સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

“નેતાઓએ વહેતાં મૂકેલાં કોમી ઝેરથી ભરેલાં વાતાવરણમાં સામાન્ય પ્રજા તણાઈ ગઈ. ધસમસતાં આ પ્રવાહમાં પોતાને ધકેલનારા નેતાઓ તીરે સલામત ઊભા હતા તેવું ભાન પ્રજાને આવ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તોફાનોનાં વમળમાં અટવાતા એમનાથી સ્વસ્થતાપૂર્વક પાછળ નજર થઈ શકતી ન હતી. પ્રવાહની સાથે તણાયે જ છૂટકો હતો.”

(કમળાબેન પટેલ :૧૯૧૨થી ૧૯૯૨)

ઉપરનું અવતરણ દેશનાં વિભાજન સમયે રમખાણો દરમિયાન જે બન્યું તેના સંદર્ભમાં કમળાબેન પટેલે ૧૯૭૯માં લખેલા પુસ્તક ‘મૂળ સોતાં ઉખડેલા’ માંથી ઉતારેલું છે.

એ વખતના તોફાનો માટે કોમી રમખાણ શબ્દ ઘણો નાનો પડે તેમ હતું. માત્ર કત્લેઆમ, લૂંટફાટ કે આગજની જ નહિ, પુરૂષોની હિજરત કે કતલ થયા પછી તેમની સ્ત્રીઓ પર અહીં લખી ન શકાય તેવા અત્યાચારો અને અપહરણો પણ કરવામાં આવ્યાં હતાં. તોફાનો શાંત પડ્યા પછી તો અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હતી. તેમાં મુખ્ય સમસ્યા પાકિસ્તાનમાં અપહ્રુત થયેલી કે રખડી પડેલી હિંદુ-શીખ સ્ત્રીઓ તેમજ બાળકોને શોધીને ભારતમાં લાવવાની અને તે પ્રકારની ભારતમાંની મુસ્લિમ સ્ત્રીઓને શોધીને પાકિસ્તાનમાં પહોંચાડવાની હતી. આ કાર્ય માટે બન્ને દેશો વચ્ચે સમજૂતી થયેલી અને તેના અંતર્ગત કેટલાક નિયમોને આધીન સ્ત્રીઓની પુન:પ્રાપ્તિનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. માત્ર સરકારી તંત્ર મારફત આવા કામ થવા લગભગ અશક્ય હોય છે. આથી નિષ્ઠાવાન સમાજસેવકોની પણ મદદ લેવામાં આવી હતી. પાકિસ્તાનમાંથી હિંદુ સ્ત્રીઓ અને બળકોને શોધીને ભારત પહોંચાડવાના કામમાં જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા મૃદુલાબેન સારાભાઇના માર્ગદર્શન હેઠળ કમળાબેન પટેલ[1] આગળ આવ્યાં.

અપહ્રુત થયેલી હિંદુ સ્ત્રીઓ અને બાળકોને પાકિસ્તાનનાં ગામોમાંથી ત્યાંની પોલીસની મદદથી શોધીને તેમને લાહોરની હિંદુ નિર્વાસિતોની છાવણીમાં લઈ આવવાનું અને ત્યાર બાદ તેમને ભારતમાં મોકલી આપવાની વ્યવસ્થા પર ધ્યાન રાખવાનું કામ કમળાબેન સંભાળતા. આ છાવણીમાં આવતી ઘણી બધી સ્ત્રીઓ અને બાળકોની આપવીતી પથ્થરને પણ પીગળવે તેવી હતી. કમળાબેને આમાના કેટલાક પ્રસંગો અને બીજા અનુભવો તેમનાં પુસ્તકમાં લખ્યા છે. દારુણ વિભીષિકાઓની વચ્ચે ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન માનવતાનાં દર્શન કેટલાક પાકિસ્તાનના મુસ્લિમોએ કરાવ્યાં હતા. તેમાંનો એક પ્રસંગ અહીં મૂક્યો છે.

પાકિસ્તાનના શેખપુરા જિલ્લાનાં એક નાનાં ગામમાં ઇંદરસિંહ નામનો એક ખેડૂત યુવાન તેનાં માબાપ, બે ભાઈ, વીસ વર્ષની એક બહેન અને દાદી સાથે રહેતો હતો. ઓછી પણ ફળદ્રુપ જમીનને કારણે કુટુંબનું ગુજરાન થઈ રહેતું હતું. તોફાનો તો ૧૯૪૭ના એપ્રિલ માસથી જ શરૂ થઈ ગયા હતાં, તેથી પરિવારમાં બધા બીકથી ફફડતાં હતાં. પરંતુ ઘરબાર અને જમીન છોડીને ક્યાં જવું એની મોટી મુંઝવણ હતી. જૂનજુલાઇ આવતા તો તોફાનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું. પરિવારને હવે પાકિસ્તાનમાં રહેવામાં સલામતી નથી એમ સમજાયું. સૌથી વધારે જોખમ યુવાન દીકરીને માથે હતું. કેમ કે મારકાટ ઉપરાંત સ્ત્રીઓનાં અપહરણની ઘટનાઓ વધવા લાગી હતી. આથી ઇંદર બહેનને લઈને એક બસમાં ગામથી દસેક માઈલ દૂર આવેલા લાહોરમાં રહેતી પોતાની માસીના ઘરે જવા નીકળ્યો, કેમ કે અહીં તેને સલામતી લાગતી હતી.

બસ આગળ વધતી ગઈ તેમ ‘મારો કાપો’ના પોકારો કરતાં ગાંડાતુર ટોળાંઓ સામે મળવા લાગ્યાં. એક સ્થળે બસ ટોળાથી ઘેરાઈ ગઈ. ટોળાના માણસોએ બસમાં દાખલ થઈને હિંદુ લાગતા મુસાફરોને નીચે ઉતારીને મારવા માંડ્યા ઈંદરનાં શરીર પર છરીના ઘા કરીને તેની બહેનને ઝૂંટવી લીધી. પછી ઇંદરને એક ઝાડ નીચે ફેંકી દીધો. ગળા પર થયેલા છરીના ઘાને કારણે ઘણું લોહી વહી ગયું અને તે બેભાન બની ગયો.

એને પોતાને ખ્યાલ ન રહ્યો કે કેટલો સમય તે ઝાડ નીચે પડી રહ્યો હશે, પણ જ્યારે આંખ ખૂલી ત્યારે કોઇનાં ઘરમાં હતો. ઘરના લોકો અને ઘરનું વાતવરણ સાવ અજાણ્યું લાગતું હતું. પોતે એટલો બધો ડરી ગયો હતો કે ભાનમાં હોવા છતાં આંખ બંધ કરીને પડી રહ્યો. પરંતુ આખરે મારની અસહ્ય વેદનાને લીધે તેના મોંમાથી ઊંહકાર નીકળી ગયો. આધેડ જણાતી એક સ્ત્રીએ તેનાં માથા પર હાથ ફેરવ્યો અને મોંમા પાણીનું ટીપું મૂક્યું. સ્ત્રીએ તેને વહાલથી કહ્યું, “ડરના મત બેટા, જલદી આરામ હો જાયેગા” આ સાંભળીને ઇંદરને તો પોતે સ્વપ્નમાં હોય એમ લાગ્યું.

વાસ્તવમાં તે ભારતના ગુરદાસપુર જિલ્લામાંથી હિજરત કરીને પાકિસ્તાન આવેલા એક મુસ્લિમ કુટુંબના ઘરમાં હતો. આ એ કુટુંબ હતું, જેણે ભારતમાં પોતાના સૈફુ નામના જુવાન દીકરાને હિંદુ તોફાનીઓને હાથે ઠાર થયેલો જોયો હતો અને પછી બધી જ માલમિલ્કત છોડીને જેમતેમ કરીને જીવ બચાવીને પરિવાર પાકિસ્તાનનાં પંજાબનાં એક છેવાડાનાં ગામમાં પહોંચી ગયો. ત્યાં અપરિચિતોની વચ્ચે એક મકાનમાં ઠરીઠામ થઈને રહેવા પ્રયાસ કરવા લાગ્યો.

બનેલું એવું કે એક વહેલી સવારે આ મુસ્લિમ કુટુંબની એક મહિલાએ કુદરતી હાજતેથી પાછાં ફરતાં ઇંદરને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો, ઉતાવળે ઘેર જઈને તેણે પોતાના પતિને આ વાત કરી. માનવતાને ધોરણે પરિવારજનોએ ઇંદરને પોતાના ઘરે લઈ આવવા વિચાર્યું. પરંતુ તે સમયે વાતાવરણ એવું હતું કે કોઇ હિંદુ કાફરને આશરો આપવામાં આવ્યો છે તેની ગામલોકોને જાણ થાય તો ઇંદર ઉપરાંત આ મુસ્લિમ પરિવારની પણ કતલ થઈ જાય તેવી પૂરેપૂરી દહેશત હતી. આમછતાં પતિપત્નીએ હિંમતભર્યો નિર્ણય કરી, કોઇને પણ ખ્યાલ ના આવે તે રીતે ઇંદરને ઘરમાં લાવી દીધો. લાગતું હતું કે બેચાર દિવસમાં ઇંદરને સારું થઈ જશે, પણ પુષ્કળ લોહી વહી જવાથી તે ઘણો નબળો પડી ગયો હતો. ગળાનો ઘા રુઝાતા લાંબો સમય લાગે તેમ હતું. વળી હિંદુ તરીકે ઇંદરને ઘરમાં લાંબો સમય સુધી રાખી શકાય તેમ હતું નહિ. આથી ગામમાં તેમણે વાત વહેતી મૂકી કે તેમનો એક દીકરો ગુરદાસપુરમાં પાછળ રહી ગયો હતો તે ઘાયલ સ્થિતિમાં તેમની પાસે આવી પહોંચ્યો હતો. આમ પણ હિજરત કરીને આવેલા આ પરિવારને ગામલોકો ઓળખતા તો ન જ હતા. એટલે ગામલોકોને કોઇ શક ગયો નહિ ઉલ્ટાની તેમણે સલાહ આપી કે દીકરાને હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. આ સલાહ ઝડપી લઈને ઇંદરને હોસ્પિટલમાં દાખલ કરી દીધો અને તેંનું નામ લખાવ્યું હિંદુઓના હાથે મૃત્યુ પામેલા પોતાના દીકરા સૈફુનું. આ બધો સમય ઇંદર તો પોતાને કોઇ ઓળખી જશે એ બીકે ફફડતો જ રહ્યો. પરંતુ સદભાગ્યે કોઇ ઓળખી શક્યું નહિ કારણ કે પંજાબમાં હિદુ અને મુસ્લિમના આહારવિહાર, આચાર અને પોશાક એક સરખા હોય છે. હોસ્પિટલમાંથી ઘેર આવી ગયા પછી છ માસ સુધી તેને પથારીમાં જ પડી રહેવું પડ્યું. થોડો સ્વસ્થ થયો કે તરત જ તેને માબાપ, ભાઈ અને તોફાનીઓએ છીનવી લીધેલી બહેનની તીવ્ર યાદ આવવા લાગી. વળી જે પરિવારમાં તે આશરો લઈ રહ્યો હતો તે કાંઇ ખમતીધર તો હતો નહિ, ભારતમાં બધી જ માલમિલ્કત છોડીને આવ્યો હતો. આ લોકો પર ક્યાં સુધી બોજ બનીને રહેવું? એવો વિચાર પણ તેને આવતો હતો. પરંતુ પરિવારના લોકો તો તેને દીકરા તરીકે રાખવા જ ઇચ્છતા હતા. કેમે કરીને ઇંદરે પોતાના માતાપિતા અને ભાઈઓની ભાળ મેળવવા રજા માગી લીધી. તપાસ કરતો કરતો તે કમળાબેનની છાવણીમાં પહોંચ્યો. કમળાબેને તેની વાત સાંભળી, માનવતાના પૂજારી એવા પેલા મુસ્લિમ પરિવારને મનોમન વંદન કર્યા અને તેના માતાપિતાનો પત્તો મળે ત્યાં સુધી ઇંદરને છાવણીમાં રાખવાનું વિચાર્યું.

છાવણી હિંદુ માટેની હતી અને ઈંદર હિંદુ હોવા છતાં તેની ઓળખ તો મુસ્લિમ તરીકેની હતી. વળી પાકિસ્તાન સરકારની છાવણી પર બારીક નજર હતી આથી લાંબો સમય તેને અહીં રાખી શકાય તેમ ન હતું. ઇજાઓને કારણે તે એટલો નબળો પડી ગયો હતો કે જાતે પોતાના કુટુંબની તપાસ કરવા જઈ શકે તેમ ન હતો. જેમતેમ કરીને કમળાબેને કોઇ વિશ્વાસુને સાથે મોકલીને ઇંદરને તેનાં ગામ જવાની છૂપી ગોઠવણ કરી આપી પરંતુ ગામમાં તેના માતાપિતા કે ભાઈની ભાળ મળી નહિ અને છાવણીમાં પાછો ફર્યો.

કમળાબેનની ઇચ્છા પેલા મુસ્લિમ પરિવારને મળવાની હતી આથી એક મુસ્લિમ કાર્યકર્તાની મદદ લઈને મળવા ગયા. પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું, આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો. કમળાબેન પણ સાથે મીઠાઈ અને ફળફળાદિ લઈને ગયા હતા.

ઇંદરથી છૂટા પડતા આ દંપતિ જાણે પોતાના સગા દીકરાને પરદેશ મોકલતાં હોય એમ ગળે વળગીને ખૂબ રડ્યાં. કમળાબેન લખે છે કે લાગણીભર્યા આ વાતાવરણમાં તેઓ ભાગલાની યાતનાઓ અને બન્ને કોમોએ એકબીજા પર ગુજારેલા જુલમોને વીસરી ગયાં. ઇંદરને તો એક માતાપિતાથી વિખુટા પડ્યા બાદ બીજા માની લીધેલા માબાપથી છૂટા પડવાનું બન્યું

બીજા દિવસે કોઈ બાતમી મળ્યાથી ઇંદર તપાસ કરવા જલંધરની છાવણીમાં ગયો અને ત્યાં તેની બહેન મળી ગઈ આ ઉપરાંત તેનાં માબાપ પણ બીજી એક નિર્વાસિતોની છાવણીમાંથી મળી ગયાં.

કહેવાની જરૂર નથી કે  બન્ને દેશમાં પ્રસરેલા કોમી ઝેરભર્યા વાતવરણમાં ઇંદરે માનવતાની મહેક અંકે કરી હશે.


[1] (*ક્મળાબેનનો પરિચય.: ‘મૂળ સોતાં ઉખડેલાં’ પુસ્તકમાં કમળાબેને ક્યાંય પણ પોતાનો નાનો સરખો પણ પરિચય આપ્યા વિના સીધા જ ભાગલા પછી તેમને સોંપાયેલી કામગીરી અને અનુભવોની જ વાત કરી છે. અન્ય કોઇ પુસ્તકમાં પણ તેમના વિશે લખાણ જોવામાં આવ્યું નથી. આથી ગૂગલને સહારે જ  તેમની  તસવીર સહિતનો તેમનો પરિચય આપવા પ્રયાસ કર્યો છે.

વતન તેમનું હતું ચરોતરનું સોજિત્રા ગામ અને જન્મ નડિયાદમાં થયો હતો. પિતા શંકરભાઈ પટેલની ચાર દીકરીઓમાં કમળાબેન સૌથી મોટાં હતાં. શંકરભાઈ નાની ઉંમરે જ વિધુર થયા હતા, આથી પોતાની ત્રણ નાની બહેનોની દેખભાળ કરવાની જવાબદારી કમળાબેનને માથે આવી હતી. પછી ગાંધીજી પ્રત્યેનાં અદમ્ય ખેંચાણને લીધે શંકરભાઈ ચારેય સંતાનોને લઈને સાબરમતી આશ્રમમાં આવી ગયા. લગ્ન થયા બાદ થોડા જ સમયમાં એટલે કે ૧૮ વર્ષની ઉંમરે કમળાબેન વિધવા થયાં હતાં.

મૃદુલાબેન સારાભાઇ અવારનવાર ગાંધીઆશ્રમની મુલાકાતે આવતાં, તેથી અહીં તેમને કમળાબેનનો પરિચય થયેલો. કમળાબેનમાં કાર્યક્ષમતા, સમર્પિતતા તેમજ સંવેદનશીલતાના ગુણો તેમણે જોયેલા. આથી જ વિભાજન પછી જ્યારે નિર્વાસિતોનો પ્રવાહ ઓછો થયો ત્યારે તેમણે કમળાબેનને પાકિસ્તાનમાં અપહ્રુત થયેલી સ્ત્રીઓને શોધીને લાહોરની છાવણીમાં લાવવાની અને ત્યાંથી ભારત મોકલવાની કામગીરીની જવાબદારી સોંપી. કામગીરી જોખમી તો હતી જ ઉપરાંત કમલાબેનની યુવાન વયને કારણે વધારે જોખમી હતી. પરંતુ બધા જ ભયને ત્યાગીને કમળાબેને પોતાની જુવાનીનાં ઉત્તમ વર્ષો આ કામમાં ગાળ્યાં આ દરમ્યાન પોતાને થયેલા સારાનરસા અનુભવો તેમણે પોતાના પુસ્તક ‘મૂળાસોતા ઉખડેલ’ માં વર્ણવેલા છે.

‘મુળસોતાં ઉખડેલા’ એ માત્ર પુસ્તક જ નથી પરંતુ ભાગલા વખતે બન્ને કોમોનાં હેવાન બની ગયેલા માનસ, બન્ને દેશોના સરકારી તંત્રમાં રહેલા મોટાભાગના અધિકારીઓમાં નિષ્ઠાનો અભાવ તો ક્યાંક ક્યાંક સામાન્ય માણસો અને કોઇ અધિકારીઓએ પોતાનો ધર્મ કે દેશ ભૂલી જઈને માનવતાને આપેલી પ્રાથમિકતાનો એક દસ્તાવેજ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જિજ્ઞાસુઓએ આ પુસ્તક વાંચવું રહ્યું.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.