ધિક્કારનાં ગીતો
ઉન કો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે…
દીપક સોલિયા
વાસ્તવિક જીવનમાં બેવફાઈ ચાહે પુરુષ કરે કે સ્ત્રી, મામલો ઉગ્ર બની શકે. દિલ તૂટે ત્યારે પુરુષ ભાંગફોડ કરે, મારામારી કરે કે ઇવન ખૂન કરવાની કે ચહેરા પર એસિડ ફેંકવાની હદે પણ જઈ શકે. સામે પક્ષે સ્ત્રી પણ પ્રેમીની બેવફાઈ પછી હંમેશાં આંસુ પીને ચૂપચાપ બેસી નથી રહેતી. એ પણ વિફરેલી વાઘણ કે છંછેડાયેલી નાગણનું રૂપ ધરીને અતિ આકરું વર્તન કરી શકે.
આ થઈ વાસ્તવની વાત, પણ ફિલ્મી ગીતોમાં નારીની પીડા, નારીનો આક્રોશ મોટે ભાગે એકદમ સોફ્ટ અને સુંદર રીતે વ્યક્ત થયો છે. આવા એક ગીતની આપણે વાત કરીઃ જાના થા હમસે દૂર, બહાને બના લિયે. આ ગીત ફિલ્મ અદાલત (૧૯૫૮)નું છે. એ એક જ ફિલ્મમાં પુરુષથી નારાજ સ્ત્રીએ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ-પાંચ ગીતો ગાયાં છે. એમાંની ત્રણ તો ગઝલ છે.
એક તો આ જઃ જાના થા હમ સે દૂર.
બીજી, ઉન કો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે.
ત્રીજી, યૂં હસરતોં દાગ મહોબ્બત મેં ધો લિયે.
ત્રણેત્રણ અમર, શાનદાર, અફલાતૂન. આ ઉપરાંત, એક ગીત એવું છે જેમાં બે ગીતો છે. એક વર્ઝન લતાએ ગાયેલું અને બીજું આશાએ. લતાએ ધીમા લયમાં અને આશાએ તેજ લયમાં. એ બન્નેમાં પણ મુદ્દો તો એ જ છેઃ બેવફા પુરુષ સામેની ચીડ. એ ગીત, કહો કે ગીતો શરૂ થાય છે લતાના સ્વરમાં:
જા જા રે જા સાજના, કાહે સપનોં મેં આએ, જા કે દેસ પરાયે બેવફા
તુઝ કો ગરઝ ક્યા મેરી વફા સે, જિયું યા મરું મૈં તેરી બલા સે (લતા)
દિલ તો દિયા થા તુઝે બડે અરમાન સે, પ્યાર લગાયા ભી તો કિસ બેઈમાન સે
દે હી ગયા જો દગા, સૈયા જા જા જા, જા જા જા સાજના (આશા)
દો દિન કી પહલે ઝૂઠી ખુશી દી, દર્દ ભરી ફિર યે ઝિંદગી દી (લતા)
હાથ પકડ બૈઠે ક્યોં ઐસે મીત કા, ઢંગ ના આયે જિસે જરા સા ભી પ્રીત કા
જાને ના ક્યા હૈ વફા, જા જા જા, જા જા જા સાજના(આશા)
વાત સ્પષ્ટ રીતે કહેવાઈ છેઃ તું બેવફા છે. તું પરદેશ જતો રહ્યો. હું જીવું કે મરું તને શો ફરક પડે છે. બહુ અરમાનો હતા મને તારા પ્રત્યે, પણ તું બેઈમાન નીકળ્યો. બે દિવસની ખુશી આપીને બદલામાં તું મને આખી જિંદગીનું દુઃખ આપી ગયો. તને પ્રેમની રીત જ નથી આવડતી, તને પ્રેમ શું છે એની ખબર જ નથી.
ફિલ્મમાં નરગિસ (લતા) કોઠા પર બેઠાંબેઠાં શાંતિથી આ ગાય છે. આ ઉપરાંત પણ બે ગઝલો નરગિસ એ જ કોઠા પર, એ જ રીતે સહેજ ઝુકેલી અવસ્થામાં બેસીને, એ જ ઉદાસ ચહેરા સાથે ગાય છે. આ ત્રણેય ગીતોમાં એ જ સારંગી-તબલાંવાળા સાજિંદાઓ છે. ફિલ્મ બનાવનારની હિંમતને દાદ આપવી પડે કે એક જ હિરોઈનને એક જ મુદ્રામાં એકદમ સ્થિર બેસાડી રાખીને ત્રણ-ત્રણ ગીતો ગવડાવવાં અને છતાં એવો વિશ્વાસ રાખવો કે આ ચાલશે… લોકો ચલાવી લેશે… લોકો વધાવી લેશે…
એમનો વિશ્વાસ સાચો ઠર્યો. આ વિશ્વાસ પાછળનું એક મહત્ત્વનું પરિબળ છે ગીતો લખનાર રાજેન્દ્ર કૃષ્ણ. આ ફિલ્મમાં રાજેન્દ્ર કૃષ્ણ ફક્ત ગીતકાર જ નહોતા, ફિલ્મનાં પટકથા-સંવાદો પણ એમણે જ લખેલા. સ્વાભાવિક છે કે રાજેન્દ્ર કૃષ્ણને પોતે લખેલા ગીતો પર ભરોસો હતો એટલે એમણે એવી પરવા ન કરી કે એક જ સ્ત્રી એક જ મુદ્રામાં બેસીને ત્રણ ગીતો ગાશે તો લોકો કંટાળશે તો નહીંને!
આ ફિલ્મનાં મહિલા નિર્માતા મલ્લિકા ક્વાત્રાને પણ ખાત્રી હતી કે ફિલ્મમાં નરગિસજી બેઠાં બેઠાં ગીતો ગાયાં કરશે તો પણ ફિલ્મ કંટાળાજનક બનવાને બદલે ઉલટાની દમદાર બનશે.
એમનું જજમેન્ટ સાચું હતું. આ ગીતો ફિલ્મની જાન છે, શાન છે. બાકી, એકદમ ફ્રેન્કલી વાત કરીએ તો ફિલ્મ ‘અદાલત’ જૂનવાણી, બીબાંઢાળ અને કંઈક અંશે રેઢિયાળ પણ છે. ફિલ્મમાં હીરો-હિરોઈન સાઈકલ પર ભટકાય, હિરોઈનને મુજરાની દુનિયામાં દોરી જનારી બહેનપણી રસ્તા પર ભટકાઈ જાય, હીરોના પિતાની કાર સાથે હિરોઈન રસ્તા પર અથડાઈ જાય (એવું લાગે જાણે હિરોઈન નિર્મલ એટલે કે નરગિસ ભારે એક્સિડેન્ટ પ્રોન છે). રસ્તા પરનાં આવાં આકસ્મિક અકસ્માતોની ભરમાર ફિલ્મને ‘ફિલ્મી’ બનાવે છે. છતાં, સહેજ ઉદાર ભાવ સાથે આ ફિલ્મ જોઈએ તો તે ખાસ્સી સ્પર્શી શકે તેવી છે અને તેની એ તાકાતનું રહસ્ય છે ગીતો.
ફિલ્મનાં અનેક ગીતોમાંનું મુખ્ય ગીત છેઃ
કુછ નહીં કહતે…
ફિલ્મના અંતિમ દૃશ્યમાં પણ બૅકગ્રાઉન્ડમાં આ ગીત વાગે છેઃ કુછ નહીં કહતે… અને સ્ક્રીન પર બે શબ્દો ચમકે છેઃ ધ એન્ડ.
આખું ગીત, રાધર ગઝલ, મસ્ત છેઃ
ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે;
અપની તો યે આદત હૈ કે હમ કુછ નહીં કહતે.
મજબૂર બહોત કરતા હૈ યે દિલ તો ઝુબાં કો;
કુછ ઐસી હી હાલત હૈ કે હમ કુછ નહીં કહતે.
કહને કો બહોત કુછ થા અગર કહને પે આતે;
દુનિયા કી ઇનાયત હૈ કે હમ કુછ નહીં કહતે.
કુછ કહને પે તુફાન ઉઠા લેતી હૈ દુનિયા;
અબ ઇસપે કયામત હૈ કે હમ કુછ નહીં કહતે.
ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે…
આ ગીત પણ બેઝિકલી પ્રેમીપુરુષ સામેની ફરિયાદનું જ ગીત છે, પણ એમાં કશુંક કહેવા કરતાં ન કહેવા પર ભાર મુકાયો છે. આ બ્યૂટી છે આ ગીતની. પ્રેમીની ટીકા કરવાને બદલે, ભડાસ કાઢવાને બદલે પ્રેમિકા ફક્ત એક જ વાત કહ્યા કરે છે કે છોડો, કુછ નહીં કહતે…
કંઈ ન કહીને ઘણું બધું કહેતા રાજેન્દ્ર કૃષ્ણાજીના આ ગીતની ચોટ શબ્દોમાં તો છે જ, પરંતુ એ ઉપરાંત ગીતની અસરકારકતાનાં મુખ્ય આધારો છે, લતાજીનો અવાજ અને મદન મોહનજીનું સંગીત.
આ બધું વાંચવાથી તમે ગીતને પૂરેપૂરું નહીં માણી શકો. એને માણવાની રીત એક જ છેઃ તેને સાંભળવું. તો અત્યારે જ સાંભળો આ ગીત. નેટ પર એ આસાનીથી ઉપલબ્ધ છે. ૮૦ ટકા ખાતરી સાથે કહી શકાય કે આ ગીત તમને ‘ઘાયલ’ કરશે.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
