વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
પાણીની અસમાન વહેંચણી
પરેશ ૨. વૈદ્ય
દેશની નૈઋત્યમાં અરબી સમુદ્ર તરફથી અને અગ્નિ ખૂણે બંગાળના ઉપસાગર તરફથી આવી ચોમાસાના બે ફાંટા ધીમે ધીમે આગળ વધી દેશના બધા વિસ્તારોમાં ફરી વળે છે તે આપણે જોયું. અહીં આશ્ચર્યની બાબત તેનું સમય પાલન છે. ચોમાસું બેસવાની તારીખો ઠીક ઠીક નિશ્ચિત છે. ખેતીપ્રધાન દેશ હોવાને કારણે કેરાળામાં મલબાર કાંઠે એ જો પહેલી જૂને પહોંચી આવે તો માત્ર હવામાન શાસ્ત્રીઓ જ નહીં પરંતુ દેશના નાણાપ્રધાનથી માંડી તે ખેડૂતો સુધી બધા જ નિરાંતનો દમ લે છે. અહીં ચિત્ર ૮માં ચોમાસું આગળ વધવાની તારીખો બતાવી છે. છેલ્લાં સાઠ વર્ષની માહિતી પરથી વિવિધ ઠેકાણે ચોમાસું બેસવાની સરેરાશ તારીખો નક્કી કરાઈ છે. કેરાળાથી પહેલાં આંદામાનમાં ૨૫મી મે એ પહેલો વરસાદ થઈ જાય છે, પરંતુ પહેલી જૂનની એની કેરળ સાથેની એપોઈન્ટમેન્ટ જાણે એક કિંવદંતી જેવી સ્થાપિત થઈ ગઈ છે. ગોવામાં ૬ જૂન અને મુંબઈમાં ૧૦ જૂન એ પણ જાણે ‘લેન્ડમાર્ક’ તારીખો છે. ૧૦ થી ૧૫ જુલાઈ સુધી એ આખા દેશને ફરી વળે છે.

ભાતીગળ પ્રદેશો :
આમ છતાં એવું નથી કે આખા દેશમાં સરખો વરસાદ પડતો હોય. દેશ એટલો મોટો છે કે તેમાં નૈસર્ગિક વાતાવરણના અનેક પ્રકારો જોવા મળે છે. ઉત્તર અને મધ્યભારતમાં કરોડો લોકોએ જિંદગીમાં સમુદ્ર જોયો નથી હોતો. તો ગંગાના મેદાન અને તમિલનાડુના અમુક વિસ્તારમાં લોકોએ ટેકરીથી ઊંચો ડુંગર નથી જોયો હોતો. ક્યાંક બરફ પડે છે તો બીજી બાજુ એવી પણ જગ્યાઓ છે જ્યાં ઉષ્ણતામાન ૨૨૦સે.થી નીચે નથી જતું. આસામના લોકોને રાજસ્થાનનાં રણની કલ્પના કરવી મુશ્કેલ છે.
આ પ્રાદેશિક વિવિધતાને કારણે સ્થાનિક હવામાન પણ જુદાં જુદાં છે. વાદળાંને ઠરીને વરસવા માટે જોઈતાં ભેજ, ઉષ્ણતામાન અને હવાના પ્રવાહો દરેક જગ્યાએ એક સમાન નથી. ચોમાસાના બંને ફાંટા સરખા હોવા છતાં વરસાદ એક સમાન નથી. એમ પણ જોવા મળે છે કે એકનાં એક સ્થળે પણ વરસો-વરસ જુદાં પ્રમાણમાં વરસાદ થતો હોય છે.
નૈઋત્યના પવનોનો ફાંટો ભેજથી લબાલબ સૌ પહેલાં પશ્ચિમઘાટની હારમાળાને મળે છે. એટલે સમુદ્ર અને પહાડ વચ્ચેની પટ્ટીને (અને કાંઠા નજીકના સમુદ્રને) ખૂબ વરસાદ મળે છે. મુંબઈ શહેર અફાટ રીતે વધ્યા કરતું હોવા પાછળ આ પર્યાપ્ત પાણીનો પણ ફાળો છે. પરંતુ આ પહાડો પાર કર્યા પછી વાદળોની વરસવાની વૃત્તિ ઘટતી જાય છે. પૂર્વમાં પૂર્વઘાટ પાસે પણ ઓરિસ્સાને સારો વરસાદ મળે છે પણ ઘાટની પેલે પાર ઘટે છે. ગુજરાતની વાત કરીએ તો પશ્ચિમઘાટ તેની દક્ષિણની સરહદ પાસે પૂરો થઈ જાય છે. તેનો લાભ થોડો સુરત સુધી મળે છે. પરંતુ તે પછી ગિરનાર સિવાય મોટા પર્વત નથી. એટલે ક્રમશઃ વરસાદ ઉત્તર તરફ ઘટતો જાય છે. ગિરનારનો લાભ દક્ષિણ સૌરાષ્ટ્રને જરૂર મળે છે.
કચ્છ–રાજસ્થાન કોરાં કેમ ?
આખા દેશને ઓછો-વત્તો વરસાદ મળે અને તે મેઘનો ઉત્સવ મનાતો હોય છે ત્યારે કચ્છ અને રાજસ્થાનના લોકો માત્ર આકાશને તાકતા હોય છે. કંઈક અંશે બનાસકાંઠા અને સૌરાષ્ટ્રનો ઉત્તર ભાગ પણ એવી જ સ્થિતિમાં હોય છે. ચોમાસું બેસવાની તારીખો માત્ર કાગળ ઉપર જ છે. ટાઈમટેબલ હોય પરંતુ ટ્રેન જ ન આવતી હોય તેવી હાલત અહીં હોય છે. નૈઋત્યનો પ્રવાહ જે રીતે અમુક ખૂણે જમીન પર દાખલ થાય છે (ચિત્ર- ૯), તે કૂચને ડાબે છેડે કચ્છ રહી જાય છે. એ જ માર્ગ આગળ જતાં પશ્ચિમ રાજસ્થાનને ડાબે છોડતો જાય છે, જ્યાં જેસલમેર, બારમેર આવેલાં છે. તમિલનાડુમાં પણ કન્યાકુમારીની ઉત્તરે થોડો વિસ્તાર આવો છે. કચ્છ ઉપર વાદળ હોય તો પણ વરસતાં નથી. અહીં એક ખાસ પ્રકારનાં અતિશય સૂક્ષ્મ જળબિંદુ વરસે છે, જેને ‘મચ્છરિયા છાંટા’ કહે છે. એક કલાક તેમાં ઊભા રહો તો પણ ભીનાં ન થવાય. ઉપર તરફ જતી હવા ગુરૂત્વાકર્ષણને જીતવા નથી દેતી.

ભૌગોલિક સ્થાન અને ઉપરના થરના પવનોની દિશાના કારણે ચોમાસાને અહીં કેટલું આળસ છે તે ચિત્ર ૮માં તારીખો જોતાં પણ સમજાશે. ચાર દિવસમાં ગોવાથી મુંબઈનું ૪૫૦ કિ.મી.નું અંતર કાપતો પ્રવાહ રાજકોટથી બન્ની વચ્ચેના દોઢસો કિલોમીટરને ૧૫ દિવસ લગાડે છે ! તેટલો જ વખત અજમેરથી જેસલમેર જવામાં લાગે છે. ઘણીવાર એવું બને છે કે કચ્છ અને રાજસ્થાનને બંગાળના ઉપસાગરવાળા પ્રવાહથી સારો વરસાદ મળે છે. ત્યારે નૈઋત્યને બદલે પૂર્વમાંથી વરસાદ થાય છે, જે ‘લૉ પ્રેસર’ પ્રણાલી આટલે દૂર આવી જવાથી થયો હોય છે. એને નથી તારીખનું બંધન, નથી પ્રમાણનું. ૨૦૦૮માં આવા ફિરકાથી રાજસ્થાનમાં એટલો વરસાદ થયો કે મહિના સુધી ભરાયેલું પાણી ઉતર્યું જ નહીં ! જો શક્તિશાળી ફિરકા ન હોય તો છેક ઓરિસ્સાથી દાખલ થતા ભેજમાંથી રાજસ્થાન પહોંચતાં સુધી શું બચ્યું હોય ?
વિદાયની તારીખો :
ચોમાસાનું આગમન જેટલું નિયત તારીખોએ થાય છે તેટલી ચોકસાઈ તેના પૂરાં થવાની તારીખોમાં નથી. તો ય તેનું અંદાજે સમયપત્રક છે ખરું. ચિત્ર ૧૦ માં નકશામાં આ તારીખો બતાવી છે. ચોમાસું પૂરું થવું એટલે પવનોની દિશા બદલવી. ઉત્તર ગોળાર્ધમાં આપણો શિયાળો એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો. એટલે હવે મહાસાગર તરફથી ભારત તરફ પવનો વાવાને કોઈ કારણ નથી રહેતું. પવનોની દિશા પલટાય છે; હવે ઉત્તર તરફથી પવનો શરૂ થશે. દક્ષિણ ભારતમાં તામિલનાડુને આ દિશાના પવનોથી પણ વરસાદ મળે છે, કારણ કે એ પવનો બંગાળના ઉપસાગર પરથી આવે છે તેથી ભેજ લાવે છે. તે સિવાય હવે ચોમાસું પૂરું થયું. જો વરસાદ થાય તો માવઠાંનો હશે.

ચિત્રમાં વરસાદ હટવાની આ તારીખો ઉત્તર તરફથી શરૂ થાય છે. જ્યાં ચોમાસું છેલ્લે પહોંચેલું તે રાજસ્થાનમાંથી તે પહેલું હટે છે. તે પછી ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી અને છેવટે કેરળમાંથી સ્વાભાવિક છે કે કેરળમાં સૌથી લાંબુ ચોમાસું થયું. (તામિલનાડુની ડિસેમ્બર જાન્યુઆરીની તારીખો શિયાળુ ચોમાસું પૂરું થવાની છે; તેને ગણતરીમાં ન લેવી.)
દરેક સ્થળે ચોમાસું આવવા અને જવાની તારીખો વચ્ચેનો ગાળો ત્યાં ચોમાસાની લંબાઈ આપે. જેમ ઉત્તર તરફ જતા જાઓ તેમ આ ગાળો ઘટતો જાય છે. જેમ ચોમાસું ટૂંકું તેમ વરસાદ ઓછો હોય તે સ્વાભાવિક છે. અહીં કોષ્ટક-૩માં દેશના જુદા જુદા પ્રદેશો માટે આ માહિતી આપી છે.
| : કોષ્ટક–૩: | ||||
| ચોમાસાંનો ગાળો અને વરસાદની માત્રા | ||||
| પ્રદેશ | ચોમાસાનો ગાળો | સરેરાશ વરસાદ | ||
| સે.મી. | ઇંચ | |||
| રાજસ્થાન | પશ્ચિમ રાજસ્થાન | દોઢ મહિનો | ૧૫ | ૬ |
| પૂર્વ રાજસ્થાન | ૨૫ | ૧૦ | ||
| કચ્છ | સવા બે મહિના | ૩૦ | ૧૨ | |
| સૌરાષ્ટ્ર | ઉત્તર | ત્રણ મહિના | ૪૦ | ૧૬ |
| દક્ષિણ | ૬૦ | ૨૪ | ||
| દક્ષિણ ગુજરાત | વડોદરા | સાડા ત્રણ મહિના | ૧૦૦ | ૪૦ |
| સુરત | ૧૫૦ | ૬૦ | ||
| મુંબઈ | સાડા ત્રણ મહિના | ૨૩૦ | ૯૦ | |
| ઉ.પ્રદેશ, બિહાર | સાડા ત્રણ મહિના | ૧૦૦ | ૪૦ | |
| ઓરિસ્સા | ચાર મહિના | ૧૫૦ | ૬૦ | |
| ગોવા, કેરળ | સાડા ચાર મહિના | ૨૫૦ | ૧૦૦ | |
| ઈશાનનાં રાજ્યો | સાડા ચાર મહિના (વિવિધ) | ૪૦૦/૧૦૦૦ | ૧૫૦/ ૪૫૦ | |
| ભારત દેશ | ૮૮ | ૩૫ | ||
એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ‘સરેરાશ’ એ ઠગારો આંકડો છે. એક વર્ષે ૧૫ સે.મી. (૬”) વરસાદ હોય અને બીજે વરસે ૪૫ સે. મી. (૧૮”) હોય તો સરેરાશ ૩૦ સે.મી. (૧૨”) ગણાય છે, પરંતુ તેથી ખરી માહિતી નથી મળતી. આથી વિજ્ઞાનિકો આંકડાશાસ્ત્રમાં વપરાતો બીજો પ્રાચલ (Parameter) જુએ છે. તેને ‘પ્રમાણિત વિચલન’ (Standard Deviation) કહે છે. વર્ષોવર્ષના આંકડામાં થતો ફેરફાર જો સરેરાશ મૂલ્યની નજીક હોય તો વિચલન ઓછું ગણાય છે. જેમ કે ભારતના ચોમાસાંના સરેરાશ વરસાદ ૮૮ સે.મી.માં પ્રમાણિત વિચલન ૮.૪ સે.મી. જેટલું છે. કમનસીબે એવું બને છે કે જ્યાં વરસાદ વધારે હોય તે સ્થળોએ વરસોવરસના ફેરફાર પ્રમાણમાં ઓછા હોય છે પણ ઓછા વરસાદના વિસ્તારોમાં આ વિચલન વધારે હોય છે.
કુદરત તરફથી આ બે બાજુની માર છે. આનો વાસ્તવિક દાખલો જોઈએ. ભારતીય હવામાન ખાતાંએ હિમાલય સિવાયના પ્રદેશોને પાંચ સબ ડિવિઝનમાં વહેંચ્યો છે. જેને સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ (મધ્ય ઈશાન ભારત) કહે છે, તેમાં ઓરિસ્સાથી બિહાર લગીના પ્રદેશો આવે છે. ત્યાં સરેરાશ ચોમાસું વરસાદ ૧૦૦ સે.મી. છે અને પ્રમાણિત વિચલન ૧૧ ટકા છે. તેથી વિરુદ્ધ ગુજરાત જેમાં આવે તે વાયવ્ય ભારત (પંજાબ પર્યંત)ની સરેરાશ વરસાદ માત્ર ૫૦ સે.મી. છે. પરંતુ વિચલન ૨૩ ટકા છે ! માત્ર કચ્છનું વિચલન ૪૦ ટકાથી વધારે છે. એટલે અહીંની પ્રજાને માટે વરસાદના આધારે જીવવું મુશ્કેલ હોય. એ માત્ર અછતના કારણે નહીં પરંતુ જિંદગીની અનિશ્ચિતતાના કારણે. મારવાડીઓ અને કચ્છીઓની મોટી સંખ્યા પોતાનાં વતનની બહાર શા માટે દેખાય છે તેનું કારણ આ છે.
દેશની વાત :
ભારત વિશાળ દેશ છે અને જુદી જુદી ભૌગોલિક રચનાવાળા પ્રદેશો તેમાં આવેલા છે. આથી બધે એક સરખો વરસાદ થાય તેવી તો અપેક્ષા ન જ હોય. એક કાચા અંદાજ તરીકે એમ કહી શકાય કે દેશના ત્રીજા ભાગમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ સે.મી. (૫૦ ઈંચ) કરતાં વધારે છે. પછીના એક તૃતીયાંશ ભાગમાં ૭૫ અને ૧૨૫ સે.મી. વચ્ચે (૩૦” થી ૫૦”) વરસાદ છે; અને છેલ્લા ત્રીજા ભાગમાં ૭૫ સે.મી. કરતાં પણ ઓછી સરેરાશ છે. (આખા દેશની સરેરાશ ૧૧૫ સે.મી. છે. તેમાંથી ૮૮ સે.મી ચોમાસામાં પડે.)
વિવિધ પ્રદેશોમાં વરસાદ ઓછો-વત્તો વિવિધ પ્રદેશોમાં પડવા છતાં આખા દેશના એકંદર વરસાદમાં ફેરફાર ઓછો દેખાય છે. કારણ કે સૂકા અને વર્ષાળ વિસ્તારોના આંકડા સરભર થઈ જાય છે. વિશાળ વિસ્તાર હોવાથી વિચલન પણ ઓછું દેખાય છે. આખા દેશમાં કુલ જેટલું પાણી વરસે તેને દેશનાં ક્ષેત્રફળથી ભાગી નાંખવાથી સરેરાશ વરસાદનો આંકડો મળે છે. (વરસાદની માપણીની રીત પ્રકરણ-૭માં જોઈશું). કોષ્ટક-૪માં તાજેતરનાં દશ વર્ષના ભારતના વરસાદના આંકડા છે. અહીં ચોમાસાના તેમ જ આખાં વર્ષના, એમ બે આંકડા આપ્યા છે. ચોમાસાના ચાર મહિના ઉપરાંત પણ ઠીક ઠીક પ્રમાણમાં વરસાદ પડે છે તે સ્પષ્ટ છે. તમિલનાડુમાં જેમ શિયાળુ ચોમાસું છે તેમ ઉત્તર ભારતમાં પણ શિયાળામાં વરસાદ પડે છે, ભલે તેને ચોમાસું નથી કહેવાતું. આપણે ત્યાં પણ માવઠાં થતાં જ હોય આ બધાં માટે ભેજ પશ્ચિમ અને વાયવ્યમાંથી દેશની બહારથી આવે છે જેને “વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ” કહે છે.
| : કોષ્ટક – ૪ : | ||
| વરસાદના દશ વર્ષના આંકડા | ||
| વર્ષ | ચોમાસુ
વરસાદ (મિ.મી.) |
વાર્ષિક
વરસાદ (મિ.મી.) |
| ૨૦૦૭ | ૯૪૭ | ૧૧૬૦ |
| ૨૦૦૮ | ૮૮૨ | ૧૧૦૦ |
| ૨૦૦૯ | ૭૦૨ | ૯૨૭ |
| ૨૦૧૦ | ૮૮૬ | ૧૧૭૦ |
| ૨૦૧૧ | ૯૦૩ | ૧૦૮૦ |
| ૨૦૧૨ | ૮૦૫ | ૯૯૪ |
| ૨૦૧૩ | ૯૪૭ | ૧૨૨૯ |
| ૨૦૧૪ | ૭૩૬ | ૯૫૯ |
| ૨૦૧૫ | ૭૨૮ | ૯૭૮ |
| ૨૦૧૬ | ૮૯૫ | ૧૦૧૬ |
જોઈ શકાય છે કે ૨૦૦૯નું વર્ષ ખરાબ હતું. છેક ઈ.સ. ૧૮૯૯ પછી પહેલી વાર આટલો ઓછો વરસાદ હતો. (ગુજરાતમાં ૧૮૯૯ને છપ્પનીયો દુકાળ કહેવાયો હતો. તે કદાચ ઘણા વાંચકોને ખ્યાલ હોય). તે પછી ૨૦૧૫ પણ દુષ્કાળનું (નબળાં ચોમાસાંનું) વર્ષ હતું. સમગ્ર દેશમાં જ ઓછો વરસાદ પડે તેની પાછળ વિશ્વસ્તરનાં કારણો જવાબદાર હોય છે. તેની વાત પ્રકરણ-૧૨માં કરીશું. વર્તમાનમાં વધુ ચિંતા વૈશ્વિક ઉષ્મનને કારણે વરસાદની માત્રામાં થતા આત્યંતિક ફેરફારોની છે. તેની પણ વાત કરીશું.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

SIR NICE TEACHING VERY GOOD LEARN FROM DETAILED ARTIICLES WITH EXAMPLE TOO> THANK YOU>
LikeLike
અનિલભાઈ ,
લેખ ગમ્યો તેથી આનંદ થયો. પાછલા હપ્તા પણ જોયા હશે. આગળ વાંચતા રહેશો જી.
LikeLike