બીજા અંકમાં, તેઓ જેને “ત્રીજો જન્મ”કહે છે તેવી સુશ્રી પ્રીતિબહેનની અમેરિકાની જીવનશૈલી ઝલક જોવા મળી. હવે આગળ……
આવા મારા ઉત્ફુલ્લ સમય-કાળ દરમ્યાન એક એવો બનાવ બન્યો હતો કે જેને હું મારા અમેરિકામાંના જીવનનો બીજો ચમત્કાર ગણું છું. નાનપણથી હું બંગાળી સાહિત્યના ગુજરાતી અનુવાદો વાંચતી આવેલી, અને રવીન્દ્રનાથનાં ગીતો ગાતાં શીખેલી. મનમાં એક હસવા જેવો ખ્યાલ હતો, કે બંગાળી કવિને પરણવું છે ! એવું, કે જે ગુજરાતમાં શક્ય ના બન્યું હોત તે કોઈ જાદુઈ રીતે ન્યુયોર્કમાં બન્યું. એક બંગાળી ભદ્રજન સાથે મુલાકાત, મૈત્રી, પ્રેમ ને પછી લગ્ન થયાં. જોકે મેં ઘણી વાર કહ્યું છે, કે “ સારું છે કે ઈશ્વરે કવિ મને બનાવી. જો એ કવિ હોત તો અમે “ખાખી બંગાળી’ હોત!” આટલો વિનોદ જાત પ્રત્યે !
પછી તો એના બંગાળી મિત્રો સાથે મારી ઓળખાણો થઈ, બધા બંગાળી કાર્યક્રમોમાં જવાનું થવા માંડ્યું, રવીન્દ્રનાથના ડાન્સ-ડામામાં ભાગ લીધો, કોલમ્બિયા યુનિવર્સિટીના મંચ પર બંગાળી કાર્યક્રમોમાં ગાયું, ન્યૂયોર્કની ટાગોર સોસાયટી સાથે વર્ષો સુધી એની કારોબારીમાં જોડાયેલી રહી. બધાં બંગાળીઓ મને બંગાળી જ માને. જે જાણતાં હોય તે પણ ભૂલી જાય કે હું “ઓંબોંગાલી’ છું! ન્યુયોર્કમાં રહેતાં રહેતાં મને આખું બંગાળી-વિશ્વ આવી મળ્યું. અન્યોની વાતો સાંભળી સાંભળીને હું બંગાળી બોલતાં શીખી ગઈ, અને જાતે, એકદમ ઝટપટ – પંદર મિનિટમાં – બંગાળી વાંચતાં શીખી ગઈ. ને એ પછી તો કેટલી બંગાળી ચોપડીઓ વાંચી – શૉકોરથી શરૂ કરીને ‘શરચ્ચંદ્ર’, ને રવીન્દ્રનાથ, તારાશંકર બંદોપાધ્યાય, આશાપુર્ણાદેવી ઈત્યાદિથી સુનીલ ગંગોપાધ્યાય. આ એક વધારે પરિમાણ – ગુજરાતી, અમેરિકન અંગ્રેજી, પછી બંગાળી. અને વિશ્વમાંથી તો હજી કેટલુંયે ઉમેરાવાનું હતું.
લગ્ન થતાંની સાથે શ્રી સેનગુપ્તાએ કહ્યું, કે “ તારે નોકરી કરવાની જરૂર તથી. હું હંમેશાં તારી સંભાળ રાખીશ.” તે મારે વળી નોકરી કયાં કરવી જ હતી ! આવી વ્યક્તિનું મને આવી મળવું, તે છે મારા જીવનનો બીજો, અને સદાયે માટેનો અદ્ભૂત ચમત્કાર. ભાગ્ય તરફથી મળેલો આશીર્વાદ.
બસ, આ પછી તો દુનિયાનાં બધાં બારણાં ખુલી ગયાં, અને બધા રસ્તા સામસામા થઈ ગયા. હવે તો છ મહિનાની નોકરી કરવાની પણ જરૂર ના રહી. ખૂબ રસથી ને પ્રેમથી મેં આ ગોળ પુથ્વી પર આવર્તનો લેવા માંડ્યાં. મારા વરને ક્યારેક ટાપુ-દેશો પરના મોંઘા રિઝોર્ટમાં જવા સિવાય પુથ્વી-દર્શનમાં જરા પણ રસ નહીં, ને મારે માટે એ તીવ્ર ખેંચાણ. મારો વર ચિંતા કર્યા કરે, પણ ક્યારેય મને રોકે નહીં. હું કેટલો નિજાનંદ પામું છું એ જોઈને પોતે પણ ખુશ થાય. અત્યાર સુધીમાં પંદરેક વાર પૃથ્વી ફરતે જઈ આવી છું. અમેરિકા અને યુરોપ પછી બીજા વધારે દૂરના દેશો તરફ ગઈ, વધારે અઘરા પ્રવાસો કરવા લાગી. બધું જ એકલાં, જાતે
જાતે, એકદમ મક્કમ નિધીર. કેટલી હિંમત કરું છું, એવો કશો “વહેમ’ નહીં, ને સાથે જ, ભયનો ને બીકનો કશો ભાવ નહીં.
ખરેખર તો, મનમાં વિશ્વાસ રહેતો – અન્યો માટે. એમ, કે કારણ વગર સંશય કરવાનું, ને શંકિત થવાનું શા માટે? સહજ આનંદ અને સતત વિસ્મય જાણે મારી જીવન-નાવનાં બે હલેસાં બની ગયાં. બસોમાં ફરું ને ધરમશાળા જેવી નાની સ્થાનિક જગ્યાઓમાં રાત રહું, જે મળે તે ખાઈ લેતી હોઉં; ઘણી મહેનત કરીને ભ્રમણ કરતી હોઉં, પણ ફ્યારેય કંટાળો નહીં, ને ભાગ્યે જ જાતને પણ ફરિયાદ. વિશ્વભરમાં કેટકેટલા પ્રવાસો બસમાં કર્યા, ને તે પણ કલાકોના કલાકો, અને દિવસો સુધીના. જેમકે, પહેલી વાર અલાસ્કા ગઈ ત્યારે કેનેડાના વાનકુવર શહેરથી બસ લીધેલી. પાંચ દિવસ પછી પાંચમી રાતે ત્યાં ફેરબૅન્ક્સ ગામે પહોંચી. આમાં
પહેલા અડતાલિસ કલાક એક જ બસમાં, એક જ સીટ પર ગાળ્યા હતા. કુદરતની કમાલને જોયા કરી હતી. શું રોમાંચ, શું ઉલ્લાસ; કંટાળાને માટે મનમાં જગ્યા જ ના થાયને. આ રીતે ટ્રેન-સફર તો ઘણા દેશોમાં કરી છે, પણ ટ્રેનમાં પિસ્તાલિસ કલાકો સળંગ મુસાફરી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ કરી છે. ભૂમિ, બસ, જોતી જ રહું.
દર વર્ષે, વર્ષમાં ચાર મહિના-છ મહિના પ્રવાસ થતા ગયા, ને અમુક વખતે મને ખ્યાલ આવ્યો કે સ્થાનો પર તો જઈ જ રહી છું, પણ એક પછી એક કરતાં પૃથ્વીના જુદા જુદા મહાખંડમાં પણ જઈ રહી છું. હું મારી જ પ્રક્રિયાથી સભાન બની, અને વધારે આદરપૂર્વક વિશ્વના પ્રદેશોમાં જવાનાં આયોજન કરવા માંડી. હું માનતી આવી છું, કે જે નજીક હોય તે પહેલાં જોવું જોઈએ, ને પછી ક્રમશ: દૂરનું, અજાણ્યું, અઘરું, જોવા જવાનું વિચારવું જોઈએ. જાણે એક પછી એક પગથિયું ચઢતાં જવાનું. સદ્ભાગ્યે, અમેરિકા આવી તે પહેલાં ભારતમાં વારંવાર થયેલા પ્રવાસો દ્વારા સમગ્ર જન્મભૂમિને નયનથી ને હૃદયથી નવાજવા પામી હતી. અલાસ્કા, હવાઈ અને આખા અમેરિકાને જોયું, અને યુરોપ, મેંફિસકો, કૅનેડા ગયા પછી જ જાણે હું પૂર્વ એશિયાના અત્યંત સુંદર દેશો – કોરિઆ, જાપાન, તાઈવાન વગેરે – જોવાને લાયક બની. પછી એશિયા ખંડના અન્ય દેશો જોયા. આટલા મોટા આફ્રીકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડમાં પણ ઘણા દેશો આવેલા છે. વળી, ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ. આખી લાંબી યાદી અહીં કયાં બનાવું? પણ એમ કહી શકું કે નિયમિત તથા વ્યવસ્થિત રીતે ફરતાં ફરતાં એકસો દસથી વધારે દેશોનાં દર્શન કર્યા છે. કેટલાયે દેશોમાં એકથી વધારે વાર ગઈ, કારણકે બધે ગમી જાય, ને ફરી જવાનું મન તો તૈયાર જ હોય. ભારત તો દર વર્ષે જતી હતી, અને ત્યાં પણ વિભિન્ન સ્થળો જોવા જતી રહું. ઉત્તર-પૂર્વના પ્રાંતો હોય, કે ઉત્તર પ્રદેશમાંનાં યાત્રાધામ હોય, કે કર્ણાટકનાં પ્રાચીન સ્મારક-સ્થાનો હોય, મારે તો જાણે બધું જ જોવું હોય. સ્તેહસિક્ત લોભ એક આ જ- સ્થાનો જોવાનો. એમને ફરી ફરી જોવાનો !
વળી, પૃથ્વી પર તો જાણે પેટા-ખંડો પણ છે. જેમકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલો મધ્ય-અમેરિકા કહેવાતો ભૃમિ-ભાગ. ઉપરાંત, દરેક દરિયામાં ઘણા દ્વીપ-દેશો હોય છે. એ બધા તો એટલા વિયુક્ત, ને એટલા નાના, કે એમને કયા ખંડમાં ગણવા તે ઘણી વાર જાણે સમજાતું નથી હોતું. એટલાન્ટીક સમુદ્ર, પેસિફિક સમુદ્ર, કરીબિયન સમુદ્રમાંના એવા કેટલાયે દ્વીપ-દેશો પર પણ હું ગઈ. દરેક ટાપુ પર જન-જીવન પણ વિશિષ્ઠ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રીકા, ઓસ્ટ્રેલિયા – એમ છ ખંડોમાંના અસંખ્ય દેશોમાં ફરી વળી, ને તે પછી જ એન્ટાર્કીટેકા જવા મેં મારી જાતને પરવાનગી આપી. છેલ્લે જાણીતો થયેલો તેથી એ સાતમો ખંડ કહેવાય છે, ને પ્રવાસી તરીકે મારે એને યોગ્ય આદર આપવો હતો. એ તો જાણે શબ્દાતીત અદ્ભૂત જગ્યા હતી. માંડ કશી ભૂમિ. અમુક કિનારા પાસે લાવા-રજ દેખાય. વધારે તો, આખો યે મહા-વિસ્તાર બરફથી છવાયેલો. સફેદ વાદળાં જોઈને થાય આ પહાડ હશે? હિમનદીઓ પોતાના જ વજનથી તૂટીને વિરાટકાયી હિમખંડો બનીને સમુદ્રમાં તરતી હોય. અલૌકીક સ્થાન, પારલોકીક અનુભવ. આ અસાધારણ હિમમંડિત સ્થાન-દર્શન કરીને વહાણ દુનિયા તરફ પાછું જવા માંડ્યું, ત્યારે ન બનવું જોઈએ તે બન્યું. પાણીમાં ઊંડે રહેલા પાષાણોની સાથે વહાણનું તળિયું અથડાયું, ને એવું ઘસાયું કે તત્કાળ વહાણમાં પાણી ભરાવા લાગ્યું. બધાં મશિનો બંધ થઈ ગયાં, બધે અંધારું થઈ ગયું. વહાણ મધદરિયે વાંકું વળીને અટકી પડ્યું. ધમાલ મચી ગઈ. આ વહાણ આર્જેન્ટીનાના નૌકાદળનું હતું, ને પહેલી વાર આમ પ્રવાસીઓને લઈને એંન્ટાર્કીટેકા આવ્યું હતું. બધા ખલાસીઓ સ્પેનિશ જ બોલે, અને એ બધા પણ ગભરાઈ ગયેલા. વહાણ તૂટ્યું પછી ખૂબ ઉતાવળે સ્પૅનિશમાં સૂચનાઓ આવવા લાગી. કશું સમજાય તહીં.
છેવટે બધાં મુસાફરોને તૃતક પર ભેગાં કરવામાં આવ્યાં. દરેક જણ, એક પછી એક કરીને, દોરડાની નિસરણી પકડીને ઊતરતું ગયું. એ નિસરણી તો થોડે સુધી જ જતી હતી, તેથી દરેક જણે પાણીમાં નાખેલી રક્ષા-નાવના નાના ચોરસ “મોઢા” માં કૂદવું પડ્યું. સાચવીને જ સ્તો. નીચે હતો બરફના પાણીનો બનેલો સાગર, એમાં મોટીમસ વહેલ માછલીઓ તરે, ને ડોલમડોલ નાવડીમાં “પડવાનું” – નહીં તો બચવાનો કોઈ ઉપાય નહીં.
બચવા અંગેની વાત તો લાંબી છે, પણ અહીં આટલું પુરતું છે. જાન બચી, તે જ; બાકી બધું ગુમાવ્યું – કપડાં, પૈસા, જરૂરી ચીજો, બે કૅમેરા, ત્રણસો જેટલા ફોટા, ને એથીયે વધારે તો, પાસપોર્ટ અને ગ્રીન કાર્ડ. (વષી પહેલાં “જાદુ’થી મળ્યું હતુંને એ! ) મુસાફરો અગિયાર દેશોમાંથી આવેલાં, ને હું એક જ ઈન્ડિયન હતી. મારો પાસપોર્ટ પણ ઈન્ડિયન હતો. એ તો ફરીથી ન્યુયોર્કના ઈન્ડિયન કોન્સ્યુલેટ સાથે અમુક માથાકૂટ કર્યા પછી મળી ગયો, પણ ગ્રીન કાર્ડ ફરી મેળવતાં અમેરિકન સરકારના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની બેદરકારીને લીધે જે મુશ્કેલી પડી, તેને તો યાદ કરતાં પણ જીવને કષ્ટ થાય છે.
ઓગણીસમી-વીસમી સદીમાં દરિયો ઘણો ખેડાતો. ગુજરાતીઓ ભાગ્ય અજમાવવા દરિયાપાર જવાનું જોખમ પણ ખેડતા. ત્યારે પણ વહાણો તૂટતાં, ને મુસાફરો જાન ગુમાવતા. એ પછી કદાચ દાયકાઓ બાદ એક ગુજરાતી સ્ત્રી, વહાણ તૂટી પડ્યાથી, જીવ ખોવાની અણી પર આવી હતી. આ પણ થયો જ ને કોઈ પ્રકારે વિચિત્ર (અને વિસ્મયકર) અંગત દતિહાસ.
હું કહેવા લાગી હતી : “ મારી જિંદગી એંન્ટાર્કીટેકાની પહેલાં, અને એંન્ટાર્કીટિકાની પછી”, પણ ભાગ્યના તડકા-છાંયાની વાતો આપણે સાંભળતાં આવ્યાં છીએને? તો એવું જ કાંઈ બન્યું મારી સાથે. એ કમભાગી વહાણ તો પછીથી ત્યાં જ ડુબી ગયું. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહોતી થઈ. મેં દુન્યવી સઘળું ગુમાવી દીધું હતું, ને તોયે હું એક અત્યંત અગત્યની રીતે ભાગ્યવાન બની હતી. વહાણમાં દરરોજ હું જેમાં નોંધ કરતી હતી, ને રોજ એ દેવી સ્થાન પર કાવ્ય લખતી હતી, તે નોટબૂક બચી ગઈ હતી. જે થેલો હંમેશાં ખભા પર રહેતો – પાણીની બૉટલ, ગોગલ્સ, રૂમાલ, હેંટ, એકાદ કૅમેરા જેવી ચીજો સાથે – એમાં એ દિવસે એ નોટબૂક પણ હતી. એ બચી, તો હું બચી ગઈ. એમાં એંન્ટા્કીટેકાની સ્તુતિમાં બાર કાવ્યો લખેલાં. ફોટા તો જાણે ત્યાં ફરીથી જઈને ફરી પણ પડાય, પણ જો એ શબ્દો ગુમાવત તો હુદય એવું તો તૂટી જાત, કે જીવને કળ વળતાં કેટલોયે સમય લાગત. કદાચ કળ વળત જ નહીં. મને તો લાગતું હતું કે જો એ શબ્દો ગુમાવ્યા હોત તો જીવ પણ ગુમાવી દીધો હોત.
સંસારમાં ફરી ગોઠવાઈ ના ગોઠવાઈ એટલાંમાં મારું ધ્યાન પુથ્વીના ગોળા પર છેક ઉત્તરે આવેલા આર્કીટેક સમુદ્ર પર ગયું. ઓહો, એ પણ કેટલો અમાપ વિસ્તાર છે. એમાં જ છે ઉત્તર ધ્રુવ. એની ચોતરફ ગ્રીનલેન્ડ, અમેરિકા, કૅનેડા, રશિયા વગેરે દેશોના ઉત્તરના છેડા છે. મારા સ્થાન-પ્રેમી મનને થયું, હું જો ત્યાં જઈ શકું – છેક દક્ષિણ પછી છેક ઉત્તરે – તો પુથ્વીના ગોળાકારને જાણે હું આલિંગનમાં લઈ શકું. વળી, આવો અનંત પ્રસ્તાર, ભલે જળનો, પણ એ સાડા સાતમો ખંડ તો ગણાવો જ જોઈએ. આમ, મારા મનમાં અને મારા માનવા પ્રમાણે, પુથ્વી પર સાડા સાત ખંડ છે !
ચુંબકીય ઉત્તર ધ્રુવ પર જતું અભિયાન, કેનેડાના છેક ઉત્તરના હિસ્સામાં રેઝોલ્યુટ નામના કેનેડાની સરકારે બનાવેલા થાણા પરથી શરૂ થયું. અમે પાંચ મુસાફર હતાં. ચાર પુરુષો યુરોપના ચાર દેશો- આયરલેંન્ડ, ઈગ્લંડ, સ્વિત્ઝરલેંન્ડ, જર્મની- માંથી આવેલા. પાંચમી હું તે ઈન્ડિયન. ઉપરાંત પાંચ સ્થાનિક ઇનુઇત જાતિના પુરુષો. અભિયાનમાં સ્ત્રી હું એક જ, ને મારા તંબુમાં પણ હું એકલી. દુનિયા આખીમાં એકલી હોઉં, તો ધ્રુવીય વિસ્તારમાં પણ કેમ નહીં ! એક અંદેશો જરાક રહે, કે જો આ્કીટેક પ્રદેશમાં ફરતાં રહેતાં સફેદ રીંછમાંનું એકાદ આવી ચઢશે, તો બીકના મા્યી બૂમ પણ નહીં પડાય. જોકે સાથેના બે ઈનુઇત પુરુષો પાસે રાઈફલ હતી, ને એ રાખવી ત્યાં જરૂરી ગણાય છે.
રૅઝોલ્યુટ થાણં છોડ્યું કે દુનિયા આખી પાછળ રહી ગઈ. અરે, ભૂમિ જ છૂટી ગઈ. હવે આગળપાછળ, ચારે તરફ હતો આર્કીટેક સમુદ્ર. તદ્દન થીજેલો. સદીઓથી થીજીને રહેલું પાણી. એના પર જ સ્લેજ જાય, એના પર જ દિવસો સુધી રહેવાનું, ને બરફની જ પથારી. હવામાન માઇનસ પચાસ, સાઠ, સિત્તેર ડિગ્રી. પહેલાં કદિયે ના કરી હોય એવી આ સફર હતી. મારા જીવનની આ મહાયાત્રા હતી.
ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચીને અમારાં બધાંના દેશોના ધ્વજ ફરકાવ્યા. મારો પાસપોર્ટ હજી ઈન્ડિયન જ હતો, તેથી ઈન્ડિયન ધ્વજ લગાવેલો. રેંઝોલ્યુટ થાણામાં રાખેલી નોંધપોથી પરથી પછી ખબર પડેલી કે ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચનાર હું પ્રથમ ભારતીય વ્યક્તિ બની હતી.
દુનિયા જ નહીં, પણ હું સંસારથી પણ મુક્ત થઈ ગઈ હતી. દુન્યવી એક્કે ચીજ લીધી નહતી. ઘડિયાળ પણ મેં સાથે નહતી રાખી. એવું બંધન પણ શા માટે રાખવું? ચોતરફ ચોવીસે કલાક ફેલાયેલા રહેતા પ્રકાશ સામે જોઈને હું સમયને સમજવા પ્રયત્ન કરતી. મેં નોંધ્યું કે મોડી સાંજ થવા માંડે ત્યારે પ્રકાશ કેંક દૂધિયો થતો હતો. આદ્ય-પ્રવાસીઓ આવી જ રીતે સમયને, આકાશને, દિશાઓને સમજતા હશે ને? કદાચ પોતાના ચિત્તને પણ.
અસહ્ય જેવી ઠંડી, સ્લૅંજમાં બેઠે બેઠે પળે પળે આવતા રહેતા આંચકા વગેરેને લીધે અત્યંત કઠિન હતું આ સાહસ, પણ અસામાન્ય-વિરલ હતો આ અનુભવ. ઈશ્વરીય તત્ત્વ મારી અંદર જ સમાયું હશે, નહીં તો બચું કઈ રીતે આમ અહીં, ને અન્યત્ર? ઉછેરવશ, ટેવવશ, શ્રદ્ધાવશ, ગણેશની નાની મૂર્તિ અને થોડાં ફૂલો હું સાથે લઈ ગઈ હતી. ફૂલો તો ઠંડીમાં સાવ સૂકાઈ ગયેલાં, પણ બરફની એક શિલા પર મૂર્તિ પધરાવી, ને ફરતે સૂકી પાંખડીઓ મૂકી. અગરબત્તી માટે દીવાસળી સળગી નહીં, કારણકે પવન હતો. જાણે મેં ત્યાં એક નિજી સ્થાનક બનાવ્યું.
આ સાહસની વિગતો ઘણી છે. એટલું કહું, કે આ મહાયાત્રાની નોંધ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ટીલેવિઝન, રેડિયો, અખબારો વગેરેમાં પણ લેવાઈ હતી. આ પ્રયાણ વિષે મેં ત્રણ પુસ્તકો લખ્યાં. પહેલું અંગ્રેજીમાં લખ્યું. કાવ્યો પણ અંગ્રેજીમાં જ લખ્યાં હતાં. બીજું ગુજરાતીમાં લખ્યું, અને બે બીજાં કાવ્યો પણ. ત્રીજું લખાણ ભારત સરકારના પ્રકાશન કેન્દ્ર દ્વારા આમંત્રિત થયું હતું. એ મેં અંગ્રેજીમાં લખ્યું, ને ગુજરાતી પણ કરી આપ્યું. એ પછી હિન્દી, બંગાળી, ઉડિયા, પંજાબી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. શાળાઓમાં એ વંચાય છે, ને મને વિદ્યાર્થીઓ સાથે આ વિષે વાત કરવા આમંત્રણ મળતાં
રહે છે. ભારત તથા કેટલાક અન્ય દેશોમાં પણ, ઓછામાં ઓછી બસો વાર, આ વિષે મેં સચિત્ર રજુઆતો કરી છે. પુથ્વી પર ઉત્તરથી યે ઉત્તરે હું પહોંચી હતી. આ ભૌગોલિક રીતે થયેલું અભિયાન. જોકે,
સમયના સંદર્ભમાં આ પ્રક્રિયા ઉત્તરોત્તર થતી આવી હતી, ને મારી આંતર્ચેતનાના સંદર્ભમાં એ આધ્યાત્મિક રીતે થતી ગઈ હતી. મારી હયાત અવસ્થામાં એક એકલ્પ્ય, ને અનપેક્ષિત મુકામ બન્યો હતો. હું હજી કહું છું, ને હજી માનું છું, કે હું સાવ નજીવી જેવી વ્યક્તિ, ને કશી ચરમ જગ્યાએ પહોંચવા પામી. સાવ શૂન્યથી શરૂ કર્યું મેં, ને છેક ઉત્તર ધુવ પર જઈ શકી. જે રીતે સીમિત થઈને રહેવાનું પ્રથાગત કુટુંબોમાં ફરજીયાત હોય છે તેની બહાર, અને સાચે જ, કોઈક રીતે જાતની બહાર, હું નીકળી ગઈ હતી.
# # #
પ્રસથાન અને લેખન – બંને નાનપણથી જ થતાં રહ્યાં હતાં, પણ સામાન્ય પરિમાણમાં. જીવનને જ્યારે મારે જાતે સન્માનવાનું, ચાહવાનું, જીવવાનું આવ્યું ત્યારે આ બંને પ્રવૃત્તિઓ પાંગરી ઊઠી, અને સદાયે એકમેકને પૂરક બનીને ચાલતી રહી. અમેરિકામાં આરંભનાં વર્ષો દરમ્યાન પ્રવાસ શરૂ થયા હતા, પણ ક્યારેક ક્યારેક કાવ્યો સિવાય બીજું લખવાનું અટકી ગયું હતું. ભાષાના છોડને, નવી હવા ને માટીમાં, ફલો હજી આવવા નહતાં માંડ્યાં.
૧૯૮૨માં હું પહેલી વાર મધ્ય-પૂર્વના દેશોમાં ગઈ – ઇજિપ્ત, પેલેસ્ટાઇન, જોર્ડન, ને ખાસ તો ઈઝરાયેલ. ત્યાં જેરુસલેમની ઝાંખી કરી, અને હુદય-મંદિરનાં દ્વાર ખુલી ગયાં. ઇશુના જીવનનાં સ્થાનો દ્વારા હું સ્પર્શી, અને એ સાથે ભાષા અને સાહિત્યનાં દેવી ટેરવાં પર પુન:પ્રસ્થાપિત થયાં. “જેરુસલેમની જાત્રા” નામનો લેખ મનના ઊંડાણમાંથી ઊભરાઈ આવ્યો. એ છપાયો. પછી તરત ચીન ગયેલી. એ તો તે કાળે “ચોથું વિશ્વ” લાગેલું. એના પર બે લાંબા નિબંધ લખ્યા. ને પછી તો જ્યા જ્યા ગઈ ત્યાં ત્યાંની આરતી શબ્દો દ્વારા ઉતારતી ગઈ. છતાં, શિવકુમાર જોષી જેવા મિત્રોએ જ્યારે કહ્યું કે “ હવે નિબંધ-સંગ્રહ છપાવ”, ત્યારે ઘણો અચંબો થયેલો. અરે, હોય કાંઈ? મારી તે કાંઈ ચોપડી થતી હશે? પણ થઈ. એ પ્રથમ પુસ્તક તે “પૂર્વી”. એમાં દુનિયાના પૂર્વીય પ્રદેશોના લેખો છે – પૂર્વ એશિયા, પૂર્વ આફ્રીકા, મધ્ય-પૂર્વ વગેરે.
માન્યું નહતું, ને શરૂઆત થઈ. માન્યું નહતું, ને પુસ્તકો ચાલુ રહ્યાં. પ્રવાસ પર તેવીસ થયાં, ને એ સિવાય લલિત નિબંધ, કવિતા, વાતી, નવલકથા, અનુવાદો વગેરેનું કામ પણ થતું જ રહ્યું. ભારતમાં ભ્રમણ (તે ય એકલાં જ) કરતાં કરતાં લીધેલા અસંખ્ય ફોટાઓમાંથી ચૂંટીને ૪૮૦ જેટલી તસ્વીરોનું એક પુસ્તક (ઘણા શ્રમપૂર્વક) થયું. એનું નામ “આપણ ઈન્ડિયા” – (Our India). એ મારું પ્રિય પુસ્તક, અને દેશને કરેલું તર્પણ છે. લખ્યાં છે તો બધાં જ પુસ્તકો ભાષાના સ્નેહમાં ખૂબ આનંદથી, પણ એમાંયે અમુક પુસ્તક મને બહુ વહાલાં છે. જાપાનના પહેલા છ પ્રવાસો (હવે નવ થયા છે) પરનું પુસ્તક “ સંબંધની ત્રતુઓ.” લાંબા ભૂમિ-પટે જતા જાપાન દેશમાં, ઉત્તરથી દક્ષિણ, ઘણી જગ્યાઓએ ગઈ, બધીને ચાહી. વળી, જાપાનની દરેક ઋતુ દરમ્યાન હું ત્યાં હાજર રહેલી છું.
તિબેટના ભ્રમણ પરનું પુસ્તક “દેવો સદા સમીપે.” આખો એ પ્રદેશ ખૂબ ઊંચાઈ પર છે. મેં ત્યાં બસમાં ભૂમિ-માર્ગે મુસાફરી કરી. લાગે કે મારગ ઉપર ને ઉપર ચઢતો જાય છે, લાગે કે દેવો અહીંથી નજીકમાં જ રહેતા હોવા જોઈએ. હું બહુ સ્વપ્ન સેવતી નથી – પ્રવાસ અંગે પણ નહીં. જાણે દેવો જ સ્થાનોનું સ્મરણ મારા મનમાં પ્રેરે છે ! પણ લ્હાસામાં આવેલા, દલાઈ લામાના એક હજાર કક્ષોના બનેલા વારસાગત પ્રાસાદ-સંપુટને જોવાની ઇચ્છા મારા મનમાં એક સપનું બની બેઠી હતી. તિબેટી લોકોને માટે જે દેવનો અવતાર છે, તે પોતે જીવ બચાવવા ૧૯૫૯માં તિબેટથી ભાગી છૂટેલા, ને હજી ક્યારેય ઘેર પાછા જઈ શક્યા નથી. આ હકીકત મારા જીવને પીડતી રહે છે. “પોટાલા પૅલેસ” કહેવાતું એમનું નિવાસ-સ્થાન હવે તો ચીની સૈનિકોનું ઘર બનાવી દેવાયું છે. મુસાફરે પણ ત્યાં બહુ સાવધાન રહેવું પડે છે. એ દિવસે મેં એમને યાદ કરીને ખાસ, એ પહેરતા હોય છે તેવા ચંપાઈ રંગનાં કપડાં પહેરેલાં.
દક્ષિણ આફ્રીકા દેશના પહેલા ચાર કે પાંચ પ્રવાસો પરનું પુસ્તક તે “ સૂતર સ્નેહનાં.” ગાંધીજીના ઘણા સંદર્ભોએ એને પણ મારું પ્રિય પુસ્તક બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા ચોથી વાર ગઈ પછી એના પર બીજું પુસ્તક લખ્યું. એનું નામ “આટલી બધી ભૂમિ” છે, કારણકે એ વખતે મેં પિસ્તાલિસ કલાકની ટ્રેન-સફર કરેલી, કેવળ ભૂમિને જોવા. એ સૂકા રણ જેવો, વનસ્પતિ વગરનો, ‘કશું નહીં’ જેવો પ્રદેશ છે. વળી, ઓસ્ટ્રેલિયાનું “રક્તિમ કેન્દ્ર” કહેવાતા વિસ્તારમાં ફરીથી ગઈ, અને ‘ઉલૂરુ’ કહેવાતા અજાયબ મહા-પાષાણને બીજી વાર જોવા ભાગ્યશાળી થઈ. કાવ્ય-સંગ્રહોનાં તો બધાં નામ મને પસંદ છે : “જૂઈનું ઝૂમખું”, “ઓ જુલિયેટ”, “ખંડિત આકાશ”, “બેતરફી પ્રેમ”. વળી, “સાત ખંડ, સાતસો ઇચ્છા”માં સાતેય, બલ્કે મારા મતે સાડા સાત, ખંડ પરનાં પ્રવાસ-કાવ્યો છે, ને “અકારણ હર્ષે” (આ શબ્દો રવીન્દ્રનાથના એક ગીતમાં છે) નામના સંગ્રહમાં ચાર ભાષાઓનાં – ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી – મૌલિક કાવ્યો છે.
ખેર. અત્યારે કુલ પચાસ પુસ્તકો થયાં. ઈનામો પણ મળતાં રહ્યાં- ગુજરાત સાહિત્ય પરિષદ અને અકાદમીમાંથી દસેક મળ્યાં હશે. એની નોંધ કરતાં જવાનું મને સૂઝ્યું જ નથી. બીજાં પણ ખૂબ સરસ પારિતોષિક પ્રાપ્ત થયાં- વિશ્વ ગુર્જરી, સમર્પણ સન્માન, નર્મદ ચંદ્રક, ગુજરાતનું ગૌરવ, ગુર્જર ગિરા, મહેતા પારિતોષિક, કવિ ડાહ્યાભાઈ ચંદ્રક, ગાર્ડિ ડાયસ્પોરા પારિતોષિક વગેરે. આમાંનાં કેટલાંક પહેલી વાર દરિયા-પાર આવ્યાં. “કુમાર સુવર્ણચંદ્રક” તો અસંખ્ય વર્ષોના એના ઈતિહાસમાં, એ વર્ષે, પહેલી વાર કોઈ લેખિકાને મળ્યો હતો !
ખરેખર, હજીયે આ બધું મને જાદુ જેવું જ લાગે છે. પણ કૃપાવંત છું તે તો કબુલ કરવું જ પડે. સ્થાન-પ્રેમી એકલ સ્ત્રી-પ્રવાસી તરીકે કોઈ દેવી તત્ત્વ મારું ધ્યાન રાખતું ગયું, મને આંચ ના આવવા દીધી. શબ્દ-ભક્ત સર્જક તરીકે કોઈ દૈવી તત્ત્વ મને સતત પ્રેરણા બક્ષતું રહ્યું. મારા લલાટે સૃષ્ટિ અને શબ્દ, ભ્રમણ અને ભાષા લખાયાં હશે.
મારાં મમ્મી ક્યારેક કહેતાં, “ ફરવામાં આટલા પૈસા ખર્ચે છે તે ઘરેણાં કરાવતી હોય તો.” ને એમણે જ મને ઘણી વાર કહેલું, “ બહેન, તું બહુ સંતોષી.” એમને ખ્યાલ આવી ગયેલો, કે આ છોકરી કોઈ સ્વીકાર્ય જીવન-રીતિમાં બંધાઈને નહીં રહી શકે. પહેલાં એ ચિંતા કરતાં, ને પછી જોયું કે હું સુખ-આનંદમાં છું એટલે એ નિશ્ચિંત થયાં હતાં. લેખન-ક્ષેત્રે મારી પ્રગતિ એમણે જોઈ નહીં, નહીં તો એ ઘણો હર્ષ પામ્યાં હોત.
ક્રમશઃ
