક નવજુવાન ઊભો હતો. પહેલી વાર વર્દી પહેરી હોય એમ એ થોડો અસહજ હતો. એ જુવાનને ક્યાંક જોયાનો અણસાર રાજીન્દરને આવ્યો.

“આપ સૂબેદાર રાજીન્દર સિંહ?”

“હા બેટા, પણ તું?” અજાણતા જ રાજીન્દરથી એને બેટા કહેવાઈ ગયું.

“જી મારું નામ અમર સિંહ. પિતાનું નામ બખ્તાવર સિંહ.”

“પિતા ફોજમાં છે?”

“જી, એ ઠેકેદાર હતા. એમનો દેહાંત થયે વર્ષો થયા.”

“તું ઠેકેદારનો દીકરો થઈને ફોજમાં?”

“મારી મા ઇચ્છે છે કે હું દેશની હિફાજત માટે ફોજમાં જોડાઉં.”

“વાહ! બહાદુર કહેવાય તારી મા, પણ તને મારું નામ કોણે આપ્યું?”

“માએ. કહેતી હતી કે, સૂબેદાર રાજીન્દર પાસે જજે. તને બધું જ સમજાવશે. સાથે કહ્યું હતું કે, સૂબેદારને કહેજે કે એમના ગામની હાલત બહુ ખરાબ છે.”

“તારી મા ક્યાં રહે છે?”

“સિંધપુર, એના પિતા પાસે. તમે જશો ને?”

“હા બેટા જરૂર જઈશ, પણ પહેલાં કમાંડર સાહેબ સાથે તારી મુલાકાત કરાવી દઉં. ફોજમાં જઈને તારે સિંધપુરના નૌજવાન તરીકે નામ અમર કરવાનું છે.”

એક બૂઢો નિવૃત્ત સૂબેદાર અને એક જવાન લશ્કરી પરેડની જેમ કદમતાલ મિલાવતા કમાન્ડરની ઑફિસ તરફ ચાલ્યા.

ઠક… ઠક .. ઠક …ઓસરીમાંથી દૂર સુધી એમના બૂટનો અવાજ ગૂંજતો રહ્યો.

એક સાંજે સૂબેદારે ગામમાં પગ મૂકતાની સાથે ગામની અવદશા જોઈ. તળાવોની આસપાસ અસંખ્ય મચ્છરો, મેલેરિયાગ્રસ્ત ખેડૂતો, તૂટેલાં બિસ્માર ઝૂંપડાં, હાડકાં દેખાતાં હોય એવું પશુધન, દુકાળના લીધે ચીંથરાં જેવાં કપડાંમાં આમતેમ રખડતાં બાળકો…

સૂબેદારને દૂરથી જંગનું બ્યુગલ ફૂંકાતું હોય એવો ધ્વનિ સંભળાયો. પણ, એ કોઈ દુશ્મન સામે નહીં માનવજાતની દુશ્મન એવી નિર્ધનતા, ગંદકી અને બીમારી સામે જંગનું એલાન હતું.

રાજીન્દર સિંહ એક સંકલ્પ સાથે નવો જંગ લડવા તૈયાર હતા.


ખ્વાજા અહમદ અબ્બાસ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.