દેવિકા રાહુલ ધ્રુવ
હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ. આહાહાહા… વાંચવાનો કેવો આનંદ? માત્ર વાંચવાનો જ નહિ,અનુભવવાનો પણ.
આ બંને શબ્દો, હૈયું અને પરબીડિયુ – કેટકેટલાં ચિત્રો,ભાવો અને અર્થો ઊભાં કરે છે! ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે હૈયાંની વાતો ન કરી હોય કે કાગળ પર ઠાલવી, પરબીડિયામાં બીડીને રવાના ન કરી હોય. આ બંને શબ્દો વિશે જરા ઊંડાણમાં વિચારીએ.
પ્રથમ હૈયું શબ્દ અંગે વિચારીએ તો એ મૂળે સંસ્કૃત શબ્દ છે, હૃદ્. એટલે કે કોઈપણ વસ્તુનું હાર્દ. તેના ઉપરથી હૃદય શબ્દ બન્યો. તે વળી પ્રાકૃતમાં ‘હિયઅ’માંથી હૈયું બની ગુજરાતી સંસ્કરણ પામ્યો. હૈયું નાન્યતર જાતિનો શબ્દ છે. તેના પર્યાયી શબ્દો પણ ઘણા છે. દા.ત. હૈડું, મન, દિલ, અંતઃકરણ,હૃદય વગેરે. સંસ્કૃત શબ્દકોશ જણાવે છે તે મુજબ જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવ. સૌ જાણે છે તેમ વૈજ્ઞાનિકોએ તેના આકારને પણ વિગતે સમજાવ્યો છે. જગતના તમામ ચેતન જીવોમાં એનું કેટલું મોટું સ્થાન અને કામ છે.
એ વાત તો શારીરિક રોજીંદી ક્રિયાઓની. પણ તે ઉપરાંત તેના ભાવો તો કેવા કેવા અને કેટલા બધા? તેના ગમા- અણગમા, સુખ,દુઃખ, હર્ષ- શોક, વેદના, પીડા અનેકવિધ લાગણીઓ પણ અઢળક. વળી જે તે ભાવ મુજબ એની માત્રા પણ વધતી-ઓછી ખરી જ. સાચે જ હૈયું એક વિસ્મય છે અને રહસ્ય પણ છે જ. આધુનિક યુગના માનવીએ ઘણી શોધખોળો કરી,ખૂબ પ્રગતિ કરી પણ હજી સુધી આ હૈયાંની ચાંપ ક્યારે ખુલે છે અને ક્યારે બંધ થાય છે એની કોઈનેય ક્યાં ખબર પડી છે. એટલે એક રીતે તો હૈયાંની આસપાસ જ જગત છે અને જીવન છે, સંબંધ છે અને સગપણ છે, લગાવ છે અને અભાવ છે. તો વળી તેને કારણે જ તો સ્વભાવ છે અને પ્રભાવ પણ ખરો જ. હૈયાંમાં પ્રણય હોય,ઝંખના હોય,વાત્સલ્ય અને સ્નેહ, કાળજી અને કરુણા, ઝુરાપો અને અજંપોયે હોય. આમ એનું વૈવિધ્ય છે. એટલે જ વ્યવહાર જગતમાં જાતજાતના રુઢિપ્રયોગો વહેતા થયા અને કહેવતો પણ વપરાશમાં આવવા લાગી. કેટલાંક ઉદાહરણો જોઈ જ લઈએ.
હૈયું કબૂલ કરતું નથી, હૈયું ખાલી કરવું, હૈયું કઠણ કરવું, હૈયું ટાઢું હિમ હોવું, હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા, હૈયું ફૂટી જવું, હૈયું ફાટી જવું, હૈયું ખોલવું, હૈયું ભરાઈ આવવું, હૈયું હાથ ન રહ્યું, હૈયું ઠાલવવું, હૈયે હોળી સળગવી, હૈયું કહ્યું ના કરે એવું, હૈયે છે પણ હોઠે નથી, હૈયું હળવું ફૂલ થયું, હૈયે ટાઢક વળી, હૈયું કેસૂડાંનું ફૂલ, હૈયે રામ વસવા…. વગેરે વગેરે..
હૈયાંની આવી લાગણીઓ ગડી વાળીને થપ્પી બંધ કેવી ગોઠવાતી હશે તે તો એ જ જાણે પણ એ જ્યારે બહાર ઠલવાય અને એને ભેગી કરીને એક પરબીડિયામાં ભરી, ઇચ્છિત જગાએ પહોંચાડવામાં આવે ત્યારે સુખ કે દુઃખની જે જે ઊર્મિઓ પ્રતિભાવ પામે તે જાણે બીજું એક હૈયું બની ઉભરાય! કેવી રોમાંચક ક્ષણો! એટલે જ કવિઓ કહે છે કે, હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ.
આ પરબીડિયું શબ્દ પણ હૈયાંની જેમ નાન્યતર જાતિનો છે. તેમાંથી પણ એક વાત ફલિત તો થાય જ છે કે, જીવમાત્રનાં એ સ્પંદનો છે. માત્ર સ્ત્રી કે પુરુષો કે માનવીનો નહિ પણ પ્રત્યેક જીવને એના તમામ ગુણધર્મો લાગુ પડે છે.’ ધૂમકેતુ’ની ‘પોસ્ટઓફિસ’ વાર્તા યાદ આવી ગઈ. ત્યાં બેસીને અલીડોસો કંઈ કેટલાંયે પરબીડિયાં રોજ જોતો હતો. પોસ્ટઓફિસની નજરે તો એ માત્ર સામાનનો ઢગલો હતો. કાગળના કવરો હતાં અને ઉપર લખેલાં સરનામા મુજબ એ ખરી જગાએ પહોંચાડવાના હતાં. પણ અલીડોસો તો ક્યારે પરબીડિયું પોતાના હાથમાં આવે અને એમાં છલકાયેલ હૈયું ખોલવાની પ્રતીક્ષામાં હતો. એના હૈયાંને એક પરબીડિયાં સાથે ઘેરો નાતો હતો. જે કવરો ટપાલખાતાના કર્મચારીઓ માટે માત્ર એક કામ હતું તે જ પરબીડિયું તો એનું હૈયું હતું! ઝુરતું હતું.એમાંના ભાવો/પ્રતિભાવો વચ્ચે ઝુલતું હતું.
ઘણીવાર આ બંને શબ્દો કોઈ ગહન વિચારો તરફ દોરી જાય છે. પ્રત્યેક માનવીની અંદર એક ખાસ પ્રકારનું પેકીંગ કરીને, કાયાના પરબીડિયામાં ગોઠવીને, સુપ્રીમ પાવરે પૃથ્વી પર રવાના કર્યું છે. એ રોજ ધબકે છે. જાણે કે ખુલે છે અને મોકલનારને એનાં પ્રતિભાવો ( કર્મોના) પહોંચે છે. ને વળી એ પણ કેટલો મોટો એકાઉન્ટન્ટ કે દરેકનો બરાબર હિસાબ રાખે છે અને કોઈને કોઈ રીતે વળતો જવાબ પણ પાઠવે છે! ખૂબીની વાત તો એ છે કે, દરેકને પોતાનું જ પરબીડિયું વહાલું લાગે છે! બાકી આમ જોઈએ તો પરબીડિયાં પણ કેટકેટલી જાતનાં,અલગ અલગ આકારનાં, વિવિધ રૂપ અને રંગનાં. વિશ્વભરના માનવીઓનું-અરે, જીવમાત્રનું પણ એ જ છે ને? કેટકેટલું વૈવિધ્ય? છતાં દરેક પરબીડિયાનો ધબકાર,એની ભીતરના હૈયાંની જેમ જ એકસરખો. ત્યાં કોઈ ભેદભાવ નથી,પૂર્વગ્રહો નથી, કોઈ વાડાબંધી નથી.હા, એમાં છૂપાયેલા ભાવો/પ્રતિભાવો જુદા;બરાબર હૈયાંની જેમ જ ! તેથી જ સવારના પહોરમાં વાંચવામાં આવેલું પેલું વાક્ય “હૈયાંનાં પરબીડિયાંમાં લાગણીની ગડીઓ” મનમાં એકદમ અંકિત થઈ ગયું. ને વિચારો જરા જુદી રીતે સરકતા ચાલ્યા; સવાલો પર સવાલો જાગ્યા કે, કાયાનાં પરબીડિયાંમાં હૈયાનો ધબકાર ? કે હૈયું જ પરબીડીયું? શ્રી જયંત પાઠકની સુંદર પંક્તિઓમાં જ જવાબ સાંપડે છે.
પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ !
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં :
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં !
અસ્તુ.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
