વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
કેમ્પ,
આ એક એવી જગ્યા હતી જ્યાં કેટલાય જાણીતા-અજાણ્યા ચહેરા નજરે પડતા. આમતેમ ટહેલતા એક ટેન્ટ પાસે આવીને એક જરા જાણીતો લાગતો ચહેરો જોઈને અતુલ આગળ વધતો અટકી ગયો. ચહેરો જાણીતો લાગ્યો ખરો, પણ હજુ પરિચિતતાનો અણસાર આવતો નહોતો.
એ સ્ત્રી સ્મિતવદને નમસ્તે કરતી જરા નજીક આવી.
હજુ….હજુય અતુલ એને ઓળખવામાં નિષ્ફળ રહ્યો. અતુલની આ મથામણ એ સ્ત્રી સમજી શકી.
“ઓળખાણ ના પાડી ને? હું ઉમા.”
“ઓહ, ઉમા! માફ કરજો પણ તમે અહીં?”
ઉમાનાં એ થોડી ક્ષણોના મૌનમાં અતુલ એના સવાલનો જવાબ શોધવા મથતો રહ્યો.
વર્ષો પહેલાં જોયેલા એ ચહેરા પરની નિર્દોષતા, કુમાશ શોધવાનો અતુલનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. હા, ઉમાના ડાબા ગાલ પરનો તલ, મોટી ગોળ આંખોનું આકર્ષણ અકબંધ હતું. એની વાતો કરવાની ઢબ એની એ જ હતી. જોકે પહેલાં હંમેશાં લાંબા ખુલ્લા રહેતા વાળ બંધાયેલા હતા. હેર-ડાઈની ચમકમાં ઉમાના વાળની અસલ ચમક ખોવાઈ ગઈ હતી. ઉમાના ગંઠાયેલા શરીરમાં અસલની કોમળતા શોધવી મુશ્કેલ હતી.
“અંદર આવો. આ જ અમારું ઘર છે.” અતુલને અવઢવમાં જોઈને ઉમા બોલી અને ટેન્ટનો અધખુલ્લો પડદો ખોલીને અંદર જવા રસ્તો કર્યો. અંદર માત્ર એક પલંગ અને લાકડાની બે ખુરશીઓ હતી. અતુલને બેસવા ખુરશી તરફ ઈશારો કરીને ઉમા પલંગ પર બેઠી.
ઉમાને જોઈને અતુલના મનમાં કેટલાય વિચારો આવ્યા, પણ આ ક્ષણે જે સૌથી મહત્વનો લાગ્યો એ સવાલ અતુલે કર્યો.
“કોણ કોણ છે તમારા પરિવારમાં?
“એક દીકરો, એક દીકરી. દીકરો બારમા અને દીકરી દસમા ધોરણમાં છે.”
“પિતા?”
“પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયા.”
“ઓહ! માફ કરજો, મને ખબર નહોતી.”
“ક્યાંથી ખબર હોય, તમે તો વિદેશમાં હતા. પણ, તમારા વિશે હું થોડુંઘણું જાણું છું. તમારા લગ્ન થઈ ગયા, વિદેશ ચાલ્યા ગયા, બે સંતાનો છે અને હવે પાછા આવીને ઊંચી પદવી પર કામ કરો છો. આજકાલ કોઈ ફિલ્મ બનાવવાના છો. અને, એમાં તમારે આશ્ચર્ય પામવાની જરૂર નથી. તમારાં વિશે અખબારમાં વાંચ્યું છે.”
અતુલના ચહેરા પર આશ્ચર્ય જોઈને ઉમા બોલી અને ચા મૂકવા ઊભી થઈ.
“હું ચા નહીં પીઉં.” ઉતાવળે અતુલ બોલ્યો.
“કેમ, અમે ગરીબ છીએ એટલે?”
“ના, ના એવું નથી. હું ચા બહુ ઓછી પીવું છું. પણ, ચાલો આજે લઈશ.”
આટલાં વર્ષે ઉમાને જોઈને અતુલના મનમાં અનેક વિચારો આવ્યા. નજર સામે વીસ વર્ષ પહેલાંનું દૃશ્ય તરી આવ્યું.
એ એમ.એ. કરતો હતો ત્યારે ઉમા હાઇસ્કૂલની પરીક્ષા આપીને ઉનાળાની રજાઓમાં એની મોટી બહેનનાં ઘેર આવી હતી. પંદર-સોળ વર્ષની ઉંમરે ભારે નટખટ લાગતી ઉમા અતુલની નાની બહેન સાથે એના ઘેર પણ આવતી. અતુલ ઉમા પ્રત્યે થોડો આકર્ષાયોય ખરો. એકવાર અતુલે ઉમાનો હાથ પકડ્યો, ઉમા હાથ છોડાવીને તેજીથી સીડીઓ ઉતરી ગઈ, પણ ઉમાના હાથના સ્પર્શથી થયેલી ઝણઝણાટી હાથથી માંડીને અતુલના હૃદય સુધી પહોંચી.
ત્યાર બાદ અતુલ અને ઉમાને ક્યારેય એકલાં મળવાની તક મળી જ નહીં. બંને એકમેકને દૂરથી જોઈને સ્મિતની આપલેથી આગળ ન વધી શક્યાં કે, ન તો અતુલ એના ઘણાં પ્રયાસો છતાં ઉમા સાથે સંપર્ક વધારી શક્યો.
બસ, બંને વચ્ચે આટલો જ પરિચય રહ્યો.
ઉનાળાની રજાઓ પૂરી થતાં અતુલ શહેર ચાલ્યો ગયો અને જ્યારે છ મહિના પછી પાછો ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે ઉમાના વિવાહ થઈ ગયા હતા.
શરૂઆતમાં ઉમાનો માસૂમ ચહેરો અતુલને અવારનવાર યાદ આવતો, પણ સમય જતા એ ઉમાને ભૂલવા લાગ્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ એ વિદેશ ચાલ્યો ગયો. પાછો આવ્યો, નોકરી મળી, લગ્ન થયાં, સંતાનો થયાં.
કાશ્મીરના સંજોગો બદલાયા. ડહોળાતાં જતાં, અસલામત વાતાવરણમાં અનેક કાશ્મીરી શરણાર્થીઓ જમ્મુ જેવાં શહેરોમાં આવવા માંડ્યાં હતાં.
અતુલને શરણાર્થીઓ પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. શિબિર વિશે, શિબિરમાં રહેતા શરણાર્થીઓ વિશે માહિતી એકઠી કરવા કેમ્પમાં આવ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે અહીં ઉમા સાથે આવી રીતે મુલાકાત થશે.
વિચારોમાં ડૂબેલા અતુલના હાથમાં ઉમાએ ચાનો કપ મૂક્યો. ઉમાના હાથનો સ્પર્શ થતાં એ ભૂતકાળમાંથી વર્તમાનની સપાટીએ પાછો આવ્યો. અચાનક અતુલે ઉમાનો હાથ પકડી લીધો. અતુલના હાથમાં હાથ રહેવા દઈને ઉમા એમ જ સ્થિર ઊભી રહી. આંસુનું એક ટીપું અતુલના હાથ પર પડ્યું અને પછી આંખ છલકાઈ.
કદાચ, ક્યારેક અતુલના હાથમાંથી હાથ છોડાવી લીધો હતો એની વ્યથા હતી કે, જે આંખમાંથી આંસુ બનીને અતુલનો હાથ ભીંજવતી હતી??
કદાચ….
ઓમકાર કૌલ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
