પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક ગામ હતું. ગામની વચ્ચોવચ્ચ એક નાનું ઝાડ હતું.આ ઝાડ ઉપર નીની ચકી અને મુમુ ચકી સરસ માળા બનાવીને એમાં પોતાના ચકલાઓ સાથે રહેતી હતી. નીની અને મુમુ બંને બહેનપણીઓ. એમના ચકલા સુમો અને મોન્ટુ પણ એકબીજાના ભાઈબંધ. ચારેય જણ સાથે સાથે આનંદ કરે.
થોડા સમય પછી નીની અને મુમુએ ઈંડા મૂક્યાં. ચારેય પંખીઓ ઘણા ખુશ થયા. પછી તો નીની અને મુમુએ બહાર જવાનું બંધ કરી દીધું. એ લોકો તો આખો દિવસ ઈંડાને સેવે અને એમાંથી બચ્યાંની બહાર નીકળવાની રાહ જુએ. બંને બહેનપણીઓ પોતપોતાના માળામાં બેસીને વાતો કરે કે હવે તો આપણા બચ્ચાં આવશે. આપણે એમને સરસ દાણા ખવડાવીશું. પછી ઉડતા પણ શીખવાડીશું. આમ વાતોવાતોમાં એમનો દિવસ આનંદમાં પસાર થઇ જાય. સાંજે બંને ચકા માળામાં પાછા ફરે પછી ચારે ય જણ દિવસભરની વાતો કરે.
એક દિવસ કંઇક જુદું થયું. સુમો અને મોન્ટુ રોજની જેમ સાંજે માળામાં પાછા ફર્યા. જુએ છે તો એમની ચકલીઓ માળાની બહાર બેસીને રડતી હતી. ચકલાઓને ચિંતા થઇ. એમણે પૂછ્યું, “નીની, મુમુ, કેમ રડો છો?”
ચકલીઓ તો કશો જવાબ ન આપે અને બસ રડ્યા જ કરે. પછી ચકલાઓએ માળામાં જોયું તો એમાં એક પણ ઈંડું જ નહીં! એમને નવાઈ લાગી- અરે! ઈંડા ક્યાં ગયા? નીનીના માળામાં ચાર અને મુમુના માળામાં સરસ મજાના ત્રણ ઈંડા હતા. થોડા દિવસો પછી તો એમાંથી બચ્ચાં નીકળવાના હતા.
પછી નીની અને મુમુએ રડતાં રડતાં ચકલાઓને કહ્યું, “એક મોટી સમડી આવી હતી. એ આપણા બધા ઈંડા ખાઈ ગઈ. અમે બન્ને એને ઘણું કરગર્યા, પણ એણે એમનું ન સાંભળ્યું. ઉપરથી એણે તો પાંખની એક ઝાપટ મારીને અમને દૂર મોકલી દીધી. અમે બંને રડતી રહી એને સમડી બધા ઈંડા ખાઈ ગઈ.’
આ સાંભળીને સુમો અને મોન્ટુ પણ ઘણા ઉદાસ થઇ ગયા. પણ થઇ શું શકે? એમણે સમજાવીને એમની ચકલીઓને છાની રાખી.
થોડા સમય પછી પાછો નીનીનો ઈંડા મૂકવાનો સમય થયો. પણ આ વખતે એ ઈંડા મૂકવાથી જ ડરતી હતી. એણે ઘણી વાર પેલી સમડીને એમના ઝાડની આજુબાજુ ચકરાવા લેતી જોઈ હતી. સુમોને પણ ડર તો હતો જ. એ લોકો બીજા વૃક્ષ ઉપર માળા બાંધી શકે. પણ સમડીનો શું ભરોસો? એ તો ગમે ત્યાં પહોંચી શકે. હવે શું કરવું?
એક દિવસ સુમો, મોન્ટુ, નીની અને મુમુ આને માટે વિચાર કરવા બેઠાં. થોડું વિચારીને નીનીએ કહ્યું, “આપણા ઝાડથી થોડેક જ દૂર એક બીજું નાનું ઝાડ છે. મેં એના ઉપર ઘણી ચકલીઓ અને બીજા નાના પંખીઓને રહેતાં જોયાં છે. એમને પણ સમડી હેરાન તો કરતી જ હશે. આપણે એમને પૂછીએ કે એ લોકો એને કેવી રીતે ભગાડે છે?”
બધાને આ વિચાર ગમ્યો. બીજે દિવસે સાંજે એ ચારેય તો ઉપડ્યાં એ બાજુના ઝાડ ઉપર રહેતા એ પંખીઓને મળવા. ત્યાં જઈને એમણે પોતાની ઓળખાણ આપી. પછી એ પંખીઓને પોતાની મૂંઝવણ જણાવી. એ પંખીઓને પણ પણ સમડી એવી જ રીતે હેરાન કરતી હતી. એમના ઈંડાને પણ એ ખાઈ જતી હતી અને એ બધા પણ એનાથી બચવાનો ઉપાય શોધતા જ હતાં.
થોડી વાર વિચાર કરીને મોન્ટુ ચકલાએ કીધું, *મને એક વિચાર આવે છે. આપણે બધા સાથે મળીને એ સમડીને જરૂર ભગાડી શકીએ.’ પછી એણે બધાં પંખીઓને પોતાનો વિચાર જણાવ્યો.
બધા એને સાથ આપવા તૈયાર થયા. મોન્ટુએ કહ્યું, “આપણે એકવાર ડરવાનું બંધ કરીશું તો જ આપણો ડર જશે.’
થોડા દિવસ પછી નીનીએ પોતાના માળામાં ચાર ઈંડા મૂક્યાં. એ દિવસથી એમણે નક્કી કર્યા પ્રમાણે બાજુના ઝાડના પંખીઓ વારાફરતી એના માળાની નજીક આવી જાય. પછી ઝાડની ડાળીઓમાં સંતાઈ જાય. બધા વારાફરતી ચણવા જાય એટલે નીની ક્યારેય એકલી ન પડે. આ વાતથી અજાણ સમડીએ એક દિવસ નીનીના માળામાં ચાર નાના નાના મસ્ત ઈંડા જોયાં. એના મોઢામાં તો પાણી આવી ગયું. એ ઈંડા ખાવા માટે નીચે ઉતરી અને એ ઝાડની એક ડાળી ઉપર આવીને બેઠી.
પણ આ શું? એ માળાની નજીક જાય એ પહેલા તો આજુબાજુથી બીજી ઘણી ચકલીઓ અને બીજા નાના પંખીઓ આવી ગયાં. બે ત્રણ પંખીઓ ઊડીઊડીને એને ચાંચો મારવા માંડ્યા. તો અમુક એની પૂંછડીમાંથી પીંછા ખેંચવા માંડ્યા. સમડી જોરથી પાંખો ફફડાવે એટલે થોડી વાર માટે બધાં ઉડી જાય પણ તરત જ પાછા આવે. સમડીને ચાંચો મારે. એક બે આવા નાના પંખી તો સમડી પહોંચી વળે. પણ આટલા બધાની સામે શું કરી શકે?
સમડી અકળાઈ ગઈ અને ‘બીજી વાર આવીશ’ એમ વિચારીને જતી રહી. બે દિવસ પછી એ ફરીથી આવી. આ વખતે પણ એવું જ થયું. એની પૂંછડીમાંથી ઘણા બધા પીંછા ખેંચાઈ ગયા.
આવું બે ત્રણ વાર થયું એટલે સમડી સમજી ગઈ. તેને થયું-આ પંખીઓ ભલે નાના છે, પણ એમની પાસે જૂથનું બળ છે. એટલે હવે એમને જીતી નહીં શકાય.
સમડી ત્યાં આવતી બંધ થઇ ગઈ. બધાં પંખીઓને શાંતિ થઇ ગઈ. થોડા સમયમાં નીનીના ઈંડામાંથી સરસ મજાના બચ્ચાં નીકળ્યાં. મુમુ અને મોન્ટુની સાથે એમના બધા નવા મિત્રો પણ એમને રમાડવા આવ્યા. એ મિત્રોને સમજાઈ ગયું હતું કે હેરાન કરે એનાથી ડરવાનું નહીં. ભેગા મળીને એનો સામનો કરીએ તો જીત મળે જ.
ગિરિમા ઘારેખાન | મો-૮૯૮૦૨૦૫૯૦૯

UNITY won
LikeLike